કૉલમ : કંઠસ્થ થતી ગઝલની આવરદા વધી જાય છે

Published: May 15, 2019, 10:52 IST | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

ગઝલના સર્જનની યાત્રા અનોખી છે, એને લખવાની અને સંગીતબદ્ધ કરવાની પ્રક્રિયાથી લઈને એને સાંભળવા સુધીની યાત્રા મનથી દિલ સુધી લઈ જવાનું કામ કરે છે

પંકજ ઉધાસ
પંકજ ઉધાસ

દિલ સે દિલ તક

ગઝલ એક અલગ જ પ્રકારનું સંગીત છે. એને તમે કોઈ સાથે સરખાવી ન શકો. સંગીતના અન્ય પ્રકારોને સાંભળતા હો તો એમાંથી ગઝલને તમે સહજ રીતે અલગ તારવી શકો. આનું કારણ પણ એ જ કે ગઝલ બનાવવા માટે મહેનતની સાથોસાથ એમાં એક જુદા જ પ્રકારનું ડેડિકેશન જોડાયેલું હોય છે. એના શબ્દો, એનો લય, એની રજૂઆત અને એની અસરકારકતા સાવ જુદી છે.

સ્વાભાવિક છે કે તમને મનમાં સવાલ થાય કે ગઝલ પૂરા તાદાત્મ્ય સાથે, પૂરા ડેડિકેશન સાથે બનતી હોય તો પછી એનું માર્કેટ ઓછું કેમ છે અને કેમ ગઝલની માર્કેટમાં મંદી આવી છે, કેમ ઍક્ટર પર્ફોર્મ નથી કરતા કે પછી શું કામ ફિલ્મોમાં ગઝલનો સમાવેશ ઓછો કે પછી નહીંવત્ થવા માંડ્યો છે. આ સવાલનો જવાબ જાણવાની કોશિશ આપણે કરવી જોઈએ.

એક ગઝલ કઈ રીતે બને, કઈ રીતે તૈયાર થાય એની પ્રોસેસની આપણે વાત ગયા વીકમાં કરી, પણ ગઝલ કોણ બનાવે છે એની વાત બાકી છે. સૌથી પહેલાં તો ગઝલ ગાનારી વ્યક્તિ એક ગઝલ શોધવાનું કામ કરશે. ગઝલ શોધવાની પ્રક્રિયા પણ એવી છે કે એના પરથી જ ગઝલ કે એના આલબમની સફળતાનો નિર્ધાર રહેતો હોય છે. એમાં ભાવ જોઈએ, લાગણી જોઈએ, વેદના જોઈએ અને એ બધાની સાથોસાથ એવા શબ્દો પણ જોઈએ જે તરત જ તમને ઓડિયન્સ સાથે કનેક્ટ પણ કરી દે. અઘરા અને ભારેખમ શબ્દો સાથેની ગઝલ ખૂબ જ સારી હોય તો પણ એ કંઠસ્થ ન થઈ શકે અને ગઝલ જ્યારે કંઠસ્થ થાય ત્યારે જ એની આવરદા લાંબી થતી હોય છે.

ગઝલ પસંદ થયા પછી એના એના પર રિયાઝ શરૂ થાય અને એ રિયાઝ દરમ્યાન એના પર અનેક પ્રયોગો પણ થાય. ગઝલ અનુરૂપ એની માટે ધૂન તૈયાર થાય અને મેકિંગની પ્રોસેસ પણ શરૂ થાય. ઘણી વખત એવું પણ બને કે રિયાઝ દરમ્યાન જ ગઝલ બદલવાનો વારો પણ આવી જાય. એને અનુરૂપ મ્યુઝિક તૈયાર થઈ ન શકતું હોય એવું પણ બને કે પછી ગઝલ માટે જરૂરી પ્રયોગો યોગ્ય અને અસરકારક રીતે કામ ન કરે એવું પણ બને, પણ ધારો કે ગઝલ સાથે બધું બરાબર ચાલતું હોય એવું લાગે તો એના માટે ગઝલના રચયિતા સાથે પણ બેઠક કરવાની આવે. જરા યાદ કરો, મેં તમને થોડા સમય પહેલાં કતિલ શિફાઇની ‘ચાંદી જૈસા રંગ હૈ...’ની જે વાત કરી હતી એ વાત અહીંયાં પણ એવી જ રીતે લાગુ પડે છે. ભાવ અને પ્રાસમાં ક્યાંક કોઈ વાતની કમી લાગે તો ગઝલના રચયિતા સાથે બેસીને એનું રિપેરિંગ કે પછી એમાં બેટરમેન્ટ કરવામાં આવે અને એ પછી સાથે જ બેસીને એ ગઝલ પર ધૂન તૈયાર કરવાનું કામ પણ થશે.

તૈયાર થયેલી આ ગઝલને એક બાજુએ મૂકીને તરત જ નવી ગઝલનું કામ શરૂ થશે અને એવી રીતે ત્રીજી, ચોથી અને પાંચમી ગઝલ પણ તૈયાર થશે. એક આલબમ માટે જેટલી ગઝલની જરૂર હોય એ તૈયાર થઈ જાય પછી એ બધા પર મ્યુઝિકનું રેકૉર્ડિંગ શરૂ થાય, રેકૉર્ડિંગ પછી એનો વિડિયો આલબમ બનશે અને એ પછી મ્યુઝિક ચૅનલ કે કંપની સાથે મળીને એને ઑફિશ્યલી રિલીઝ કરવામાં આવશે. રિલીઝ પછી પ્રમોશન પણ મોટા પાયે શરૂ થશે. આ બધું કરવાનું કોના ભાગે આવે?

ગઝલ જેણે ગાઈ છે એ સિંગરના ભાગે.

ગઝલ શોધવાથી માંડીને એને રિલીઝ કરવા અને પ્રમોશન સુધીનું કામ જો એક જ વ્યક્તિના ભાગ આવે અને એ પછી તેને મહેનતાણું પણ ઓછું મળશે, કારણ કે હવે ગઝલ એટલી સંભળાતી નથી. ગઝલ કૉન્સર્ટ પૂરતી સીમિત થઈ ગઈ છે એવું કહું તો ચાલે. પહેલાં અને આજના સમયમાં ફરક જો કોઈ હોય તો એ કે પહેલાં ગઝલનાં આલબમ ખરીદવામાં આવતાં હતાં અને એના સેલ પરથી નક્કી કરવામાં આવતું કે ગઝલની ડિમાન્ડ કેવીક છે. એ ડિમાન્ડને જોઈને જ તો ફિલ્મોમાં પણ ગઝલ સમાવવામાં આવતી, પણ હવે એવું તારણ બાંધી શકાય એમ નથી, કારણ કે જે નવી ગઝલ તૈયાર થાય છે એ નવી ગઝલને હવે તો ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી મળી જાય છે અને યંગસ્ટર્સ સાંભળી લે છે. સ્વાભાવિક રીતે આ જ કારણે કોઈને ખબર નથી પડતી કે ગઝલની ડિમાન્ડ કેવી છે અને કેવડી છે અને એ ખબર નથી પડતી એટલે કોઈને વિચાર નથી આવતો કે ફિલ્મોમાં પહેલાંની જેમ ગઝલનો સમાવેશ કરવામાં આવે.

આ હાલત માત્ર આપણા દેશમાં છે એવું જ નથી. જ્યાં ગઝલ ગવાય છે, લખાય છે અને બને છે એવા દેશોમાં પણ આ જ હાલત છે. પાકિસ્તાનના ગઝલકાર અને ગઝલસિંગરની આપણે ત્યાં ખૂબ ડિમાન્ડ રહેતી, પણ આજે પાકિસ્તાનમાં પણ આપણા જેવી જ હાલત છે. ગઝલના કારણે ત્યાંના ઘણા ગાયકો અને ગઝલકારો મારા મિત્રો છે. તેમની સાથે વાત થાય ત્યારે તેમનો પણ આ જ બળાપો હોય છે. બધી જગ્યાએ આ જ અવસ્થા છે. સિંગર બનવું છે અને એના માટે ગિટાર લઈને ઊભા પણ રહી જાય છે, પણ એ આખી પ્રક્રિયા માટે આજે કોઈને ભોગ આપવો નથી. ગઝલ તમારી પાસે પૂરતો ભોગ માગે છે અને આજની જનરેશન રેસ્ટલેસ બની ગઈ છે. એને ખ્યાલ છે કે હું આટલી મહેનત કરીશ અને પછી મને જે ફેમ કે મહેનતાણું મળવાનાં છે એ બીજાની સરખામણીમાં ઓછું હશે તો ઇન્ડસ્ટ્રીમાં જે રેડી-રેકનર અને ફાસ્ટફૂડ જેવું મ્યુઝિક છે એ ગાઈને હું શું કામ મારો લાભ વધારે ન કરું?

જે સંગીત અત્યારે આપણે સાંભળીએ છીએ એમાં ક્યાંય શાંતિ નથી, એમાં તમને વેસ્ટર્ન મ્યુઝિકની છાંટ જોવા મળશે. રિયલિટી શોઝ એટલા થઈ ગયા છે કે તમે એકથી એક ચડિયાતું અને સારું ટૅલન્ટ જોઈ શકો છો, મેળવી શકો છો, પણ એમાંથી કોઈને પોતાનું અલગ સ્થાન બનાવવું નથી કે નથી એમના મેન્ટર એ બાબતે ધ્યાન આપતાં. તમે વિચાર કરો કે શહેરમાં ખાઉગલી છે અને એ ખાઉગલીમાં બધા પાણીપૂરીવાળા જ ઊભા રહે છે અને બધા એક જ સરખી પાણીપૂરી બનાવે છે તો શું એ બધાનો ધંધો ચાલવાનો ખરો?

આ પણ વાંચો : કૉલમ: જો સંઘર્ષ હશે તો જ એ સમય તમને યાદ રહેશે

ના, નહીં ચાલે. એકનો સ્ટૉક ખાલી થયો તો બીજાનો વારો આવશે, પણ કોઈ ખાસ એની પાસે નહીં આવે. આવું જ અત્યારે સિંગર્સ સાથે થઈ રહ્યું છે. એક જ પ્રકારનું સંગીત લોકો સાંભળી રહ્યા છે અને મ્યુઝિક પ્રોડ્યુસર પણ અત્યારની ડિમાન્ડની દલીલ કરીને એકસરખું જ પ્રોડક્શન કરે છે. ચેન્જના નામે પણ નવી સ્ટાઇલમાં જૂની જ રીતભાતો આપવામાં આવે છે, પણ લોકો એકધારું ચલાવશે નહીં. કારણ મેં તમને અગાઉ કહ્યું છે એમ, લોકોને શાંતિ જોઈએ છે અને શાંતિ મ્યુઝિક દ્વારા જ્યારે મળે ત્યારે એ રાહત કરનારી હોય છે. ફાસ્ટ લાઇફ વચ્ચે રહીને આખો દિવસ ફાસ્ટફૂડ અને ફાસ્ટ મ્યુઝિક માણ્યા પછી માણસ રાત્રે તો પેટ ભરીને પોતાને ભાવતું ભોજન અને સંગીત જ માણશે અને એટલે જ હું કહેતો હોઉં છું કે ગઝલ એ ફાસ્ટફૂડ નથી, ગઝલ એ બર્ગર કે પીત્ઝા નથી. ગઝલ એક અનોખું સંયોજન છે, જે દિમાગથી દિલથી સુધીની એક દિલચસ્પ યાત્રા કરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK