"૨૬/૧૧ના હુમલામાં જાન ગુમાવનારા લોકોના સ્વજનોને જલદી ન્યાય મળે"

Published: 23rd November, 2011 09:28 IST

સમગ્ર દેશ જ્યારે ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની ત્રીજી વરસી માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે ૨૧ નવેમ્બરે યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં પદવી મેળવનારી દિવ્યા વિજય સાલસકરને પોતાના પિતાની યાદ સતાવી રહી છે. એ ગોઝારી ઘટનાને ૨૬ નવેમ્બરે ત્રણ વર્ષ પૂરાં થશે.

 

આ અગાઉનાં બે વર્ષો દરમ્યાન તો તે પોતાના અભ્યાસને કારણે વિદેશમાં હતી, પણ આ વખતે પ્રથમ વખત તે પોતાની માતા સાથે હશે. દિવ્યાએ રૂપારેલ કૉલેજમાંથી ઇકૉનૉમિક્સની બૅચલર ડિગ્રી મેળવી હતી. દિવ્યા એમબીએ (માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ની ડિગ્રી મેળવે એવી તેના પિતા વિજય સાલસકરની ઇચ્છા હતી. પિતાની છત્રછાયા વિના છેલ્લાં ત્રણ વર્ષમાં દિવ્યાએ અંગત તેમ જ પ્રોફેશનલ સ્તરે ઘણો વિકાસ સાધ્યો છે. પ્રોફેશનલ સ્તરે અત્યારે અસિસ્ટન્ટ કમિશનર ઑફ સેલ્સ-ટૅક્સ તરીકે તેણે કામ શરૂ કર્યું છે. આ કામ પડકારજનક હોવા છતાં સરકાર તેમ જ સમગ્ર શહેરના લોકોનો ઘણો સહકાર મળ્યો છે, પરંતુ ડગલે ને પગલે તેને તેના પિતાની ગેરહાજરી સતાવી રહી છે. જોકે આમ તો પોતાની વ્યસ્ત નોકરીમાંથી વિજય સાલસકર માંડ રવિવાર જ મા-દીકરી માટે ફાળવતા હતા એટલે સમગ્ર સપ્તાહ દરમ્યાન પિતાની ખોટ તેને સતાવતી રહેતી.

મારી માફક મારી માતા પણ છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણી બદલાઈ ગઈ છે એમ જણાવીને દિવ્યાએ યુકેથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પતિની વિદાય બાદ ડગલે ને પગલે આ વાસ્તવિક તેમ જ કઠોર દુનિયાનું તેને ભાન થયું છે. ૨૧ નવેમ્બરના મારા પદવીદાનની ગર્વની ક્ષણો દરમ્યાન મારા પિતા મારી સાથે નથી એનું દુ:ખ હંમેશાં મને સતાવતું રહ્યું હતું. જોકે એમ છતાં મારા તમામ પ્રયત્નો પાછળનું પ્રેરકબળ મારા પિતા હતા એ વાત હું કદી ભૂલી શકું એમ નથી. અંતે હું એવી આશા રાખું છું કે મારા પિતાને ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે ગોળી મારનાર કસબને ફાંસી પર લટકાવી દઈ સરહદપારના આ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકો સામે સખત કાર્યવાહી કરો જેથી ૨૬/૧૧ના હુમલામાં માર્યા ગયેલા લોકોના કુટુંબીજનોને ન્યાય મળે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK