આજના જમાનામાંય નિભાવવો ડિફિકલ્ટ છે સિંગલ મધરનો રોલ

Published: 22nd November, 2012 06:19 IST

ભલે સિંગલ મધર સામાજિક ધોરણે હવે થોડેક અંશે સ્વીકાર્ય બની હોય તોય એકલે હાથે તેણે જે સ્ટ્રગલ કરવી પડે છે એ નાની વાત નથી. એ માટે સ્ત્રી પ્રત્યેનું ગૌરવ બમણું થઈ જાય છેગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી

કોઈ પણ સ્ત્રી તેની યુવાવસ્થામાં એક સ્વપ્ન જુએ છે. પ્રેમાળ પતિ, મીઠડાં બાળકો અને પિક્ચર પર્ફેક્ટ હોય, પણ સ્વપ્ન એ આખરે સ્વપ્ન જ છે, વાસ્તવિકતા નહીં. વાસ્તવમાં આ બધું એકસાથે મળવું શક્ય નથી બનતું અને આજની ઘણી શિક્ષિત, કરીઅર-ઓરિયેન્ટેડ સ્ત્રીઓ બાંધછોડ કરવા નથી ઇચ્છતી, એથી ઘણી વાર લગ્ન જ નથી કરતી અથવા લિવ-ઇન રિલેશનશિપમાં રહીને માતા પણ બને છે અને પછી છૂટાં પડતાં સિંગલ મૉમ થઈ જાય છે. લગ્ન કર્યાં હોય અને છૂટાછેડા લઈને પણ બાળકોને ઉછેરવાની જવાબદારી એકલી સ્ત્રીને માથે આવે એવું બને છે. સેલિબ્રિટીઝમાં તો અપરિણીત યુવતીઓ બાળકોને અડૉપ્ટ કરીને સિંગલ મધરની જવાબદારી નિભાવે છે.

પ્રોવાઇડર ઍન્ડ પ્રોટેક્ટર


સિંગલ મધરે પ્રોવાઇડર અને પ્રોટેક્ટર બન્નેનો રોલ ભજવવાનો છે. તેણે પોતાનાં બાળકોને હિંમત આપવાની છે, આધાર આપવાનો છે અને મજબૂત બનાવવાનાં છે.

ઓમર અને આલિયાની સિંગલ મોમ પૂજા બેદી કહે છે, ‘સિંગલ પેરન્ટિગ ખૂબ નિરુત્સાહી કામ છે અને તેણે બધાં જ ક્ષેત્રે વધુ કામ કરવું પડે છે.’

જોકે સિંગલ મધરને સામાજિક સ્વીકૃતિ મળી રહી છે. મમતા ચાવલા નામની સિંગલ મધર કહે છે, ‘એક સિંગલ મધર જે પોતાના માટે અને પોતાનાં બાળકોના ઉછેર માટે કામ કરે છે તેમના માટે માન હોવું જોઈએ. ઇમોશનલી પણ સિંગલ મધર જ્યારે પોતાની જાતની અને બાળકોની સંભાળ લઈ શકે છે ત્યારે તેને માટે એ ગર્વની અને સ્વમહત્વની લાગણી અનુભવે છે. આજે આર્થિક રીતે સ્ત્રી પગભર છે. તેને આજે સુરક્ષાના ખોટા ખ્યાલ માટે પુરુષની જરૂર નથી.’

ચૅલેન્જ તો ખરી જ

છૂટાછેડાનું પ્રમાણ વધતાં જ સિંગલ મધર્સનું પ્રમાણ પણ વધ્યું છે. સ્ત્રીએ ઘર, બાળકો ઉપરાંત અર્થોપાર્જન પણ કરવું પડે છે. પહેલાં છૂટાછેડા થતા ત્યારે સ્ત્રી કોશેટાની માફક પોતાના પિયરમાં આશ્રય લેતી હતી. આજે એવું નથી.             

સિંગલ મધર પોતાના જીવનમાં ઊભા થયેલા શૂન્યાવકાશ સાથે પણ સંઘર્ષ કરતી હોય છે. ડિવૉર્સ પછી તરત જ સ્ત્રીને ફ્રસ્ટ્રેશન થવાનો ભય તો છે જ, સાથે બાળકને પણ સંભાળવાનું છે. આ સમયે તેણે પોતાના બાળક માટે સપોર્ટ સિસ્ટમ બનવાનું છે. બાળકની સામે તેના પિતા વિશે એલફેલ બોલીને તેના મનમાં પોતાના પિતા માટે નેગેટિવ ઇમોશન્સ પેદા ન થાય એનું પણ સ્ત્રીએ ધ્યાન રાખવાનું છે.

લેક્ચરર સુમિત્રા શેટ્ટીને તેના ફિયાન્સેએ છોડી દીધા પછી ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે, એ વિશે વાત કરતાં સુમિત્રા કહે છે, ‘હું ડરી ગઈ. ત્રીસ વર્ષની ઉંમર, લગ્ન વિના બાળકને પેદા કરવાનું બધું કંઈ રીતે થશે? લોકો શું કહેશે? જ્યારે મેં બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું ત્યારે ઘણા લોકો મારી દયા ખાતા હતા અને કહેતા હતા, ‘ભગવાન તારા બાળકનું ધ્યાન રાખશે.’ લોકોનો સાંત્વનાભર્યો ઍટિટ્યુડ જોઈને મને લાગતું હતું કે મારું બાળક ક્યાંક દયાને પાત્ર ન બની જાય.’

કેટલા મોરચે લડવાનું?

અત્યારની દોડધામભરી જિંદગીમાં તમે ફિટ હો તો જ સર્વાઇવ થઈ શકો છો. તેમાંય સિંગલ મધરને તો કેટલા મોરચે લડવાનું હોય છે. પોતાની વાત જણાવતાં એક સિંગલ મધર શિક્ષિકા કહે છે, ‘મારો પુત્ર આઠ મહિનાનો હતો ત્યારે હું મારા પતિથી જુદી થઈ. મારો રેઝ્યુમે બહુ જ સરસ છે, પણ મને ફ્લેક્સિબલ ટાઇમ અને સારા પગારની નોકરી જરૂરી છે. અમારે બિલ ભરવાનાં હોય છે, પેરન્ટ્સ-ટીચર્સ મીટિંગ અટેન્ડ કરવાની હોય છે અને બાળક બીમાર હોય તો દોડીને ઘેર જવાનું હોય છે.’

ટીવી-ઍક્ટ્રેસ અચિંત કૌરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું મારા કામનું શેડ્યુલ મારા દીકરાની જરૂરિયાત મુજબ બનાવું છું. હું ભાગ્યે જ આઉટડોર શૂટિંગ સ્વીકારું છું અને મહિનામાં ૧૫થી ૧૮ દિવસ કામ કરું છું. મારા પુત્રની ર્બોડ એક્ઝામ દરમ્યાન હું શુટિંગ નહીં કરી શકું એમ મારા પ્રોડ્યુસર્સને જણાવી દઉં છું.’

સિંગલ મધરે બાળકનું બધી જ રીતે ધ્યાન રાખવા ઉપરાંત પૈસા કમાવા પણ જરૂરી હોવાને કારણે અધિક શ્રમ કરવો પડે છે.

શિસ્તપાલન

ઘણી સિંગલ મૉમ પોતાના બાળકના શિસ્તપાલન વિશે ચિંતિત હોય છે. મોટા ભાગે માતા-પિતા બન્ને મળીને સમતુલા જાળવતાં હોય છે. બેમાંથી એક સ્ટ્રિક્ટ રહે છે તો એક બાળકને પેમ્પર કરે છે. આમ સમતુલા જળવાઈ રહે છે; પણ જો સિંગલ મધર જરા ઢીલી રહે તો બાળક માથે ચઢી જાય છે અને સ્ટ્રિક્ટ થાય તો બાળકની લાગણી દુભાશે એવો ડર રહે છે, તેથી સિંગલ મધરે તો બાળકના ઉછેરમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. સિંગલ મધરે ઘણી વાર બાળકોના મનમાં ઊઠતા પ્રશ્નોના જવાબ આપવા પણ ભારે પડે છે.

સુનિધિ કહે છે, ‘એક વાર મારી દસ વર્ષની પુત્રીએ મને પૂછ્યું, ‘તને ડૅડની યાદ આવે છે?’ મેં તેને કહ્યું, ‘હું તો તને પ્રેમ કરું છું. ડૅડ તો આપણાથી બહુ દૂર છે.’ દીકરીને જવાબ તો આપી દીધો, પણ પછી હું આખી રાત ઊંઘી ન શકી.’

પિતાનો રોલ

પિતાનો રોલ ભજવવો સિંગલ મધર માટે સરળ તો નથી જ, પણ તમારા નાનકડા બાળકને તમે પ્રેમથી સમર્પિત થશો તો બહુ વાંધો નહીં આવે. ઘણી વાર સિંગલ મૉમ બાળક સાથે ગુણવત્તાસભર સમય ગાળી શકતી ન હોવાને કારણે ભૌતિક ચીજવસ્તુઓથી બાળકને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. આમ કરવાને બદલે તેની સાથે યોગ્ય સમય ગાળવાથી અને ઇમોશનલી સાથ આપવાથી બાળકને સારું લાગશે. ક્યારેક-ક્યારેક બાળક સાથે પિકનિક કે બહારગામ જવાનો પ્રોગ્રામ બનાવો. રવિવારની રજાના દિવસે સાથે રસોઈ કરો, ડાન્સ કરો, કૅરમ-ચેસ જેવી ગેમ રમો.

બીજો ચાન્સ કેમ નહીં?

ઘણી સિંગલ મૉમ બીજી વાર કોઈ પુરુષ સાથે જોડાતાં ડરે છે. તેમને ડર લાગે છે કે ફરી પાછું તેનું શોષણ થશે અને બાળક પર આ બાબતની અવળી અસર થશે તો? ઘણા પુરુષો સિંગલ મૉમ સાથે સંબંધ બાંધવા આતુર હોય છે; પણ તેઓ એ નથી સમજતા કે સિંગલ મધર ગમે તે સમયે તેની સાથે ડેટ પર ન જઈ શકે, કારણ કે તેને પોતાના બાળકને સંભાળવાનું હોય છે.

પૂજા બેદી કોરિયોગ્રાફર હનીફ હિલાલ સાથે સંબંધમાં હતી અને પછી છૂટી પડી. તેનાં બાળકો અને પૂજાને હનીફ સાથે કોઈ કડવાશ નથી. એ વિશે પૂજા કહે છે, ‘તમારા જીવનમાં જો કોઈ વ્યક્તિ હોય તો બાળકોને તેની સાથે મળવા દો, છુપાવતા નહીં. બાળકોને એ ખબર હોવી જોઈએ કે તેની મમ્મી અને તેના જીવનમાં જે પુરુષ છે તેમની વચ્ચે પ્રેમ અને રિસ્પેક્ટની ભાવના છે.’

સૌથી મોટો રિવૉર્ડ

માન્યું કે પર્ફેક્ટ સિંગલ મધર હોવું એ દુષ્કર સફર છે, પણ માનીએ છીએ એટલી દુષ્કર નથી. ફિલ્મો અને ટીવીસિરિયલમાં બતાવે છે એટલી બધી મુશ્કેલ જિંદગી સિંગલ મધરની હોતી નથી. હા, એવી ક્ષણો પણ આવે છે, જ્યારે સામાજિક દબાણનો સામનો કરવો પડે છે. બાળકના બળવાનો સામનો કરવો પડે, ક્યારેક પ્રોફેશનલ ડિલેમા આવે, પરંતુ તમારા બાળક માટે તમે જ ‘હીરો’ છો એ જાણીને જે આનંદ થાય એની સરખામણી બીજી કોઈ ચીજ સાથે ન થઈ શકે.

રીતુ પંજાબી આ વિષયમાં વાત કરતાં કહે છે, ‘ગયા વષ્ોર્ મારી પુત્રી આશકાને સ્કૂલમાંથી બેસ્ટ સ્ટુડન્ટની ટ્રૉફી મળી. એ સમયે તેને કોઈએ પૂછ્યું, ‘તું તારા ડૅડને મિસ કરે છે?’ ત્યારે આશકાએ મારી સામે આંગળી ચીંધીને કહ્યું, ‘મારી મૉમ જ મારા માટે મૉમ પણ છે અને ડૅડ પણ છે.’

આનાથી વધારે રિવૉર્ડ તમારા માટે શું હોઈ શકે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK