ડીઝલની વધેલી કિંમતો પર જોડીદાર કૉન્ગ્રેસ સામે એનસીપી રસ્તા પર

Published: 15th September, 2012 09:00 IST

ડીઝલની વધેલી કિંમતો તેમ જ એલપીજીના મર્યાદિત બાટલાને કારણે ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન : બળતણ પરનો વૅટ ઘટાડવાનો મુખ્ય પ્રધાનનો સ્પષ્ટ ઇનકાર(રવિકિરણ દેશમુખ)

મુંબઈ, તા. ૧૫

હાલના તબક્કે કેન્દ્રની સાથે-સાથે રાજ્યના કૉન્ગ્રેસ અને એનસીપીના જોડાણમાં જે વિસંવાદિતા ઊભી થઈ છે એ શમવાનું નામ નથી લઈ રહી. હાલમાં એનસીપીએ આખા રાજ્યમાં ડીઝલ અને એલપીજીના ભાવવધારાનો વિરોધ કરવા માટે પ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી છે, જ્યારે કૉન્ગ્રેસે રાજ્યમાં વૅટમાં ઘટાડો કરવાની શક્યતાનો ઇનકાર કરી દીધો છે.

સરકારનો હિસ્સો હોવા છતાં ગઈ કાલે એનસીપીમાં ટોચના નેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલની કિંમતોમાં કરવામાં આવેલા વધારાનો તેમ જ ઘરવપરાશના એલપીજી સિલિન્ડર પર જે મર્યાદા લાદવામાં આવી છે એનો શેરીઓમાં વિરોધ કરવા માટે આયોજન કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.  સાંગલી અને સાતારા જિલ્લામાં પણ એનસીપીના કાર્યકરોને રસ્તારોકો આંદોલન કરવાની સૂચના આપવામાં આવી હતી. એનસીપી દ્વારા આજે પણ કેટલાંક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એનસીપી સ્ટેટ વિમન્સ વિંગનાં ચીફ વિદ્યા ચવાણ કાંદિવલીમાં અને સિટી વિમન્સ વિંગનાં ચીફ ચિત્રા વાઘ એલ્ફિન્સ્ટન ખાતે વિરોધ-રૅલી કાઢશે. ડીઝલના ભાવવધારાના મુદ્દે એનસીપીના આ વલણને કારણે એના અને કૉન્ગ્રેસના સંબંધોમાં પડેલી તિરાડ વધુ પહોળી બની છે.

જોકે કૉન્ગ્રેસના નેતા મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને તેમના સાથીપક્ષના આ વલણથી ખાસ અસર નથી થઈ. મંત્રાલય ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ડીઝલ અને અન્ય બળતણો પર લગાવવામાં આવતા વૅટમાં ઘટાડો કરવાની શક્યતાનો ઇનકાર કરી દીધો હતો. આ સિવાય પૃથ્વીરાજ ચવાણે એમએમઆરડીએના મુદ્દે ૩૦ દિવસમાં શ્વેતપત્ર જાહેર કરવામાં આવશે એની જાહેરાત કરીને એનસીપી સામે બાજી મારી લીધી હતી. આ ડિમાન્ડ એનસીપીના નેતા અને હોમ-મિનિસ્ટર આર. આર. પાટીલ દ્વારા ગયા અઠવાડિયે સ્ટેટ કૅબિનેટની મીટિંગમાં કરવામાં આવી હતી અને સોમવારે નાશિકમાં તેમણે આ માગણીનું પુનરાવર્તન કર્યું હતું. જોકે એનસીપીએ આર. આર. પાટીલની આ ડિમાન્ડમાં તેમને સાથ આપવાને બદલે એનાથી અંતર જાળવવાનું પસંદ કર્યું હતું. આ સમયે એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે મંગળવારે પક્ષનું વલણ જાહેર કરતાં કહ્યું હતું કે એમએમઆરડીએ પરના શ્વેતપત્રની ડિમાન્ડ આર. આર. પાટીલનો વ્યક્તિગત અભિપ્રાય છે અને એ એનસીપીની ડિમાન્ડ નથી. આ સંજોગોમાં પૃથ્વીરાજ ચવાણે એમએમઆરડીએ પર શ્વેતપત્ર જાહેર કરવાની જાહેરાત કરીને એનસીપીને ફટકો માર્યો છે.

શિવસેના અને આરપીઆઇનું ડીઝલને મુદ્દે વિરોધ-પ્રદર્શન

શિવસેના અને એની સહયોગી પાર્ટી આરપીઆઇ-એએ ગઈ કાલે કેન્દ્ર સરકારે કરેલા ડીઝલના ભાવમાં વધારા અને રાંધણગૅસમાં આપવામાં આવતી સબસિડી દૂર કરતાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કર્યું હતું, જેમાં એમણે બળદગાડીયાત્રા અને સિલિન્ડરયાત્રા (સાઇકલ પર સિલિન્ડર લગાવી) યોજી હતી. આરપીઆઇ-એના સમર્થકોએ આ યાત્રા બાંદરા (ઈસ્ટ)માં તેમના લીડર રામદાસ આઠવલેના ઘરથી બાંદરા (ઈસ્ટ)માં કલેક્ટર ઑફિસ સુધી યોજી હતી, જેમાં તેમણે કેન્દ્ર સરકારને આ ભાવવધારો પાછો ખેંચવા નારાબાજી કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ડીઝલના વધેલા ભાવ ક્યાં-ક્યાં નડશે?

ડીઝલના ભાવ વધવાને પગલે ટ્રાન્સર્પોટ ચાર્જિસમાં વધારો થતાં શાકભાજીના ભાવોમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થશે. એપીએમસી માર્કેટનાં લોકલ ટ્રાન્સર્પોટ યુનિયનનો ભાડામાં ૫૦ ટકાનો વધારાની માગ કરી રહ્યાં છે.  જોકે આ વિશે અંતિમ નિર્ણય લેવાયો નથી. સમગ્ર મુંબઈમાં ઍિગ્રકલ્ચર પ્રોડક્ટની હેરફેર માટે પ્રતિ ૧૦ કિલોગ્રામના ૨૦થી ૨૫ રૂપિયા લેવામાં આવતા હોય છે, જે વધીને ૩૦થી ૩૭ રૂપિયા થવાનો અંદાજ છે. એ જ પ્રમાણે ગ્રામીણ ભાગોમાંથી એપીએમસી માર્કેટમાં લાવવાનો ખર્ચ પણ વધશે.

શાકભાજી અને દૂધ

ડીઝલમાં થયેલા ભાવવધારા વિરુદ્ધ મુંબઈ તથા મહારાષ્ટ્રના ટ્રાન્સર્પોટરોએ વિરોધની ધમકી આપી છે. બૉમ્બે ગુડ્ઝ ઍન્ડ ટ્રાન્સર્પોટ અસોસિએશનના પ્રમુખ સુનીલ કાળેએ કહ્યું કે ‘ખરેખર લાગુ પડતો ભાવવધારો પાંચ રૂપિયા નહીં, પણ ૬.૨૦ રૂપિયા છે, જેનો અમે વિરોધ કરીશું. દૂધ તથા શાકભાજીના વર્તમાન ભાવોમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો કરવાની માગ પણ અસોસિએશને કરી છે.’

ફળોના વેપારી જગન્નાથ જયસ્વાલે કહ્યું કે જો ફળોના ભાવ આ રીતે જ વધતા રહેશે તો લોકો ફળો ઓછાં ખરીદશે. પરિણામે અમારા ધંધા પર અસર થશે. આ મામલે બૉમ્બે ગુડ્ઝ ઍન્ડ ટ્રાન્સર્પોટ અસોસિએશનની એક મીટિંગ પણ મળી રહી છે. દરરોજ દૂધ, શાકભાજી તથા ફળો જેવી ઝડપથી બગડી જતી વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે ૧૨૦૦ જેટલી ટ્રકો તથા ટેમ્પો દોડતાં હોય છે. મુખ્ય હોલસેલ માર્કેટથી લઈને શહેરના ખૂણે-ખૂણે તેઓ આ તમામ વસ્તુઓની વહેંચણી કરતાં હોય છે. અસોસિએશનની એવી માગણી છે કે રાજ્ય સરકાર ડીઝલ પર લેવાતો ૨૩ ટકાનો વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વૅટ) ઘટાડે, જેના કારણે પણ ભાવ વધે છે.

ઇન્ડસ્ટ્રી પર અસર

ઔદ્યોગિક ઉત્પાદન પર પણ ડીઝલના ભાવવધારાની અસર થશે, કારણ કે એમઆઇડીસીમાં પણ વિવિધ ઉદ્યોગોમાં એનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. વળી ટ્રાન્સર્પોટેશન ચાર્જ વધતાં પણ પ્રોડક્ટની કિંમતમાં વધારો થશે, એથી ઇન્ડસ્ટ્રી દ્વારા પોતાના નફામાં કાપ મૂકીને પ્રોડક્ટને પોસાય એવા દરેથી વેચવાનો પ્રયત્ન કરવો પડશે અથવા તો વધારેલી કિંમતે ગ્રાહકને વેચવી પડશે.

ડીઝલ કાર

ઑટોમોબાઇલ શોરૂમના સેલ્સ ડિપાર્ટમેન્ટના હેડે કરેલા દાવા મુજબ ડીઝલ કાર ખરીદવાના ગ્રાહકના વલણમાં પણ ફેરફાર જોવા મળશે. લોકો ડીઝલને બદલે સીએનજી કાર તરફ વધુ વળશે.

જેએનપીટીના કાર્ગો

જેઅનપીટી પોતાના પરિસરમાં આવેલાં કન્ટેઇનરના ટ્રાન્સર્પોટેશન માટેના કૉન્ટ્રૅક્ટ આપતું હોય છે એને અત્યારે તો કોઈ સમસ્યા નહીં નડે. જોકે જેઅનપીટીથી મુંબઈ તેમ જ મુંબઈથી જેએનપીટી આવતાં તથા જતાં કન્ટેઇનરોએ ટ્રાન્સર્પોટેશન માટે વધુ ખર્ચ કરવો પડશે.

બેસ્ટ

ડીઝલની કિંમતમાં થયેલા વધારાને કારણે ખોટમાં જતી બેસ્ટ પર વધારાનો ૨૮.૮ કરોડ રૂપિયાનો બોજો પડશે. ૪૦૦ કરોડ રૂપિયાની ખોટ સહન કરનારા બેસ્ટના ટ્રાન્સર્પોટ ડિવિઝન માટે આ આંકડો ભલે બહુ મોટો ન હોય, પરંતુ ભવિષ્યમાં સામાન્ય લોકો પર એનો ભાર ટિકિટભાડાંના દરમાં વધારારૂપે જોવા મળશે. બેસ્ટના કાફલાની ૪૭૦૦ બસ પૈકી ૧૫૫૩ ડીઝલથી ચાલતી બસો છે.

આરપીઆઇ-એ = રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK