ડિવૉર્સની બાળકો પર અસર

Published: 7th December, 2011 08:26 IST

દરેક ઉંમરના બાળકની મન:સ્થિતિ અને સમજશકિત અલગ હોય છે. પેરન્ટ્સના છૂટાછેડાને લીધે જુદી-જુદી ઉંમરનાં બાળકો પર કેવો પ્રભાવ પડે છે એ વિશે જાણી લઈએ(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

આજકાલ ડિવૉર્સનું પ્રમાણ વધતું જાય છે. તાજાં પરણેલાં કપલ્સથી માંડીને પ્રૌઢ કપલ્સ ડિવૉર્સ લેવા માંડ્યાં છે. આપણે ડિવૉર્સનાં કારણોની ચર્ચા નથી કરવી, પરંતુ એને કારણે તેમનાં બાળકો પર કેવી માઠી અસર પડે છે, તેમના કોમળ-નાજુક દિલને કેવી ઊંડી ઠેસ પહોંચે છે એની વાત કરીએ. પેરન્ટ્સની જુદાઈ તેને એકલું અને તનાવગ્રસ્ત બનાવી દે છે. તે અતડું રહેવા માંડે છે. તેના દિલની હાલત ન કહી શકાય, ન સહી શકાય એવી બની જાય છે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં એવી બાબત સામે આવી છે કે ડિવૉર્સી કપલ્સનાં બાળકોનો સામાજિક તથા માનસિક વિકાસ યોગ્ય રીતે થતો નથી. તે ભણવામાં પણ અન્ય બાળકોથી પાછળ પડે છે. માતા-પિતાના ડિવૉર્સને કારણે જુદી-જુદી ઉંમરનાં બાળકો પર કેવો પ્રભાવ પડે છે એ વિશે આપણે જાણીએ.

એકથી પાંચ વર્ષનાં બાળકો

પાંચ વર્ષ સુધીનાં બાળકો પોતાની આજુબાજુ રહેવાવાળા એટલે કે આડોશપાડોશના લોકો સાથે વધારે જોડાયેલાં હોય છે, પરંતુ તેમને આસપાસ બનતી ઘટના કે વાતોની સમજ હોતી નથી. ડિવૉર્સ પછી જો બાળકની કસ્ટડી માતાની પાસે છે તો તે પિતાની ગેરહાજરીથી ટેવાઈ જાય છે, પરંતુ ઘરમાં બાળકને સંભાળવા માટે માતા સિવાય બીજું કોઈ ન હોય ત્યારે તેની હાલત બગડે છે. આજુબાજુનાં ઘરોમાં દાદા-દાદી, નાના-નાની કે અન્ય સભ્યો હોય છે, જ્યારે પોતે તદ્દન એકલું છે એટલે અસહાય સ્થિતિ મહેસૂસ કરે છે.

જો પતિ-પત્ની સમજદાર હોય તો બાળકની કસ્ટડીનો મામલો ર્કોટ-કચેરીમાં લઈ જવાને બદલે અરસપરસ સમજી લે. આ ઉંમરના બાળકને માતાની જરૂર વધુ હોવાથી તેને માતા પાસે રહેવા દો. જો માતા આર્થિક રીતે નબળી હોય તો તેને મદદ કરવાની જવાબદારી પિતાની છે.

પાંચથી દસ વર્ષનાં બાળકો

આ ઉંમરનાં બાળકો ચીજવસ્તુને સમજે છે અને પોતાની ઇચ્છા પણ દર્શાવે છે. આ ઉંમર શીખવા માટે અત્યંત મહત્વની હોય છે. વળી આ ઉંમરનાં બાળકો ડિવૉર્સને સમજી નથી શકતાં એટલે તેઓ વારંવાર વિચારે છે કે મારાં મમ્મી-પપ્પા છૂટાં કેમ પડ્યાં? મારા મિત્રોના પેરન્ટ્સની જેમ મારા પેરન્ટ્સ કેમ સાથે નથી રહેતા? આવા સવાલો વારંવાર તેને પરેશાન કરે છે અને એનાથી તેના માનસિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે.

પતિ કે પત્ની જેની સાથે બાળક રહેતું હોય તો તેને વધુ ને વધુ સમય આપવાની કોશિશ કરો. ઘરનો માહોલ પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરો. બાળકની સામે એકબીજાની બૂરાઈ ન કરો. તેના સવાલોના પ્રેમથી-સંતોષપૂર્વક જવાબ આપો. તેના પર કારણ-અકારણ ખિજાઈ ન જાઓ. આ ઉંમરના બાળકને સ્કૂલ-ફિયર પણ થઈ શકે છે, કેમ કે સ્કૂલમાં તેના મિત્રો તેના પેરન્ટ્સ વિશે પૃચ્છા કરે તો તે શરમથી અપૂર્ણતા મહેસૂસ કરે છે. તેને સમજાવો કે કોઈથી ડરવાની જરૂર નથી. તમારા પાર્ટનર સાથે મળવા દો એટલે તે એકલતા નહીં અનુભવે.

૧૦થી ૧૫ વર્ષનાં બાળકો

આ ઉંમરનાં બાળકો સમજદાર બની જાય છે. હૉર્મોન્સના બદલાવને કારણે તે કોઈ પણ ચીજ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે. પેરન્ટ્સના ડિવૉર્સને કારણે તે અકળાય છે કે આ શું થઈ રહ્યું છે. આવું મારી સાથે જ કેમ થાય છે? ઉંમરના આ ગાળામાં બાળકોને ઇમોશનલી સ્ટ્રૉન્ગ બનાવવા માટે મા-બાપ બન્નેનો પ્રેમ અને માર્ગદર્શનની જરૂર હોય છે. વાસ્તવમાં તેઓ પેરન્ટ્સની જુદાઈ સ્વીકારી શકતાં નથી. તેમને સંબંધો પરથી વિશ્વાસ ઊઠી જાય છે. મોટા ભાગે એવું જોવા મળે છે કે માતા-પિતા બન્નેનો પ્રેમ અને સાથ ન મળવાને કારણે બાળકો જિદ્દી બની જાય છે. બીજા બાળકને પોતાના પેરન્ટ્સ સાથે જોતાં તેનું કુમળું મન ઘવાય છે અને તે પોતાને અનલકી માની પરેશાન થાય છે. જો આ ઉંમરની છોકરીઓની કસ્ટડી પિતા પાસે હોય તો તેઓ પોતાની ભાવના તથા પરેશાનીઓને શૅર કરી ન શકવાથી કુંઠિત બની જાય છે. ડિવૉર્સ પછી ઘરનો તનાવગ્રસ્ત માહોલ બાળકોના ભણતર પર પણ ખરાબ અસર કરે છે.

આ ઉંમરના બાળકના મનમાં અનેક પ્રશ્નો ઊઠે છે. તેના દરેક પ્રશ્નનો પૉઝિટિવ ઉત્તર આપો. તેને માતા-પિતા બન્નેનો પ્રેમ આપવાની કોશિશ કરો એટલે તેને ઊણપ ન સાલે. એક બીજી વાત, બાળકની દરેક ડિમાન્ડ પૂરી કરવાની ભૂલ ન કરો, નહીં તો તે જિદ્દી બની જશે. તેની સાથે મૈત્રીભર્યો સંબંધ રાખો તથા તેની વાતોમાં રસ લો. તમારી વાતો પૉઝિટિવ હોવી જોઈએ, સાથે-સાથે તેને એવા સંસ્કાર આપો કે તે સંબંધોની મહત્તાને સમજી શકે. જો બાળકને સ્વિમિંગ, ડાન્સિંગ, સિન્ગિંગ કે રમતોમાં દિલચસ્પી હોય તો તેને એ માટે પ્રોત્સાહિત કરો. ભણવા માટે તેની પાછળ હાથ ધોઈને ન પડો છતાં તેની સ્કૂલ, મિત્રો, શિક્ષકોની વાતો એક મિત્રની જેમ રસ લઈને સાંભળો. તેને ખરા-ખોટાનો ભેદ સમજાવો. તેને સલાહ આપવાને બદલે સમજાવટથી કામ લો.

૧૫થી ૨૦ વર્ષનાં બાળકો

આ ઉંમર મહત્વની છે. આ ઉંમરનાં બાળકોની અલગ દુનિયા હોય છે. તેઓ પોતાના ભવિષ્યને શણગારવાની કોશિશમાં પડ્યાં હોય છે. તેમના ચોક્કસ વિચારો હોય છે. એવામાં પેરન્ટ્સનું છૂટા પડવું કે અલગ થવું તેમને માટે આઘાતજનક હોય છે. જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગે છે. જાણે પોતાની દુનિયા ઊજડી ગઈ હોય એવું લાગે છે. કેટલાક તો આ આઘાતથી જિંદગી પ્રત્યે તદ્દન ઉદાસ-ગમગીન થઈ જાય છે. ઘરનો નિરાશાજનક માહોલ તેમને તદ્દન નિરાશ-હતાશ બનાવી દે છે. ઉપરાંત ડિવૉર્સને કારણે મિત્રોના સવાલ કે મજાક પણ તેમને હાડોહાડ લાગે છે અને કેટલીક વાર બાળકો માતા-પિતા બન્નેથી દૂર થઈ જાય છે. આ વિશે તે મા-બાપને સ્વાર્થી સમજવા લાગે છે. તેમના પ્રત્યે તેના મનમાં નફરતની ભાવના ઘર કરી જાય છે એટલે કે ડિવૉર્સ માત્ર કપલ્સને જ એકબીજાથી જુદા નથી કરતા, પરંતુ બાળકને પણ પેરન્ટ્સથી દૂર-જુદા કરી દે છે.

ઘરનો માહોલ તનાવગ્રસ્ત હોય. માતા-પિતા વચ્ચેના ઝઘડા, બોલાચાલી, મારકૂટને કારણે બાળક અકળાય છે. હવે જ્યારે છૂટા પડવું જ છે તો બાળકને કોઈ પણ દબાણ વગરની પરિસ્થિતિને સ્વીકારવા માટે તૈયાર કરો. તેને સમજાવો કે અમે ભલે છૂટાં પડીએ, પરંતુ દરેક પળે તારી સાથે જ છીએ. બની શકે તો તેને ડિવૉર્સનું સાચું કારણ સમજાવવાની કોશિશ કરો એટલે તે તમને સ્વાર્થી ન સમજે. આ ઉંમરનાં બાળકો બધું જ સારી રીતે સમજી શકતાં હોવાથી તમે તમારી સમસ્યાઓની ડિસ્કશન કરી શકો છો.

વળી, આ ઉંમરનાં બાળકો શિક્ષણ અને કરીઅરને લઈને સિરિયસ હોય છે. તેમના માર્ગદર્શક બનવું તમારે માટે ખૂબ જરૂરી છે. તેમના બહેતર ભવિષ્ય માટે તેમને નેગેટિવ અને તનાવગ્રસ્ત માહોલથી દૂર રાખવાની કોશિશ કરો. ક્યારેક પેરન્ટ્સના છૂટા પડવાને કારણે તે ખોટા સંગ અને નશાનો પણ આદી થઈ જાય છે એટલે આ કપરા સમયમાં બાળકનો ખાસ ખ્યાલ રાખો. તે સ્વચ્છંદી બની ખરાબ રાહ પર ભટકી ન જાય એની જવાબદારી તમારી છે. ટૂંકમાં, તમારા ડિવૉર્સની અસર તમારા બાળક પર ન થાય એનો ખાસ ખ્યાલ રાખો. એ પછી તે ગમે તે ઉંમરનું હોય.

બાળકોની સ્થિતિ

ર્કોટમાં પાંચ વર્ષના બાળકને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તારે કોની સાથે રહેવું છે? મમ્મી સાથે કે પપ્પા સાથે? ત્યારે તે રડતાં-રડતાં હીબકાં ભરતાં બોલે છે, મારે બન્ને સાથે રહેવું છે, કેમ કે બાળકને માતા-પિતા બન્નેના પ્રેમદુલારની જરૂર પડે છે, પરંતુ ડિવૉર્સ પછી તે માતા-પિતામાંથી કોઈ એકથી દૂર થઈ જાય છે અને આ જુદાઈ તેના કોમળ મનને ધક્કો પહોંચાડે છે. માતા-પિતાની વચ્ચે આવેલા અંતરને કેટલાંક બાળકો સહન નથી કરી શકતાં. પરિણામે તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK