દિવાળીની સાફસૂફી ઘરની અને મનની

Published: 30th October, 2012 06:12 IST

વાળી-ચોળીને સાફ-સૂથરું કરેલું અને વ્યવસ્થિત સુઘડ રાખેલું ઘર કેટલું વહાલું લાગે છે! ઘરના ખૂણેખૂણાની ઓળખાણ આપણે તાજી કરી લીધી હોય એવું લાગે છે. એમ જ મનમાં ધરબી રાખેલી નકામી વાતોને દૂર કરીએ તો પણ કેટલી હળવાશ અનુભવાય છેમંગળવારની મિજલસ - તરુ કજારિયા


નવરાત્રિ રંગેચંગે પૂરી થઈ છે એટલે પહેલું કામ નવ રાતનો થાક ઉતારવાનો અને પછી ગાંસડી ભરીને ડ્રેસીઝ પહેરવા કાઢ્યા હોય એને ક્લીન કરીને, ઘડી વાળીને, પ્રેસ કરીને કબાટમાં પાછા મૂકવાના. પણ ત્યાં તો વીસ દિવસ પછી પધરામણી કરનારી દિવાળી રાણીની હાક પડે અને આપણે લાગી જઈએ દિવાળીની સાફસૂફીમાં. તહેવારોની આ સાફસૂફીવાળી રસમ આપણા પૂર્વજોએ બહુ વિચારપૂર્વક ઘડી કાઢી છે એવું મને લાગે છે.

જાણે ઘરનું ડ્રાયક્લીન

એક જમાનો હતો કે દિવાળી આવે એ પહેલાં આપણે ઘરોને રંગ-ચૂના કરાવતા. આજની ભાષામાં કહું તો ‘ઘર પેઇન્ટ કરાવતા’. ઘરની બધી ઘરવખરી ચાલીમાં કે અગાશીમાં તડકો ખાવા બહાર પથરાતી અને ખાલી ઓરડાઓની દીવાલો ગળી નાખેલા ચૂનાથી ધોળાતી, બારી-બારણાં પર ઑઇલ પેઇન્ટ લાગતો. ચૂના અને પેઇન્ટની સુગંધની એ ભેળસેળ સાથે દિવાળી એવી તો સંકળાઈ ગયેલી કે ક્યારેક વરસ દરમ્યાન પણ ક્યાંક કોઈના ઘર, દુકાન, ઑફિસ કે ગોદામમાં રંગ થતો હોય અને એ સુગંધ નાકમાં જતી તો દિવાળીની ફીલિંગ થતી! ઉનાળાની ગરમી અને પછી ચોમાસાની વરસાદી મોસમનો ભેજ ખમીને કંઈક ઉદાસીન-બોઝિલ થઈ ગયેલાં ઘરો દિવાળીને પગલે પોતાનો બધો બોજો ફગાવીને હળવાફુલ થઈ પોતાના પૂરા કદને જોઈને ખુદ પર જ મોહી પડતાં હોય તેવાં લાગતાં. તાજા રંગચૂનાની સુગંધથી પૂરા ઘરનું ડિસઇન્ફેક્શન થઈ જતું અને બહાર કઢાયેલો સામાન પણ આસો મહિનાના તડકા ખાઈને ડ્રાયક્લીન થઈ ઘરમાં ગોઠવાતો ત્યારે નવો લાગતો!

સમય બદલાયો છે

સમય અને સ્થળના ફેર સાથે હવે એ બધી રસમો પણ બદલાઈ ગઈ છે. આમ છતાં દિવાળીના આગમન પહેલાં થતી પ્રી-દિવાળી સાફસૂફીનું ચલણ તો હજી પણ અકબંધ છે. ઘરમાં રહેતી ગૃહિણીઓને માટે તો એ એક મૅજર યરલી અસાઇનમેન્ટ છે. કેટલીક ગૃહિણીઓ તો નવરાત્રિ પહેલાં જ ઘરની સાફસૂફી પતાવી લે છે અને સ્વચ્છ ઘરમાં માતાજીનો ગરબો પધરાવવાનો આનંદ લે છે. પહેલાં જે કામ ઘરના સભ્યો મળીને કરી લેતા એ હવે નોકરોની કે બહારથી એક-બે દિવસ માટે હાયર કરેલા લોકો પાસેથી (પૈસા ચૂકવીને) કરાવાય છે. પણ એ સાફસફાઈ પર ફાઇનલ સ્ટૅમ્પ તો ઘરની ગૃહિણીનો જ લાગે છે. કબાટ, સ્ટોરેજ કૅબિનેટ્સ, યુનિટ્સ કે બેડ યા સોફાની નીચેનાં ખાનાંઓમાં સાચવી રાખેલી ચીજોમાંથી શું રાખવું ને શું નહીં તેનો નિર્ણય હોમમેકર કે પ્રોફેશનલ સ્ત્રી કુશળતાથી લે છે. કેટલીયે ચીજો, કપડાં, પુસ્તકો, રમકડાં, બૅગ્સ, પર્સીસ, શૂઝ, વણવપરાયેલી ગિફ્ટ્સ અને એવું કેટલુંય દિવાળી સાફસૂફી નિમિત્તે નજર સામે આવે છે. તેમાંથી કઈ ચીજો કામ લાગશે અને કઈ કાઢી નાખીએ તો ચાલશે તેનો ફેંસલો લેવાય છે. પછી તે કોને કામ લાગશે તેની મનોમન નોંધ કરાય છે. એ યાદી પ્રમાણે જુદી-જુદી બૅગ્સ ભરાય છે અને નોકર, બાઈ, ધોબી, ઝાડુવાળી, સિક્યૉરિટી ગાર્ડ કે ભાજીવાળાને પોતપોતાની બૅગ લઈ જવાની તાકીદ કરાય છે. પોતાની વસ્તુઓ કોઈને કામમાં આવશે તેનો સંતોષ થાય છે અને સફાઈની સાથે ઘરમાં જગ્યા પણ થાય છે!

ટેન્શન કે થેરપી?

કેટલાક લોકોને દિવાળી પહેલાંની આ ક્લીનિંગ પ્રવૃત્તિ બહુ મોટું ટેન્શન લાગે છે. પણ મને તો આ ક્લીનિંગ પ્રવૃત્તિ એક થેરપી જેવી લાગે છે. કોઈ પણ જગ્યામાં રાખેલી કે જમા કરેલું બધું બહાર નીકળે ત્યારે એ જગ્યાની ઍક્ચ્યુઅલ સાઇઝનો ખ્યાલ આવે છે. બહારથી નાનું દેખાતું ખાનું કે ડ્રૉઅર ખાલી થાય અને તેમાં ભરેલો સામાન બહાર નીકળે ત્યારે ખ્યાલ આવે કે એની કૅપેસિટી કેટલી બધી છે! તો ક્યાંક ઘણી બધી જગ્યા રોકતું ફર્નિચર માત્ર શોભાના ગાંઠિયા જેવું છે તેનો ખ્યાલ પણ આ સફાઈ પર્વ દરમ્યાન આવે છે. આપણી પાસે છે એ જ ભૂલી ગયા હોઈએ એવી કેટલીય ચીજો કબાટના ખજાનામાંથી મળી આવે છે ત્યારે જે આનંદાર્ય અનુભવાય છે તે નાના બાળકને નવી ચીજ મળતાં થાય તેવું જ હોય છે! તો ક્યારેક થોડા સમય પહેલાં જ દુપટ્ટો બનાવવા રાખેલી ગળી ગયેલા પાલવવાળી ઑરગન્ઝાની સાડી કે બીજા પોતમાં મૂકવા માટે જૂની સિલ્કની સાડી પરથી ઉખેડી લીધેલી બૉર્ડર મળી આવે ત્યારે લાગે છે કે ના, આ તો મહેનત માથે પડે તેવો મામલો છે અને બન્ને ડિસ્કાર્ડ કરી દેવાય છે! આમ વાળી-ચોળીને સાફ સૂથરું કરેલું અને વ્યવસ્થિત સુઘડ રાખેલું ઘર કેટલું વહાલું લાગે છે! તેમાં રહેનારને પણ એ સ્વચ્છતા અને હળવાશનો અહેસાસ કરાવે છે. ઘરના ખૂણેખૂણાની ઓળખ આપણે તાજી કરી લીધી હોય એવું લાગે છે.

મનનો કચરો હટાવીએ

ઘરસફાઈની આ બધી પ્રક્રિયા કરતાં અનાયાસ મારાથી મનમાં પણ એક એક્સરસાઇઝ થતી રહે છે : ક્યારેક સરસ લખાણ વાંચીએ, કોઈ હૃદયસ્પર્શી વક્તવ્ય સાંભળીએ કે સુંદર અર્થસભર કાવ્યપંક્તિ ગણગણીએ ત્યારે મનની પણ આવી સાફસૂફી થતી અનુભવાય છે. જૂની ભેગી કરી રાખેલી માન્યતાઓ અને ગ્રંથિઓના કે અભિપ્રાયોનાં પોટલાં ડિસ્કાર્ડ કરવા જેવાં મળી આવે છે! મનના કોઈક નાનકડા ખૂણામાં ઘણું બધું દટાઈને પડ્યું હોય એ પણ આવી સફાઈ નિમિત્તે બહાર નીકળી આવે ત્યારે લાગે કે નાનકડા મનને નાહક આટલો બધો સમય આવડાં ભાર તળે ચગદ્યું! અને તેમાંથી ઉપયોગી-બિનઉપયોગીનું ક્લાસિફિકેશન કરીને બિનઉપયોગીનો નિકાલ કરી દઈએ પછી કેવા હળવાફુલ થઈ જવાય! કેટલીય વાર કોઈક બાબત વિશે નકામી ચિંતા કરીને મન પર બોજો વેંઢાર્યો હોય અને એ ચિંતા કરી હોય તેવું કશું થાય જ નહીં! ત્યારે એ સાચવીને રાખેલાં ચિંતાનાં ચીંથરાં કેવી સહેલાઈથી મન પરથી ઊડી જાય છે અને કેવી હાશ થાય છે! બરાબર પેલા દુપટ્ટા બનાવવા રાખેલી જૂની સાડી કે બૉર્ડરના ડિસ્કાર્ડેશનની જેમ જ! મનની આવી સફાઈ કરવા સાહિત્ય, સંગીત, કલા કે સત્સંગ જેવા ક્લીન્સિંગ એજન્ટની જરૂર પડે છે. પણ એ ક્લીન્સિંગ પોતે જ કરવું પડે!

દિવાળી નિમિત્તે થતી ઘરની સાફસૂફીની જેમ મનની પણ સાફસૂફી કરવા જેવી છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK