કિસકે આંસુ ગિરે કફન પે મેરે, કૌન રોયા હૈ અજનબી કે લિએ

Published: Jun 26, 2019, 12:15 IST | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક | મુંબઈ

કિસકે આંસુ ગિરે કફન પે મેરે, કૌન રોયા હૈ અજનબી કે લિએ મેરે દુશ્મન ભી જાનતે હૈં યે, કિતના તરસા હૂં દોસ્તી કે લિએ શેખાદમ આબુવાલા જેવો માણસ થયો નહોતો, થયો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં થાય

સોનાનો શેખાદમ : શેખાદમ આબુવાલાને પહેલી વાર મળ્યો ત્યારે જ મને સમજાઇ ગયું હતું કે આ માણસ જિંદગીભર એક જ કમાણી કરવાનો છે, મિત્રોની.
સોનાનો શેખાદમ : શેખાદમ આબુવાલાને પહેલી વાર મળ્યો ત્યારે જ મને સમજાઇ ગયું હતું કે આ માણસ જિંદગીભર એક જ કમાણી કરવાનો છે, મિત્રોની.

દિલ સે દિલ તક 

આ શેર લખનારા શ્રી શેખાદમ આબુવાલાની પુણ્યતિથિ હમણાં ગયા મહિને જ ગઈ.

વીસમી મે.

શેખાદમની જો મારે વાત કરવાની હોય તો તેમની એટલી વાતો મારી પાસે છે, સ્મરણો મારી પાસે છે કે હું કદાચ બેચાર દિવસ સુધી સતત બોલી શકું અને એ પછી પણ એ વાતો પૂરી ન થાય. ગુજરાતને એ વાતનું ગર્વ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ કે તેમને ત્યાં શેખાદમ આબુવાલા જેવા ઉચ્ચ ગજાના અને અવ્વલ દરજ્જાના શાયર-કવિ પેદા થયા. શેખાદમની વાત તમે વાંચો, સાંભળો તો તમને ખરેખર અચરજ થાય. તેમણે બી.એ. કર્યું અને એ પછી એમ.એ. કર્યું અને એ પછી ફરી વખત એમ.એ. કર્યું. પહેલી વાર એમ.એ. વિથ ઇંગ્લિશ અને બીજી વખત એમ.એ. વિથ ઉર્દૂ. અદ્ભુત નૉલેજેબલ અને પર્સનાલિટી પણ એવી જ ઉમદા સ્તરની. મને હજી પણ યાદ છે કે ૧૯૭૮-’૭૯માં હું અને મારા બે વડીલબંધુઓ મનહરભાઈ અને નિર્મલ સાથે વૉર્ડન રોડ પર રહેતા. મારો એ સંઘર્ષનો સમય હતો. ગાવાનું શરૂ કર્યું હતું, ગીતો ગાતો, ગઝલની મહેફિલોમાં ગાતો. એ સમયમાં મારામાં એક જ વાતનું ગાંડપણ હતું કે મારે મોટા ગઝલગાયક બનવું છે. એવું નહોતું કે આ ગાંડપણ માત્ર વિચારોમાં જ હતું. એ માટેની કોશિશ પણ આખો વખત ચાલતી રહેતી.

મને બરાબર યાદ છે કે એક બપોરે મનહરભાઈના ઘરે મનહરભાઈના ખાસ મિત્ર અને મારા વડીલ કહેવાય એવા અદ્ભુત શાયર કૈલાસ પંડિત આવ્યા હતા. આપની જાણ ખાતર કે મનહરભાઈએ કૈલાસ પંડિતની અનેક રચનાઓ ગાઈ છે અને આપ સૌને એ ખૂબ ગમી પણ છે. આ સિવાય પણ તેમણે અઢળક સર્જન કર્યું છે અને સેંકડો ગઝલો, નઝ્મોની રચના કરી છે. એ બપોરે અમે ત્રણ ભાઈઓ બેઠા હતા અને કૈલાસભાઈ પણ બેઠા હતા. કૈલાસભાઈ સાથે એક સજ્જન આવ્યા હતા. થોડી મિનિટ પછી કૈલાસભાઈએ મારી ઓળખાણ તેમની સાથે કરાવી. મનહરભાઈ તો એ સજ્જનને ઓળખતા જ હતા, પણ હું ઓળખતો નહોતો. કૈલાસભાઈએ મારી ઓળખાણ કરાવતાં કહ્યું કે આ શેખાદમ આબુવાલા છે, બહુ જબરદસ્ત શાયર છે. શેખાદમભાઈની એક ખૂબી એ છે કે તેઓ ગુજરાતીમાં બહુ સરસ લખે છે અને એટલું જ સરસ ઉર્દૂમાં પણ લખે છે.

આ બહુ રેર કૉમ્બિનેશન છે કે કોઈ શાયર ગુજરાતીમાં પણ લખે છે અને ઉર્દૂમાં પણ લખતા હોય. ઇન રિયલ સેન્સ, સારો લેખક સારો ગીતકાર હોય એવું પણ ભાગ્યે જ જોવા મળે. સારો નવલકથાકાર સારો નાટ્યકાર પણ હોય એવું પણ ભાગ્યે જ બને અને સારો નાટ્યકાર સારી ફિલ્મો લખી શકે એવું પણ ભાગ્યે જ બને.

કૈલાસ પંડિતના શબ્દો સાંભળીને હું થોડો વધારે સજાગ થઈ ગયો. હું પહેલેથી ગઝલ માટે અલગ લાગણી ધરાવું એટલે મારું સજાગ થવું વાજબી હતું. એ બપોરે શેખાદમ આબુવાલા સાથે ઘણીબધી વાતો કરી, શાયરી વિશે, કવિઓ વિશે, અનેક ગુજરાતી શેરો સંભળાવ્યા. તેમણે પોતાની એક તાજી લખેલી ગઝલ ઉર્દૂ પણ અમને સંભળાવવાનું કહ્યું. મેં તરત જ તેમને ‘ઇર્શાદ’ કહ્યું અને તેમણે ગઝલ સંભળાવવાનું શરૂ કર્યું.

તુમ આયે ઝિંદગી મેં બરસાત કી તરહ,
ઔર ચલ દિયે તો ઐસે ખુલ્લી રાત કી તરહ.

બસ, હજી આટલું સાંભળ્યું ત્યાં તો મારા કાન એકદમ ઊભા થઈ ગયા. મેં તેમને કહ્યું ‘મુકરર’ અને પછી કહ્યું કે ‘આપ એક બાર ફિરસે સુનાઈએ.’ તેમણે એ શેર ફરીથી વાંચ્યો અને પછી તેઓ આગળ વધતા ગયા અને એ જ ગઝલના બીજા શેર સંભળાવ્યા. આજે પણ એ બધા શેર મને કંઠસ્થ છે.

બાતેં રહી અધૂરી, બિછડના પડા હમેં,
થા યે ભી ઇત્તેફાક, મુલાકાત કી તરહ.

એ શબ્દો, શબ્દોની સાદગી અને એ સાદગી પછી પણ એમાં રહેલું ઊંડાણ મને સ્પર્શી ગયું. ગઝલ પૂરી થયા પછી મેં શેખાદમને પૂછ્યું કે આ ગઝલ કોઈએ ગાઈ છે ખરી? તેમણે પણ તરત જ કહ્યું, ‘ના દોસ્ત, મારી બદનસીબી છે કે મારી લખેલી ગુજરાતી ગઝલ બધાએ ગાઈ છે, આખી દુનિયા એની દીવાની છે, પણ મારી ઉર્દૂ ગઝલો હજી સુધી કોઈએ રેકૉર્ડ નથી કરી.’

એ દિવસે શેખાદમે નિખાલસતા સાથે કહ્યું હતું, ‘એક જમાનામાં મેં ફિલ્મમાં પ્રયાસ કર્યો હતો, પણ કોશિશ કામયાબ ન રહી અને ગઝલ કોઈએ રેકૉર્ડ ન કરી.’

મેં તરત જ તેમની પરવાનગી માગતાં પૂછ્યું, ‘જો હું ગઝલ રેકૉર્ડ કરું તો તમે મને એના રાઇટ્સ આપશો?’

તેમણે પણ પૂરી ખેલદિલી સાથે કહ્યું કે રાઇટ્સ શું માગો છો, તમે કહો તો અત્યારે આ જ ઘડીએ લખી આપું કે આ ગઝલ ગાવાનો તમને હક છે અને એના બધા રાઇટ્સ તમારા છે.

એ પછી તો અમે બન્ને, ઇનફેક્ટ, અમે બધા બરાબર ખીલ્યા અને શેખાદમ આબુવાલાએ અમને ઘણીબધી ગઝલો સંભળાવી.

સૂરજ કી હર કિરન, તેરી સૂરત પે વાર દૂં,
દોઝખ કો ચાહતા હૂં, જન્નત ભી વાર દૂં
આદમ હસીન નીંદ મિલેગી કહાં,
ફિર ક્યું ન ઝિન્દગાની કો તુઝ પર હી વાર દૂં.

આવા અનેક શેરો સાંભળીને હું ખુશ થઈ ગયો. મેં તેમને વચન આપ્યું કે હું ચોક્કસ આના પર કામ કરીશ. એ દિવસે અમારી પહેલી મુલાકાત લગભગ બે-અઢી કલાક ચાલી. આ મુલાકાત દરમ્યાન મેં એક વાત નોટિસ કરી કે તેઓ એકદમ ઓલિયા પ્રકારના માણસ હતા, ફરિસ્તા જેવા આદમી. તેમણે લગ્ન નહોતાં કર્યાં, એકલા જ રહેતા, ફકીર જેવી જિંદગી, કોઈની સાથે સ્વાર્થ નહીં, કોઈનું કંઈ લેવાનું નહીં, કોઈ પાસેથી આશા રાખે નહીં અને બધાનું ભલું થાય એવી ભાવના જ મનમાં રાખે. શેખાદમ આબુવાલા માટે આજે હું કહીશ કે તેઓ એક એવા ઇન્સાન હતા જેમણે આખી જિંદગી માત્ર મિત્રો જ બનાવ્યા હતા અને મિત્રો માટે જ તેઓ જીવ્યા હતા. પૈસો તેમની કોઈ પ્રકારની પ્રાયોરિટીમાં આવતો જ નહોતો અને પૈસો તેમને આકર્ષી પણ શકતો નહોતો.

એ દિવસે છૂટા પડતાં પહેલાં તેમને ફરી એક વાર કહ્યું કે હું તમારી ગઝલો પર કામ કરીશ અને એ કમ્પોઝ કરીને તમને જણાવીશ.

એ પછી મેં જે સાંભળી હતી એ પહેલી ગઝલને કમ્પોઝ કરવાનું શરૂ કર્યું. ચારેક દિવસ પછી એ કમ્પોઝ થઈ. એ ગઝલનું કમ્પોઝિશન ખૂબ સરસ થયું હતું.

તુમ આયે ઝિંદગી મેં બરસાત કી તરહ,
ઓર ચલ દિયે તો ઐસે ખુલી રાત કી તરહ.
મારા મોટા ભાઈ મનહર ઉધાસે પણ એક ગઝલનું કમ્પોઝિશન તૈયાર કર્યું.
સૂરજ કી હર કિરન, તેરી સૂરત પે વાર દૂં,
દોઝખ કો ચાહતા હૂં, જન્નત પે વાર દૂં
આદમ હસીન નીંદ મિલેગી કહાં,
ફિર ક્યું ના ઝિન્દગાની કો તુઝ પર હી વાર દૂં

અમે શેખાદમ આબુવાલાને કમ્પોઝિશન તૈયાર થઈ ગયાની જાણ કરી અને શેખાદમ પાછા મુંબઈ આવ્યા. અમે તેમને એ ગઝલો સંભળાવી અને તેઓ ખુશ થઈ ગયા. તેમણે રાજી થઈને કહ્યું કે પંકજ, તું આ રેકૉર્ડ કર. ઈશ્વરની ઇચ્છા હશે તો લોકોને ખૂબ ગમશે.

આ પણ વાંચો : ગુનગુનાઉંગા યહી ગીત મૈં તેરે લિએ

એ સમયે મારા સંઘર્ષનો સમય હતો અને હું મારા જીવનના પહેલા આલબમ ‘આહટ’ના રેકૉર્ડિંગની તૈયારી કરતો હતો. જોકે એની કોઈને ખબર નહોતી. શેખાદમ આબુવાલાની ગઝલ સાંભળી ત્યારે પણ તેમને ‘આહટ’ વિશે કહું કહ્યું નહોતું. ગઝલ સાંભળ્યા પછી મને પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આ ગઝલ મારા પહેલા આલબમમાં હોવી જ જોઈએ. (શેખાદમ સાથેનાં સંભારણાંઓની વાતો હવે ફરી કરીશું આવતા અઠવાડિયે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK