નેતા અને રાજનેતા: ગધેડો ગમે એટલું દોડે, પણ એને રેસકોર્સમાં સ્થાન નથી મળતું

Published: Sep 12, 2020, 17:27 IST | Manoj Joshi | Mumbai

વ્યક્તિએ સંઘર્ષ કેવી રીતે કર્યો અને એ સંઘર્ષ દરમ્યાન તેણે કોઈ અનીતિ વાપરી કે નહીં એ મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો હોય છે, તો સાથોસાથ એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે તેણે પોતાના જીવનકાળ દરમ્યાન મહત્ત્વનો એવો સમય કેવી રીતે ખર્ચ કર્યો છે

જેમ કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે એની ક્વૉલિટી જોઈએ, બ્રૅન્ડ જોઈએ અને એની પ્રાઇસ પણ જોઈએ એવી જ રીતે વ્યક્તિમાં પણ એની ક્વૉલિટી, બ્રૅન્ડ અને એની વૅલ્યુ જોવી જોઈએ. વ્યક્તિનું કુળ, તેણે લીધેલું શિક્ષણ, તે અત્યારે જે કામ કરી રહ્યો છે એ કામનું સ્થળ કે પછી એ કામની જગ્યા, કામ કર્યા પછી એ જેકંઈ આર્થિક ઉપાર્જન કરે છે એ ઉપાર્જન અને એ ઉપાર્જનના કારણે તેની વધતી સાખ જોવાતી હોય છે. વ્યક્તિએ સંઘર્ષ કેવી રીતે કર્યો અને એ સંઘર્ષ દરમ્યાન તેણે કોઈ અનીતિ વાપરી કે નહીં એ મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો હોય છે, તો સાથોસાથ એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે તેણે પોતાના જીવનકાળ દરમ્યાન મહત્ત્વનો એવો સમય કેવી રીતે ખર્ચ કર્યો છે. જો એક સામાન્ય વ્યક્તિમાં પણ આ જોવાતું હોય તો પછી તમે જેને જવાબદારી સોંપો છો, રાજ્યનો ભાર જેના હાથમાં મૂકો છો કે પછી દેશની લગામ જેના હાથમાં પકડાવો છો એ વ્યક્તિમાં પણ આ જ બધું જોવું જોઈએ. ચાણક્યને પોતાના જીવનકાળ દરમ્યાન અનેક વ્યક્તિ એવી મળી હતી જેને માટે તે પોતાનો મૂલ્યવાન સમય ખર્ચીને તેને ઉપર લઈ આવવાનું કામ કરે, પણ તેમણે એ નહોતું કર્યું. ચાણક્યએ અશોક પાછળ જેટલો સમય ખર્ચ કર્યો એ ખર્ચાયેલા સમય માટે તેમની પાસે યોગ્ય જવાબ હતો, યોગ્ય દલીલ હતી. ચાણક્યએ કહ્યું છે કે ‘યોગ્ય જમીન પર જ ખેતીની મહેનત કરવી જોઈએ, યોગ્ય જાતના હોય એવા અશ્વ પર જ પ્રશિક્ષણની મહેનત કરવી જોઈએ અને એવી જ રીતે યોગ્ય વ્યક્તિત્વ અને બુદ્ધિમત્તા ધરાવતી હોય એવી જ વ્યક્તિ પાછળ મૂલ્યવાન સમયનું રોકાણ કરવું જોઈએ.’

ચાણક્યની આ વાત એકદમ ઉચિત અને યોગ્ય છે. તમે ગધેડાની પાછળ ગમે એટલી મહેનત કરો, પણ એ ગધેડાને રેસકોર્સમાં ઉતારી નથી શકાતો. મહેનત કરવામાં અને ભાર વેંઢારવામાં ગધેડો ઘોડાથી ક્યાંય ચડિયાતો છે એ બધા જાણે છે, પણ રેસમાં ઉતારવા માટે તો ઘોડાની જ જરૂર પડે. ઘોડા અને ગધેડા વચ્ચે જે ફરક છે એ પ્રકારનો ફરક નેતા અને રાજનેતા વચ્ચે છે. નેતા પક્ષના કામ માટે હોય છે, નેતા ચીંધ્યું કામ કરવા માટે હોય છે, પણ રાજનેતા રાષ્ટ્રનું કામ કરવા માટે તૈયાર થયા હોય છે. ચીંધ્યું કામ કરવાની રોબોટિક સેન્સ તેમનામાં નથી હોતી. તે જેકોઈ કામ હાથમાં લે એ કામમાં તેમની દૃષ્ટિનો પણ ઉપયોગ કરે છે. નેતા ઘડવો પડે, ટ્રેઇન કરવો પડે અને એને માટે સમય ફાળવવો પડે. આ બધું કર્યા પછી પણ એ પોતાની સ્વતંત્ર વિચારધારા મુજબ ચાલે એવી શક્યતા રોકડી એક ટકાની, પણ રાજનેતાને એ વાત લાગુ નથી પડતી. રાજનેતા તો જન્મતો હોય છે. એનું ઘડતર ન કરવાનું હોય, એ તો ઘડતર સાથે જ કામે લાગતો હોય છે અને આ પ્રકારે કામે લાગેલા રાજનેતાના દરેક પગલામાં, તેના દરેક કાર્યમાં નવા રાજનેતાનું ઘડતર થતું હોય છે. જે સમયે દેશમાં રાજનેતાનું ઘડતર અટકી જાય એ સમયે રાષ્ટ્ર પર જોખમ આવતું હોય છે, એવું જોખમ જે દુશ્મનો કરતાં પણ વધારે સંકટ આપનારું હોય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK