Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચક્ક ઝણઝણીત મસાલેદાર મિસળ

ચક્ક ઝણઝણીત મસાલેદાર મિસળ

18 July, 2019 12:03 PM IST | મુંબઈ ડેસ્ક
દિવ્યાશા દોશી

ચક્ક ઝણઝણીત મસાલેદાર મિસળ

મિસળ

મિસળ


ફૂડ ફન્ડા

ધોધમાર વરસાદ પડે એટલે મુંબઈગરાને સ્વાદના ચટાકા કરવાનું મન થાય. ગુજરાતી મુંબઈગરો પણ ચોમાસામાં મહારાષ્ટ્રિયન બની જાય એમાં નવાઈ ન લાગે, કારણ કે મરાઠી સ્વાદ જીભ પર અડી ગયો હોય તો પછી એને ભૂલવો અશક્ય છે એટલું જ નહીં, દિલ માગે મોર‍... વરસાદમાં પલળ્યા પછી તીખું તમતમતું લાલચટક કાંદા, ફરસાણથી ભરપૂર મિસળ ખાઓ તો ઠંડી ચોક્કસ ઊડી જાય. તેલમાં તરતો મરચાંનો મસાલો જેને તરી કહેવાય એ કદાચ સ્વાસ્થ્ય માટે જાગ્રત ગુજરાતીને ખટકે કે પછી મરચાં ચટકે તો હવે કમ તીખા મિસળ પણ મળી જાય અને તેલ જેમાં નહીંવત્ હોય એવું મિસળ પણ મળે.
ઉસળ અને મિસળ વચ્ચે કેટલાકને સમજવામાં ગરબડ લાગતી હોય છે તો સૌ પહેલાં એનો ભેદ જાણીએ. ઉસળમાં મટકી એટલે કે મઠની સાથે લીલા કે સૂકા વટાણા, ચણા, મગ, મસૂર હોય અને એમાં ફરસાણ નાખવામાં ન આવે. ઉસળ પણ પાંઉ સાથે જ ખવાય. ઉસળમાં કાંદા, ટમેટાં અને કોપરું, કોથમીર ભભરાવીને ખવાય. તો મિસળમાં ફક્ત મઠ, મગ અને ચણા નાખવામાં આવે. એમાં રસ્સો મહત્ત્વનો હોય છે. એ રસ્સામાં ફરસાણ, કાંદા અને કોથમીર, લીંબુ નાખીને પાંઉની સાથે પીરસવામાં આવે છે.
મુંબઈમાં મિસળ અનેક ઠેકાણે મળી રહે, પણ કેટલાક લોકો ખાસ મિસળ ખાવા પુણે અને નાશિક પણ જાય છે. જે લોકો મુંબઈ બહાર નથી જઈ શકતા તેમને માટે કેટલાંક ટેસ્ટી સ્થળની મુલાકાત અમે લીધી. મુંબઈમાં પાર્લા એમાં પણ પાર્લા-ઈસ્ટ કહો એટલે મરાઠીઓનો વિસ્તાર.
પાર્લા-ઈસ્ટમાં સાઠે ઉદ્યાનની બહાર શાંત ગલીમાં ગાર્ડનની બહાર એક નાનકડી કૅબિન જેવું છે. તમારે ઑર્ડર આપીને બહાર રોડ પર પ્લાસ્ટિકના ટેબલ પર બેસવાનું. આજુબાજુ અનેક વૃક્ષ એટલે ઉનાળામાં કોયલની કૂક પણ સાંભળી શકાતી હશે એવી કલ્પના કરતાં અમે મિસળ-પાંઉની રાહ જોતા હતા. લાલઘૂમ, કાંદા, કોથમીર સાથે ગરમાગરમ મિસળ-પાંઉ આછા વરસાદને માણતાં અમે મોઢામાં મૂક્યું અને આહાહા... છાન ચવદાર બોલાઈ ગયું. આ મરાઠી શબ્દ છે. સરસ, સ્વાદિષ્ટ, દાઢે વળગે એવો એનો અર્થ થાય. પાંચ જાતનાં ફણગાવેલાં કઠોળ અને મરાઠી તાજા પીસેલા મસાલાની સોડમ માટે અહીં મિસળ-પાંઉ ખાવા જવું જ પડે. અહીંનાં મિસળ-પાંઉ એટલાં ફેમસ છે કે ફાઇવસ્ટાર હોટેલ ઑર્કિડના માલિક વિઠ્ઠલ કામત પણ અહીં ઘણી વાર ગાડી લઈને ખાવા માટે આવે છે, તો ક્યારેક સચિન ખેડેકર, વિક્રમ ગોખલે કે પછી અન્ય ટીવી-કલાકારો પણ જોવા મળે. આ જૉઇન્ટ પૌલોમી મહિલા સંગઠન સંચાલિત છે. એનાં એક કાર્યકર નીતા રાંગણેકરે અમને માહિતી આપતાં કહ્યું કે આ સ્ટૉલ ‘નો પ્રૉફિટ નો લૉસ’ પર ચલાવવામાં આવે છે. અહીં કામ કરતી બહેનો અને માણસોને જ આની આવક વહેંચી દેવામાં આવે છે. આ જૉઇન્ટનું રસોડું જોઈને અમે છક્ક થઈ ગયા. એકદમ સ્વચ્છ, મસાલાના ડબા પણ સ્વચ્છ વ્યવસ્થિત ગોઠવેલા. વાસણ ધોવાની ચોકડી પણ ચોખ્ખી એટલે કે અહીં ખાનાર બેફિકર બનીને ખાઈ શકે છે. ૪૦ રૂપિયાનું મિસળ કે ઉસળ ખાઈને પેટ ન ભરાય તો મગની દાળનાં ભજિયાં... એકદમ જૈન આઇટમ. એમાં લીલા મગની દાળ અને અડદની દાળને અધકચરી પીસીને મસાલો કરીને કરકરાં ભજિયાં સૂકી અને ભીની ચટણી સાથે પીરસવામાં આવે છે. કાંદા પોહે અને સાબુદાણા ખીચડી કે પછી વડાપાંઉ જે ખાવું હોય એ ખાઓ પણ દરેક વસ્તુ તાજી બનીને જ આવશે એટલે થોડી રાહ જોવાની તૈયારી રાખજો. તમે ઑર્ડર આપશો પછી જ અહીં વસ્તુ તળવામાં આવે છે. 
મિસળ પણ દર બે કલાકે નવું બનાવવામાં આવે છે. દરેક વસ્તુ તાજી બનતી હોવાથી એ ચવદાર તો હોય જ. તમે પાર્લામાં જ રહેતા હો તો હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે, પરંતુ પાર્લાની ગલીમાં બેસીને મિત્ર સાથે તાજું મિસળ કે ભજિયાં ઝાપટવાની જે મજા છે એ દોસ્તો બીજે ક્યાંય નહીં અને હા, એના પર તાજી મોળી છાશ ૧૫ રૂપિયામાં અને કોકમનું શરબત ૨૫ રૂપિયામાં પી શકાય. પાંઉને બાદ કરતાં અહીં દરેક વસ્તુ હેલ્ધી જ છે. વળી પીણાં પણ આરોગ્યપ્રદ. છાન ચવદાર સવારે સાડાઆઠથી લઈને રાતે સાડાઆઠ વાગ્યા સુધી સોમથી શનિવાર ખુલ્લું રહે છે. તમને રવિવારે જ બહાર ખાવા જવાની આદત છે પણ સૉરી, રવિવારે છાન ચવદાર બંધ રહે છે એની નોંધ લેશો.
મૅગી મિસળ અને જૈન મિસળ ખાવું હોય તો અંધેરી-વેસ્ટમાં જવું પડે
‘સ્વાદ મહારાષ્ટ્રા ચા’ નામે શીતલ ઝામ્બ્રેએ અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડ પર નાનકડું જૉઇન્ટ શરૂ કર્યું છે. એની ટૅગલાઇન છે અસ્સલ મહારાષ્ટ્રિયન રેસ્ટોરાં. સબ ટીવીની સામે કુબેર કૉમ્પ્લેક્સમાં અનેક દુકાનોમાં એક નાનકડી દુકાન સૉરી રેસ્ટોરાં છે. રસ્તા પર ઊભા રહીને પણ ખાઈ શકો અથવા ઉપર દસ-બાર જણ એસીમાં બેસીને મિસળનો સ્વાદ માણી શકો એવી વ્યવસ્થા પણ ખરી. એ વિસ્તારમાં મીડિયા ઇન્ડસ્ટ્રીઝની અનેક ઑફિસ અને સ્ટુડિયો આવેલાં હોવાથી સેલિબ્રિટીઝ માટે પણ અહીંથી મિસળ જાય કે પછી તેઓ જાતે પણ ક્યારેક ખાવા આવે. શીતલ પહેલાં મિસળ મહોત્સવમાં પોતાનો સ્ટૉલ લગાવતી હતી. એમાં તેને જે પ્રતિસાદ મળતો એને લીધે પતિ સુહાસે તેને કાયમી જૉઇન્ટ શરૂ કરવાનું કહ્યું. ગ્રાફિક ડિઝાઇનર શીતલને હોટેલલાઇનનો કોઈ અનુભવ નથી, પણ તેને મસ્ત ખાવાનું બનાવવાનો અને ખવડાવવાનો શોખ છે. બસ આજે તો અનેક લોકો અહીં કાયમી ગ્રાહક બની ગયા છે.
પાર્લામાં રહેતા ગુજરાતી બિઝનેસમૅન દુષ્યંત ખોના અઠવાડિયામાં ત્રણેક વાર આ વિસ્તારમાં કામ નિમિત્તે આવે ત્યારે અચૂક અહીં જ જમે છે. અહીં મિસળ પણ બીજી જગ્યાઓ કરતાં જરા જુદી રીતે પીરસાય છે. એક ડિશમાં મટકી, ફરસાણ અને કાંદા, પાંઉ અથવા ભાકરી સાથે આવે. મિસળનો રસ્સો જુદા પવાલામાં આવે. તેલ લેવામાં વપરાય એવી ચમચી દ્વારા જોઈએ એટલો રસ્સો કઠોળ અને ફરસાણ પર નાખીને ખાવાનો. આ રસ્સો બે-ત્રણ જાતનો આવે. તીખો, ઓછો તીખો અને જૈન પણ એટલે કે કાંદા, લસણ વિનાનો. એના પર તરી એટલે કે મસાલાવાળા તેલથી ભરપૂર. અસ્સલ કોલ્હાપુરી રસ્સો જોઈએ તો એ પણ મળે. જૈન મિસળનો સ્વાદ પણ એટલો સરસ કે કાંદા-લસણ નથી એનો ખ્યાલ પણ ન આવે. એટલું જ નહીં, બાળકો માટે શીતલની દીકરીએ મૅગી મિસળ તૈયાર કર્યું છે.
મૅગીમાં મટકી અને મગ હોય એટલે પ્રોટીનથી ભરપૂર બાળકોને ઓછું તીખું મિસળ મળી શકે. બટાટાવડા પર રસ્સો નાખીને સ્પેશ્યલ કોલ્હાપુરી મિસળ પણ મળે અને તમે હેલ્થ કૉન્શિયસ હો અને પાંઉ નથી ખાતા તો નો પ્રૉબ્લેમ. ભાકરી એટલે કે જુવારના રોટલા સાથે તમે મિસળ ખાઈ શકો છો. જુવારના રોટલા સાથે મિસળ ખાવાથી અસ્સલ મહારાષ્ટ્રિયન ભાકરી અને શાક જમતા હોઈએ એવો અનુભવ થાય અને હેલ્ધી ખાધાનો સંતોષ પણ થાય. વળી સ્વાદમાં તો કોઈ કૉમ્પ્રોમાઇઝ ન જ હોયને. તીખું લાગે તો સાથે આમ પન્હ‍ા કે કોકમ શરબત જરૂર પીજો. આમ પન્હાનો સ્વાદ અહીં જરા હટકે છે. તે લોકો કાચી કેરીને છાલ સાથે જ છીણીને પન્હા બનાવે. વળી સાકર એમાં નહીંવત્ હોવાથી હેલ્ધી ડ્રિન્ક પીધાનો આનંદ લઈ શકાય. અહીં સોડાવાળાં ઠંડાં પીણાં મળતાં નથી, કારણ કે શીતલ અને સુહાસ આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં જ માને છે. શીતલ કહે કે મારી દીકરીઓને કોલા ન આપું તો હું બીજાને કેવી રીતે પીવડાવું? અમે બધું ચાખી રહ્યાં હતાં એ સમયે દુષ્યંત ખોના જમીને જઈ રહ્યા હતા. તેઓ કહે કે હું અહીં વર્ષભરથી આવું છું. એક દિવસ પણ ખરાબ ખાવાનું ન મળે. મિસળ તો તેમની સ્પેશ્યલિટી છે, પણ તમારે મરાઠી થાળી ખાવી હોય તો એ પણ મળે. ડેઝર્ટમાં ઉકડી ચે મોદક મારે ખાસ ચાખવો એવો આગ્રહ દુષ્યંતભાઈ જતાં-જતાં કરી જાય છે, પણ અફસોસ, મોદક ત્યારે તૈયાર નહોતા. પૂરણપોળી તૈયાર હતી. ગરમાગરમ શુદ્ધ ઘી લગાવેલી પૂરણપોળીમાં ગળપણ એકદમ માપસર એટલે તમારું મોઢું ન ભાંગે. હેલ્થ કૉન્શિયસ લોકોને ધ્યાનમાં રાખીને જ અહીં દરેક વાનગીઓ પીરસાય છે. મિસળની ભેળ પણ અહીં મળે છે જેમાં કઠોળ, ફરસાણ અને કાંદા માત્ર જ હોય છે. જૈન માટે કાંદા ન નાખે. એની એક ચમચી મોઢામાં નાખતાં જ વાહ ન બોલાય તો જ નવાઈ. મોદક, ખરવસ અને પૂરણપોળી નજીક આવેલી અંબાણી હૉસ્પિટલમાંથી ડૉક્ટરો પણ મગાવે છે એવું સુહાસ જણાવે છે. બીજી વાર મોદક ખાવા આવવાનો વાયદો કરીને અમે મિસળને મમળાવતાં બહાર નીકળીએ છીએ કે મરાઠી કેસરી સાફો પહેરીને સેલ્ફી લેવાનો લહાવો પણ લઈએ છીએ.



આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન


શીતલને મિસળ માટે અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે અને અનેક સેલિબ્રિટીઝ ખાસ મિસળ મગાવે છે. થાળી સાથે કે જુવારની ભાકરી સાથે તમને જોઈએ તો ઠેચા મરાઠી ચટણી જે મરચાં, લસણની પથ્થર પર પીસીને બનાવાય છે. મિસળ ૯૯ રૂપિયા, પૂરણપોળી ૧૧૦માં બે નંગ, કોકમ શરબત કે પન્હા કે છાશ ૫૦ રૂપિયા. મિસળ ભેળ ૮૦ રૂપિયા. એ સિવાય કાંદાપોહા, વડાપાંઉ, ભજિયાં, ભરલેલી વાંગી વગેરે વગેરે અનેક મરાઠી વાનગીઓ મળે છે. મુંબઈના આ બન્ને ફેમસ મિસળ તાજાં અને ચટાકેદાર છે. બીજાં મિસળ વિશે વધુ વાત ફરી કોઈ વાર કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 12:03 PM IST | મુંબઈ ડેસ્ક | દિવ્યાશા દોશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK