દિવાળી સેલિબ્રેશન મૉડર્ન થતું જાય છે

Published: Oct 16, 2014, 05:29 IST

ઘરની સાફસફાઈ કરવાથી લઈ મીઠાઈઓ અને નાસ્તાઓ બનાવવાની જ નહીં, શૉપિંગ કરવાની સ્ટાઇલ તથા દિવાળીની ઉજવણી બાબતની લોકોની વિચારસરણી સાથે ફાઇનૅન્શિયલ પોઝિશન પણ બદલાઈ ગઈ છે. કેટલીક ફૅમિલીને મળી જાણીએ અગાઉ કરતાં હવેની દિવાળી કેટલી અલગ હોય છે
સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

દિવાળીની પરંપરાગત ઉજવણીમાં હવે ઘણો બદલાવ આવ્યો છે. અગાઉના જમાનામાં લોકો નવરાત્રિ પૂરી થતાં જ દિવાળીની તૈયારીમાં લાગી જતા હતા. પરિવારના બધા જ સભ્યો સાથે મળી એક અઠવાડિયું ઘરની સાફસફાઈ કરતા અને એ પછી બધી જ જાતના નાસ્તા અને સ્વીટ્સ વગેરે ઘરે જ બનતું. દિવાળીના દિવસોમાં કામ કરતા કે નોકરી કરતા લોકોને પણ રજાઓ રહેતી. તેથી ચોપડા પૂજનથી લઈને ભાઈબીજ સુધીનો તહેવાર લોકો સાથે મળીને ઊજવતા હતા.

અગાઉના સમયમાં ગુજરાતી સ્ત્રીઓ પ્રોફેશનલ જૉબમાં હોવાનું પ્રમાણ ઘણું ઓછું હતું. તેથી દિવાળીની તૈયારી માટે તેમની પાસે પૂરતો સમય હતો. આજે પ્રોફેશનલ તરીકે ફુલટાઇમ કામ કરતી સ્ત્રીઓ પાસે દિવાળીની સાફસફાઈ કે ઘરમાં કંઈક બનાવવા માટે ટાઇમ જ નથી એટલું જ નહીં, પતિ-પત્ની બન્ને જૉબ કરતાં હોય ત્યારે તેમની પાસે રવિવાર સિવાય આ બધા માટે ટાઇમ ન રહે. એથી જે કામ કરવું હોય એ કામ માટે રવિવાર મૅનેજ કરવા પડે જેમાં તેમનું શૉપિંગ પણ આવી જાય.

આ ઉપરાંત અગાઉના લોકોની ઇન્કમના સૉર્સ બહુ લિમિટેડ હોવાથી દરેક કામ જાતે જ  કરતા. અત્યારે લોકોની ઇન્કમ ઇમ્પ્રૂવ થઈ હોવાથી લોકો દિવાળીના સેલિબ્રેશન માટે દરેક કામ પોતે કરવાનું પ્રિફર નથી કરતા; પૈસા પે કરીને કામ કરાવી લે છે એટલું જ નહીં, પતિ-પત્ની બન્ને વર્કિંગ હોવાથી અને આજના સમયમાં હવે પહેલાં જેટલી રજાઓ પણ નહીં હોવાથી તેઓ એકાદ-બે રજાઓ સાથે ક્યારે મળે એની રાહ જ જોતાં હોય છે. કેટલીક વાર તો દિવાળીને સાઇડ પર મૂકીને લોકો રજા મળતાં જ ફરવા પણ ઊપડી જાય છે.

તો આ છે આજની દિવાળીની બદલાયેલી તસવીર.

ઇન્ટરનેટ પર સર્ચ : કૃષિકા ઠોસાણી

પહેલાં મારા ઘરે બધા જ નાસ્તા અને મીઠાઈઓ ઘરે જ બનતાં હતાં, પણ હવે અમે આ બધું જ બહારથી ઑર્ડર કયુંર્ છે એવું MMC (માર્સ ઍન્ડ મૅક્લેરન્સ) નામની USની ઇન્શ્યૉરન્સ કંપનીમાં રિસ્ક કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા રિતેશ ઠોસાણીનું કહેવું છે. રિતેશ કહે છે, ‘મારાં મમ્મી દર દિવાળીએ ઘૂઘરા બનાવતાં હતાં, પણ તેમના ગુજરી ગયા પછી ઘરે નથી બનાવી શકાતા. અગાઉ મારા ઘરે ચોપડા પૂજન વગેરે થતું હતું, હવે અમે કરીએ છીએ પણ તેમની જેમ પ્રૉપર્લી નહીં. રંગોળી વગેરે હવે પ્લાસ્ટિકની ચીપકાવી દેવાય છે. અમે નાના હતા ત્યારે તો ઘરની સાફસફાઈ વગેરે જાતે જ કરતા હતા, પણ હવે અમારી પાસે માત્ર સેટરડે-સન્ડે જ હોય છે એથી એમાં જે થઈ શકે એ કરી લઈએ.’

રિતેશની વાઇફ કૃષિકા ફૅશન-ડિઝાઇનર છે અને જાણીતી ફૅશન-ડિઝાઇનર અનીતા ડોંગરેની ક્લાયન્ટ હેડ તરીકે કામ કરે છે એથી તેનું પણ શેડ્યુલ બહુ હેક્ટિક હોય છે. તે કહે છે, ‘વર્કિંગ કપલ હોવાથી અમને કોઈ જ તૈયારી માટે ટાઇમ નથી મળતો. તેથી અમે એનું સબસ્ટિટuુટ વિચારીએ છીએ. અગાઉ ઘરના લોકો જ સફાઈ કરતા, પણ મેં ઑનલાઇન સર્ચ કયુંર્ કે ઘરની સફાઈ માટે શું મળી શકે એમ છે. આવી સર્વિસ આપતી કેટલીક કંપનીઓ છે એમનો મેં સંપર્ક કર્યો. આમ હવે પૈસા આપીને કામ કરાવી લઈએ છીએ. સ્વીટ અને નાસ્તા બહારથી ઑર્ડર કરી દીધા છે. હા, હું ટ્રેડિશનને માનું છું અને ઘરે એકાદ ચીજ પણ જો ન બનાવીએ તો દિવાળીની ફીલ ન આવે એવું મને લાગે છે. એથી એકાદી ચીજ ઘરે બનાવવાની ટ્રાય કરીશ.’

ચેમ્બુર (ઈસ્ટ)માં બહેન અને પિતા સાથે રહેતાં રિતેશ અને કૃષિકા અગાઉ લંડનમાં હતાં. છ વર્ષ પછી મમ્મીની હેલ્થને લઈને તેઓ ભારત પરત આવ્યાં. કૃષિકાને ટ્રેડિશન પાળવું ગમે છે તેથી તેઓ લંડનમાં પણ દિવાળી ઊજવતાં હતાં. પણ તે કહે છે, ‘ત્યાં દિવાળી હોય કે કોઈ પણ તહેવાર, ઊજવાય વીક-એન્ડમાં જ.’

ક્લોઝ લોકોને જ મળી શકાય : ઝરણા પંડ્યા

અગાઉ અમે નોરતાં પૂરાં થતાં જ ઘરની સાફસફાઈ શરૂ કરી દઈએ. ઘર બરાબર ચકચકાટ બને પછી મમ્મી નાસ્તા અને સ્વીટ  બનાવવાનું શરૂ કરે ત્યારે એમાં અમે તેમને બનતી મદદ કરતા. સાથે દિવાળીની ખરીદી પણ થતી. આમ પોતાના જૂના સમયને યાદ કરતાં દહિસર (વેસ્ટ)માં રહેતા નરેન્દ્ર પંડ્યા કહે છે, ‘અગાઉ અમારા ઘરે મઠિયાં અને ચોળાફળી પણ ઘરે જ બનતાં. હવે આ બધું તૈયાર મળે છે જે ઘરે લાવી કાપીને તળી લેવાનાં જ રહે. પણ ત્યારે તો અમે મઠિયાં અને ચોળાફળીનો લોટ પથ્થરથી કૂટી-કૂટીને પોચો બનાવતા હતા.’

નરેન્દ્રભાઈનો દીકરો નિશાન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કમાં કામ કરે છે તથા બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં ગ્રૅજ્યુએટ પુત્રવધૂ ઝરણા એક જાણીતી કંપનીમાં અકાઉન્ટન્ટ છે. ઝરણાનો ફુલટાઈમ જૉબ છે અને નિશાનને તો મન્થ-એન્ડ હોય ત્યારે ઘરે આવવાનો સમય ફિક્સ જ નથી હોતો. અગાઉની મોજમજાવાળી દિવાળીને યાદ કરતાં ઝરણા કહે છે, ‘હવે નથી ફટાકડા બહુ ફોડવા મળતા કે નથી બધાં સગાંને મળી શકાતું. ક્લોઝ રિલેશન સિવાયના લોકોને દિવાળી પર મળી જ નથી શકાતું. અગાઉ તો ઘરનાં બધાં વાસણો સાબુથી ધોવાતાં, હવે ભીના કપડાથી લૂછીને મૂકી દેવાં પડે. સન્ડે એક જ રજા હોય, એમાં તમે શું કરી શકો? હા, લક્ષ્મી પૂજન અટેન્ડ કરીશું. હાફ ડે હોય છે એથી એ મૅનેજ થશે. ઘરની સાફસફાઈ રવિવારની છુટ્ટીમાં બધાએ સાથે મળીને જેટલી થઈ શકે એટલી કરી લીધી. નાસ્તા વગેરે તો રેડીમેડ જ લાવી દેવાનાં છીએ.’

નિશાન અને ઝરણા મમ્મી-પપ્પા અને બહેન સાથે રહે છે.

રેડીમેડ ઇઝ ઑન : રામ ખાંડવાલા

ખાર (વેસ્ટ)માં કાકા-કાકી અને દાદા-દાદીના સંયુક્ત પરિવારમાં રહેતાં તૃપ્તિ અને રામ ખાંડવાલા બન્ને પ્રોફેશનલ છે. જોકે સંયુક્ત પરિવારમાં હોવાથી તેમને ટ્રેડિશન સાથે બહુ બાંધછોડ નથી કરવી પડી; પણ દિવાળીની ઉજવણીની સ્ટાઇલ તેમના પરિવારમાં ચોક્કસ બદલાઈ છે એની વાત કરતાં કોટક બૅન્કમાં રિલેશનશિપ મૅનેજર તરીકે કામ કરતો રામ કહે છે,

‘સ્કૂલ-કૉલેજમાં હતા ત્યારે અમારે ઘરની સાફસફાઈ કરાવવી પડતી. દીવાલો સાબુના પાણીથી ધોતા હતા. હવે હું અને મારી વાઇફ કે મારો કઝિન અને તેની વાઇફ જૉબને લીધે કોઈ કામમાં મદદ નથી કરી શકતાં. અમારી પાસે એ બધાનો સમય નથી. એથી હવે મમ્મી અને કાકી માણસોને હાયર કરીને કામ કરાવી લે છે.’

રામની વાઇફ ત્વ્ ફર્મ ઓરેકલમાં ટીમલીડર હોવાથી તેનું વર્ક શેડ્યુલ બહુ બિઝી હોય છે. તેથી તે કે તેની દેરાણી સ્વીટ્સ કે નાસ્તા બનાવવામાં પણ મદદ નથી કરી શકતાં. તેથી હવે ઘરમાં આ બધું જ રેડીમેડ આવે છે. હા, રજાનો દિવસ હોય ત્યારે આ કપલ્સ ઘરમાં જે કામ ચાલી રહ્યું હોય એમાં પોતાનું કૉન્ટ્રિબ્યુશન આપે. જોકે આ લોકો પાસે શૉપિંગ માટે પણ સમય નહીં હોવાથી જે સમય મળે એને મૅનેજ કરવો પડે છે. રામ કહે છે, ‘પહેલાંની જેમ હવે બધે ફરીને શૉપિંગ કરવાનો સમય નહીં હોવાથી જે કમ્ફર્ટેબલ હોય એ બ્રૅન્ડની ખરીદી કરી લઈએ છીએ. બાકી ચોપડા પૂજન અમારા ઘરે અગાઉ જે રીતે થતું હતું એ જ રીતે આજે પણ થાય છે અને ત્યારે આખા ઘરના લોકો કોઈ પણ સંજોગોમાં હાજર રહે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK