સંતોષ થા દિલોં કો, માથે પે બલ નહીં થા દિલ મેં કપટ નહીં થા, આંખો મેં છલ નહીં થા

Published: Jan 22, 2020, 15:20 IST | Pankaj Udhas | Mumbai

ઝફર ગોરખપુરી સાહેબ ઘરે આવે એટલે એક વણલખ્યો નિયમ હતો, મારે માણસને મોકલીને પહેલાં સિગારેટ મગાવવાની. તે આવે એટલે સિગારેટ સળગે અને સિગારેટની સાથે તેમની સર્જનાત્મકતા પણ પ્રગટે

કમાલ કર દીયાઃ રાતે ત્રણ વાગ્યે ફોન કરીને આપણા પ્રસિદ્ધ ઍક્ટર મનોજકુમારે વખાણ કર્યાં અને પેટ ભરીને વાતો કરી, જેનો બધો જશ ઝફર ગોરખપુરી સાહેબને જાય છે.
કમાલ કર દીયાઃ રાતે ત્રણ વાગ્યે ફોન કરીને આપણા પ્રસિદ્ધ ઍક્ટર મનોજકુમારે વખાણ કર્યાં અને પેટ ભરીને વાતો કરી, જેનો બધો જશ ઝફર ગોરખપુરી સાહેબને જાય છે.

ઝફર ગોરખપુરી સાહેબ ઘરે આવે એટલે એક વણલખ્યો નિયમ હતો, મારે માણસને મોકલીને પહેલાં સિગારેટ મગાવવાની. તે આવે એટલે સિગારેટ સળગે અને સિગારેટની સાથે તેમની સર્જનાત્મકતા પણ પ્રગટે

દુખ-સુખ થા એક સબકા,
અપના હો યા બૈગાના
એક વો ભી થા જમાના,
એક યે ભી હૈ જમાના

નઝમ મેં પૂરી કરી એટલે મોરારિબાપુએ ઇશારો કરીને મને તેમની પાસે બોલાવ્યો અને મારો વાંસો થાબડ્યો. મેં તમને અગાઉ કહ્યું એમ, મોરારિબાપુને એ દિવસે મૌન હતું. બાપુએ ત્યાર પછી ફરીથી ઇશારો કર્યો મનુભાઈને અને ઇશારાથી જ કહ્યું કે માઇક લાવો. બધાને નવાઈ લાગી, પણ બાપુનો આદેશ હતો એટલે તેમની પાસે માઇક મૂકવામાં આવ્યું. બાપુએ કહ્યું કે આજે પંકજે જે કવિતા વાંચી અને પોતાની વાત કરી એ વાત, અંગત જીવનના કોષથી લઈને કમ્પ્યુટર સુધીની વાત સાંભળીને તેણે મને મૌન વ્રત તોડવા માટે મજબૂર કરી દીધો, હવે મારે બે શબ્દો બોલવા જ પડશે. પંકજે મને બોલવાની પ્રેરણા આપી દીધી આજે.

આ તાકાત ઝફર ગોરખપુરી સાહેબની નઝ‍‍‍‍્‍મ ‘ઈક્કીસવીં સદી’ની અને આપણે આ નઝ‍‍‍‍્મની જ વાત કરવાના છીએ. ઇતિહાસની નઝમ હોય એવું બને, પણ આ નઝમનો તો પોતાનો જ એક ભવ્ય ઇતિહાસ છે. મેં તમને કહ્યું હતું એમ, આ વર્ષે જ્યારે ૩૧ ડિસેમ્બરે રાતે વર્ષ બદલાતું હતું ત્યારે એક ન્યુઝ ચૅનલે છેલ્લી સેકન્ડોના કાઉન્ટમાં આ નઝ‍‍‍્મને વગાડી હતી અને મારી આંખ સામે ઉર્દૂ સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત એવા કવિ, શાયર, સર્જક ઝફર ગોરખપુરી આવી ગયા હતા. તેમની સાથે મારો બહુ જૂનો પરિચય. વર્ષોથી હું તેમની સાથે કામ કરતો. એક્ઝેક્ટ વર્ષ સાથે કહેવાનું હોય તો કહી શકું કે પહેલી વાર અમે ૧૯૮૨માં સાથે કામ કરવાનું શરૂ કર્યું. મારી અનેક અદ્ભુત કહેવાય એવી ગઝલો તેમણે લખી છે.

પથ્થર કહા ગયા, કભી સીસાં કહા ગયા
દિલ જૈસી એક ચીઝ કો ક્યા-ક્યા કહા ગયા

આ ગઝલની આજે પણ કૉન્સર્ટમાં ખાસ ડિમાન્ડ કરવામાં આવે છે. તેમણે લખેલી અને મેં ગાયેલી બીજી પણ એક ગઝલ મને અત્યારે યાદ આવે છે.

દિન કો ભી ઇતના અંધેરા હૈ મેરે કમરે મેં
સાયા આતે હૂએ ભી ડરતાં હૈ મેરે કમરે મેં

ઝફર સાહેબે લખેલી આ ગઝલ મેં લંડનમાં ૧૯૮૪માં આલ્બર્ટ હૉલના એક કાર્યક્રમમાં ગાઈ હતી. નવી-નવી અને એકદમ તાજી કહેવાય એવી ગઝલ હતી એ. આ ગઝલમાં એક શેર છે.

ગમ થકા હારા મુસાફિર હૈ, ચલા જાએગા
કુછ દિનોં કે લિયે ઠહરા હૈ મેરે કમરે મેં

મોબાઇલનો જમાનો નહોતો અને લૅન્ડલાઇન પણ એ સમયે લક્ઝરી કહેવાતી હતી. મારા ઘરે નવો-નવો ફોન આવ્યો એ સમયની આ વાત છે. ઝફર ગોરખપુરીની આ ગઝલ સાંભળીને એક રાતના મોડેથી લગભગ ત્રણેક વાગ્યે મારા બેડરૂમના ફોનની રિંગ વાગી. હું તરત જ જાગી ગયો. મેં ફોન ઉપાડ્યો અને સામેથી સીધો અવાજ આવવાનો શરૂ થયો મને શેર કહ્યો. આ જ શેર, જે મેં તમને હમણાં કહ્યો, ગમ થકા હારા મુસાફિર હૈ ચલા જાએગા, કુછ દિનોં કે લિયે ઠહરા હૈ મેરે કમરે મેં...
પહેલાં શેર કહ્યો પછી તરત જ ફોન પર વાત કરનારા શખસે કહ્યું, ‘પંકજજી, આપને તો કમાલ કર દીયા.’

અવાજ મને બહુ જાણીતો લાગ્યો. ફિલ્મો જોવાનો શોખ એટલે મને અવાજ પરથી તરત જ ખબર પડી ગઈ કે ફિલ્મ કલાકારનો અવાજ. એ અવાજ બીજા કોઈનો નહીં, પણ ભારતકુમાર તરીકે આપણા દેશમાં ખૂબ લોકપ્રિય થયેલા કલાકાર મનોજકુમારનો હતો. મનોજકુમારે પોતે જ મને ઓળખાણ આપીને કહ્યું કે રાત દસ બજે સે યે ગઝલ સૂન રહા હૂં ઔર ઇસ શેરને તો મુજે દિવાના બના દિયા. મારાથી રહેવાયું નહીં એટલે બે-ચાર મિત્રોને જગાડ્યા, તમારો નંબર શોધ્યો ને અત્યારે, આવા સમયે તમને ફોન કર્યો.

મનોજકુમાર એ દિવસે ખરેખર આફરિન થઈ ગયા હતા અને મનોજકુમાર સ્વયં ફોન કરે એટલે સ્વાભાવિક છે કે આપણી પણ ઊંઘ ઊડી ગઈ હોય. હું તો તેમને સાંભળતો જ રહ્યો અને વચ્ચે-વચ્ચે હોંકારો આપતો જાઉં. મનોજકુમાર મને કહે, ‘આવી ગઝલ પસંદ કરવી, એને સૂરમાં બેસાડવી અને એનો ઇન્તેખાબ કરવો એ ખૂબ મુશ્કેલ છે. એની માટે તમને જેટલી પણ મુબારક આપીએ એટલી ઓછી છે. પંકજ, ઐસી ગઝલ કરીઅર કી શુરુઆત મેં દેને કા મતલબ પતા હૈ આપકો?’

‘ઇસકા મતલબ હૈ, અપને આપ કો હી ચુનૌતિ દેના, મેરી દુઆ હૈ કી આપ સભી ચુનૌતિઓ સે બહાર આયે ઔર ઐસી હી ગઝલે હમેં દેતે રહે...’

મનોજકુમાર જેવા શાયરીના પારખું બહુ ઓછા હોય છે. મનોજકુમાર પોતે શાયરી કરી શકતા, તેમણે પોતાના અંગત શોખ ખાતર કરી પણ છે, ફિલ્મો પણ તેમણે લખી છે. આવી મહાન વ્યક્તિ મને કહી રહી હતી. તેમના શબ્દો મારી માટે કોઈ વિશ્વવિખ્યાત અવૉર્ડથી સહેજ પણ ઓછા નહોતા. એ રાતે મારી ઊંઘ ઊડી ગઈ હતી. ખુશી મનમાં હતી અને એ ખુશી મારે શૅર કરવી હતી, તેમની સાથે જેમની આ રચના હતી, પણ સાચું કહું, મેં રાતે તેમને ફોન નહોતો કર્યો. સવારે તેમને ફોન કર્યો અને તેમને મનોજકુમારના ફોનની વાત કરીને કહ્યું પણ ખરું કે આપને જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે આ મહાન કલાકારને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કરીશું.

ઝફર ગોરખપુરી સાહેબ સાથે હંમેશાં એવું થતું કે તે કંઈ નવું લખે એટલે ફોન કરીને મારી ઘરે આવે. અમારા વચ્ચે એક નિયમ, વણલખ્યો નિયમ કે તે આવે અને બેસે એટલે મારે તરત જ માણસને તેમની માટે સિગારેટ લેવા માટે મોકલવાનો. માણસ આવે, સિગારેટ ઝફર સાહેબને આપે, ઝફર સાહેબ સિગારેટ સળગાવે પછી અમારી વાત શરૂ થાય અને તે કહે, ‘કુછ નયા લિખા હૈ...’
પછી તેમની નવી રચના સંભળાવવાનું તે શરૂ કરે.

એ દિવસે પણ આવીને મને કહે કે મૈંને કુછ નયા શરૂ કિયા હૈ, તુમ સૂનો. ઇસ કા ટાઇટલ હૈ, ‘દાદા હયાત થે જબ...’

તેમણે મને નઝમ સંભળાવવાનું શરૂ કર્યું.
દાદા હયાત થે જબ, મીટ્ટી કા એક ઘર થા
ચોરોં કા કોઈ ખટકા ન ડાકુઓ કા ડર થા
ખાતે થે રુખી-સુખી, સોતે થે નીંદ ગહેરી
શામેં ભરી ભરી થી, આબાદથી દુપહેરી
સંતોષ થા દિલોં કો, માથે પે બલ નહીં થા
દિલ મેં કપટ નહીં થા, આંખો મેં છલ નહીં થા
થે લોગ ભલેભલે, લેકિન થે પ્યારવાલે
દુનિયા સે કિતની જલ્દી સબ હો ગયે રવાના

આમ નઝ‍‍‍્મના બે બંધ તેમણે મને સમજાવ્યા. પહેલા બંધમાં દાદાના શબ્દો હતા અને બીજા બંધમાં પપ્પા વખતના શબ્દો અને એ સમયની ભાવનાઓ વર્ણવવામાં આવી હતી. પહેલો આ આખો બંધ પૂરો થયો એટલે મેં તેમને કહ્યું કે બહુ સુંદર અર્થ છે અને શબ્દો પણ સરળ, સહજ અને સહેલાઈથી સમજી શકાય તથા કોઈ પણ એની સાથે જોડાઈ શકે એ પ્રકારના છે. ઝફર સાહેબે મારી સામે જોયું અને પછી મને કહ્યું કે અબ અબ્બા કે વક્તવાલી બાત સૂનો...
(ઝફર ગોરખપુરી પાસેથી આગળ જે કંઈ સાંભળ્યું એની વાતો આવતા બુધવારે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK