Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમ્મા એની બેસન્ટ

અમ્મા એની બેસન્ટ

29 September, 2019 11:47 AM IST | મુંબઈ
ડૉ. દિનકર જોષી-ઉઘાડી બારી

અમ્મા એની બેસન્ટ

એની બેસંટ

એની બેસંટ


ગાંધી ૧૫૦ આ આખું વરસ આપણે ધામધૂમથી ગાંધીજીને યાદ કર્યા. આ વરસ હવે પૂરું થયું. નવા શરૂ થતા વરસમાં હવે આપણે એમને કેટલા અને કેમ યાદ કરીશું એ વધારે મહત્ત્વનું છે. વીતી ગયેલા વરસમાં ગાંધીની સાથેસાથે જ અને વચ્ચેવચ્ચે સરદારને પણ સંભાર્યા, જવાહરલાલને, રાજાજીને, કૃપલાણીને અને એમ બીજા થોડાક નેતાઓને પણ આપણે ભૂલ્યા નથી એવો સંદેશો આપ્યો. ક્યારેક ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા સરફરોશીની તમન્નાવાળા તરુણોને પણ હાથ જોડીને માથું નમાવી દીધું. પણ આ બધા વચ્ચે એક એવું નામ ભૂલાઈ ગયું, જે ભૂલવું ન જોઈએ. હકીકતે આ નામ આજે ભાગ્યે જ થોડાક માણસોને સાંભરતું હશે. આમાંથી પણ જેઓ આ નામથી પરિચિત હશે તેમને એમના વિશે સાચી જાણકારી ભાગ્યે જ હશે.
મુંબઈના વરલી વિસ્તારમાં ‘એની બેસંટ માર્ગ’ આ નામનો એક ધોરી માર્ગ છે. આવતાં-જતાં હજારો માણસો રોજ અહીં આ નામનું પાટિયું વાંચતા હશે. ભાગ્યે જ કોઈને આ પાટિયાના અક્ષરોથી આગળ જાણવાની ઉત્સુકતા પણ થઈ હશે! આ એની બેસંટ વિશે આજે થોડીક વાત કરવી છે. ગયા અઠવાડિયે જ ૨૦મી સપ્ટેમ્બરે એમનો નિર્વાણ દિન હતો.
આઇરીશ માતા અને સ્કોટીશ પિતાનું એક સંતાન એટલે એની બેસંટ. એની એનું નામ અને બેસંટ એના પતિની અટક. પિતૃ પક્ષે એની અટક વુડ. બ્રિટિશ હકૂમત ત્યારે આઇરીશ લોકો ઉપર અમાનુષી જૂલમ કરતી હતી. એનીએ બાલ્યાવસ્થામાં આ જોયું. લંડનમાં કારમી ગરીબી જોઈ. લંડનમાં નાનાં બાળકોને મજૂરી કરતાં થાકીને બ્રેડનું બટકું ચાવ્યા વિના ગલોફામાં જ રહી જાય, એમ ઢગલો થઈને ઢળી પડતાં જોયાં. માતાએ ઈશુ પ્રત્યે શ્રદ્ધા કેળવીને ઈશ્વરપરસ્ત થવાનું શીખવ્યું પણ એનીના ગળે આ ઈશ્વરપરસ્તી ઊતરી નહિ. જો ઈશ્વર હોય તો આવો અન્યાય, આવો જુલ્મ, આવી પીડા જગતમાં શા માટે હોય એવો પ્રશ્ન એણે પાદરીને પૂછ્યો અને પાદરીએ એને ઈશ્વરનિંદાના અપરાધ માટે પતિથી છૂટાછેડા અપાવી દીધા. એનીનાં બાળકો ખ્રિસ્તી ધર્મમાં જ રહે એ માટે અદાલતે આ બાળકોનો કબજો એનીના પતિને સોંપ્યો. એની એકલાં પડી ગયાં.
આ પછી એની બ્રિટનના સમાજજીવનમાં તથા રાજકારણમાં દાખલ થયાં. કુટુંબ નિયોજન માટે એણે લડત ઉપાડી. આ લડત તત્કાલીન બ્રિટિશ કાયદા હેઠળ અસામાજિક હતી. તત્કાલીન બ્રિટિશ સાંસદ બ્રેડલો સાથે એ જોડાઈ ગયાં અને પોતાની અદ્ભુત વક્તૃત્વકળાથી સામાજિક અને રાજકીય સુધારાનાં સંખ્યાબંધ વ્યાખ્યાનો આપ્યાં.
ભેદભરમથી ભરપૂર એવું એક આધ્યાત્મિક દર્શન થિયોસોફીના નામે બ્લેવેટેસ્કી નામની એક રશિયન મહિલાએ આ ગાળામાં પ્રચલિત કર્યું હતું. આ દર્શન એમને તિબેટ, હિમાલય અને હિંદુસ્તાનની ધરતીમાંથી પ્રાપ્ત થયું હતું, એવું બ્લેવેટેસ્કી કહેતા. એની અત્યાર સુધી અનીશ્વરવાદી હતાં. બ્લેવેટેસ્કીના સંપર્કમાં આવ્યા પછી એ ઈશ્વરવાદી બની ગયાં. ૪૭ વરસની ઉંમરે થિયોસોફીના પ્રચાર અર્થે ૧૮૯૩માં હિદુસ્તાન આવ્યાં અને હિંદુસ્તાનમાં ગોખલે, ટિળક, દાદાભાઈ નવરોજી-આ બધાના પરિચયમાં આવ્યાં. આ બધા એ વખતના નેતાઓ એનીથી અંજાયા. એનીએ કહ્યું, દેશમાં મુસ્લિમ શિક્ષણ સંસ્થાઓ છે, ખ્રિસ્તી મિશનરીઓની શિક્ષણ સંસ્થાઓ પણ છે તો પછી હિંદુ શિક્ષણ જે આ દેશનું પાયાનું શિક્ષણ છે, એની ખાસ શાળા-કૉલેજો કેમ નથી? એણે દરભંગાના મહારાજાની મદદથી વારાણસીમાં હિંદુ શાળા અને કૉલેજની સ્થાપના કરી. આગળ જતાં આ જ કૉલેજ બનારસ હિંદુ યુનિવર્સિટી બની.
ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસે સ્વરાજ માટે બ્રિટિશ હકુમત સામે હળવુંહળવું રણશિંગુ ફૂંકવા માંડ્યું હતું. કૉંગ્રેસમાં બે તડા પડી ગયા હતા, ઉગ્રપંથી અને નરમ પંથી! આ બન્ને તડાએ સમાધાન સ્વરૂપે ૧૯૧૬માં એનીને કલકત્તા અધિવેશનના પ્રમુખ બનાવ્યાં. કલકત્તામાં અમ્મા એની બેસંટનું પ્રચંડ સરઘસ નીકળ્યું. અમ્માના નામનો જયજયકાર થયો પણ આ જયજયકાર બહુ લાંબો ન ચાલ્યો. આ ગાળામાં જ ગાંધીજીનો કૉંગ્રેસપ્રવેશ થયો અને અમ્માની આગેકૂચ અટકી ગઈ.
આ ગાળામાં એની બેસંટે હિંદુસ્તાનને સ્થાનિક સ્વરાજ મળવું જોઈએ, એવી માંગણી સાથે હોમરૂલ લિગ સંસ્થાની પણ સ્થાપના કરી હતી. આ હોમરૂલ માટે એનીએ બ્રિટિશ સંસદમાં લિબરલ સભ્યોના સહકારથી એક ઠરાવ પણ રજૂ કરાવ્યો. આ ઠરાવ પહેલા વાંચનમાંથી પસાર પણ કરાવ્યો.
પણ ગાંધીજી સાથે એની બેસંટને જામ્યું નહિ. ગાંધીજીએ અસહકાર અને સવિનય કાનૂનભંગ જેવી લડતનાં મંડાણ કર્યાં. આ લડતમાં પ્રજાએ શેરીમાં ઊતરી આવીને સરકાર ટોળાબંધ વિરુદ્ધ લડત કરવાની હતી. એનીએ આનો વિરોધ કર્યો. શિસ્તવિહોણાં ટોળાંને શેરીમાં ઊતારીને લડત કરવાની ટેવ પડવા દેવાય નહિ. કેમ કે એનાથી હિંસા ફેલાય અને સ્વરાજપ્રાપ્તિ પછી આ રીતે લડવાની ટેવ પડાયેલાં ટોળાં સાથે શાસન કરવું આઝાદ સરકારને ભારે પડી જાય. (એનીના આ મત સાથે તત્કાલીન નેતાગીરીમાં સુરેન્દ્રનાથ બેનરજી, મહમદ અલી ઝીણા જેવા અન્યો પણ સહમત હતા.) ગાંધીજીના નેતૃત્વ હેઠળ અસહકાર અને સવિનય કાનૂનભંગની લડત શરૂ થઈ અને એનો સંકેલો પણ થઈ ગયો. એની બેસંટની કૉંગ્રેસમાંથી અપમાનજનક રીતે હકાલપટ્ટી પણ થઈ ગઈ.
જે. કૃષ્ણમૂર્તિનું નામ સાંભળ્યું ન હોય એવું ભાગ્યે જ કોઈ હશે. આ કૃષ્ણમૂર્તિ અડિયારના સમુદ્રતટે કંગાળ હાલતમાં ફરતા હતા, ત્યાંથી એને એનીએ પોતાના સંતાન તરીકે ઉપાડ્યા અને એને જે. કૃષ્ણમૂર્તિ બનાવ્યા! આ બાળકને શાળામાંથી ઠોઠ વિદ્યાર્થી તરીકે હાંકી કાઢવામાં આવ્યો હતો ત્યારે એ સમુદ્રતટે રખડીભટકીને સમય પસાર કરતો હતો. લેડ બીટર નામના એનીના એક સાથીદાર ચહેરા ઉપરથી જન્મજ્ન્માંતરો ઉકેલી શકવાની શક્તિ ધરાવતા હતા. એમણે આ બાળકને જોયો અને એના ચહેરા ઉપર લખાયેલા ભવિષ્યને એણે ઉકેલી કાઢ્યું. આ ઉકેલને નક્કર રૂપ આપ્યું એની બેસંટે, અને આમ જગતને જે. કૃષ્ણમૂર્તિ નામના દાર્શનિક મળ્યા.
હિંદુસ્તાન માટે એનીએ જે હોમરૂલ ચળવળ ચલાવી હતી, એનાથી નારાજ બ્રિટિશ સરકારે એનીની ધરપકડ કરીને એને ઇંગ્લૅન્ડ મોકલી દેવા મદ્રાસના ગવર્નર લૉર્ડ પેન્ટલૅન્ડને આદેશ આપ્યો. પેન્ટલૅન્ડે એનીને ધમકી આપી – “તું તારી જાતે જ લંડન જતી રહે, સરકાર તને ત્યાં પહોંચાડવાની જવાબદારી લેશે. જો તું એમ નહિ કરે તો તને પકડીને જેલમાં નાખી દેવામાં આવશે.” એનીએ વાતચીત પૂરી થઈ છે, એના સંકેત તરીકે ઊભા થઈ જતાં કહ્યું – “તો પછી નામદાર! આપણે સમય બગાડી રહ્યાં છીએ. બ્રિટિશ સામ્રાજ્યના કફન ઉપર આપ ખીલો ઠોકવા જ માંગતા હોવ તો ઠોકી શકો છો.”
એની બેસંટ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ, ૮૫ વર્ષની ઉંમરે મદ્રાસ પાસે અડિયાર ગામે થિયોસોફિકલ સોસાયટીના વડા મથકે અવસાન પામ્યાં. એમના અસ્થિ ગંગા નદીમાં પધરાવવામાં આવ્યા હતા. આઇરીશ મૂળના બ્રિટિશ નાગરિક એની બેસંટ હિદુસ્તાનને પોતાની દત્તક માતૃભૂમિ કહેતાં. હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે જે ફાળો આપ્યો છે, એ ભૂલવા જેવો નથી.
એની બેસંટે હજારો સભાઓને સંબોધી હતી. સંખ્યાબંધ પુસ્તકો લખીને લોકજાગૃતિ માટે અથાક પરિશ્રમ કર્યો હતો. વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન હિંદુસ્તાન પાસેથી જ મળી શકશે એવી પૂરી શ્રદ્ધા સાથે થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી હતી.
બાય ધ વે, મૅડમ એની બેસંટની વાત કરીએ અને મુંબઈના દ્વારકાદાસ પરિવારને સંભારીએ નહિ તો વાત અધૂરી કહેવાય! ગયા સૈકાના આ અગ્રણી પરિવારના બે પુત્ર જમનાદાસ અને કાનજી એની બેસંટની ખૂબ નજીક રહીને રાજકીય ચળવળમાં હિસ્સેદાર થયા હતા. એનીએ આ બંન્નેને પોતાના પુત્રો જેવા માનીને સંખ્યાબંધ પત્રો લખ્યા છે. આવા પત્રોનો એક જથ્થો અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ગ્રંથાલયમાં સચવાયેલો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 11:47 AM IST | મુંબઈ | ડૉ. દિનકર જોષી-ઉઘાડી બારી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK