અમિતભાઈ, અમે આવું નહોતું ધાર્યું!

Published: Nov 03, 2019, 13:40 IST | ઉઘાડી બારી ડૉ. દિનકર જોષી | મુંબઈ

ન લખવું જોઈએ એવું મેં લખ્યું છે એવું જો આપને લાગે તો ક્ષમા કરજો. ૧૯૫૧-૬૦ના દાયકામાં સૌરાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં થોડોક લપેટાયેલો હતો અને ત્યારે જે જોયું હતું અને આજે જે જોઉં છું એ બન્ને વચ્ચે જે આભધરતીનું અંતર પડી ગયું છે .

અમિત શાહ
અમિત શાહ

પ્રતિ
શ્રી અમિત શાહ
અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી,
નવી દિલ્હી

આદરણીય શ્રી અમિતભાઈ,
આપણી વચ્ચે આમ તો પત્રવ્યવહારનો કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. એક વાર જ્યારે આપ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે નજીવો ટેલિફોનિક સંવાદ થયેલો એ મને યાદ છે. આપને યાદ ન પણ હોય. ન જ હોય! મારી મહમદઅલી ઝીણાના જીવન પર આધારિત નવલકથા ‘પ્રતિનાયક’ આપના વાંચવામાં આવેલી. મારા એક મિત્ર જે આપના પણ પરિચિત હતા તેમણે આ પુસ્તક આપને વાંચવા આપેલું અને પછી આ મિત્ર અને આપે આપના કાર્યાલયમાંથી જ આ પુસ્તક વિશે મને ફોન કરેલો. આ પુસ્તક આપને વાંચ્યા પછી ગમ્યું હતું એ વાત મને તો યાદ રહે જ! આપને આજે સહેજ યાદ આપું છું. એ નજીવી વાતચીતની એંધાણીએ આજે આ પત્ર હું આપને લખી રહ્યો છું. ખરું કહું તો હિંમત કરી રહ્યો છું.
આ પત્ર લખી રહ્યો છું ત્યારે ૨૦૧૯નાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં એ સાંજ નજર સામે તરવરે છે. ૩૭૦મી કલમ કાશ્મીરમાંથી હટાવી લીધી એના બચાવમાં સંસદમાં આપે જે જોરદાર રજૂઆત કરી હતી એ ટી. વી. પર જોયેલું દૃશ્ય યાદ આવે છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી આપે બેઠકોનો જે ગાંસડો વાળ્યો હતો એ યાદ આવે છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશની વિધાનસભામાંથી આપે જે રીતે સાઇકલ અને હાથી સુધ્ધાંને હથેળી વચ્ચે તમાકુ મસળતા બ્રાહ્મણની જેમ મસળી નાખ્યાં એ સાંભરે છે. આ બધું જોતાં-સાંભળતાં મનના કોઈક ઊંડા ખૂણામાંથી સરદાર પટેલ અને પછી વિષ્ણુગુપ્ત ચાણક્ય પણ ઊભરી આવતા હતા. દેશને જરૂર હતી-છે સરદાર અને ચાણક્યની! એમ થતું હતું ૨૦૧૯ના લોકસભા વિજયની સાંજે હજારો કાર્યકર્તાઓ સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આપ મંચ પર ખભેખભો મેળવીને અભિવાદન ઝીલી રહ્યા હતા-જાણે સપનું સાકાર થઈ રહ્યું છે.
આજે આ પત્ર લખી રહ્યો છું ત્યારે પણ સરદાર અને ચાણક્ય જ ફરી-ફરીને સાંભરે છે-આપે જ આ બન્નેની યાદ મને તાજી કરી આપી છે. હમણાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનાં ચૂંટણી પરિણામો જાહેર થયાં અને આ બન્ને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો જે ધ્વજ ફરકતો હતો એ ઊતરી ગયો છે એમ તો ન કહેવાય; પણ એ ધ્વજમાં કરચલીઓ પડી ગઈ છે, આગળ-પાછળથી ક્યાંક ચીંથરું ફાટી ગયું છે એટલું તો આપે પણ આડકતરું સ્વીકારી લીધું છે. ચૂંટણીનાં પરિણામો વિશે પ્રત્યાઘાત આપતાં આપે એવું નિવેદન કર્યું કે ઘરના ઘાતકીઓના કારણે જ આ બે રાજ્યોમાં પક્ષનો દેખાવ ઊજળો થયો નથી.
આ ઘરના ઘાતકીઓ એટલે કોણ એવું આંગળી ચીંધીને આપે નામ નથી આપ્યું, પણ આ નામાવલિ ચૂંટણી જીતનારાઓ પણ જાણે છે અને હારનારાઓ પણ સારી રીતે જાણે છે. ૨૦૧૯ના અશ્વમેધ યજ્ઞનો આપનો અશ્વ જે રીતે ફરી વળ્યો હતો એ જોઈને એને વળગવા ચારેય બાજુથી જીવડાઓ, જંતુઓ, કીડીઓ સળવળાટ કરવા માંડે એ તો જાણે સમજી શકાય એવી વાત હતી; પણ આ અશ્વનું રક્ષણ જેને સોંપાયું હતું એવા આપે આ તમામ જીવડાંઓને ઓળખ્યા-પાળખ્યા વિના એકાદી ચૉકલેટ જેવા તત્કાલ લાભ માટે આ અશ્વ સાથે સાંકળવા માંડ્યા એમાં આ ઘાતકી પરંપરાનું બીજારોપણ હતું એવું આપને નથી લાગતું?
યાદ કરો અમિતભાઈ, ૨૦૧૯ની ચૂંટણી પછી કેટલાંબધાં જંતુડાનાં ટોળાંઓને તમે વિપક્ષી મટાડીને સપક્ષી કરી મૂક્યાં? આ ટોળાંઓને તમે ગઈ કાલે જેને કાગડા તરીકે ઓળખાવતા હતા એમને માનસરોવરના હંસ બનાવી દીધાં! ધોબીઘાટના કોઈક પથ્થરને મંદિરમાં મૂકી દેવાથી એ દેવમૂર્તિ નથી બની જતી! એ માટે તો પથ્થરના ઘાટ ઘડવા પડે છે અને પછી ઘાટ ઘડેલા એ પથ્થરની પ્રાણપ્રતિષ્ઠા કરવી પડે છે-પ્રાણપ્રતિષ્ઠા પામેલો એ પથ્થર દેવમૂર્તિ બને છે!
બબ્બે-ત્રણ-ત્રણ દાયકાથી આવી પ્રાણપ્રતિષ્ઠાની પ્રતીક્ષા કરી રહેલા કાર્યકર્તાઓને હડસેલીને બહારથી આયાત કરેલા પથ્થરોને દેવમૂર્તિ બનાવી દેવાનું પરિણામ આ રીતે ‘ઘરના ઘાતકી’નાં ટોળાં પેદા કરવા સિવાય બીજું શું આવે? રાજકારણમાં વિચારસરણી ન જ બદલાય એવું નથી. કોઈ પણ વૈજ્ઞાનિક માણસ પોતાનો મત બદલે તો એનાથી તેનો પક્ષપલટો થાય, પણ આપે જે પક્ષપલટાઓ છેલ્લા વરસ-છ મહિનામાં સ્વીકાર્યા છે એ કોઈ વૈચારિક પક્ષપલટા તો નથી જ. આ પક્ષપલટુઓ માટે આપ ‘કૉન્ગ્રેસમુક્ત ભારત’ જેવો શબ્દ પ્રયોજો છો, પણ આ પક્ષપલટાઓ સ્વયં આપને અને આપના પક્ષને ‘કૉન્ગ્રેસયુક્ત’ બનાવી દે છે એનો સ્મૃતિલોપ કેમ થાય છે?
કોઈ પણ આયાતી માલ એકંદરે મોંઘો પડતો હોય છે એ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત સમાજશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રને પણ લાગુ પડે છે. ભારતીય જનતા પાર્ટી માટે શ્યામા પ્રસાદ મુખરજીથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધી સૌ એમ કહેતા કે આ પક્ષ જુદા જ પ્રકારનો રાજકીય પક્ષ છે. આ જુદો પ્રકાર એટલે આજે એનું એ જ થઈ ગયું છે એનું અમને ભારે દુ:ખ છે. નેહરુ-ગાંધીના વંશવારસાથી માંડીને મુલાયમ કે કરુણાનિધિએ જે કર્યું એનું જ અનુસરણ બીજેપીના નેતાઓના કેટલા કુટુંબકબીલાએ કર્યું છે એની યાદી આપને તો મોઢે હોય જ. ક્યાંક રાજદ્વારી હોદ્દાઓની લહાણી થઈ તો ક્યાંક કમાઉ સંગઠનોના પદાધિકારીઓ ઘરકુટુંબના મહારથીઓ જ ગોઠવાઈ ગયા. જે શરદ પવારે કર્યું, જે બાળાસાહેબ ઠાકરેએ કર્યું એની જ તો આ પરંપરા. અમારે આમાંથી મુક્તિ જોઈતી હતી અને એટલે સરદાર અને ચાણક્યને સંભારતી વખતે અમે આપની સામે જોતા હતા. અમિતભાઈ, આપે આ શું કર્યું?
સત્તા વિના રાજનીતિમાં ચાલે નહીં એવી વાત ચાણક્ય અને મૅકિયાવેલી જેવા રાજનીતિજ્ઞોએ ભારપૂર્વક કરી છે એ વાત સાચી અને એટલે આપે કેટલીક વાર તડજોડ કરવી પણ પડે એ વાતની અમને જાણકારી તો છે જ અને આમ છતાં મહારાષ્ટ્રની ૨૦૧૪-૨૦૧૯ની સરકારમાં આપે શિવસેનાની જે શરણાગતિ સ્વીકારી હતી એનું તો અમને ભારે દુ:ખ છે. ગઠબંધન યોજાય એમાં કંઈ ખોટું નથી, પણ ગઠબંધનના સાથી પાસેથી પરિણીતાની પ્રામાણિકતા અપેક્ષિત હોય છે. મહારાષ્ટ્રમાં આ અપેક્ષાથી વાસ્તવિકતા બહુ દૂર હતી. આમ છતાં આ ગઠબંધન તમે નિભાવ્યું-સત્તા અને માત્ર સત્તા માટે. શિવસેના એની સાંસ્કૃતિક ધરોહર પ્રમાણે સાવ સાચી હતી પણ આપે આપની સાંસ્કૃતિક ધરોહર - શ્યામા પ્રસાદ મુખરજી અને દીનદયાળ ઉપાધ્યાયની કેમ વિસારે પાડી?
મહારાષ્ટ્ર અને હરિયાણા ઉપરાંત ગુજરાતની વિધાનસભાની છ પેટાચૂંટણીઓએ જનમતનો જે સંદેશો આપ્યો છે એ કામચલાઉ નથી, લાંબા ગાળાનો છે. દેવીલાલો, ભજનલાલો અને બંસીલાલો ભૂતકાળ બની ગયા; પણ તેમના વારસદારો બધે ફરી વળ્યા છે એ જોતાંવેંત કમકમાં આવે છે. દેવીલાલના પ્રપૌત્ર દુષ્યંતકુમાર બીજેપીની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બને કે તરત જ પિતાશ્રી અભયકુમારની જેલમુક્તિ થઈ જાય એ દૃશ્ય કેટલું બધું બેહૂદું લાગે છે! ગુજરાતમાં જેઓ ગઈ કાલે બહિષ્કૃત હતા તેમને ખોળામાં બેસાડીને આપે ફરી વાર લોકો સામે ધર્યા ત્યારે લોકોએ તેમના ગાલ પર તમાચો માર્યો. આ તમાચો શું આપના માટે પણ પૂરતો સંકેત નથી? આપની પાસેથી અમારી અપેક્ષા શું હતી અને અમને આ શું મળ્યું? ભગવા રંગનો કૂચડો ફેરવી દેવાથી કા‍ળો રંગ સંતાડી શકાય ખરો, પણ એનાથી ઊજળા દૂધ જેવો રંગ ઉપજાવી શકાય નહીં.
છેક ૧૯૦૯માં ગાંધીજીએ લોહશાહીની આ ચૂંટણીઓને ‘વેશ્યા’ અને ‘વંધ્યા’ એમ બેય નામે ઓળખાવી છે. લોકશાહી રૂપાળી છે, મન મોહી લે એવી છે પણ જો એ વેશ્યા હોય અથવા તો વંધ્યા હોય તો એનું સ્ત્રીત્વ, એનું નારી ગૌરવ હીણું જ કહેવાય અને એને આવું હીણું બનાવવામાં આપ કાં સહકાર આપો?
ન લખવું જોઈએ એવું મેં લખ્યું છે એવું જો આપને લાગે તો ક્ષમા કરજો. ૧૯૫૧-૬૦ના દાયકામાં સૌરાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં થોડોક લપેટાયેલો હતો અને ત્યારે જે જોયું હતું અને આજે જે જોઉં છું એ બન્ને વચ્ચે જે આભધરતીનું અંતર પડી ગયું છે એનાથી જીવ બળીને રાખ થઈ જાય છે અને એટલે આટલું લખાઈ ગયું છે. થોડું લખ્યું ઝાઝું કરીને વાંચજો, ભૂલચૂક લેવીદેવી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK