Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમીર-ગરીબ અને સફળતા-નિષ્ફળતા: આ અંતિમો વચ્ચે જે છે એનું નામ સંતોષ

અમીર-ગરીબ અને સફળતા-નિષ્ફળતા: આ અંતિમો વચ્ચે જે છે એનું નામ સંતોષ

29 August, 2020 07:39 PM IST | Mumbai
Sanjay Raval

અમીર-ગરીબ અને સફળતા-નિષ્ફળતા: આ અંતિમો વચ્ચે જે છે એનું નામ સંતોષ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ અને આવા બીજા શબ્દોને આ જ રીતે કહેવા-બોલવામાં અને આ શબ્દો સાથે આ જ પ્રકારની ઓળખાણ કરાવવામાં આવે છે, પણ હકીકત એ છે કે આ શબ્દો બે અંતિમોની નિશાનીરૂપ છે અને જીવન પણ આ બે અંતિમો વચ્ચે જ છે. સુખ અને દુખ, અમીર અને ગરીબ, સફળતા અને નિષ્ફળતા. તમે જેવા થોડા સમજદાર થાઓ કે તરત જ તમારા મગજમાં આ વાતને ઉમેરી દેવામાં આવતી હોય છે. આ વાતને કોઈ પણ અલગ રીતે ક્યારેય રજૂ કરવામાં નથી આવી કે ક્યારેય સમજાવવામાં નથી આવી. સીધી જ ગણતરી કરીને સમજાવી દેવામાં આવ્યું છે કે સુખ સારું અને દુઃખ ખરાબ. અમીરી સાચી અને ગરીબી નકામી. સફળતા સ્વીકારવાની અને નિષ્ફળતાને નકારવાની.
બસ, આજ નિયમો આજ સુધી શીખવાડવામાં આવ્યા છે.
સ્કૂલ પછી મારા લગભગ ૧૨થી ૧૫ સાચા કહેવાય એવા મિત્રો હતા. એ બધા મિત્રોના જીવનમાં સુખ, અમીરી અને અઢળક સફળતા અને હું એકલો દુખી, ગરીબ અને નિષ્ફળતાની વચ્ચે રહેનારો. તમને સવાલ થાય કે તો પછી આજ સુધી આ મિત્રતા ટકી કેવી રીતે અને અમે સાચા કહેવાય એવા ભાઈબંધ કેવી રીતે રહ્યા?
જવાબ છે: એકબીજાની સાચી સમજણને કારણે.
આપણને સાચી સમજણ કોઈ આપતું જ નથી. ઘરમાં કે બહાર જ્યાં જુઓ ત્યાં અને જેને જુઓ તે સુખ, અમીરી અને સફળતા જ સાચાં ગણાવે છે અને એનાં જ ગીતો ગાયા કરે છે. જો તમે સુખી હો તો જ દુનિયામાં તમે આગળ ગણાશો, જો તમે અમીર હો તો જ તમને બધા બોલાવશે અને તમારી બોલબાલા થશે, જો તમે સફળ થયા તો જ લોકો સામે તમારો વટ પડશે. સુખ, અમીર અને સફળ. જો આ ત્રણ શબ્દો તમારી સાથે હશે તો જ દુનિયા તમારી અને ધારો કે બાકીના બધા વિરોધાભાસી શબ્દો તમારી પાસે હશે તો તમે હારી ગયેલા છો.
બધા એક જ વાત કહે છે કે ગરીબી તો નકામી છે, દુખી લોકોનું કોઈ ભવિષ્ય નથી અને નિષ્ફળતા એટલે કારમી હાર, પણ ના મિત્રો, હું કહીશ કે આ બધાથી ઉપર જો કોઈ હોય તો એ છે સંતોષ અને એ હોય તો કોઈ પ્રકારની નકારાત્મક લાગણી તમને ઘેરી વળવાની નથી અને ક્યારેય ઘેરી શકવાની નથી.
આપણે વર્ષોથી વાતો કરીએ છીએ કે સુખ-દુઃખ, સફળતા-નિષ્ફળતા અને અમીરી-ગરીબી એક સિક્કાની બે બાજુ છે; પણ કોઈ ક્યારેય એક સિક્કાની બન્ને બાજુને સ્વીકારી શકતું નથી. બધાને સુખ જ જોઈએ છે, અમીર જ થવું છે અને સફળતા જ પામવી છે. કોઈને દુઃખ જોઇતું નથી, ગરીબી કે નિષ્ફળતા સ્વીકારવા પણ કોઈ તૈયાર નથી. દોસ્તો, યાદ રાખજો કે સુખ છે તો દુઃખ આવવાનું જ અને દુઃખ હશે તો એ સુખ લઈ જ આવશે. નિષ્ફળતા પછી અને પ્રયાસો પછી જ સફળતા મળતી હોય છે અને અમીરી અને ગરીબી પરસ્પર આવી જ જાય છે. હવે તમે જ વિચાર કરો કે હું માત્ર સફળ થવા જ પ્રયાસ કરું તો મારા પ્રયત્ન સફળ જ થશે એવી ગૅરન્ટી કોઈ આપી શકે ખરું?
ના, એ તમારે કરતા જ રહેવું પડે. ધારો કે કોઈ આવીને એવું પણ કહી દે કે પ્રયાસ કરવાથી કંઈ વળવાનું નથી તો હું થાકી-હારીને પ્રયાસ કરવાનું છોડી દઈશ. હું હંમેશાં કહેતો આવ્યો છું કે જે હારવાની તૈયારી સાથે ફીલ્ડમાં ઊતરે છે તેને ક્યારેય કોઈ હરાવી નથી શકતું. તમે માત્ર સુખી થવાનું જ વિચારો તો શું દુઃખ આવે એવું બને ખરું? ના, સુખી હોય તેને કોઈ ક્યારેય દુખી કરી નથી શકતું. જેને ખુશ રહેવું છે તેને ક્યારેય કોઈ નાખુશ કરી ન શકે અને જેને દુખી રહેવું છે તેને ક્યારેય કોઈ સુખ પ્રાપ્ત ન થાય અને એટલે જ કહું છું કે દુન્યવી વ્યાખ્યાઓને પામવાનું છોડીને સૌથી પહેલાં એ વાત યાદ રાખો કે તમે જગતમાં આવ્યા છો તો બધા અનુભવો તમને થવાના જ છે, પણ એ અનુભવોને તમે કેવી રીતે લો છો અને કેવી રીતે એનો સામનો કરો છો. જો આવી બધી વાતોથી તમને કોઈ અલગ પાડી શકે એમ હોય તો એ માત્ર ને માત્ર સંતોષ છે.
સંતોષ. આ એક એવી ભાવના છે જે તમને નિરાશાવાદી બનતા અટકાવે છે. સંતોષ એવી ભાવના છે જેની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને આજના સમયમાં. ગમે એવી પરિસ્થિતિ હોય, સંજોગો હોય, પણ મનમાં સંતોષ રાખો. બને કે તમને સફળતા ન મળે, બને કે તમને પરિણામ એવું ન મળે જેવું તમે ધારતા હતા, પણ એમ છતાં તમને સંતોષ મળવો જરૂરી છે. જો તમને સંતોષ મળશે તો તમે એનો આનંદ પણ લઈ શકશો. સંતોષ હોય તો કોઈની આવશ્યકતા નહીં રહે. હું મારી જ વાત કરું તમને, એક સમય હતો કે મારી પાસે આર્થિક સધ્ધરતા નહોતી, પણ મને સંતોષ એ વાતનો હતો કે હું મારી ફૅમિલીને પૂરતો સમય આપી શકું છું અને તેમની સાથે રહી શકું છું. આ સંતોષને કારણે હું અંદરથી દુખી નહોતો. સંતોષ જરૂરી છે, આવશ્યક છે.
મારો કહેવાનો અર્થ એવો નથી કે મનમાં સંતોષ રાખીને તમે હાથ જોડીને કે પછી પલાંઠી મારીને બેસી જાઓ અને કંઈ ન કરો. બસ, માત્ર સંતોષની મજા લો. ના, એવું જરાય નથી. સંતોષ હોય તે પ્રયાસો ન કરે એવું નથી હોતું અને તમારે પણ એ છોડવાના નથી. ધારેલું, મનમાં નક્કી કરેલું કામ કરવાનું જ છે અને તમારા ધ્યેય સુધી પહોંચવાનું જ છે, પણ જો સંતોષની ભાવના હશે તો કદાચ તમને ઠોકર લાગશે તો તમે પડશો નહીં એની ગૅરન્ટી હું પણ આપી શકું છું. કદાચ તમને ધાર્યું પરિણામ નહીં મળે તો તમે હારી કે તૂટી નહીં જાઓ એની જવાબદારી મારી પોતાની. સંતોષ નવું જોમ આપવાનું કામ કરશે અને નવેસરથી ઊભા થવાનું અને ફરીથી હિંમત સાથે આગળ વધવાનું સમજાવશે.
અફસોસની વાત એ છે કે સંતોષ માટેની વાત ક્યારેય કોઈ કરતું જ નથી. સંતોષ માટેના કોઈ માપદંડ ક્યારેય સમજાવવામાં પણ નથી આવ્યા અને હકીકત તો એ જ છે કે એ બન્યા પણ નથી. સીધો જ હિસાબ રાખ્યો મોટા ભાગના લોકોએ કે તમે સુખી નથી તો તમે દુખી છો. તમે અમીર નથી એટલે તમે ગરીબ છો અને તમને સફળતા નથી મળી, મતલબ કે તમે નિષ્ફળ છો. આ જ માન્યતા સૌકોઈના સુષુપ્ત મનમાં પથરાયેલી છે, જે બહુ મોટી ભૂલ છે. યાદ રાખજો કે દુખી હશો તો પણ તમે સુખી થઈ શકો છો. ગરીબીમાંથી અમીરી તરફ તમે આગળ વધી શકશો અને નિષ્ફળતાને દૂર કરીને તમે નવેસરથી સફળ થઈ શકો છો, કારણ કે તમારી પાસે સમય છે અને તમે આજે જે કામ કરો છો એ જીવનનું છેલ્લું કામ નથી અને તમારી સામે જે દરવાજો હતો એ જીવનનો અંતિમ દરવાજો નથી. એવા અઢળક દરવાજા છે જે તમે ખોલી શકો છો, પણ એ ખૂલશે ત્યારે જ જ્યારે તમે પ્રયાસ ચાલુ રાખશો, અકબંધ રાખશો અને મિત્રો, તમારી પાસે સંતોષની ચાવી હશે તો દરેક દરવાજા આસાનીથી ખૂલી જશે. બીજી એક ખાસ વાત; સુખી થવાની, સફળ થવાની અને અમીર બનવાની. તમને લાલચ નહીં હોવી જોઈએ, એ તમારા માટે ધ્યેય હોવું જોઈએ. લાલચ ક્યારેય પૂરી નથી થતી અને ધ્યેય ક્યારેય પ્રાપ્ત થયા વિના રહેતું નથી.
આપણી પાસે બધું છે અને ઈશ્વરે બધાને સરખી જ ક્ષમતા આપી છે. ફરક માત્ર છે તો એ ટેમ્પરામેન્ટનો છે. જરૂર છે તો માત્ર આ ટેમ્પરામેન્ટ ડેવલપ કરવાની જે, તમને સંતોષમાંથી પ્રાપ્ત થશે અને સંતોષ રાખશો તો સુખી થવાની દિશામાં એ પહેલું પગલું ભરાયેલું લખાશે.
હવે તમે જ કહો કે તમે એ દિશામાં પહેલું પગલું ક્યારે ભરવાના છો?

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2020 07:39 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK