ખઝાનાનો પહેલો દિવસ, પિતાજીનો અંતિમ દિવસ

Published: Aug 14, 2019, 12:00 IST | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક | મુંબઈ ડેસ્ક

૧૯૮૧ની ૧પ ઑગસ્ટનો દિવસ સુખ અને દુઃખનો બેવડો અનુભવ કરાવી ગયો

યાદોંની અદ્ભુત દુનિયા: 'ખઝાના'એ સાચા અર્થમાં ગઝલોનો વ્યાપ વધારવાનું અને ગઝલના ક્ષેત્રમાં નવા પ્રયોગો કરવાનું પ્લૅટફોર્મ પૂરું પાડ્યું હતું.
યાદોંની અદ્ભુત દુનિયા: 'ખઝાના'એ સાચા અર્થમાં ગઝલોનો વ્યાપ વધારવાનું અને ગઝલના ક્ષેત્રમાં નવા પ્રયોગો કરવાનું પ્લૅટફોર્મ પૂરું પાડ્યું હતું.

દિલ સે દિલ તક

(૧૯૮૧ની ૧પ ઑગસ્ટની એ સાંજે ‘ખઝાના’ ગઝલ ઉત્સવનો પ્રાંરભ મેં કરાવ્યો. હજી તો પહેલી ગઝલ ચાલતી હતી અને એ દરમ્યાન મને ‘ખઝાના’ની વ્યવસ્થાપક-ટીમના એક ભાઈ આવીને કાનમાં કહી ગયા કે તમારા પિતાજીની તબિયત અત્યંત નાજુક છે, તમારે નીકળવું હોય તો આપ જઈ શકો છો. મારી આંખ સામે મારું આખું નાનપણ પસાર થઈ ગયું હતું. પિતાશ્રી સાથે વિતાવેલી તમામ ક્ષણો યાદ આવી ગઈ હતી અને યાદ આવી રહેલી એ ક્ષણો વચ્ચે મનમાં એક વિચાર એ પણ આવી ગયો કે મારે જવું જોઈએ કે નહીં. આ વિચાર સાથે જ મને બહુ જાણીતી કહેવત પણ યાદ આવી ગઈ. વાંચો હવે આગળ...)

Whatever may happen, Show must go on.

અંગ્રેજીની આ એક બહુ જૂની કહેવત છે. આ કહેવતને રાજ કપૂરે ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ખૂબ સરસ રીતે દેખાડી હતી.
ચૅલેન્જ આવે, તકલીફો આવે, મુશ્કેલીઓ પણ પડે, પરંતુ તમારો શો અટકવો ન જોઈએ. આર્ટિસ્ટના જીવનની આ બહુ મોટી ચૅલેન્જ કહેવાય, કશમકશ કહેવાય. કાનમાં પેલા ભાઈના શબ્દો ગુંજતા હતા અને ગઝલ આગળ વધારી. આગળ વધતી ગઝલ સાથે આંસુઓને પણ મનમાંથી ઉડાડવાનું શરૂ કર્યું. મન રડતું હતું અને ચહેરા પર ઑડિયન્સ માટે આછું સ્માઇલ હતું.

ગઝલ પૂરી કરી. મારી સામે પેલા મ્યુઝિક ઇન્ડિયાના સ્ટાફ-મેમ્બરે જોયું. એ સમયે તે ઑડિયન્સમાં પાછળના ભાગે આવીને ઊભો રહી ગયો હતો. તેનું ધ્યાન મારા પર જ હતું. જો હું ઇશારો કરું તો તે ટૅક્સી કે પછી મને જોઈતી હોય એવી બીજી વ્યવસ્થા માટે હેલ્પ કરી શકે એવી તેની ઇચ્છા હતી. તેણે મને આંખોથી જ પૂછ્યું કે તમે નીકળવાના છોને? મેં તેની સામેથી નજર હટાવી લીધી. મને ડર હતો કે હું તેની એ ઇશારતને માન આપીને જવા માટે ઊભો થઈ જ જઈશ.

એ પછી મેં બીજી બે ગઝલ ગાઈ અને મારા હિસ્સાનો આખો કાર્યક્રમ પૂરો કર્યો. લોકોએ ખૂબ વખાણ કર્યાં અને અઢળક તાળીઓ પાડી. હું સ્ટેજ પરથી ઊભો થયો અને બહાર આવ્યો. બહાર નીકળીને પેલા ભાઈ, જે મને સમાચાર આપવા આવ્યા હતા તેમની પાસે પહોંચ્યો અને તેમને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે પિતાશ્રીની તબિયત સારી નથી.

મારો પ્રશ્ન જરા પણ ખોટો નહોતો. મોબાઇલ તો હતા નહીં કે તમને તરત જ આ પ્રકારના સમાચાર મળી જાય. મેં પેલા ભાઈને પૂછ્યું એટલે તેમણે મને કહ્યું કે મારી વાઇફનાં સિસ્ટરે નીતિન મુકેશજીને ફોન કર્યો હતો. નીતિન મુકેશજી તેમના ક્લોઝ ફ્રેન્ડ, વાત કરી એટલે નીતિનભાઈએ તરત જ હોટેલ તાજનો નંબર શોધીને ફોન કર્યો અને અહીં તેમણે ‘મ્યુઝિક ઇન્ડિયા’ના સ્ટાફને વાત કરીને કહ્યું કે ‘પ્લીઝ, તમે પંકજને આ સમાચાર તાત્કાલિક આપો.’

વાત સાચી છે એની આ ખરાઈ પણ હતી અને સામાન્ય પૃચ્છા ગણો તો એ પણ હતી. હું અને ફરીદા બન્ને હોટેલ પરથી રવાના થયાં અને સીધાં ભાટિયા હૉસ્પિટલ પહોંચ્યાં. હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે મારા પિતાજી કેશુભાઈ ઉધાસના અંતિમ શ્વાસ ચાલતા હતા. અમે પહોંચી ગયાં એનો સંતોષ હતો. દુખઃ તો હતું જ પણ આ વાસ્તવિકતા પણ હતી. અમને જોઈને પિતાજી બહુ ખુશ થયા. તેમણે અમને ખૂબ આશીર્વાદ આપ્યા. મને યાદ છે કે તેમણે અમારો કાર્યક્રમ કેવો રહ્યો એના વિશે પણ પૂછ્યું હતું. હું કંઈ જવાબ આપું એ પહેલાં તો ડૉક્ટર આવી ગયા. તેમણે અમને કહ્યું કે ‘તમારે હવે અમને થોડો સમય આપવો પડશે. અમારે લાઇફ-સેવિંગ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે.’  

અમારો આખો પરિવાર એ સમયે હૉસ્પિટલમાં હાજર હતો. નિર્મલભાઈ, મારા મોટા ભાઈ મનહરભાઈ, મારાં મધર, બધાં ત્યાં જ હતાં. ડૉક્ટરે ટ્રીટમેન્ટ શરૂ કરી અને થોડી વાર પછી અમને તેમણે અંદર બોલાવ્યાં. અમે રૂમમાં ગયાં ત્યારે મારા પિતાશ્રીના શ્વાસોશ્વાસ ધીમા પડવાનું શરૂ થઈ ગયું હતું. થોડી વાર પછી તેમણે અંતિમ શ્વાસ લીધા અને મારા ફાધરે આ દુનિયા છોડી દીધી.

૧પમી ઑગસ્ટ, ૧૯૮૧.
‘ખઝાના’ શરૂ થયો અને એ જ દિવસે મારા પિતાશ્રી અમારા સૌની રજા લઈને રવાના થયા. ‘ખઝાના’ અમારા સૌકોઈ માટે ખૂબ મહત્ત્વનો શો હતો, તો આ જ ‘ખઝાના’ને જિંદગીભર યાદ રખાવી દેનારી આ ઘટના પણ એ જ દિવસે બની. આ બન્ને ઘટના બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી લાઇફ માટે અને એ પછી મેં નક્કી કર્યું કે શો મસ્ટ ગો ઑન.

આખો કાર્યક્રમ પૂરો થયો. મુંબઈનાં ન્યુઝપેપરોએ પ્રોગ્રામ વિશે ખૂબ સરસ લખ્યું તો અમુક ન્યુઝપેપરમાં મારા માટે ખૂબ સુંદર લખાયું. આ જ કાર્યક્રમમાં મેં નવી ગઝલો પણ રજૂ કરી હતી, એ ગઝલોની વાતો પણ થઈ.

નવું વર્ષ આવ્યું, ૧૯૮૨. નવેસરથી ‘ખઝાના’નું આયોજન થયું અને એ પછી દર વર્ષનો આ ફેસ્ટિવલ બની ગયો. ૧૯૮૪ સુધી ‘ખઝાના’ મુંબઈમાં થયો, પણ એ પછી એટલે કે ૧૯૮પમાં મ્યુઝિક ઇન્ડિયાએ નક્કી કર્યું કે ‘ખઝાના’ મુંબઈની બહાર લઈ જઈએ અને દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ અને ચેન્નઈમાં પણ આ ફેસ્ટિવલ ઊજવીએ. આ સમયગાળા દરમ્યાન મારામાં પણ નવું જોશ અને ઉત્સાહ આવી ગયાં હતાં. આ ચાર વર્ષ દરમ્યાન મારાં ઘણાં આલબમ આવી ગયાં હતાં. ‘મહેફિલ’ આલબમ ખૂબ પૉપ્યુલર થયું હતું, લોકોમાં મારી ચાહના પણ વધવા માંડી હતી. લોકોને મારી ગઝલ અને ગાયકી બન્ને ગમતાં હતાં. ૧૯૮પમાં મારું ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’ આવ્યું, જેમાં ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ ગઝલે તો લોકોને ખુશ-ખુશ કરી દીધા. આ જ વર્ષે નવું આલબમ આવ્યું, નામ એનું ‘નાયાબ’. ‘નાયાબ’ ટ્રેન્ડસેટર બની ગયું. આ બન્ને આલબમે પણ મારી પૉપ્યુલરિટીમાં ખૂબ વધારો કર્યો અને એવામાં આ જ વર્ષ દરમ્યાન અમારી ઑલઓવર ઇન્ડિયા ટૂર કરી. આ ટૂરમાં હું હતો અને મારી સાથે અનેક બીજા કલાકારો પણ હતા, પણ એ બધા કલાકારોમાં મારી તલત અઝીઝ અને અનુપ જલોટા સાથેની મિત્રતા ખૂબ ગાઢ બની. અમે એકબીજા સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યા. અનફૉર્ચ્યુનેટ રહ્યું ૧૯૮૬નું વર્ષ, એ વર્ષે ‘ખઝાના’ના સ્વપ્નદ્રષ્ટા એવા સંજીવ કોહલીએ મ્યુઝિક ઇન્ડિયા છોડી દીધું તો કેટલાક કલાકારોએ બીજી મ્યુઝિક કંપની સાથે ઍગ્રીમેન્ટ કરી લેતાં તેઓ આ ‘ખઝાના’માંથી છૂટા પડી ગયા અને સમય જતાં ‘ખઝાના’ ફેસ્ટિવલ બંધ થયો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

‘ખઝાના’ બંધ થયો, પણ એ પછી પણ અમને અંદરથી કંઈક ખૂટતું હોવાનું મહેસૂસ થતું હતું. વસવસો હતો, અફસોસ હતો કે આટલો સારો કાર્યક્રમ બંધ થઈ ગયો. મને એક વાત ખાસ કહેવી છે કે ‘ખઝાના’એ માત્ર ઑડિયન્સને જ કંઈક આપતી હોય એવું નહોતું, ‘ખઝાના’ અમારું પણ ઘડતર કરતો હતો. આ તબક્કામાં અમે સૌ કલાકારો એસ્ટૅબ્લિશ્ડ થઈ ગયા હતા. અનુપે ભજનોમાં ખૂબ મોટું નામ કર્યું હતું તો તલત અઝીઝે પણ અત્યંત લોકચાહના મેળવી હતી. ઈશ્વરની દયાથી મારું પણ ખૂબ નામ થયું, જેને લીધે અમે બધા અમારા કામમાં વ્યસ્ત થઈ ગયા. સમય જતાં અમે પણ ‘ખઝાના’ વીસરવા માંડ્યા. જોકે એ પછી અમે એટલે કે હું, તલત અને અનુપ જલોટા જ્યારે પણ મળતા ત્યારે વાત થતી કે ‘ખઝાના’માં કેવી મજા આવતી. સાથે ગાવાનું, હરવાફરવાનું, મજા કરવાની અને એ બધા ઉપરાંત ઑડિયન્સને પણ ખૂબ મજા કરાવવાની. વાતો થાય અને એ વાતો સાથે મનમાં આછોસરખો વસવસો પણ થાય કે ‘ખઝાના’ એટલે કે ગઝલનો ખજાનો શું કામ દટાઈ ગયો, શું કામ? (આ ખજાનો અમે કેવી રીતે નવેસરથી શોધ્યો અને એની નવેસરથી શરૂઆત કેવી રીતે થઈ એની વાતો ફરી ક્યારેક.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK