દેવેન્દ્ર ફડણવીસ સાથે હવામાનની ચર્ચા કરી : અજિત પવાર

Published: Dec 10, 2019, 10:38 IST | Solapur

શિવસેનાની આગેવાનીની સરકાર બન્યા બાદ બન્ને નેતાઓ પહેલી વાર સોલાપુરમાં સાથે જોવા મળ્યા

અપક્ષ વિધાનસભ્ય સંજય શિંદેની દીકરીનાં લગ્નમાં સોલાપુરમાં એકસાથે જોવા મળેલા નેતાઓ.
અપક્ષ વિધાનસભ્ય સંજય શિંદેની દીકરીનાં લગ્નમાં સોલાપુરમાં એકસાથે જોવા મળેલા નેતાઓ.

ગયા મહિને ૮૦ કલાકની સરકારના પતન બાદ એનસીપીના નેતા અજિત પવાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે પહેલી વખત એકસાથે જોવા મળ્યા હતા. અજિત પવારે કહ્યું હતું કે અમે પર્યાવરણ વિશે વાતચીત કરી હતી.

રાજ્યમાં સરકાર રચવા બાબતમાં આવેલા ચોંકાવનારા વળાંકમાં ૨૩ નવેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાનના અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાનના શપથ લીધા હતા. બન્નેએ ઉતાવળમાં સવારના સમયે શપથ લેતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. જોકે તેમની એ સરકાર માત્ર ૮૦ કલાક ટકી હતી.

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહા વિકાસ આઘાડીની સરકાર બન્યા બાદ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સોલાપુર જિલ્લામાં અપક્ષ વિધાનસભ્ય સંજય શિંદેની દીકરીના લગ્નપ્રસંગે મળ્યા હતા. તેમણે ૨૦ મિનિટ જાહેરમાં વાતચીત કરી હતી.

અજિત પવારે પુણે જિલ્લાના બારામતીમાં પત્રકારોને કહ્યું હતું કે ‘અમે સાથે બેઠા હતા એનો અર્થ એવો નથી કે કંઈક નવું રંધાઈ રહ્યું છે. અમે વાતાવરણ અને વરસાદ બાબતે ચર્ચા કરી હતી. લગ્નપ્રસંગમાં અમારી બેઠક બાજુબાજુમાં હોવાથી અમે વાતચીત કરી હતી. રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દુશ્મન કે મિત્ર નથી હોતા. આથી વિરોધ પક્ષના નેતા હોય કે સત્તામાં સાથે હોય, વાતચીત તો થતી જ રહે છે.’

આ પણ વાંચો : વિરોધ વચ્ચે નાગરિકતા સુધારા બિલ પસાર

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે એક ટીવી-ચૅનલને કહ્યું હતું કે રાજ્યમાં સરકાર રચવા માટે અજિત પવારે તેમનો સંપર્ક કર્યો હતો. આ પાર્ટીનો નિર્ણય હોવાનો વિશ્વાસ કરીને અમે હાથ મિલાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK