દિવાળીનો દબદબો : દીપક પ્રગટાવીને જીવનને અજવાળીએ

Published: 12th November, 2012 06:01 IST

કારણ કે ચિત્ત પવિત્ર રહેશે તો બારે મહિના દીપોત્સવ જેવું લાગશે. કોડિયાનું હોય કે એલઈડી લાઇટનું - અજવાળું મહત્વનું છે. પ્રકાશ પૂરતો હોય તો જ પંથ સ્પષ્ટ દેખાયને!મન્ડે-મંથન - રોહિત શાહ

દીપોત્સવનો પગરવ સાંભળ્યો છે ત્યારથી ભીતરમાં કવિતા જેવું કશુંક ઊછળી રહ્યું છે. બટ યુ ડૉન્ટ વરી, હું મારી કવિતા સંભળાવીને તમારો તહેવારિક મૂડ નહીં બગાડું.

છેક બાળપણથી દીપોત્સવ સાથે લંગોટિયા ફ્રેન્ડશિપ છે. નવાં કપડાં, ફટાકડા અને મીઠાઈને કારણે નહીં, વેકેશન અને બોણીને કારણે. તહેવારોના તારામંડળ જેવા દીપોત્સવ વખતે સ્કૂલમાં વેકેશન હોય. ભણવાનું નામ જ નહીં! હોમવર્ક પણ નહીં! એ વખતે મનમાં થતું કે સાલું આ ભણવાનું કોણે શોધ્યું હશે? તેના ગળામાં બાંધીને ફટાકડાની લૂમ સળગાવવાનું મન થતું. જેને ભણવાનું ન ગમે તેને વેકેશન ગમે જ અને સંસારમાં નેવું ટકા બાળકોને વેકેશન ગમતું હોય છે. એ વખતે હુંય આ મૅજોરિટીમાં જ હતો... બીજી વાત એ હતી કે બેસતા વર્ષે સવારથી જ બોણી મળવા માંડે! લાયકાત અને પરિશ્રમ વગરની કમાણી પ્રેમિકા જેવી પ્યારી લાગતી હોય છે.

તરવરાટ અને તાજગી


તહેવારો ન હોય તો શું થાય? તહેવારો ન હોય તો આમ તો કાંઈ ન થાય. તાજગી જ રહે, તરવરાટ ન રહે, તલસાટ ન રહે, તંદુરસ્તી ન રહે, તાગડધિન્ના ન થાય, તાજુબી ન થાય, તાદાત્મ્ય ન રહે, તાલ ન જળવાય, તાલમેલ તૂટે, તાલાવેલી ખોરવાય, તુષ્ટિ ન મળે, તૃપ્તિ ન થાય, તોફાન-મસ્તી ન રહે - એટલે કે કાંઈ જ ન રહે! તહેવારો ન હોય તો ચારે તરફ તોબા તકલીફો, તારાજી જ દેખાય! લાઇફ પર તાળાબંધી કરી દેવાનું મન થાય.

વેકેશનમાં મજા

તમે એક વાત માર્ક કરી? નવરાત્રિ નવ દિવસનું ર્દીઘ પર્વ છે. પયુર્ષણ આઠ દિવસનું (દિગમ્બરો માટે દસ દિવસ)નું પર્વ છે. તોય એ દિવસોમાં વેકેશન નથી મળતું. દીપોત્સવ છ જ દિવસનું પર્વ છે, તોય એને વેકેશનનો લાભ મળે છે.

હું તો કહું છું કે બારે મહિના વેકેશન હોય તો એમાં કોઈનાય બાપનું શું લૂંટાઈ જાય તમે કહેશો કે તો પછી ભણવાનું ક્યારે? હું પૂછું છું કે ભણવાની જરૂર શી છે? ભણી-ગણીને આપણે શું ઉકાળ્યું? નાહકના પ્રશ્નો અને પ્રૉબ્લેમ્સ ઊભા કર્યા. આવડા મોટા હાથીભાઈ અને જિરાફભાઈને ભણ્યા વગર ચાલે તો આપણે કેમ ન ચાલે? ભણ્યા વગર જ સિંહ જંગલનો રાજા બની શકે છેને! ભણ્યા વગર પંખીઓને શી તકલીફ પડે છે? આપણા ઘરના કોઈ ખૂણામાં પંખીએ માળો કર્યો હોય, પછી પંખી બહાર જાય અને વગર ઍડ્રેસે એ પાછુંય આવી જાય. આપણી પાસે તો પાકું ઍડ્રેસ હોય તોય આપણે ભૂલા પડી જઈએ છીએ. પંખીઓ કેમ કદી ભૂલાં નથી પડતાં? સાંજ પડ્યે પોતાના માળા સુધી પહોંચી જ જાય છે એનું રહસ્ય એ જ છે કં પંખીઓ એજ્યુકેટેડ નથી હોતાં. તમે કહેશો કે ભણીએ નહીં તો પછી જૉબ ન મળે, બિઝનેસ ન કરી શકાય. પણ ભાઈ, જૉબ કરવાની જરૂર જ શી છે? અને બિઝનેસ જાય તેલ લેવા! પતંગિયાને કોઈ જૉબ કરવી પડે છે? કીડીબાઈને બિઝનેસની કશી ફિકર છે? અજગરને કશાં પલાખાં માંડતો જોયો? ગાય કદી હિસાબ રાખે છે ખરી કે કેટલા લિટર દૂધ આપ્યું? કોયલ કદી ટહુકાઓની રૉયલ્ટીની ગણતરી કરે છે ખરી? આપણે જ ભણીગણીને પલાખો, ગણતરીઓ, હિસાબો પેદા કરીને ટેન્શન વધાયાર઼્ છે. હરણ કદી બૅન્કમાં લોન લેવા જતું નથી... મોરને કદી સવારે ૮-૧૦ની ફાસ્ટ ટ્રેન પકડવાનું ટેન્શન હોતું નથી... આપણેય ભણવાનું શોધ્યું ના હોત તો ટેસથી આ બધાં પશુ-પંખીઓની જેમ તાજગીભર્યું નૈસર્ગિક જીવન જીવી શક્યાં હોત. પ્રોગ્રેસને નામે પીડાઓ અને તરક્કીને નામે તકલીફો જ વધારી છેને આપણે! નિરાંતનું જીવન જીવી શક્યા હોત, પણ ‘આવ પથરા પગ ઉપર પડ’ એવો ભણતરનો પ્રયોગ કરીને આપણે જખમી થયા છીએ. ગયા ભવનાં પાપ નથી નડ્યાં કે કોઈ ગ્રહોય નથી નડ્યા. બસ, માત્ર ભણતર જ નડ્યું છે! ગાય-ભેંસને કે કૂતરાં-બિલાડાંને તો ગ્રહોથી ક્યાં નડે છે? એ ભણ્યાં નથીને! આપણે ભણીને જ આ બધી ભાંજગડો પેદા કરી છે.

ઓહ! આજે કેમ એકાએક હિસાબો કરવાનું મન થયું છે? વર્ષોથી દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે આ જ ધંધો કર્યો હોય એટલે પછી હૅબિટ પડી ગઈ હોયને! જાતજાતના સંકલ્પો કરીને આપણે સુખને શોધવા વર્ષોથી મથીએ છીએ. કિન્તુ સુખનું કોઈ સરનામું જ નથી હોતું! એ તો અત્ર, તત્ર, સર્વત્ર છે. શ્વાસ લેવા માટે હવા મળે એ સુખ છે. હવા સર્વત્ર છે માટે સુખ પણ સર્વત્ર છે. ક્યારેક શ્વાસમાં થોડીક સુગંધ ભળે તો મજા પડે છે. તહેવારો એવું જ કામ (સુગંધ ભેળવવાનું) કરે છે!

શુભેચ્છાનો વરસાદ

નૂતન વર્ષે મિત્રો અને સ્વજનો બહુ-બહુ તો આપણને શુભેચ્છાઓ જ આપી શકે! એ શુભેચ્છાઓને સાકાર કરવાની દાનત અને આવડત આપણામાં હોવી જરૂરી છે. કોઈ ભલે કહે કે તમે સફળતા અને સમૃદ્ધિ પામો... પણ માત્ર શુભેચ્છાઓથી શું વળે? જે વ્યક્તિ શુભેચ્છા આપે છે તે પોતે જ નિષ્ફળ અને દુખી-દુખી છે. જો તેની શુભેચ્છામાં તાકાત હોત તો તેણે ખુદને માટેય થોડી શુભેચ્છાઓ રાખી હોતને! સાચી વાત એ છે કે શુભેચ્છાઓ હંમેશાં બીજા લોકોને આપવાની અને આપણા પોતાના માટે પુરુષાર્થ રાખવાનો. પુરુષાર્થ એટલે પોતે જ પોતાને પાઠવેલી શુભેચ્છાઓ.

નૂતન વર્ષે આપણે સૌને કાં તો સાલ મુબારક કહીએ છીએ કાં તો હૅપી ન્યુ યર કહીએ છીએ. સાલ મુબારક ઉદૂર્ શબ્દો છે તો હૅપી ન્યુ યર એ અંગ્રેજી શબ્દો છે. શુભેચ્છાઓ પાઠવવા માટે ભાષાય ઉધારની? ગુજરાતીમાં ‘નવું વરસ, વીતે સરસ’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ જેવું બોલવાનું આપણને કેમ પસંદ નથી?

શ્વાસમાં સુગંધ ભરીએ

કાળી ચૌદશના દિવસે બીજા લોકો ભલે મંત્ર-તંત્રની ઉપાસના કરે. હું તો મૈત્રીની ઉપાસના કરું છું. મંત-તંત્રમાં તો મેલી વિદ્યા પણ હોય, મૈત્રી શુદ્ધ હોય! ધનતેરસના દિવસે લોકો ધનની પૂજા કરે છે હું ધૈર્યની પૂજા કરું છું. ધૈર્ય (ધીરજ)થી ચઢિયાતું કોઈ ધન નથી. એટલે જ તો ‘ધીરજનાં ફળ મીઠાં’ કહેવાય છે. દિવાળીના દિવસે ભલે લોકો ચોપડા પૂજન કરે હું તો ચિત્તપૂજન કરીશ. ચિત્ત પવિત્ર રહેશે તો બારે મહિના દીપોત્સવ જેવું લાગશે. બેસતા વર્ષે લોકો ભલે નવાં કપડાં પહેરે હું તો નવા વિચારોને વેલકમ કરીશ અને આ વર્ષથી હવે હિસાબો રાખવાનું તો તદ્દન બંધ! હિસાબો જ માણસને રહેંસી નાખે છે... કેટલા શ્વાસ લીધા એનું કશું મહત્વ નથી. શ્વાસ તો કુદરતે આપેલા જ છે. આપણે તો એ શ્વાસમાં સુગંધ ભરવાનું કામ જ કરવાનું છે!

અજવાળું મહત્વનું

વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ એમ છ દિવસના આ પર્વ સાથે અધ્યાત્મ અને આનંદ જોડાયેલાં છે. એમાં મુખ્ય પર્વ દિવાળી છે. સમુદ્રમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય, શ્રીરામનો રાવણવિજય અને અયોધ્યામાં પ્રવેશ, ભગવાન મહાવીરનું નિર્વાણ, પાંડવો વનવાસ સંપન્ન કરી પાછા ફર્યા, શ્રીકૃષ્ણ દ્વારા નરકાસુર અને ભીમાસુરનો વધ જેવી અનેક ઐતિહાસિક બાબતો દિવાળી પર્વ સાથે અનુસંધાન ધરાવે છે. દીપપ્રાગટ્ય એ જ્ઞાન, આનંદ અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ છે. કોડિયાનું હોય કે એલઈડી લાઇટનું હોય અજવાળું થવું મહત્વનું છે. પ્રકાશ હોય તો પંથ સ્પષ્ટ દેખાયને!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK