મેરે દુશ્મન હી જાનતે હૈં યે, કિતના તરસા હૂં દોસ્તી કે લિએ

Published: Aug 21, 2019, 15:56 IST | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ | મુંબઈ

શેખાદમે તેમને મળેલા પુરસ્કારનો એક પણ ચેક જમા નહોતો કરાવ્યો, આ તેમની નિષ્ફિકરાઈ હતી અને કાં તો તેમનો પૈસા પ્રત્યેનો અણગમો

અલવિદા દોસ્ત : શેખાદમ માટે જો કોઈ શબ્દ લખવા અઘરા હોય તો એ આ જ, તેને આવજો ક્યારેય થઈ ન શકે.
અલવિદા દોસ્ત : શેખાદમ માટે જો કોઈ શબ્દ લખવા અઘરા હોય તો એ આ જ, તેને આવજો ક્યારેય થઈ ન શકે.

છેલ્લા થોડા સમયથી આપણે વાત કરતા હતા ‘ખઝાના’ની. ‘ખઝાના’ પછી હવે આપણે ફરી આવીએ છીએ શેખાદમ આબુવાલાની વાતો પર.

૧૯૮પમાં મારા આલબમ ‘નાયાબ’નું કામ ચાલતું હતું અને મેં શેખાદમની એક ગઝલ રેકૉર્ડ કરી. એ ગઝલના શબ્દો હતા...

ઝિંદગીને મૌત સે પરદા કિયા,
અય કફન તૂને તો શ‌ર્મિંદા કિયા,
ઉનકો આના થા, ના આયા ઔર યા,
મરનેવાલા રાસ્તા દેખા કિયા

ગઝલનું કામ પૂરું થયું અને ફાઇનલ ટચિંગનું કામ ચાલતું હતું ત્યારે જ મને સમાચાર મળ્યા કે શેખાદમ આબુવાલા નથી રહ્યા.
તારીખ હતી ૨૦મી મે અને વર્ષ હતું ૧૯૮પનું.

મેં તરત જ નીકળવાની તૈયારી ચાલુ કરી. બીજી કોઈ વાત નહીં, મને તેમની પાસે જવું છે. મેં તરત જ શેખાદમના બનેવી શિરાઝ રંગવાલાને ફોન કર્યો. મનમાં હતું કે વાત કરીશ તો અંતિમયાત્રાનો સમય પણ એ બહાને ખબર પડી જાય, પણ બન્યું ઊલટું, શિરાઝભાઈએ મને કહ્યું કે તમે નહીં નીકળતા. હતું એમાં એવું કે એ દિવસોમાં અમદાવાદમાં ભયંકર તોફાન ચાલે. જ્યાં જુઓ ત્યાં આગજની અને રમખાણ, જેને લીધે આખા શહેરમાં કર્ફ્‍યુ હતો. બે કોમ વચ્ચે કોઈક બાબતે મતભેદ થયા હતા, જેને લઈને જ્યાં જુઓ ત્યાં પથ્થરમારો ચાલે અને આખા અમદાવાદમાં ટેન્શન જ ટેન્શન. હિન્દુ-મુસ્લિમ આમ કોઈ વાતમાં ઝઘડે અને બીજી તરફ, એક મુસ્લિમ મિત્રના જનાઝામાં સામેલ થવા એક હિન્દુ મિત્રને ઉતાવળ હતી. શેખાદમનો મારા જીવનમાં બહુ મહત્ત્વનો રોલ રહ્યો છે. શેખાદમને કારણે જ હું અનેક બાબતમાં ઘડાયો હતો. ગઝલગાયક તરીકે પણ તેમણે મારું ઘડતર કર્યું હતું અને એક વ્યક્તિ તરીકે પણ હું તેમની પાસેથી ઘણું શીખ્યો હતો. પૈસાને ક્યારેય કોઈ મહત્ત્વ આપવાનું નહીં, સંબંધ અને માણસને જ મહત્ત્વ હોય એ વાત મને શેખાદમે સમજાવી હતી. શેખાદમની જે ક્ષમતા હતી એ ક્ષમતા અદ્ભુત હતી. લોકોને એના ટૅલન્ટની કિંમત ઓછી સમજાય એવું કહીશ તો એ શેખાદમના ટૅલન્ટની તૌહીન ગણાશે પણ આ હકીકત છે. આજે પણ શેખાદમના સર્જનને જોઉં ત્યારે મને એમ થાય કે આ સ્તરના કવ‌િ આપણી વચ્ચે હતા અને આપણે તેમનું મૂલ્ય કરી ન શક્યા. જોકે શેખાદમને એવો કોઈ રંજ નહોતો, અફસોસ નહોતો અને તેમણે ક્યારેય એ દિશામાં ધ્યાન પણ નહોતું આપ્યું.

મેં અમદાવાદ આવવાનું કહ્યું એટલે શિરાઝભાઈએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં તમે આવશો તો બહુ તકલીફ થશે અને બધા હેરાન થઈશું એટલે મહેરબાની કરીને આપ ન આવો એ જ સારું છે. તેમણે જ મને કહ્યું કે શેખાદમ તો તમને મળી નથી શકવાના તો પછી શું કામ આ રીતે તકલીફ ઉઠાવો છો, શાંતિથી આવજો. હું તમારી સાથે શેખાદમની મઝાર પર આવીશ. એ સમયે બન્ને મિત્રો શાંતિથી વાતો કરજો.

મેં ફોન મૂકી દીધો. એ સમયે મારા ટેલિફોનની પાછળ શેખાદમની જ એક બુક પડી હતી. શેખાદમની એક આદત હતી. તેઓ કોઈને પણ પોતાની બુક આપે ત્યારે એના પર એક શેર લખીને આપે. એ બુકનો શેર મને જિંદગીભર યાદ રહેવાનો છે. તેમણે લખ્યું હતું...

કિસકે આંસુ ગીરે કફન પે મેરે,
કૌન રોયા હૈ અજનબી કે લિએ,
મેરે દુશ્મન ભી જાનતે હૈં યે,
કિતના તરસા હૂં દોસ્તી કે લિએ.

મારી આંખમાં આંસુ આવી ગયાં. મારા જેવા એવા સેંકડો લોકો છે જેઓ આજે પણ શેખાદમ માટે આંસુ સારી રહ્યા છે. શેખાદમ એક મિત્ર હતો, ભાઈ હતો અને એ બધાથી પણ આગળ કહું તો તે ફરિસ્તો, ઓલિયો હતો. મારી સંગીતની સફરમાં તેમનો બહુ મોટો ફાળો હતો. શેખાદમને આજે પણ જ્યારે યાદ કરું છું ત્યારે મારી આંખો ભીની થઈ જાય છે અને હું ગળગળો થઈ જાઉં છું. ગુજરાતને પણ આ વાતનું ગર્વ છે અને ગૌરવ છે. ગુજરાતની માટીનો અને ગુજરાતમાં જન્મેલો ખૂબ સુંદર કવિ, ઇન્સાન અને સુપુત્ર હતો શેખાદમ. આ શેખાદમની હવે જે વાત મારે કરવી છે એ તમે સાંભળશો તો તમે સાચે જ તેમના પર ઓવારી જશો.
શેખાદમ ગુજરાતના એક ન્યુઝપેપરમાં કૉલમ પણ લખતા હતા. તેમના નિધન પછી એ કૉલમ સ્વાભાવિક રીતે બંધ કરવામાં આવી એટલે વાચકોએ નવેસરથી ડિમાન્ડ શરૂ કરી. એ ન્યુઝપેપરના એડિટરે સત્તાવાર રીતે નાનકડી સ્પષ્ટતા સાથે લખ્યું કે હવે શેખાદમ આપણી વચ્ચે નથી રહ્યા તો તેમના લેખ છાપી શકાશે નહીં અને દરગુજર કરશો, પણ વાચકો માન્યા નહીં, જે ઘટેલા ન્યુઝપેપરના વેચાણ પરથી ખબર પડી જતી હતી. અંતે શેખાદમની એ કૉલમના જૂના લેખ વાચકોની ડિમાન્ડ પર ફરી શરૂ કરવામાં આવ્યા અને એ જૂના લેખો સાથે ૬ મહિના કૉલમ ચાલુ રાખવામાં આવી. આ શેખાદમની કલમની લોકપ્રિયતાની કમાલ છે. એ કૉલમનું નામ હતું ‘આદમથી શેખાદમ સુધી’.

અમદાવાદમાં શાંતિ થઈ એટલે હું અમદાવાદ ગયો અને શેખાદમના બનેવી શિરાઝ રંગવાલાને મળ્યો. શિરાઝભાઈ મને તેમની સાથે શેખાદમની મઝાર પર લઈ ગયા. હું ત્યાં બેઠો ત્યારે સાચે જ મને શેખાદમ દેખાયા હતા. તેમને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં. મારા મનમાં તેમની એક ગઝલ છવાઈ ગઈ હતી. શેખાદમના કોઈ ઑટોગ્રાફ માગે ત્યારે તેઓ ઑટોગ્રાફ સાથે પોતાનો આ શેર લખતા...

કિસ કે આંસુ ગીરે કફન પે મેરે,
કૌન રોયા હૈ અજનબી કે લિએ
ચાંદ ચમકા હૈ ચાંદની કે લિએ,
યે ભી જીના હુઆ કિસી કે લિએ
મેરે દુશ્મન હી જાનતે હૈં યે,
કિતના તરસા હૂં દોસ્તી કે લિએ

શેખાદમનું વાંચન એટલું વિશાળ કે તેમની પાસે એક લાઇબ્રેરી ભરાય એટલી ચોપડીઓ હતી. આ ચોપડીઓ હું અને તેમના બનેવી શિરાઝ રંગવાલા બન્ને અમદાવાદની લાઇબ્રેરીમાં ભેટ આપી આવ્યા. કમાલની વાત તો એ છે કે એ જે ચોપડીઓ હતી એમાંથી અમને બે, પાંચ અને દસ હજારની રકમ લખેલા ૧૦૦થી પણ વધારે ચેક મળ્યા, જે તેમને લખવાના કે પછી મુશાયરાના પુરસ્કારના હતા. આ ચેક શેખાદમે બૅન્કમાં ડિપોઝિટ કરવાના હતા, પણ તેમણે જમા જ નહોતા કરાવ્યા. આ શેખાદમ હતા, આ તેમની નિષ્ફિકરાઈ હતી. શેખાદમે ક્યારેય પૈસાની દરકાર નહોતી કરી. મને લાગે છે કે તેમની આ નિષ્ફિકરાઈ તેમના સર્જનમાં પણ સ્પષ્ટ રીતે દેખાતી હતી. શેખાદમ અત્યંત વિચક્ષણ હતા અને એ તેમની વાતો સહજ અને સરળ શબ્દોમાં કહી શકતા હતા. શેખાદમે જ મને સમજાવ્યું હતું કે લોકોને સહેલાઈથી સમજાઈ જાય અને ગણગણવામાં સહજતા રહે એવી રચના હંમેશાં ગમતી હોય છે. આ વાત તેમને મુશાયરાઓના અનુભવ પરથી જાણવા મળી હતી, જે તેમણે મારી સાથે શૅર કરી. તેમની આ સમજણનો લાભ મને પુષ્કળ મળ્યો એ હું નમ્રપણે સ્વીકારીશ.

બે મહિના પહેલાં શેખાદમની પુણ્યતિથિ ગઈ. તેમની દરેક પુણ્યતિથિ મને અચૂક યાદ રહે. સામાન્ય રીતે મને તારીખ બહુ યાદ નથી રહેતી, પણ શેખાદમ અને તલત મેહમૂદની પુણ્યતિથિ મને ક્યારેય ભુલાતી નથી એ પણ હકીકત છે. એક મિત્ર, એક ભાઈ, એક પૂજનીય સાથીને ગુમાવ્યાનો અફસોસ મને આજે પણ એટલો જ તીવ્ર છે. શેખાદમની આ બધી વાતો સાથે અહીં અટકવાનું છે, પણ અટકતી વખતે શેખાદમે જ લખેલી એક ગુજરાતી ગઝલનો શેર તમારી સામે મૂકવાનો છે.

બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો,
સારી છે આ બૂરી લત,
આદમથી શેખાદમ સુધી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK