Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુનગુનાઉંગા યહી ગીત મૈં તેરે લિએ

ગુનગુનાઉંગા યહી ગીત મૈં તેરે લિએ

19 June, 2019 10:26 AM IST |
પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

ગુનગુનાઉંગા યહી ગીત મૈં તેરે લિએ

પંકજ ઉધાસ

પંકજ ઉધાસ


(તલત મેહમૂદ જેવા દિગ્ગજના હાથે મારું આલબમ રિલીઝ થાય એનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે? મ્યુઝિક-કંપનીની વાત પછી હું તો ખુશ થઈ ગયો. મારી આંખ સામે તલતસાહેબ સાથેનાં મારાં તમામ સંભારણાં આવી ગયાં હતાં જે મારા નાનપણથી શરૂ થતાં હતાં. નાનો હતો ત્યારે રેડિયો પર મેં તેમનાં પુષ્કળ ગીતો સાંભળ્યાં હતાં. એ બધાં ગીતો એ જ સમયથી મારા બૅકગ્રાઉન્ડમાં વાગતાં થઈ ગયાં હતાં. જોકે કુદરતે કંઈક જુદું જ વિચારી રાખ્યું હતું. જોઈએ શું હતું કુદરતના મનમાં...)

તલત મેહમૂદની પર્સનાલિટી ખૂબ સરસ હતી. હું બહુ જૂજ વ્યક્તિથી ઇમ્પ્રેસ થયો છું, પણ એમાં તલતસાહેબનું નામ આવે. પડછંદ, એકદમ હૅન્ડસમ અને એ પછી પણ એકદમ સૌમ્ય.



મ્યુઝિક-કંપની સાથે નક્કી થયું એટલે તલતસાહેબનો સમય લઈને હું અને મારી પત્ની ફરીદા અમે બન્ને તેમને મળવા માટે ગયાં. એક સમયે તલતસાહેબનો એક જૂનો મોટો બંગલો બાંદરામાં હતો, જે તેમણે કોઈ બિલ્ડરને આપેલો અને ત્યાં બિલ્ડરે એક મોટું બિલ્ડિંગ બનાવ્યું હતું. આ બિલ્ડિંગમાં એક આખો ફ્લોર તલતસાહેબનો હતો. હું તેમના ઘરે મળવા ગયો ત્યારે મારા ધબકારા અતિશય તેજ થઈ ગયા હતા. તેમને મળવાની મને જબરી તાલાવેલી લાગી હતી. મેં મહામહેનતે મારા પર કાબૂ રાખ્યો હતો. તેમના ઘરે પહોંચ્યો એટલે તેમના સર્વન્ટે દરવાજો ખોલ્યો અને અમને હૉલમાં બેસાડ્યા. પાણી આવ્યું અને એ પછી થોડી વારે તલતસાહેબ આવ્યા.


મેં વાત ચાલુ કરી તેમને મારી ઓળખાણ આપતાં કહ્યું કે મારું નામ પંકજ ઉધાસ છે અને હું ગઝલ ગાઉં છું. તેમણે તરત જ મને કહ્યું કે ‘પતા હૈ બેટા, થોડા સૂના હૈ તુમ્હારે બારે મેં. બહુત ખુશી હોતી હૈ જબ પતા ચલતા હૈ કિ આજ કે જમાને મેં ભી કોઈ ગઝલ ગા રહા હૈ. અચ્છી બાત હૈ...’

મેં તેમને મુદ્દાની વાત કહી અને કહ્યું કે બસ, તમારા આશીર્વાદ જોઈએ છે. મારું એક નવું આલબમ રિલીઝ થવા જઈ રહ્યું છે, જો એ તમારા હાથે અને આપ જેવા શહેનશાહ-એ-ગઝલના હાથે રિલીઝ થાય તો મને બહુ ખુશી થશે. તેમણે એ જ વાત કહી જેની અમને ધારણા હતી. તલતસાહેબે કહ્યું કે તબિયતને કારણે હવે હું ક્યાંય બહાર જતો નથી એટલે આવવું તો અશક્ય છે.


મેં તેમને ખૂબ આગ્રહ કર્યો. ભગવાન જાણે તેમના હૃદયમાં અને દિલમાં એવી તે કઈ લાગણી જન્મી કે તેમણે મને કહ્યું કે ‘ચાલો, તારા આ ફંક્શનમાં હું આવીશ.’ સાચું કહું મને એવું જ લાગ્યું જાણે ભગવાન મારા ઘરે પધારવાના હોય. તેમણે થોડી વાર માટે આવવાનું પ્રૉમિસ કર્યું એટલે ફરી પાછાં આવીને મ્યુઝિક-કંપની સાથે બેસીને અમે ડેટ ફાઇનલ કરી અને ફંક્શન નક્કી થઈ ગયું.

નક્કી થયું, ડેટ આવી, મ્યુઝિક લેબલ ફંક્શન નક્કી થયું. ફંક્શન ક્ષેમકુશળ રીતે પાર પડે અને તલતસાહેબની તબિયતને પણ કંઈ એવું ન બને એની પ્રાર્થના હું લગભગ રોજ કરતો હતો. કાર્યક્રમનો દિવસ આવી ગયો અને કાર્યક્રમમાં આલબમ રિલીઝ કરવા માટે તલતસાહેબ આવ્યા. તેઓ સ્ટેજ પર આવ્યા અને સ્ટેજ પર આવીને જ્યારે તેમણે આલબમ લૉન્ચ કર્યું ત્યારે ત્યાં હાજર રહેલા સૌકોઈની ખુશી અનોખી હતી. તલતસાહેબની હાજરીમાત્રથી મીડિયામાં એટલી ધમાલ મચી ગઈ હતી કે ન પૂછો વાત. ઘણા વખતથી લોકોએ તેમને જોયા નહોતા, ઘણા વખતથી તલતસાહેબ ક્યાંય બહાર જતા નહોતા અને એ પછી તેઓ આ રીતે ગઝલ આલબમ રિલીઝ કરવા જાહેરમાં આવ્યા.

બધાને ગમ્યું કે તલતસાહેબે આલબમ રિલીઝ કર્યું અને તલતસાહેબને પણ ગમ્યું કે તેમના હાથે ‘મહેફિલ’ જેવું સરસ આલબમ રિલીઝ થયું. ભગવાનની દયાથી આ આલબમ પણ ખૂબ પૉપ્યુલર થયું અને એની બધી ગઝલો પણ ખૂબ પૉપ્યુલર થઈ.

એ પછી મારા અને તલતસાહેબના સંબંધો કાયમ રહ્યા. ૨૪ ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ. એ દિવસે હું ભૂલ્યા વગર તેમને ફૂલ મોકલાવું અને અમારી આ પરંપરા કાયમ અકબંધ રહી. થોડા સમય પછી તો મને ખબર પડી કે હવે તેમણે થોડું બહાર નીકળવાનું ચાલુ કર્યું છે. એ પછીના થોડા સમય પછી એક દિવસ હું વેસ્ટર્ન આઉટડોર નામના એક રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ કરતો હતો તો ત્યાં સાઉન્ડ રેકૉર્ડિસ્ટ અને બીજા પાસેથી ખબર પડી કે તલતસાહેબની ઇચ્છા છે કે તેઓ એક આલબમ રેકૉર્ડ કરે.

મારું એવું માનવું છે કે હું નિમિત્ત બન્યો જેમાં તલતસાહેબની સંગીતની જે કરીઅર હતી એ માટે તેમને જોશ આવ્યું. તલતસાહેબે આલબમનું રેકૉર્ડિંગ ચાલુ કર્યું અને ‘ગઝલ કે સાઝ ઉઠાઓ’ નામનું આલબમ બનાવ્યું. આ આલબમ દિલીપકુમારના હાથે રિલીઝ થયેલું એ પણ મને યાદ છે. એ પછી તો તેમણે પ્રોગ્રામ કરવાનું પણ શરૂ કર્યું અને તલત મેહમૂદ જેઓ ભારતીય ગઝલમાં બહુ મોટું નામ એ ફરી પાછું ઘરઘરમાં ગુંજવા લાગ્યું. લોકોના દિલમાં તલતસાહેબ માટે બહુ લાગણી અને ખૂબ પ્રેમ. ‘નાયાબ’ સમયે મેં ફરી વાર તેમને એક રિક્વેસ્ટ કરી હતી. આ આલબમ રિલીઝ કરવા તેઓ નહોતા આવી શક્યા. તેમણે સક્સેસ પાર્ટીમાં આવવાનું એ સમયે વચન આપ્યું હતું, પણ તેઓ એ વખતે પણ નહોતા આવી શક્યા.

તલતસાહેબને મળવાનું બહુ ઓછું થતું, પણ તેમની સાથે દિલનો સંબંધ બંધાયેલો અકબંધ રહ્યો. હંમેશાં સમાચાર મળતા કે તેમનો પ્રોગ્રામ છે કે તેમનું નવું સર્જન આવે છે. આ સમાચાર વચ્ચે હું ફરી વાર મારાં કામમાં અને મારી કારકિર્દીમાં વ્યસ્ત થઈ જતો, પણ એ બધા વચ્ચે મારા દિલના તાર તેમની સાથે જોડાયેલા રહેતા એટલે તેમને હંમેશાં કોઈ ને કોઈ રીતે યાદ કરી લેતો.

લંડનમાં વેમ્બલી કૉન્ફરન્સ સેન્ટરમાં મારો કાર્યક્રમ હતો. દિવસ હતો ૯મી મે અને વર્ષ હતું ૧૯૮૮નું.

સ્ટેજ પર મારા મ્યુઝિશ્યનો સાથે સાઉન્ડ ચેક કરવાનું કામ ચાલતું હતું એ દરમ્યાન મારા ઑર્ગેનાઇઝરે આવીને મને કહ્યું કે એક સેડ ન્યુઝ છે, તલતસાહેબ હવે નથી રહ્યા. મને એક ઝાટકો લાગ્યો, દુઃખ થયું, તેમની સાથે દિલના સંબંધ હતા. તેમની સાથે નાનપણથી સંગીત સાથે જોડાયેલા હતા. મેં એક ગ્લાસ પાણી પીધું અને વિચાર કર્યો કે હવે શું કરીએ? એ જ સાંજે મેં તેમને શ્રદ્ધાંજલિ આપવી એવું નક્કી કર્યું અને અમે મ્યુઝિશ્યનો સાથે બેસીને ગીતનંન રિહર્સલ કર્યું જે ગીતથી મારો સંગીતશોખ જાગ્યો હતો, ‘જલતે હૈં જિસકે લિએ, તેરી

આંખોં કે દિયે...’

ગીતનું રિહર્સલ કર્યું અને સાંજે કાર્યક્રમ ચાલુ થયો ત્યારે એ સમાચાર ઑડિયન્સ સાથે શૅર કર્યા અને ઊભા રહીને એક મિનિટ માટે મૌન પાડીને તલતસાહેબના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. એ પછી મેં ગાવાનું શરૂ કર્યું, એ જ ગીત જે ગીતે મારા જીવનની દિશા બદલી હતી, ‘જલતે હૈં જિસકે લિએ, તેરી આંખોં કે દિયે...’

આ પણ વાંચો : ઉનકા ભી ગમ હૈ, અપના ભી ગમ હૈ અબ દિલ કે બચને કી ઉમ્મીદ કમ હૈ

ગીતની એ અઢી-ત્રણ મિનિટમાં તેમની સાથેની તમામ યાદો મારી નજર સામેથી પસાર થઈ ગઈ. નાનપણમાં તેમને પહેલી વાર સાંભળ્યાથી લઈને પહેલી વાર તેમને હું મળ્યો એ, તેમની પર્સનાલિટી, તેમનું ગાવાનું, તેમની સ્ટાઇલ, તેમણે ગાયેલાં ગીતો અને એ બધું આંખ સામે ફિલ્મની જેમ પસાર થઈ ગયું. પહેલો અંતરો ગાયો અને મારાથી રડી પડાયું અને પછી મને તકલીફ થઈ કે મારાથી આગળ હવે નહીં ગાઈ શકાય. મેં ઑડિયન્સની માફી માગી લીધી અને બે મિનિટ માટે બૅકસ્ટેજ પર ગયો. ત્યાં જઈને પાણી પીધું, મોઢું ધોયું અને ફરી પાછો સ્ટેજ પર આવ્યો, પણ એ સમયે એક કસક મનમાં નાસૂર બનીને ખૂંચતી હતી કે તલતસાહેબને છેલ્લા સમયે અલવિદા ન કહી શક્યો. મારા હિસાબે આજના સમયમાં પણ તલતસાહેબનાં ગીતો, ગઝલો એટલી રિફ્રેશિંગ છે, તેમના અવાજમાં એટલુંબધું માધુર્ય છે જે કોઈની પાસે નથી, કોઈનામાં નથી. એ ખરા અર્થમાં શહેનશાહ-એ-ગઝલ હતા. તમની સલ્તનત આજે પણ અકબંધ છે. જો માનવામાં ન આવતું હોય તો તેમણે ગાયેલું કોઈ પણ ગીત ચાલુ કરી દો અને જુઓ, એ તમને પોતાની સાથે ખેંચી જશે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 10:26 AM IST | | પંકજ ઉધાસ - દિલ સે દિલ તક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK