સિનિયર સિટિઝનોમાં વધી રહ્યા છે છૂટાછેડા

Published: 23rd November, 2011 08:24 IST

જીવનની સમીસંધ્યાએ જ્યારે એકબીજાના સાથની સર્વાધિક જરૂર હોય છે ત્યારે એવાં કયાં કારણો છે જે આવાં કપલોને છૂટાં પડવા તરફ દોરી રહ્યાં છે?(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

માણસ લગ્ન શા માટે કરે છે? તેને પ્રેમ, હૂંફ, સહારો, આત્મીયતા મળે અને રોજબરોજની વાતો શૅર કરવા માટે પાર્ટનર મળે. આનંદ-મંગલ અને સુખભર્યું ઉલ્લાસમય જીવન જીવી શકાય; પરંતુ આ લગ્નજીવન જ્યારે કંટાળાજનક બને, બોજ કે ઢસરડો બને ત્યારે છૂટાં પડી જવામાં જ શાણપણ છે. યંગ જનરેશન આવું માને છે. પરિણામે દિન-પ્રતિદિન ડિવૉર્સના કિસ્સા વધી રહ્યા છે. નાની-નાની વાતમાં વાંધાવચકા પાડી રાઈનો પહાડ બનાવી અદાલતમાં પહોંચે છે.

પરંતુ આશ્ચર્યતો ત્યારે થાય છે કે કોઈ જીવનની આથમતી સંધ્યાએ છૂટાછેડા લે. જ્યારે સંતાનો પોતપોતાના જીવનમાં સેટલ થઈ ગયાં હોય અને પાછલી ઉંમરમાં પ્રૌઢતાની મીઠાશ અને ગરિમા માણવાની હોય ત્યારે છૂટાં પડવાનું?

તાજેતરનો અખબારી અહેવાલ વાંચો. આખું આયખું મજૂરી કર્યા બાદ નિવૃત્તિ બાદનું જીવન સારી રીતે વિતાવવાનું સ્વપ્ન સજાવતા ૬૫ વર્ષના રમણલાલનાં ૬૦ વર્ષનાં પત્ની રમાબહેને તેમનાથી છૂટાં પડવાનો નિર્ણય લીધો. માતાના આ નિર્ણયને સમર્થન આપીને સંતાનોએ તેમની સારસંભાળ રાખી. રમાબહેનના આ નિર્ણયને કારણે તેમના પરિચિતો આશ્ચર્યચકિત થયા એમ છતાં રમણલાલનો સ્વભાવ જાણતા પરિવારજનોને આમાં કંઈ અજુગતું નહોતું લાગ્યું.

ફૅમિલી ર્કોટના આંકડા

વરિષ્ઠ નાગરિક હોવાથી એકબીજાનો સાથ જરૂરી હોવા છતાં એકબીજાથી કંટાળેલાં આ દંપતીઓ પોતાના વર્ષોના દામ્પત્યજીવનની પરવાહ કર્યા વગર છૂટાં પડે છે અને દિન-પ્રતિદિન આવા બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ફૅમિલી ર્કોટના આંકડા મુજબ પહેલાં મહિનામાં એકાદ વૃદ્ધ દંપતી છૂટાછેડા માટે અરજી કરતું હતું. હવે આ પ્રમાણ ચારથી પાંચ જેટલું થઈ ગયું છે. ચિંતાજનક વાત ગણાય. શું સહનશીલતા ઘટી ગઈ છે? લેટ-ગોની ભાવના લુપ્ત થવા માંડી છે? કે પછી ‘ઈગો’ ભાગ ભજવે છે? જીવનના ચાર-ચાર પાંચ-પાંચ દાયકા સુધી સાથે જીવનારાં દંપતીઓમાં એવી તો કેવી કડવાશ-કટુતા વ્યાપી ગઈ કે જીવનની સમીસંધ્યાએ તેઓ છૂટાછેડા લેવા મજબૂર થાય છે?

સત્ય ઘટના

લોકલાજે કે પછી બાળકો માટે વર્ષો સુધી લગ્નજીવનને સાચવવાની પળોજણમાં પડ્યાં રહેવું એના કરતાં છૂટાં પડી જવું સારું. આવું અમે નથી કહેતાં, સાડાચાર દાયકા સુધી લગ્નજીવનને ટકાવી રાખ્યા પછી પતિથી છૂટા પડેલાં ૬૫ વર્ષનાં વનિતાબહેન (નામ બદલ્યું છે) આવું કહે છે. કારણ પૂછતાં તેઓ કહે છે, ‘થાકી ગઈ તેમની વિચિત્ર હરકતોથી... કટકટિયા સ્વભાવથી અને શંકાખોર માનસથી. એક દીકરીને પરણાવી અને બીજી દીકરીને પરણવું નથી. એથી હું ને મારી દીકરી નવું ઘર લઈને (દીકરીના પૈસાથી જ તો વળી) ટેસથી રહીએ છીએ. આ ઉંમરે તો હું મારી રીતે જીવુંને? મારા મનને ગમે એવું કરું છું. ખૂબ આનંદમાં રહું છું. સાચું કહું, છૂટી તેમનાથી.’

આવો જ હમણાં થોડા વખત પહેલાં બીજો કિસ્સો જાણવા મળ્યો. ૭૦ વર્ષનાં સુલોચનાબહેન પોતાના ૭૫ વર્ષના પતિથી છૂટાં પડ્યાં. કારણ? પતિની દારૂ પીવાની આદત, એલફેલ બોલવાની ટેવ, ત્રાસી ગઈ હતી તેમનાથી. અમારા ત્રણેય છોકરાઓ પરણીને ઠરીઠામ થયા કે મેં છોકરાઓની સંમતિ લઈ આ પગલું ભર્યું. હવે શાંતિથી ધર્મધ્યાનમાં મન પરોવવું છે એવું સુલોચનાબહેન કહે છે.

માત્ર સ્ત્રીઓ જ પતિઓથી કંટાળે છે એવું નથી, ૭૦ વર્ષના મહેશભાઈ પોતાની પત્નીને સ્પષ્ટપણે કહી દે છે, ‘હવે આપણે બન્ને છૂટાં પડીએ એમાં જ મજા છે. મને હવે તારામાં રસ નથી. હું હવે શાંતિથી વૈશાલી સાથે રહેવા માગું છું. આ ઘર તારું... અને દર મહિને ઘરખર્ચના પૈસા તને મોકલી આપીશ.’

‘પણ મારો કાંઈ વાંકગુનો!’ ડઘાઈ ગયેલી સરોજ બોલી ઊઠે છે.

‘સાંભળ, તારો વાંકગુનો એટલો જ કે તું આખો દિવસ ધર્મધ્યાનમાં પડી રહે છે. વ્રત, જપ, તપ અને પ્રવચનમાં જ તારી જિંદગી જીવી રહી છે. મારી તરફ તારું કોઈ ધ્યાન જ નથી. મેં આટલાં વર્ષ ખૂબ શાંતિ રાખી, પરંતુ તું મારી પ્રત્યે તદ્દન બેપરવા રહી.’ અકળાતાં મહેશભાઈ બોલી ઊઠ્યા.

સામાન્યપણે સ્ત્રી એવું માનવા લાગે છે કે સંતાનો મોટાં થઈ જાય, પરણીને ઠરીઠામ થઈ જાય એટલે લગ્નજીવનમાં રસ ઓછો કરી ધર્મધ્યાનમાં જ મન પરોવવું એ જ શાસ્ત્ર છે. ધર્મધ્યાન કરવા કે સારા આચારવિચાર અમલમાં મૂકવા સામે કોઈ વાંધોવિરોધ હોઈ જ ન શકે, પરંતુ પોતાની કામેચ્છા મરી પરવારી હોય એથી પતિને પણ ફરજિયાતપણે સાધુજીવન ગાળવા મજબૂર કરવા એ કયા ધર્મનું આચરણ છે?

ગૂંગળાતું દામ્પત્યજીવન

જીવનની સમીસંધ્યાએ વળી છૂટાછેડા. કલ્પના પણ કરી ન શકાય, પરંતુ આજે વાસ્તવિકતા બની છે. વકીલો આ વાતને પુષ્ટિ આપતાં કહે છે કે પ્રત્યેક મહિને આઠથી દસ અરજી આવે છે. જોકે કેટલાંક દંપતી કાયદેસર છૂટાં ન પડે તોય સમજૂતીથી અલગ રહેવા માગતાં હોય છે, કેમ કે આ ઉંમરે સમાજમાં હોહા ન થાય અને કાયદાની આંટીઘૂંટીમાં પણ ન પડવું હોય એથી સમજણપૂર્વક છૂટાં થાય છે. બાળકો માટે પતિને સહન કરતી સ્ત્રી બાળકો મોટાં થઈ જાય અને પરણી જાય કે તરત જ છૂટાં પડવાની ઇચ્છા વ્યક્ત કરે છે. કદાચ એકધારી જિંદગી બોજ બની ગઈ હોય. એ વ્યક્તિઓ ઠૂંઠાંની જેમ એકબીજા સાથે વર્ષો સુધી સાથે રહેતાં હોય તો એમાં વાંક લગ્નપ્રથા કે લગ્નસંસ્થાનો નથી, વાંક બન્નેનો છે. ગૂંગળાતું દામ્પત્યજીવન બોજ બની જાય છે, ઢસરડો બની જાય છે. ગૂંગળાતાં પતિ-પત્નીએ પોતાનો ઑક્સિજન પોતાની મેળે શોધી લેવાનો હોય છે.

સારું, સરસ અને અરસપરસ આદર ધરાવતું દામ્પત્યજીવન માટે ઝીણું-ઝીણું ધ્યાન રાખવું પડે છે, મહેનત કરવી પડે છે. અરસપરસની માત્ર ખામીઓ ન જોતાં ખૂબીઓ જોવાથી દામ્પત્યજીવન મહોરી ઊઠે છે.

છૂટાં પડવાનાં કારણો

અરસપરસ ખામીઓ શોધી, અંગુલિનર્દિેશ કરી એકબીજાને સતત ધુતકારતાં અને હડધૂત કરતાં પતિ-પત્નીનું જીવન કૂતરા જેવું બની જાય છે, કેમ કે બન્ને એકબીજાને જોતાં હાઉ-હાઉ કરવા લાગે છે.

લગ્નજીવનનાં પાછલાં વર્ષોમાં અરસપરસ હૂંફ અને સધિયારો માણવાને બદલે છૂટાછેડા ચિંતાજનક બાબત તો ખરી જ, પણ એનું કારણ પણ તેઓ (પતિ-પત્ની) પોતે જ છે. ક્યાંક સ્વભાવ, ક્યાંક અણસમજ, ક્યાંક બુરી આદત, ક્યાંક ઉડાઉપણું, ક્યાંક અફેર, ક્યાંક શંકાખોર માનસ, ક્યાંક મનમેળનો અભાવ તો ક્યાંક ઈગો-પ્રૉબ્લેમ... આવા સત્યથી ભરેલા અનેક સંજોગોમાં છૂટાછેડા આવકાર્યરૂપ બને છે. બોજ ખેંચ્યા કરવા કરતાં સ્વસ્થ થઈ જવું એ જીવન માટે વધુ ઇચ્છવાયોગ્ય છે.

પતિ-પત્ની એકસાથે એક છત્ર હેઠળ રહેવા છતાં બન્ને એકમેકને કેટલાં ઓળખી શકે છે? મોટે ભાગે પત્ની પતિની તાણને સમજી શકતી નથી. લગ્નજીવનને ચાર-ચાર, પાંચ-પાંચ દાયકા વીતી જાય છતાંય પતિ-પત્ની તેમની આકાંક્ષાથી અજાણ હોય છે. જીવન ખેંચ્યે રાખે છે, રગશિયા ગાડાની જેમ. એમાં લાગણી, પ્રેમ, ઉષ્મા કે ઉમળકાનો સદંતર અભાવ હોય છે. આત્મીયતાની તો વાત જ ક્યાં કરવી! આવું નીરસ, અરસિક, શુષ્ક લગ્નજીવન પરાણે સાથે રહીને, મન મારીને જીવવું એના કરતાં છૂટાં પડવામાં શું વાંધો? પાછલી જિંદગી પોતાની મનગમતી રીતે તો જીવી શકાય.

લગ્નને બચાવી શકાય

લગભગ ત્રણેક વર્ષ પહેલાં ‘ને તમે યાદ આવ્યા...’ નામનું નાટક જોયું હતું. એમાં સારથિ શોભિત દેસાઈએ સભાગૃહમાંથી એક પ્રૌઢ યુગલને સ્ટેજ પર બોલાવ્યું અને પતિને પૂછ્યું, ‘તમે તમારી પત્નીને ‘આઇ લવ યુ’ ક્યારે કહ્યું હતું?’

પતિ અચકાતાં ધીમેથી બોલ્યો, ‘લગભગ એક વર્ષ પહેલાં...’

આ સાંભળતાં જ શોભિત દેસાઈ બોલી ઊઠ્યા, ‘વાહ! તમે જાહેરમાં કબૂલ કર્યું. અરે મારા ભાઈ! પત્નીની દાળ સારી થાય તો પણ તેને બિરદાવો.’

વાત તો તદ્દન સાચી છે. નાની-નાની ખુશીઓને બિરદાવતાં પતિ-પત્ની બન્ને એકમેક પ્રત્યે ઊંડો આદર ધરાવવા લાગે છે.

આ સંદર્ભમાં એક નાનકડી વાત યાદ આવે છે. એક ભાઈ મોટી ઉંમરે વિધુર થયા. પત્ની તેનું એટલું બધું ધ્યાન રાખતી હતી કે હવે જીવન આકરું લાગવા લાગ્યું. એક દિવસ કહે, ‘મને મારી પત્નીના હાથનાં મેથીનાં થેપલાં ખૂબ યાદ આવે છે. ખૂબ સરસ બનાવતી હતી.’

ત્યારે તેમનો મિત્ર બોલ્યો, ‘ભાઈ, તારી પત્ની જીવતી હતી ત્યારે તેને કદી થેપલાં માટે બિરદાવી હતી? ક્યારેક તેની કદર કરી હતી?’

ના, બોલતાં પેલા વિધુર ભાઈ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK