નૂતન વર્ષના ચહેરા પર સાંપ્રદાયિકતાનો મેક-અપ?

Published: 24th October, 2014 05:55 IST

દરેક સંપ્રદાય પાસે પોતાનું નૂતન વર્ષ અલગ-અલગ છે. ખ્રિસ્તીઓનું ઈસવી સન, જૈનોનું વીર સંવત, ઇસ્લામીઓનું હિજરી સંવત, હૂણ લોકોનું શક સંવત
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

સમયને ખબર નથી કે અત્યારે આપણે જૂના વર્ષને વિદાય આપીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. ઉજવણી હોય કે પજવણી, સમય બધાથી અનટન રહે છે. સમય જેટલી ન્યુટ્રલ ચીજ સંસારમાં બીજી કોઈ નથી. સમયે અનેક ઇતિહાસો જોયા છે, અનેક યુદ્ધો જોયાં છે અને અહિંસાના ઉપદેશો પણ સાંભળ્યા છે. દુનિયામાં જેટલાં પરિવર્તનો આવ્યાં છે એ તમામ પરિવર્તનોનો સમય ન્યુટ્રલ સાક્ષી છે.

સમયનો સ્વભાવ છે સદા વહેતા રહેવાનો. સમય કદીયે કોઈ ચમરબંધીનીયે પ્રતીક્ષા કરતો નથી. કવિ દયારામે આકાશ અને કાળ એટલે કે ગગન અને સમય વિશેનો ગરબો લખ્યો છે. એ બન્ને અનંત છે. એ બન્નેને આદિ નથી, અંત નથી.

આપણે સમયના ટુકડા કરી નાખ્યા છે. ઈશુના જન્મથી સમયની ગણતરી કરીને ઈસવી સન શરૂ કરી. હિન્દુઓ વિક્રમ સંવત મુજબ વર્ષનાં પલાખાં માંડે છે. જૈનો મહાવીરના જન્મ મુજબ વીર સંવતની ગણતરી કરે છે. ઇસ્લામીઓ પાસે હિજરી સંવત છે. દરેક વર્ષના ચહેરા પર જાણે સાંપ્રદાયિકતાનો મેક-અપ કરેલો છે.

લોકો વાતે-વાતે કહે છે કે એકવીસમી સદી ચાલી રહી છે. મેં સગી આંખે જોયું છે કે એક જ શહેરના કોઈ એક જ એરિયામાં એકસાથે ચાર કે પાંચ સદીઓ ધબકતી હોય છે. પંદર માળના એક અપાર્ટમેન્ટની નજીકમાં ઝૂંપડપટ્ટી છે. એમાં સત્તરમી સદી ચાલતી હોય છે. પંદર માળના અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વીસમી સદી ચાલી રહી છે, છઠ્ઠા માળે વસતો એક ઑર્થોડોક્સ પરિવાર અઢારમી સદીમાં જીવી રહ્યો છે અને તેરમા માળે સ્વિમિંગ-પૂલવાળા અપાર્ટમેન્ટમાં એકવીસમી સદી તરતી દેખાય છે. સમયનો ચહેરો એકસરખો છે જ ક્યાં? તમે વર્ષને કોઈ પણ નામ આપો, સમય તો એની ઐસીતૈસી કરીને વધ્યે જાય છે.

ઈશુએ આપણને સૌથી સરળ ભાષામાં જગતના તમામ ધર્મોનો સાર કહી દીધો : પાડોશીને પ્રેમ કરો. કેટલાંક હરખપદૂડાં જીવડાંઓ ધર્મના નામે તાનમાં આવી જઈને આખા જગતને પ્રેમ કરવાનાં ગાણાં લલકારવા માંડે છે. આખા જગતને પ્રેમ કરવાનું પૉસિબલ હોય તોય પ્રૅક્ટિકલ નથી. ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે આપણે કહીએ છીએ કે હે ઈશ્વર, સંસારના સૌ જીવોનું તું કલ્યાણ કરજે. એ જ વખતે આપણી પાડોશમાં પીડાતા એક ફૅમિલીની આપણે ઉપેક્ષા કરતા રહીએ છીએ. પાડોશીની પીડાને જાણવાનીયે પરવા કર્યા વગર જગતના સર્વ જીવોના કલ્યાણના રાગડા આપણે આલાપતા રહીએ છીએ.

ઈશુ બહુ ટૂંકી વાત કરે છે : પાડોશીને પ્રેમ કરો. પ્રેમ કરવો એટલે આપણા સુખમાં તેને સહભાગી કરવો અને તેના દુખમાં આપણે સહભાગી થવું. આપણને વારંવાર ઉપવાસ કરવાના ઊભરા આવે છે. ઉપવાસ કરવો એટલે ભૂખ્યા રહેવું એટલો જ અર્થ ઊંચકીને ફરનારા લોકોનાં ટોળેટોળાં મળશે. ખરેખર તો ઉપવાસ કરવો એટલે પોતાના માટેનું ભોજન કોઈ ભૂખ્યા માણસને પહોંચાડવું એવો અર્થ હોવો જોઈએ, કારણ કે એ અર્થમાં ઈશુની વાત - પાડોશીને પ્રેમ કરવાની વાત - સોળે કળાએ મહેકી ઊઠે છે.

વરસ બદલાય છે ત્યારે શું થાય છે? માણસ સિવાય કોઈ પણ જીવ માટે વરસ બદલાય છે ખરું? સિંહ તો જંગલનો રાજા છે તોય એ કદી વરસનાં પલાખાં નથી માંડતો. હાથીભાઈને તારીખો અને કૅલેન્ડરોની ક્યાં કશી ગરજ છે? અખંડ સૌભાગ્યવતી કીડીબાઈને સદીઓનાં સમીકરણ હોય છે ખરાં? અજગર અને સાપ કદી નૂતન વર્ષ ઊજવતા નથી. સમડી, કબૂતર, ચકલી, કાગડો એ બધાં પક્ષીઓને ક્યાં ખબર છે કે અત્યારે કયો યુગ ચાલી રહ્યો છે?

માણસ બહુ શાણો છે. વ્યાજની ગણતરી કરી શકાય, વેતન (સૅલરી) વિશે હિસાબો માંડી શકાય એ માટે તેણે સમયના ઝીણામાં ઝીણા ટુકડા કરી નાખ્યા છે. વર્ષ, મહિનો, સપ્તાહ, દિવસ, કલાક, મિનિટ, ક્ષણ, ક્ષણાર્ધ! ઍરર્પોટ પર વાહન પાર્ક કરવા માટે કલાકદીઠ પૈસા ચૂકવવા પડે છે. મજૂરીકામ કરનારને કાં તો માસિક વેતન મળે છે, કાં તો એક દિવસનું વેતન મળે છે. અમેરિકા જેવા દેશોમાં કલાકો પ્રમાણે ડૉલર મળે છે. સમયના ખંડ ન પાડ્યા હોત તો આપણે કેવી રીતે આ હિસાબો કર્યા હોત? આપણે તો ઈશ્વરની માળા જપવામાંય પલાખાં ગોઠવી દીધાં છે. કેટલી માળા કરી, કેટલાં વ્રત-તપ કર્યા, કેટલા ઉપવાસ કર્યા? એક વાત યાદ રાખવા જેવી છે કે આપણે ભલે સમયના ટુકડા કરીને એની ગણતરી કરતા રહીએ, સમય આપણા પ્રત્યેક શ્વાસનો હિસાબ ગણતો રહે છે.

મૂળ વાત તો સેલિબ્રેશનની છે. સેલિબ્રેશન એવી ચીજ છે જે માણસને અન્ય પશુ-પંખીઓથી અલગ પાડે છે. આપણે નાચવું છે, ગાવું છે, શરાબ ઢીંચવો છે, દરિયાનાં ગીતો-કાવ્યો ગાવાં છે, કુંવારી કન્યાના જોબનમાં મેઘધનુષના રંગ જોવા છે. માણસ સિવાય કોઈ જીવ પોતાનો આહાર રાંધીને-પકવીને ખાતો નથી. કોઈ જીવને વસ્ત્રો પહેરવાની જરૂર પડતી નથી. પ્રકૃતિએ દરેક જીવ માટે વ્યવસ્થા કરેલી છે. માણસને માત્ર પ્રકૃતિમાં સ્થિર રહેવાનું પસંદ નહોતું એટલે તેણે સંસ્કૃતિ વિકસાવી. સંસ્કૃતિ આવે એટલે એની આંગળી ઝાલીને વિકૃતિ પણ આવે જ આવે.

આપણે કહીએ છીએ કે ૨૦૧૩નું વર્ષ સમાપ્ત થયું. શું આટલાં વરસ પહેલાં સમય નહોતો? એની ઓળખ ઈસવી સન પૂર્વેથી આપણે કરી. હવે પ્રશ્ન એ છે કે ઈસવી સન પૂર્વે એટલે શું? પાછલા પગલે ક્યાં સુધી જઈ શકાય? અને આપણે પાછલા પગલે જવાની કશી જરૂર ખરી? આપણે આવતી કાલને જોઈશું કે વીતેલી કાલને?

સમયનો એક ઉપકાર આપણા ધ્યાનમાં ઝટ આવતો નથી. સમય આપણને સતત મોટા કરતો રહે છે. આપણે કંઈ જ ન કરીએ તોય મોટા તો થતા જ રહીશું. હા, મહાન બનવા માટે આપણે સમયનું જતન કરવું પડે. સમયનો આદર કરે છે એ મહાન બની શકે છે. આ પૃથ્વી પર હવે પછી આપણું આવવાનું કદાચ બને જ નહીં, આવવાનું બને પણ માણસ તરીકે આવવાનું ન બને. એટલે મોજથી જીવી લઈએ, મન ભરીને જીવી લઈએ, માણસને શોભે એવું જીવી લઈએ.

નૂતન વર્ષે આપણે કોઈને કાલાવાલા કરીને આશીર્વાદની ભીખ નથી માગવી. ઈશ્વર સ્વયં મળે તોય એની સામે કરગરવાની અને વેવલા થઈ જવાની શી જરૂર છે? ખમીર અને ખુમારી અને ખાનદાનીથી જીવવા માટે ઉછીના આશીર્વાદો કે ઉધારની શુભેચ્છાઓની જરૂર નથી પડતી. આપણે ભીતરથી મક્કમ હોઈએ એટલું ઇનફ છે. ભલે ફના થઈએ, ભલે બરબાદ થઈએ; પણ ખમીર-ખુમારી અને ખાનદાની કદી ન છોડીએ તો વીતી રહેલો સમય આપણને જરૂર સલામ કરશે. સમયને આપણે કાલાવાલા કરવા પડે એવું રોતલ જીવન નથી જીવવું, સમય ખુદ આપણી શરણાગતિ સ્વીકારે એવું જીવન જીવવાનો સંકલ્પ કરીએ. ફિલ્મ ‘હમરાઝ’નું આ ગીત આપણા જીવનનો આદર્શ બને તો કેવું:

ન મુંહ છુપા કે જીઓ

ઔર ન સર ઝુકા કે જીઓ

ગમોં કા દૌર ભી આએ

તો મુસ્કુરા કે જીઓ

ન જાને કૌન સા પલ

મૌત કી અમાનત હો

હર એક પલ કી ખુશી કો

ગલે લગા કે જીઓ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK