ડિવૉર્સી શ્વેતા તિવારી પાસેથી શું શીખવા જેવું?

Published: 31st October, 2012 06:23 IST

છૂડાછેડાનું કાળું પ્રકરણ ભૂલી જઈ જીવનને નવી રીતે સંભાળી સજાવવાનો પ્રયત્ન કરોબુધવારની બલિહારી - કિરણ કાણકિયા

સુહાના અને આકાશે લવ-મૅરેજ કયાર઼્. સુહાના અત્યંત શ્રીમંત માતા-પિતાની એકની એક પુત્રી હતી. લગ્નનાં પાંચ વર્ષ પછી સુહાનાનાં માતા-પિતા કાર- ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં. તેમની સંપત્તિની એકમાત્ર વારસદાર સુહાના હોવાના કારણે તેનાં સાસરિયાંની નજર લખલૂટ સંપત્તિ પર હોવાથી સુહાના પર યેનકેન પ્રકારેણ દબાણ કરવા લાગ્યાં, પરંતુ સુહાનાએ મક્કમ બની પોતાની સંપત્તિ પર કોઈનોય અધિકાર ન હોવાનું સ્પષ્ટ જણાવી દીધું. આ કારણે સુહાના અને આકાશ વચ્ચે રકઝક, ઝઘડા થવા માંડ્યા. હવે આકાશ સાથે જીવી નહીં શકાય એમ લાગતાં સુહાનાએ ડિવૉર્સ લીધા અને પછી દિવંગત માતા-પિતાના નામે ટ્રસ્ટ બનાવ્યું અને વખત જતાં તે મયંક સાથે પરણી ગઈ. આ બાજુ આકાશ દારૂના નશામાં ડૂબી ગયો.

ડિવૉર્સથી શું જીવનનો અંત આવી જાય છે? જરા શાંતિથી વિચારશો તો જણાશે કે ડિવૉર્સ એ જીવનનો અંત નથી. જો નાસીપાસ થઈ જઈએ તો જીવવાની હામ ખોઈ બેસીએ. નો ડાઉટ, ડિવૉર્સને કારણે જીવનમાં કારમો આઘાત લાગે છે; પરંતુ વહી જતો સમય મલમપટ્ટીની ગરજ સારે છે એમ કળ વળતાં નવા જીવનની શરૂઆત કેમ ન કરી શકાય? યોગ્ય પાત્ર મળી જાય તો બહુ સારી વાત ગણાય અને કદાચ શક્ય ન બને તો જીવનમાં ઘણુંબધું કરી શકાય.

ડિવૉર્સ એક સામાન્ય ઘટના

આ વિષયના સંદર્ભમાં અમેરિકામાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ પ્રેરક અને માર્ગદર્શક બની જશે. ફ્રેસિન બારસ તથા નિકોલ બારસ નામનાં મા અને દીકરી. તેઓ ડિવૉર્સના ખરાબ સમયમાંથી પસાર થયાં, પરંતુ બન્ને હિમ્મતવાળી હોવાથી ડિવૉર્સને એક સામાન્ય ઘટના માની ડિવૉર્સી લોકો માટે એક અભૂતપૂર્વ સકારાત્મક શરૂઆત કરી. ઉદ્દેશ્ય રાખ્યો ડિવૉર્સને સામાન્ય ઘટના સમજી જીવનને સજાવી આગળ ધપાવો. આ ઉદ્દેશ્ય રાખી તેમણે એક પ્રદર્શન યોજ્યું અને નામ આપ્યું ‘સ્ટાર્ટ ઓવર સ્માર્ટ’. પ્રદેશનનું ધ્યેય વાક્ય હતું, આવો, નવી રીતે જીવનની શરૂઆત કરીએ અને ડિવૉર્સને કારણે ભાવિ જીવનમાં કોઈ પણ પ્રકારની રુકાવટ આવવા ન દઈએ. પ્રદર્શનમાં  ડિવૉર્સ કેક અને ડિવૉર્સ રિંગના સ્ટૉલ્સ રાખ્યા. જેના ડિવૉર્સ થયા હતા તેની પાસે તણાવમાંથી મુક્ત થવા માટે ડિવૉર્સ કેક કપાવવામાં આવી અને કોરસ ગાયાં. અને ડિવૉર્સ રિંગ પહેરાવી. તેમને ભારપૂર્વક જણાવવામાં આવ્યું કે ડિવૉર્સનું કાળું પ્રકરણ ભૂલી જીવનને નવી રીતે સંભાળી સજાવવાનો પ્રયત્ન કરો.

આ ઉપરાંત પ્રદર્શનમાં એક સેમિનારનું આયોજન કર્યું અને કહેવામાં આવ્યું, ‘જે એકલતાથી તમે પીડાઓ છો, ચોક્કસ તમને બીજો સાથી ફરી મળશે. જો તમારા પાર્ટનરે લગ્ન કરી લીધાં છે તો તમે પીડિત જીવન શા માટે ગુજારો છો? તમારે પણ જીવનનો નવો રાહ પસંદ કરવો જોઈએ. આ માટે પ્રદર્શનમાં મેટ્રોમોનિયલ એજન્સીની સલાહ લઈ અનેક સ્ટૉલ્સ એવી એજન્સીને આપવામાં આવ્યા જે ઇચ્છાનુસાર ડેટિંગમાં મદદ કરે જેથી ડિવૉર્સની કટુતા ભુલાઈ જાય. સેમિનારમાં અનેક વિષયો પર નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે મા-દીકરીએ યોજેલા આ પ્રદર્શનને અભૂતપૂર્વ સફળતા મળી. ૯૭ ટકા ડિવૉર્સી લોકો આવ્યા અને તેમાં કેટલાકે પોતાના જ જૂના પાર્ટનર સાથે રહેવા માટે સંમતિ દર્શાવી અને ડેટિંગ દ્વારા લાચાર અને નિરાશાથી ભરેલા જીવનમાંથી મુક્તિ મેળવી નવા સંબંધને અપનાવી લીધા. ડિવૉર્સીનાં બાળકો માટે હેલ્પલાઇન શરૂ કરી જે બાળકોને સમય-સમય પર મદદ કરી શકે.

બાળકોની કસ્ટડી

અલબત્ત, ડિવૉર્સ લેવા એ કંઈ સારી વાત ન ગણાય. એની અસર સંતાનો પર ખરાબ થાય છે. વળી ડિવૉર્સ લેવાનું વિચાર્યા બાદ એ મેળવ્યા સુધીનો સમય ખર્ચાળ, યાતનાથી ભર્યો અને વિટંબણાદાયક હોય છે. સમાજ પણ એને માફ નથી કરતો. સ્ત્રી માટે બેવફા, બેશરમ, ઝઘડાળુ, અસંતોષી હોવાને કારણે ડિવૉર્સનું પગલું ભરવું પડ્યું એમ કહેવાય અને પુરુષ માટે બેવફા, શરાબી, જુગારી, શંકાખોર હોવાનું કારણ ગણાય છે.

ઘણા કાયદા બન્યા હોવા છતાં બાળકોની કસ્ટડી મેળવવા માટેની લડાઈ લાંબી ચાલે છે જે અસંવેદનશીલ તથા ખર્ચાળ પ્રક્રિયા છે અને બન્ને પક્ષને શરમ તથા ઊંડા દેવામાં ડુબાડે છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી ક્યારેક ચારિhય પર લાંછન લગાડવામાં આવે છે. સાક્ષીઓની ઊલટતપાસ કરી સત્યને છાવરવામાં આવે છે.

જીવનની દિશા શોધો

એ પણ એટલું જ સાચું છે કે આપણા દેશમાં ડિવૉર્સ કેક કાપીને કે ડિવૉર્સ રિંગ પહેરીને ઉત્સવ મનાવવામાં નથી આવતો. ડિવૉર્સીનું લેબલ લગાવી જીવવાને બદલે નવું જીવન જીવી અનેક વિકલ્પો હાથ ધરી શકાય છે. જેવી રીતે પોતાના જીવનસાથીનું મૃત્યુ થાય તો ભૂતકાળને યાદ કરીને, ગમમાં ડૂબી રહી જીવનનો ચાર્મ ગુમાવી પોતે તો દુ:ખી થઈએ અને અન્યોને પણ દુ:ખી કરીએ છીએ એને બદલે તેને ગમતી પ્રવૃત્તિમાં મન પરોવી લઈએ તો જીવનને એક દિશા મળી જશે.

જીવનનું લક્ષ્ય

એક ભાઈના મોટી ઉંમરે ડિવૉર્સ થયા. તેની પત્ની ભારે ઝઘડાળુ અને વાંધાવચકાવાળી હતી. તેઓ પત્નીથી ખરેખર થાકી ગયા હતા. આખરે તેમના ડિવૉર્સ થયા. આ ભાઈએ પોતાની મનગમતી પ્રવૃત્તિમાં મન ખૂંપાવી દીધું. વાંચન, લેખન, પ્રવચનો સાંભળવાં, આધ્યાત્મિક ચિંતન, ધ્યાન વગેરે પ્રવૃત્તિઓને કારણે તેમનું પાછલું જીવન સુધરી ગયું.

આ જ રીતે એક બહેનના પતિ ભારે શંકાખોર. જેની-તેની સાથે પત્નીનું નામ જોડે. બાળકો પરણી ગયાં. બાળકો પણ મમ્મીના પક્ષમાં હતાં. તે બહેને ડિવૉર્સ ન લીધા, પરંતુ હરિદ્વાર ચાલ્યાં ગયાં અને પોતાની મનપસંદ પ્રવૃત્તિમાં રત રહેવા લાગ્યાં. અનાથ બાળકોને મદદરૂપ થવા લાગ્યાં અને ગરીબ બાળકોને ભણાવવા લાગ્યાં. જીવનનું લક્ષ્ય મળી ગયું.

જીવનની નવી શરૂઆત

શ્વેતા તિવારીને પાંચ વર્ષની કાનૂની લડત પછી તેના પતિ રાજા ચૌધરી સાથે ડિવૉર્સ મળ્યાં છે. તેની દીકરી પલકની કસ્ટડી મેળવ્યા બાદ હવે તેણે બૉયફ્રેન્ડ અભિનવ કોહલી સાથે જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.

ગાંઠે બાંધી લો

કોઈ પણ કારણસર ડિવૉર્સ થયા હોય તો ક્યારેય જિંદગીથી હારી જઈ અયોગ્ય પગલું ભરવાની જરૂર નથી. એક વાત સમજી લો, ડિવૉર્સ એ જિંદગીનો એન્ડ નથી. અંત નથી, પરંતુ જીવનની નવી શરૂઆત છે. આ વાત ગાંઠે બાંધી લેવાની ખાસ જરૂર છે. એક વાર અસફળ થયા હો તો રડીને જિંદગી જીવવા કરતાં નવા જીવનની શરૂઆત કરવી બહેતર છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK