Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગીતા દત્ત અને હું એ એક મુલાકાતે મારી જિંદગી બદલી

ગીતા દત્ત અને હું એ એક મુલાકાતે મારી જિંદગી બદલી

29 May, 2019 12:16 PM IST | મુંબઈ
દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

ગીતા દત્ત અને હું એ એક મુલાકાતે મારી જિંદગી બદલી

ગુરુવંત ગીતાજી: આદરણીય અવાજ, સન્માનનીય રૂપ અને એ પછી પણ સાદગી તેમનામાં ભારોભાર હતી.

ગુરુવંત ગીતાજી: આદરણીય અવાજ, સન્માનનીય રૂપ અને એ પછી પણ સાદગી તેમનામાં ભારોભાર હતી.


આમ તો આ વાત સિત્તેરના દશક પહેલાંની છે. એક્ઝૅક્ટ સમયગાળો મને યાદ નથી અત્યારે પણ હા, એ યાદ છે કે એ દિવસોમાં હું જુનિયર બીએસસી ભણતો હતો અને મારા મોટાભાઈ મનહર ઉધાસ સાથે જ અમે બન્ને નાના ભાઈઓ નિર્મલ અને હું રહેતા હતા. ભુલાભાઈ દેસાઈ રોડને એ સમયે વૉર્ડન રોડના નામે ઓળખવામાં આવતો. આ રોડ પર ગીતાભવન નામનું એક બિલ્ડિંગ જેમાં અમે ભાઈઓ રહીએ. સવારથી કૉલેજ માટે હું નીકળી જાઉં અને પછી જાતજાતની પ્રવૃત્તમાં બિઝી અને એ પછી મોડી સાંજે પાછો આવું. મુંબઈ યુનિવર્સિટીની ભાતભાતની સોસાયટીઓ ચાલતી એમાં હું પ્રવૃત્ત હતો. સિન્ગિંગ મારું ફેવરિટ અને એમાં હું કૉલેજની જે સોસાયટી હોય એમાં એક્ટિવ પણ હતો. આ ઉપરાંત નાટક અને ડાન્સિંગ પણ મને ગમે એટલે કૉલેજ પછીનો મારો મોટાભાગનો સમય હું આ બધી ઇતર એક્ટિવિટીઓમાં પસાર કરતો, પણ હું જે દિવસની આજે વાત કરવા માગું છું એ સાંજે નસીબજોગે વહેલો ઘરે આવી ગયો હતો. મેં જોયું કે મોટાભાઈ મનહરભાઈ સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે. નવાં સારાં કપડાં પહેરીને તેમને તૈયાર થતા જોઈને મારાથી ભૂલથી પુછાઈ ગયું કે તમે ક્યાં જાઓ છો?

સામાન્ય રીતે ઘરમાંથી કોઈ બહાર જતું હોય ત્યારે તેને ‘ક્યાંકારો’ ન કરવો જોઈએ એવું મારાં બા-બાપુજીએ શીખવ્યું હતું અને એ પણ શીખવ્યું હતું કે ‘ક્યાં જાઓ છો’ એવું પૂછવાને બદલે ‘શીદ જાઓ છો’ એવું પૂછવું જોઈએ, પણ મને પાકું યાદ છે કે એ દિવસે મારાથી આવી ભૂલ થઈ હતી. પૂછી લીધા પછી મને ભાન થયું અને થયું પણ ખરું કે કદાચ હવે મોટાભાઈ ગુસ્સે થશે, પણ એવું બન્યું નહીં અને મને મનહરભાઈએ કહ્યું કે લાયન્સ ક્લબનો એક કાર્યક્રમ છે જેમાં તેમની સાથે ગીતા દત્ત પણ ગાવાનાં છે. ફોન પર ગીતાજીએ હા પાડી છે એટલે એડ્વાન્સની ફૉર્માલિટી મારે પૂરી કરવા જવાની છે. એ બહાને અમે મળી પણ લઈશું અને કાર્યક્રમ વિશે વાત પણ કરી લઈશું.



‘તારે મળવું છે ગીતા દત્તને?’


અચાનક તેમણે મને સામેથી જ આવું પૂછ્યું. તેમના આ સવાલની સાથે મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. એ સમયે હું રાજકોટમાં હતો અને રેડિયો પર આખો દિવસ ગીતાજીએ ગાયેલું ગીત વાગતું રહેતું.

વક્તને કિયા ક્યા હસીન સિતમ, તુમ રહે ના તુમ, હમ રહેં ના હમ...


એ સમયે સાંભળેલું આ ગીત મગજમાં જડાઈ ગયું હતું, એણે દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ગીતમાં એટલું દર્દ હતું કે તમે એ સાંભળો ત્યાં જ દુનિયાભરનાં તમામ દુઃખો તમને ઘેરી વળે. ગીતા દત્તના અવાજની આ ખૂબી હતી, તાસીર હતી. તેમના અવાજમાં એક એવી વાત હતી કે એ અવાજ બધાથી નોખો તરી આવે. હું કહીશ કે આજે બધા જેવું ગાનારાઓ જોવા મળે છે, પણ ગીતાજીના અવાજની તોલે હજી સુધી કોઈ નથી આવ્યું.

‘હા, મારે આવવું છે.’

મેં તરત જ હા પાડી દીધી. ગીતાજીને મળવાનો આવો અવસર હું કેવી રીતે જવા દઉં? નાનપણથી તેમને સાંભળતા આવ્યા હોઈએ, જેમણે આટલાં સુંદર ગીતો આપ્યાં હોય તેમને મળવા જવાનું કેવી રીતે ટાળી શકાય?

મનહરભાઈએ પણ મને ફટાફટ તૈયાર થવાનું કહ્યું એટલે હું તૈયાર થઈ ગયો અને પછી અમે બન્ને ભાઈઓ પાલી ‌હ‌િલ પહોંચ્યા. એ સમયે ગીતાજી પાલી હિલમાં રહેતાં હતાં. અમે તેમના ઘરે પહોંચ્યા એટલે તેમના માણસે અમને સિ‌ટ‌િંગ રૂમમાં બેસાડ્યા અને ગીતાજી થોડી વારમાં આવે છે એવું કહીને તે અંદર ચાલ્યો ગયો.

મને હજી પણ યાદ છે કે ગીતાજી જોવા મળશે એ વાતથી જ હું એકદમ એક્સાઇટેડ હતો. મારું ધ્યાન એ ‌સિટિંગ રૂમમાં પડતા બધા દરવાજા તરફ હતું અને હું એકધારું જોતો હતો કે તે કયા રૂમમાંથી બહાર આવે છે. થોડી વાર પછી વાઇટ કલરની કૉટનની સાડીમાં ગીતાજી બહાર આવ્યાં. મનહરભાઈ તેમને મળ્યા, હું તેમને પગે લાગ્યો. મનહરભાઈએ પોતાની ફૉર્માલિટી પૂરી કરી અને તે જેના માટે આવ્યા હતા એ અેન્વેલપ તેમને આપી દીધું. ગીતા દત્તે એ કવર હાથમાં લઈને બાજુમાં મૂકી દીધું અને પછી મહેમાનગતિની વાત થઈ. ચા-કૉફી અને કોલ્ડ ડ્રિન્ક્સનું તેમણે પૂછ્યું. અમે ફક્ત પાણી પીધું અને પાણી પીધા પછી અચાનક ગીતાજીનું ધ્યાન મારી તરફ ગયું. મનહરભાઈ પણ પારખી ગયા. તેમણે મારી ઓળખાણ કરાવીને કહ્યું કે આ મારો નાનો ભાઈ છે, અહીં કૉલેજમાં જ ભણે છે.

‘તુમ ભી ગાતે હો ક્યા?’

ગીતાજીએ મને સવાલ પૂછ્યો એટલે હું સહેજ થોથવાયો. તેમના જેવા મહાન ગાયક આવો સવાલ પૂછે ત્યારે સ્વાભાવિક રીતે સહેજ બીક તો લાગે. એ બીક બીજી કોઈ વાતની નહીં, પણ આદરમાંથી જન્મી હોય છે.

‘શૌક સે ગાતા હૂં મૈં પર વૈસે તો પઢાઈ ચલ રહી હૈ તો જ્યાદાતર ઉસી મેં હી બિઝી હોતા હૂં.’

મારી બીજી વાત પર ધ્યાન આપ્યા વિના જ તેમણે બૂમ પાડી ને હાર્મોનિયમ મંગાવ્યું. માણસ આવીને હાર્મો‌નિયમ મૂકી ગયો એટલે ગીતાજીએ ફરી મારી સામે જોયું.

‘કુછ સુનાઓ તુમ. કહો ક્યા સુનાઓગે તુમ?’

એ સમયે મને જૂની ફિલ્મોનાં ગીતો ખૂબ ગમતાં. આજે પણ ગમે છે, પણ એ સમયે ગઝલને કરીઅર બનાવવી એવું કશું વિચાર્યુ સુધ્ધાં નહોતું. હું તો કહીશ કે ગાયકીને કરીઅર બનાવવી એ પણ વિચાર્યું નહોતું. સાઠ-સિત્તેરના દશકમાં હું મુકેશજીનો બહુ મોટો ફૅન, ત્યારે પણ અને આજે પણ. એ સમયે ‘કનૈયા’ નામની એક ફિલ્મ આવી હતી જેનું એક ગીત મને ખૂબ ગમતું.

મુઝે તુમ સે કુછ ભી ન ચા‌િહ‌એ,

મુઝે મેરે હાલ પે છોડ દો...

મેરા દિલ અગર કોઈ દિલ નહીં,

ઉસે મેરે સામને તોડ દો...

હાર્મોનિયમ લઈ મેં ગાવાનું શરૂ કર્યું.

જેમ-જેમ ગાતો ગયો એમ-એમ ગીતાજીનાં એક્સપ્રેશન ચેન્જ થવાનાં શરૂ થયાં. મેં હજી તો મુખડું શરૂ કર્યું અને પહેલો અંતરો પૂરો કર્યો ત્યાં તો તેમની આંખમાંથી આંસુની ધાર નીકળવાની શરૂ થઈ ગઈ. એ સમયે મારી ઉંમર તો

માત્ર સત્તર વર્ષની. તકલીફો જોઈ હતી,

હેરાનગિત‌માં‌થી પસાર થતા હતા; પણ એ બધી તકલીફો નહોતી જોઈ જેમાં દિલ તૂટવાની વાત આવતી હોય. દુનિયાદારીની દૃષ્ટિએ એમ હું નાદાન હતો અને એને લીધે જ દુનિયાની ઘણીખરી તકલીફોથી પણ હું અપરિચ‌િત હતો અને એવો કોઈ આ દુનિયાના સંબંધોનો અનુભવ પણ નહીં, પણ ગીતાજી તો જમાનાનાં ખાધેલાં અને અઢળક મોટી સફળતા પછી પણ તેમની પાસે કડવા અનુભવોનો બહુ મોટો ઢગલો. ખબર નહીં પણ કેમ મારું ગીત સાંભળતાં-સાંભળતાં તે લાગણીવશ થઈ ગયાં અને તેમની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં. મેં ગીત પૂરું કર્યું એટલે આંસુ લૂછીને તેમણે મને બહુ પ્રેમથી કહ્યું, ‘બેટા, તું ગાવાનું છોડતો નહીં. બહુ સરસ ગાય છે તું.’

તેમના જેવી વ્યક્તિ પાસેથી આવા સરસ અેન્કરેજમેન્ટના શબ્દો નીકળે એનાથી મોટી વાત બીજી કઈ હોય? નીકળતી વખતે મેં તેમના આશીર્વાદ લીધા અને તે છેક તેમના ઘરના દરવાજા સુધી અમને મૂકવા આવ્યાં. અંદર પાછાં જતાં પહેલાં ફરીથી તેમણે તાકીદ કરી કહ્યું કે તું ગાવાનું છોડતો નહીં, ભગવાને તને અવાજ નહીં, સૂર આપ્યો છે અને ભગવાને આપેલી ભેટને જાણી લીધા પછી એને બહાર લાવવાનું કામ ન કરીએ તો એ ભગવાનનું અપમાન કર્યા સમાન ગણાય.

ગીતાજી સાથેની એ મુલાકાતની પહેલાં મને ગાવાનો શોખ હતો અને હું ગાતો પણ ખરો. લોકો વખાણ પણ કરતા અને એ વખાણને લીધે ગાવાના આ શોખને જાળવી પણ રાખ્યો હતો, પણ મનમાં એવું જરા પણ નહોતું કે હું ગાયક બનીશ. શોખને શોખ પૂરતો સીમિત રાખી મારે તો સાયન્સના ક્ષેત્રમાં આગળ વધવું હતું, પણ એ દિવસે સાંજે ગીતાજીના ઘરેથી નીકળ્યા પછી પહેલી વખત મને સમજાયું હતું કે મારે ખરેખર આ કરીઅરની બાબતમાં પણ સાચી રીતે વિચારવું જોઈએ. ગીતાજીની સામે ગીત ગાતી વખતે પણ શરીરમાં ઝણઝણાટી હતી અને એ ઝણઝણાટી આજે પણ શરીરમાંથી એમ જ પસાર થઈ જાય જ્યારે આ પ્રસંગ યાદ આવે છે. આ પ્રસંગ પછી મેં મારા સિન્ગિંગ પર ધ્યાન વધારી દીધું અને એ સમયે આજના આ સમયનું ઘડતર શરૂ થયું અને એ પછીની વાત સૌકોઈની સામે છે. ગીતાજીની આ વાત કરતી વખતે અત્યારે પણ મેં તેમનું પેલું ‘કાગઝ કે ફૂલ’નું ગીત ચાલુ કર્યું છે અને મારા બેડરૂમમાં એ ગીત વાગી રહ્યું છે.

આ પણ વાંચો : શું તમારી દીકરી એ ચાર દિવસ માટે તૈયાર છે?

બેકરાર દિલ ઇસ તરહ મિલે

જિસ તરહ કભી હમ જુદા ન થે

તુમ ભી ખો ગએ, હમ ભી ખો ગએ

એક રાહ પર ચલ કે દો કદમ

વક્ત ને કિયા ક્યા હસીન ‌સ‌િતમ

તુમ રહે ના તુમ, હમ રહેં ના હમ...

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2019 12:16 PM IST | મુંબઈ | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK