ઉત્સવો માટેનો આપણો ઉત્સાહ પરંપરાઓથી વટલાયેલો કેમ છે?

Published: 24th October, 2011 19:19 IST

લાભની લાલચમાં પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદીએ, કાળી ચૌદસના દિવસે કજિયો કાઢવા ઘર નજીકના ચૌરાહા પાસે દાળવડા મૂકીએ-આ ને આવું ઘણું આપણે કરીએ છીએ; પણ ધ્યાન રહે દીપોત્સવ હોય કે અન્ય કોઈ પણ ઉત્સવ હોય, ભ્રામક માન્યતાઓનું વળગણ છોડીએ તો જ સહજ આનંદ પામી શકાય(મન્ડે-મંથન - રોહિત શાહ)

જે પર્વમાં આપણને છેતરાઈ જવાનો ચાન્સ ન મળે એ પર્વ વિશે ગર્વ નથી થતો. આપણી મેન્ટાલિટી જ એવી બની ગઈ છે કે જ્યાં સુધી છેતરાઈ ન જઈએ, ભોટ પુરવાર ન થઈએ ત્યાં સુધી કોઈ ઉત્સવનો ઉત્સાહ આપણે ફીલ કરી નથી શકતા. જેટલા વધુ ડફોળ બનીએ, જેટલા ઊંડા ખાડામાં ઊતરી જઈએ એટલા આપણી જાતને આપણે ધન્ય સમજીએ છીએ.

પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી કરવાથી અધિક ધનલાભ થવાની લાલચ આપણને સ્વાદિષ્ટ લાગે છે એટલે એ દિવસે સોના-ચાંદીની દુકાને ગમેએટલી ભીડ હોય અને ગમેએટલો ભાવવધારો હોય તો પણ આપણે સોનું-ચાંદી ખરીદવા રઘવાયા થઈ ઊઠીએ છીએ. જીવન-જરૂરિયાતની કોઈ અગત્યની ચીજ ખરીદવાની હશે તોય એ માટે મુદ્દત પાડીશું, પરંતુ કશાય ઉપયોગ વગરની સોના-ચાંદીની લગડી કે અન્ય ચીજ અવશ્ય ખરીદી લાવીશું. જરાક તો વિચાર કરો કે પુષ્ય નક્ષત્રમાં જો સોનું-ચાંદી ખરીદનારને જ ધનલાભ થતો હોય તો એ વેચનારને ધન-ગેરલાભ પણ થાય જને. વેપારીઓ તો પુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી વેચતા હોય છે (અને વધુ વેચાય એ માટે મોટી-મોટી જાહેરખબરો તથા સ્કીમો બહાર પાડે છે). ભીડનો લાભ લઈને કેટલાક વેપારીઓ નકલી કે ભેળસેળવાળો માલ પણ ગ્રાહકોને ભટકાડી દેતા હોય છે. ગ્રાહકના પક્ષે તો ભરોસો મૂકવા સિવાય કોઈ વિકલ્પ હોતો જ નથી. સોના-ચાંદીનાં ઘરેણાંમાં તો ભેળસેળ હોય જ, પણ હવે તો લગડીઓમાં પણ ભેળસેળના કિસ્સા બહાર આવવા માંડ્યા છે. બિલ વગરની ચીજ ખરીદીને સંતોષ માનનારા ગ્રાહકો પછી રાતા પાણીએ રડતા રહે છે. સોનું-ચાંદી એવી ચીજ છે કે માણસ લાઇફમાં એની એક પણ વખત ખરીદી ન કરે તોય તેને કશી ખોટ ન પડે. એ તો વધારાના પૈસાનું રોકાણ કરવાની ચીજ છે. જે દિવસે આપણી પાસે વધારાના પૈસા બચ્યા હોય એ દિવસ આપણા માટે પુષ્ય નક્ષત્ર ગણાય.

મનઘડંત ભ્રાન્તિ

એ જ રીતે બેસતા વર્ષના દિવસે સબરસ-દહીં વગેરે લઈને વહેલી સવારે આપણા ઘરની ડૉરબેલ વગાડતા લોકો પાસેથી આપણે શુકનરૂપે એની ખરીદી કરીએ છીએ. એક રૂપિયાની વસ્તુ ખરીદીને એના અગિયાર, એકવીસ કે એકાવન રૂપિયા ચૂકવીએ છીએ. નૂતન વર્ષનો પ્રારંભ જ આપણે છેતરાઈને કરીએ છીએ. શુકનની ઘેલછાને કારણે એ વખતે આપણને છેતરાયાનો સહેજ પણ અફસોસ નથી થતો. ઊલટાનું દહીં, સબરસ (નમક) ખરીદવાનો ચાન્સ મળ્યો એથી હવે આપણું આખું વરસ સરસ જશે એવી ભ્રાન્તિનો આનંદ માણીએ છીએ. વર્ષોથી આપણે આવી ભ્રાન્તિને પંપાળી-પંપાળીને જતન કરી રહ્યા છીએ. વર્ષ દરમ્યાન એ કારણે આપણું કશું કલ્યાણ થતું ન હોવા છતાં એ પરંપરાને વળગી રહીએ છીએ.

કાળી ચૌદશના દિવસે ઘરનો કકળાટ કાઢવા માટે ગૃહિણીઓ સાંજે ઘરની પાસેના ચૌરાહા પર દાળવડાં કે ભજિયાં મૂકવા જાય છે. આપણે વર્ષોથી એ વિધિ કરતા રહીએ છીએ અને ઘરનો કકળાટ પણ નભાવતા રહીએ છીએ. કકળાટ દૂર કરવા માટે તો પરસ્પર પ્રત્યે ઉદાર સમજણ કેળવવી પડે એ જાણવા છતાં આપણે એનો અમલ કરવાને બદલે સ્થૂળ વિધિઓ કરતા રહીએ છીએ. ઉત્સવો માટેનો આપણો ઉત્સાહ વટલાયેલો કેમ છે?

અગ્રગણ્ય વિધિ-વિધાનો

ભારતમાં દર વર્ષે કેટલા પ્રકારનાં વિધિ-વિધાન થતાં રહે છે એનો અભ્યાસ કરવા જેવો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીની પ્રત્યેક ઘટના સાથે આપણે જાત-ભાતનાં વિધિ-વિધાનની પરંપરાઓ ઠોકી બેસાડી છે. જો એ વિધિ-વિધાન કરી શકાય તો મનને આશ્વાસન મળે છે અને કોઈ કારણે જો એ ચૂકી જવાય તો મન શંકાગ્રસ્ત બને છે, કશુંક અહિત થઈ જશે એવા ભણકારા વાગ્યા કરે છે. દેવ-દેવીઓના કોપ-પ્રકોપની વાહિયાત કથાઓ આપણે ઘડી કાઢી છે. દેવ રૂઠશે, કુળદેવી કોપાયમાન થશે જેવી સેંકડો ભ્રાન્તિઓ આપણા સુખ-ચેન અને નિરાંતને ખલેલ પહોંચાડ્યા કરે છે. દેવ-દેવીઓ (જો હોય તો) કદી કોપે ખરાં? પાપને પણ માફ કરનારાં દેવ-દેવીઓ આપણી ભૂલોને માફ કરવાને બદલે આપણી સામે બદલો લે? વેર વાળે? શું તેમને બીજા કોઈ કામધંધા નહીં હોય? વિદેશમાં તો આવાં કશાં ધતિંગો નથી થતાં. એ લોકો પર કેમ કદી કોઈ દેવ-દેવી કોપાયમાન નથી થતાં? વિદેશના લોકો પોતાનાં પાપ ધોવા માટે કદી સરિતાસ્નાન કરવા નથી જતા, કદી હોમ-હવન નથી કરાવતા, કદી ભૂવા-પંડિતો પાછળ દોટ નથી મૂકતા તોય એ લોકો આપણા કરતાં વધુ સારું અને સાચું જીવન જીવી રહ્યા છે.

મનને સાફ રાખો

મૂળ વાત તો મનને સાફ કરવાની છે. આપણે સાચી રીતે મનને સાફ કરવાની ત્રેવડ ધરાવતા નથી એટલે વ્યર્થ વિધિ-વિધાન કરી-કરાવીને હવે બધું ઓકે થઈ ગયું એવા આત્મસંતોષમાં રાચીએ છીએ. કાળી ચૌદશના દિવસે દાળવડાં ચૌરાહા પર મૂકવા દેરાણી જાય કે જેઠાણી એ બાબતે કલહ-કંકાસ થતાં મેં સગી આંખે જોયો છે. પછી બન્ને જણ વારાફરતી મૂકવા જાય. ક્યારેક કેટલીક વિધિઓ ખાનગીમાં થાય અને એવી ખાનગીમાં થયેલી વિધિઓ જાહેર થાય તો ઘરમાં મહાભારત જામે. દાળવડાં કે ભજિયાં દ્વારા જ કકળાટ ટળી જતો હોય તો ભારત-પાકિસ્તાનના કકળાટ માટે આટલો મોટો લશ્કરી ખર્ચ કરવાની વળી કશી જરૂર હોત ખરી? કાશ્મીર-કકળાટનો ઉકેલ માત્ર સો ગ્રામ દાળવડાં વડે જ લાવી દેવો જોઈએને!

મેં હમેશાં એક વાત માર્ક કરી છે કે આપણે જે વસ્તુની પૂજા-અર્ચના કરીએ છીએ એ જ વસ્તુ દ્વારા વ્યાપક પાપ આચરીએ છીએ. નહીંતર જે ચોપડાનું પૂજન કરીએ એમાં ખોટા હિસાબો લખીએ ખરા? જે ગંગા કે યમુના જેવી સરિતાઓનું પૂજન કરીએ એમાં પ્રદૂષિત ગંદકી ભેળવીએ ખરા? દીપોત્સવ નિમિત્તે આપણે બહારના સ્થૂળ દીવા તો સદીઓથી પ્રગટાવીએ છીએ, લેકિન ભીતરમાં ઝળાંહળાં સમજણનો ઉજાસ પથરાય એવો એકાદ દીવડો પણ પ્રગટાવવાનું આપણને કેમ નથી સૂઝતું?

નૂતન વર્ષનો એક જ સંકલ્પ દર વર્ષે, નવા વર્ષના પ્રારંભે આપણે એવા એવા સંકલ્પો કરીએ છીએ જેનો આખા વર્ષ દરમ્યાન સતત ભંગ કરી શકાય. આપણા શુભ સંકલ્પો ક્યારે અશુભ વિકલ્પોનો શિકાર બની જાય છે એની આપણને ખબર પણ નથી પડતી. આ વર્ષે આપણે ઝાઝા સંકલ્પ લેવાને બદલે માત્ર એક જ સંકલ્પ લઈએ કે આ વર્ષ દરમ્યાન હું કોઈથી છેતરાઈ ન જાઉં એની તકેદારી રાખીશ. જો છેતરાવું ન હોય તો લાલચથી દૂર રહેવું જ પડે. લાલચુ માણસ છેતરાયા વગર ન રહે અને લાલચ વગરના માણસને કોઈ છેતરી ન શકે. આપણે વધારાનો લાભ જોઈએ છે; આપણને ધરતીનું સુખ ઓછું પડે છે એટલે સ્વર્ગ, વૈકુંઠ કે મોક્ષનું સુખ જોઈએ છે. આપણે પાપ તો કરવાં જ છે, પાપ કરવામાં અટકવું નથી; પણ પછી પાપ ધોઈ નાખવા દોડધામ કરવી છે. પાપ ધોવાની અને લાભ પામવાની લાલચ છોડીને દંભ વગરનું સાચું જીવન જીવીએ તો કોઈની મજાલ નથી કે આપણને છેતરી શકે. આપણે આપણી જાતને વહેમ-અંધશ્રદ્ધા દ્વારા છેતરવાનું બંધ કરીએ તો પછી આપણને જગતની કોઈ તાકાત છેતરી ન શકે. તરવું હોય તો આજથી જાતને છેતરવાનું બંધ. તરવું અને છેતરવું આ બે શબ્દો વચ્ચેનો વિરોધાભાસ નૂતન વર્ષે સૌને સમજાય એવી શુભેચ્છાઓ.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK