અમર, અકબર, ઍન્થની

Published: Sep 11, 2019, 08:18 IST

મારી અને અનુપ જલોટા-તલત અઝીઝની એકબીજા પ્રત્યેની જે આત્મીયતા જન્મી એની પાછળ ‘ખઝાના’નો બહુ મોટો ફાળો છે. અમારા સંઘર્ષકાળ દરમ્યાન જ મ્યુઝિક ઇન્ડિયાએ ‘ખઝાના’ના નામે એક એવો કાર્યક્રમ શરૂ કર્યો જેમાં બધા ગઝલના કલાકારો ભેગા થાય

 મારી અને અનુપ જલોટા-તલત અઝીઝની એકબીજા પ્રત્યેની જે આત્મીયતા જન્મી એની પાછળ ‘ખઝાના’નો બહુ મોટો ફાળો છે. અમારા સંઘર્ષકાળ દરમ્યાન જ મ્યુઝિક ઇન્ડિયાએ ‘ખઝાના’ના નામે એક એવો કાર્યક્રમ શરૂ કર્યો જેમાં બધા ગઝલના કલાકારો ભેગા હોય અને બે-ત્રણ નાઇટનો પ્રોગ્રામ થાય. આ પ્રોગ્રામમાં દરરોજ કલાકારો પોતપોતાનો પર્ફોર્મન્સ આપે. મેં તમને અગાઉ કહ્યું હતું એમ, પહેલાં આની શરૂઆત મુંબઈમાં થઈ, પણ એ પછી એની પૉપ્યુલરિટી જોઈને મ્યુઝિક ઇન્ડિયાએ મુંબઈ સિવાયના દેશના દિલ્હી, હૈદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ એમ જાતજાતનાં શહેરોમાં પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું. તમે મુંબઈમાં હો ત્યારે તમે તમારા શહેરમાં છો, એટલે રાતે પ્રોગ્રામ પૂરો થયા પછી અંતે છૂટા જ પડવાનું હોય, પણ જો સાથે રહેવાનું આવે તો એની આત્મીયતા જુદી હોય, અલગ હોય. એ આત્મીયતામાં લાગણીઓ ઉમેરાય અને એ ઉમેરાયેલી લાગણીઓ વચ્ચે સંબંધો પણ વધારે મજબૂત બને. મુંબઈના કાર્યક્રમ દરમ્યાન અમારી દોસ્તી થઈ, પણ એ પછી બીજાં શહેરોમાં અમે ગયા જેને લીધે અમારી આ દોસ્તીમાં આત્મીયતા ઉમેરાઈ.

બીજાં શહેરોમાં થતા ‘ખઝાના’ના પ્રોગ્રામ દરમ્યાન અમે ત્રણેય એકબીજાની વધારે નજીક આવ્યા. ૧૯૮૫ની આસપાસના આ સમયગાળાની વાત હશે. અમે સાથે ટ્રાવેલિંગ કરીએ, હોટેલમાં રૂમ પણ બાજુબાજુમાં લેવાની, લંચ-ડિનર સાથે લેવા જઈએ અને પ્રોગ્રામ પૂરો થઈ ગયા પછી સિટીમાં ફરવા પણ સાથે જઈએ.

મને યાદ છે એક વખત ‘ખઝાના’નો પ્રોગ્રામ બૅન્ગલોરમાં હતો. એ કાર્યક્રમ શરૂ થયો અને એમાં અમે ઑડિયન્સમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીને જોયાં. પ્રોગ્રામ પૂરો થયો એટલે જાવેદ અખ્તર અને શબાના આઝમીએ અમને ત્રણેયને પોતાની રૂમમાં આવવા માટે ઇન્વિટેશન આપ્યું અને ત્રણેય રાતે તેમની રૂમમાં ગયા. શબાના આઝમીએ પહેલેથી જ બધા માટે બિરયાનીનો બન્દોબસ્ત કરી રાખ્યો હતો. અમે લોકોએ સાથે ત્યાં બિરયાની ખાધી અને પછી શેરોશાયરીની એક મોટી બેઠક અમારી વચ્ચે થઈ. એ રાતે છૂટા પડતી વખતે જાવેદ અખ્તરે ખૂબ જ પ્રેમથી અમને કહ્યું, ‘આપ તીનો ગાયકી કે અમર, અકબર, ઍન્થની હો, રહના ભી ઉસી તરહ સાથ મેં.’

એ પછી સમય જતાં ‘ખઝાના’ બંધ કરવામાં આવ્યું અને અમે ત્રણ પણ, તમને અગાઉ કહ્યું એમ, અમારી કરીઅરમાં લાગી ગયા. બધાએ પોતપોતાની રીતે પોતપોતાનું કામ શ્રેષ્ઠ રીતે કર્યું અને સૌકોઈ એકબીજાની સક્સેસ જોઈને ખુશ થતા હતા. સમયાંતરે અમે એકબીજાને મળીએ, દોસ્તીને આગળ વધારીએ. એક દિવસ અમે અનાયાસ ત્રણ જણ દિલ્હીમાં એકત્રિત થઈ ગયા. ત્રણેયના પ્રોગ્રામ હતા. બધાએ અંદરોઅંદર વાત કરી અને નક્કી કર્યું કે રાતે સૌ મળીએ. મળ્યા અને એ રાતે અમે ખૂબ મજા કરી, પણ મજાના અંતે અચાનક અમારા મનમાં ‘ખઝાના’ આવી ગયું. ‘ખઝાના’ની વાતો ચાલતી હતી એ દરમ્યાન અમે વાતવાતમાં નક્કી કર્યું કે આપણી વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ છે, આટલો પ્રેમ છે, આવી યારી છે તો સાથે મળીને કંઈક કરીએ. તલત અને અનુપે એકઅવાજે કહ્યું કે ‘હમેં ઐસા કુછ કરના ચાહિએ.’

અમે નક્કી કર્યું કે આપણે ‘ખઝાના’ ફરી શરૂ કરીએ. અમારી પોતાની કરીઅરમાં પણ ‘ખઝાના’એ ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું એટલે અમને થયું કે અમારે પણ આ કાર્ય આગળ વધારવું જોઈએ અને ઊગતી જનરેશનના ગઝલગાયકોને પ્લૅટફૉર્મ પૂરું પાડવાના હેતુથી પણ ‘ખઝાના’ને નવેસરથી ઊભો કરીને એને ડેવલપ કરવો જોઈએ.

એ વખતે મેં એક સૂચન કર્યું કે થૅલેસેમિયાનાં બચ્ચાંઓ માટે અને કૅન્સર પેશન્ટ્સ માટે હું કામ કરું છું. આપણે એવું કરીએ કે ‘ખઝાના’ શરૂ કરીએ પણ જેકોઈ ઇન્કમ થાય એ ઇન્કમ આ પેશન્ટ્સને આપીએ. બન્નેએ તરત જ કહ્યું કે, પંકજ તું શરૂ કર, અમે તારી સાથે છીએ અને અમને આમાંથી એક પૈસો પણ નથી જોઈતો. સાથે મજા કરીશું એ આપણી આવક અને જે દુઆ મળશે એ આપણો નફો.

મુંબઈ પાછા આવીને મેં ‘ખઝાના’ માટે માથાકૂટ ચાલુ કરી. ઈશ્વરની મહેરબાનીથી ઑબેરૉય હોટેલ અને યુનિયન બૅન્ક સ્પૉન્સર મળ્યાં અને ૨૦૦૨માં પહેલો ‘ખઝાના’ કર્યો. બે રાતનો પ્રોગ્રામ. પહેલા દિવસે હું અને અનુપ, બીજા દિવસે તલત અને ભૂપિન્દર અને મિતાલી સિંહ. અમારી સાથે બીજા ચાર-ચાર કલાકારો. આગળ વાત કહું એ પહેલાં કહી દઉં કે ભૂપિન્દર મારો પરમ મિત્ર, મારાથી મોટા, પણ તેઓ મારો આદર કરે અને હુંતેમને ‘બડે ભૈયા’ જ કહું. સારા હેતુ સાથે થઈ રહેલા આ કામમાં તેઓ પણ જોડાઈ ગયા અને અમારો આ સંપ આજે છેક ૨૦૧૮માં પહોંચ્યો અને અમે ‘ખઝાના’ને ૧૬ વર્ષથી ચલાવી રહ્યા છીએ. આ કાર્યક્રમનું મૂલ્ય એ સ્તર પર છે કે બીજા ગઝલના કલાકારો એમાં તક મળે એની રાહ જુએ છે. એકસાથે ખભેખભા મિલાવીને અમે આ કાર્યક્રમને મોટો કર્યો છે એમ કહું તો ચાલે.

આ પણ વાંચો: સાત અજૂબે ઇસ દુનિયા મેં, આઠવી અપની તિકડી

‘ખઝાના’ની બીજી રાતે મોટા ટેબલ પર અમે ભેગા થઈએ, ખૂબબધી વાતો અને હસી-મજાક, તોફાન થાય અને સવારે પાંચ વાગ્યે બધું પૂરું કરીને બહાર નીકળીએ. આવા તો અનેક પ્રસંગો છે અમારી વચ્ચે. અમર, અકબર, ઍન્થની જેવી અમારી આ તીકડી હમણાં જ નૈરોબી અને જોહનિસબર્ગમાં શો કરીને આવી. ટોટલ હાઉસફુલ શો. અમારા આ યારાનાને જોઈને અમને અઢળક ટીવી-શોમાં બોલાવવામાં આવે છે, ગેસ્ટ તરીકે આમંત્રણ મળે છે અને અમે એ આમંત્રણને પણ અમને મળવાની ભગવાને આપેલી એક તક તરીકે ઝડપી લઈએ છીએ. સંબંધોમાં ઈર્ષ્યા ન હોવી જોઈએ, પણ આવતી હોય છે. ખાસ કરીને એવા સંબંધોમાં એ ઈર્ષ્યા આવી જાય જે સંબંધો લોહીના નથી હોતા, પણ તલત, અનુપભાઈ અને મારી વચ્ચે ક્યારેય કોઈ વાતની ઈર્ષ્યા આવી નથી અને અમને ખાતરી છે કે એ આવશે પણ નહીં. અમારા સંબંધોની સૌથી મહત્ત્વની વાત એ જ રહી છે કે અમે ક્યારેય કોઈને હરીફ માનતા જ નથી અને માની શકવાના પણ નથી. જે મારી ખૂબી છે એ મારી છે અને ભગવાને જે કળા અનુપભાઈને અને તલતને આપી છે એ મારામાં ક્યારેય આવવાની નથી. આ નરી વાસ્તવ‌િકતા છે અને એનો અમે સૌએ સ્વીકાર કર્યો છે.

આજે ઑલમોસ્ટ બે દસકાથી અમે સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ, પણ હેતુ સારો છે, ભાવના ઉમદા છે એટલે અમારે કોઈએ એને માટે ક્યાંય જઈને હાથ નથી લંબાવવો પડ્યો. બધું કામ કરવાની ક્ષમતા ઈશ્વર આપી રહ્યો છે. એનાથી શ્રેષ્ઠ બીજું હોય પણ શું. વર્ષે એક કરોડ રૂપિયાથી વધુ ફન્ડ એકત્રિત થાય છે, જે અવિરતપણે પેશન્ટ્સ માટે વાપરવામાં આવે છે. અગાઉ કહ્યું હતું એમ, અત્યાર સુધીમાં ૨૦૦થી વધારે બાળકોની સર્જરી ‘ખઝાના’ને લીધે શક્ય બની છે, જે સર્જરીને કારણે બાળકો થૅલેસેમિયામાંથી મુક્ત થયાં છે. આ ઉપરાંત ૭૫,૦૦૦ કૅન્સર-પેશન્ટ્સને આ જ કાર્યક્રમમાંથી મદદ કરવામાં આવી છે. મદદ કરવાની આ ક્ષમતા ઉપરવાળાએ આપી છે એની અમને ખુશી છે, ગર્વ છે અને અફસોસ એ વાતનો છે કે પેશન્ટ્સ અને થૅલેસેમિયાગ્રસ્ત બાળકોને આવી પીડા સહન કરવી પડે છે. પીડા લઈ શકાતી નથી, પણ એને હળવી કરવા માટે તો મહેનત કરી શકાયને? અમે આ જ કરીએ છીએ અને આ જ અમારે મને સાચો ‘ખઝાના’ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK