Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આનંદમાં રહેવાનું ભૂલી તો નથી ગયાને તમે?

આનંદમાં રહેવાનું ભૂલી તો નથી ગયાને તમે?

26 April, 2020 08:31 PM IST | Mumbai
Kana Bantwa

આનંદમાં રહેવાનું ભૂલી તો નથી ગયાને તમે?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક મહિનો ફરજિયાત ઘરવાસમાં રહ્યા પછી તમારું મન ફ્રેશ થયું હશે, આવું થયું હશે. આનંદ હશે અને અનિશ્ચિતતા પણ હશે. હાશકારો હશે અને ભય પણ હશે. ઘણાએ એક મહિનાના લૉકડાઉનને બરાબર માણ્યું હશે, ઘણા પરેશાન પણ થયા હશે. કોઈ કેદમાંથી છૂટવા તરફડતા હશે તો કોઈ લૉકડાઉન લંબાય એવું ઇચ્છતા હશે. કોઈ પરિવારની વધુ નજીક આવ્યા હશે તો કોઈનું અંતર વધ્યું હશે. ક્યાંક વાસણો ખખડ્યાં હશે, ક્યાંક ઉચાટ હશે, ક્યાંક ઝઘડા થયા હશે. કોઈએ ગમતો શોખ પૂરો કર્યો હશે, જાતને સમય આપ્યો હશે, ફરજિયાત વેકેશનની પળેપળને માણી હશે. કેટલાકે આખો મહિનો સાવ વેડફ્યો હશે, મોબાઇલ મચડ્યો હશે, સોફાને તકલીફ આપી હશે, ખુરસીઓ તોડી હશે. સાચું કહેજો, તમે લૉકડાઉનના એક મહિનામાં આનંદ કર્યો? મોજ કરી? મસ્તી કરી કે ઉદાસ રહ્યા? ચિંતિત રહ્યા? અકળાયેલા રહ્યા?

આનંદ, ખુશી, મજા બહુ વિચિત્ર ચીજો છે. મોકો મળે તો પણ ન કરી શકાય, જો મન અનુકૂળ ન હોય તો અને જો મન ઇચ્છે તો ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં તક શોધી લે છે આનંદ કરવાની. લૉકડાઉનની મજા લેવા માટે હજી થોડા દિવસો બચ્યા છે, પ્રયત્ન કરી જોવા જેવો છે, પણ ૩૦ દિવસમાં જે લોકોએ જલસા નથી કર્યા તેઓ હવે એક અઠવાડિયામાં ભાગ્યે જ કરી શકશે, કારણ કે હવે તો જેમ-જેમ લૉકડાઉન ખૂલવાનો સમય નજીક આવતો જશે તેમ-તેમ તમારું મન ધંધા-રોજગારની ચિંતાઓમાં લપેટાતું જશે. લૉકડાઉન ખૂલતાં પહેલાં એને ડાયલ્યુટ કરી નાખવામાં આવ્યું છે. અમુક દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ અગાઉ ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી હત. એટલે લૉકડાઉનનો અંત હવે બહુ દૂર નથી, પણ પછી ઘરની બહાર નીકળતાં ડર લાગવાનો છે. કોરોના નામનો અદૃશ્ય દુશ્મન ખતમ થઈ નથી ગયો એટલે એ ગમે ત્યાંથી પકડી લેશે એનો ડર હશે જ. આ બધું જ મનની અંદર અત્યારથી ચાલવા માંડ્યું હશે. તમે લૉકડાઉન પછી બહાર નીકળવા માટે માનસિક રીતે તૈયાર થઈ રહ્યા હશો એટલે આ છેલ્લા અઠવાડિયામાં ઘરમાં રહીને આનંદ કરવો થોડો મુશ્કેલ છે છતાં પ્રયત્ન કરી જોવામાં વાંધો નહીં. જેમણે લૉકડાઉનને માણ્યું છે તેમને માટે તો આ આખી જિંદગી યાદ રાખવા જેવો સમય હશે. જેણે નથી માણ્યું તેને પણ યાદ તો રહેશે જ, પણ મીઠાં સ્મરણો વગર.



 આનંદ ક્યાંય બહારથી આવી શકતો નથી, એટલે એને તો લેતાં આવડવું જોઈએ. જેને ખુશ થતાં, ખુશ રહેતાં આવડે છે તેને પરિસ્થિતિ દુખી કરી શકતી નથી અને જેને ખુશ રહેતાં નથી આવડતું તેને પરિસ્થિતિ ખુશ નથી કરી શકતી. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે મનને જે ગમતું થાય તે સુખ આપે અને અણગમતું થાય તે દુ:ખ આપે. મનને ગમતું શું હોય? મન બહુ જ સ્વાર્થી ચીજ છે. એ માત્ર પોતાનું જ વિચારે, અન્યનું નહીં. એનું વાયરિંગ હજારો વર્ષથી એવું જ થયું છે, એમાં મનનો વાંક નથી. મન પોતાને ફાયદાનું કશું થાય એને સુખ ગણે. અને પોતાને નુકસાનકર્તા કોઈ પણ બાબતને દુ:ખ ગણે. ફાયદો કે નુકસાન મન કઈ રીતે નક્કી કરે? અહીં જ આખી બાબતનો મર્મ પડ્યો છે. ચાવી અહીં જ છુપાયેલી છે. મનમાં જે પ્રતીકો, જે સંસ્કારો, જે સમજ, જે અનુભવો પડ્યા છે એને આધારે એ ફાયદા અને નુકસાન નામનાં બે ખાનાં બનાવે. આ ખાનાં પણ ડાયનૅમિક હોય, એના લિસ્ટમાંની વસ્તુઓ એક ખાનામાંથી બીજા ખાનામાં જઈ શકે, અનુભવના આધારે, ઘટનાના આધારે, સમજણને આધારે કે પછી નિશ્ચયના આધારે. તમને જે અનુભવ થાય એના આધારે આ ખાનાનાં લિસ્ટ બનતાં રહે. એક વ્યક્તિ માટે વ્હિસ્કી પીવી એ આનંદ છે, પણ બીજી જે વ્યક્તિ એ પીવા ટેવાયેલી નથી તેને માટે વ્હિસ્કીનો ટેસ્ટ દુખદાયક હોઈ શકે. એક જ વસ્તુ અલગ મનોસ્થિતિમાં આનંદ અને પીડા બન્ને આપી શકે. સેક્સ આનંદ આપનાર ચીજ છે, પણ એક વ્યક્તિ સાથે એમાં સુખ મળે છે, બીજા સાથે પીડા મળતી હોય એવું પણ બને અથવા એક જ વ્યક્તિ સાથે એક મનોદશામાં આનંદ અને બીજી મનોદશામાં પીડા લાગે એવું પણ બને. જે પોતાના મનને સુખના ખાનાનું લિસ્ટ લાંબું કરતાં શીખવી શકે તે ખુશ રહી શકે, આનંદિત, ઉલ્લાસિત રહી શકે. આ લિસ્ટ લાંબું કરવું મુશ્કેલ નથી. તમારે તમારા મન સાથે થોડી મથામણ કરવી પડશે અને થોડી તમારી માન્યતાઓ, તમારા અભિગમ અને તમારા સ્વભાવ સાથે કરવી પડશે. સુખનું લિસ્ટ લાંબું કરવા માટે અન્યને બદલવા જરૂરી નથી, તમે પોતે બદલાઈ જાઓ એટલે ઘણું.


  આપણે રાજી રહેવાનું ભૂલતા જઈએ છીએ. ખુશ રહેવાની કળા માનવજાત ગુમાવી રહી છે. આવી વાતમાં દોષનો ટોપલો તરત ભૌતિકવાદ પર ઢોળી દેવાય છે, એ બરાબર નથી. ભૌતિકવાદના અપરંપાર ફાયદા છે. તેણે કેટલી સુખ-સુવિધા આપી છે માણસને, પણ જેમ સુખ-સુવિધા વધે એમ માણસ ખુશ થવો જોઈએ. હજી સદી પહેલાં જ પાણી ભરવા પાદર જવું પડતું. એક ગામથી બીજા ગામ જવું હોય તો ચાલવું પડતું. ભોજન કરવું હોય તો દળણાં દળવાં પડતાં. અત્યારે બધું આંગળીના ટેરવે ને આંખના ઇશારે થઈ જાય છે. સુવિધા વધી એના ગુણોત્તરમાં ખુશી વધવી જોઈએ કે નહીં? થયું છે એનાથી તદ્દન ઊંધું. એટલે કહી શકાય કે સુવિધા અને આનંદને કોઈ સંબંધ નથી એથી ભૌતિકવાદ અને રાજીપાને કોઈ સંબંધ નથી. હોત તો વિકસિત દેશો હૅપિનેસ ઇન્ડેક્સમાં સૌથી આગળ હોત. યુરોપના નોર્ડિક દેશો મોટા ભાગે હૅપિનેસ ઇન્ડેક્સમાં ટૉપ પર રહે છે. આ વર્ષે ફિનલૅન્ડ પહેલા નંબરે હતો, ડેન્માર્ક બીજા નંબર પર. નૉર્વે, આઇસલૅન્ડ વગેરે એ પછીના ક્રમે આવે. અમેરિકા ૧૮મા ક્રમે અને આપણું ભારત? ૧૪૪મા ક્રમે. ૧૫૬માંથી ૧૪૪મા નંબરે. છેલ્લેથી ૧૨મો નંબર. ભૌતિકવાદ જ જો ખુશીને ખાઈ ગયો હોય તો જે દેશોમાં લોકો બહુ ખુશ છે ત્યાં તો ભૌતિકવાદ, ઉપભોક્તાવાદ આપણા કરતાં ઘણો વધુ છે અને ત્યાં આપણા જેવો સમૃદ્ધ આધ્યાત્મિક વારસો પણ તેમની તો બિચારાઓની પાસે નથી, તો પણ ત્યાંના લોકો ખુશ રહે છે, આઠો પહોર આનંદમાં રહે છે. ઉદ્દેશ અહીં આનંદના મુદ્દે કકળાટ કરવાનો નથી. આનંદમાં કેમ રહેવું એની ચર્ચા મોજથી કરવી છે.

 આનંદ ક્યાંથી આવે? આનંદ શેનાથી આવે? ખુશી કોણ પેદા કરી શકે? ખુશ રહેવા માટેનું સાધન કયું? પૈસા, સંપત્તિ, સમૃદ્ધિ અત્યંત મહત્ત્વનાં છે. એનાથી જીવન વધુ સરળ રીતે, અડચણો વગર જીવી શકાય, પણ એ ખુશીની ગૅરન્ટી ન આપી શકે. એનો અર્થ એવો પણ નથી કે પૈસા હોય એ માણસ ખુશ ન હોય. આપણે જનરલાઇઝેશન કરવાના હેવાવાળા છીએ. પૈસા હોય ત્યાં ખુશી ન હોય એવું કહેવામાં આપણને આનંદ આવે છે, વિકૃત આનંદ. ઈર્ષાથી પેદા થતો આનંદ. આ લખનારના અમુક ઉદ્યોગપતિ મિત્રો છે, જેમની પાસે અઢળક પૈસો છે અને તેઓ એકદમ ખુશ પણ રહે છે. પૈસો કે સંપત્તિ હોવા ન હોવા સાથે પણ ખુશીને સીધો સંબંધ નથી. વડીલ ભાઈબંધ પદ્‍મશ્રી ભીખુદાન ગઢવી એક ઉદાહરણ આપે છે મોજની વ્યાખ્યા કરવા માટે. એક વાડીએ બધા પોતાને સૌથી વધુ આનંદ ક્યારે મળ્યો, સૌથી વધુ મોજ ક્યારે પડી ગઈ એના દાખલા આપતા હતા. એવામાં કોઈએ વાડીમાં કામ કરતા સાથી રઘાને પૂછ્યું કે તને જીવનમાં સૌથી વધુ મજા ક્યારે આવી? રઘાએ કહ્યું, એ સાલ મને ખસ થયેલી. ખસ પણ કેવી? લૂંબેઝૂંબે. આંગળી મૂકવાની પણ જગ્યા નહીં શરીરમાં. એક દિવસ વાડીએ કોઈ નહોતું અને નવો જ ભરેલો કાથીનો ખાટલો પડ્યો હતો. એ ખાટલામાં અવળો ને સવળો જે ખંજોળ્યું છે, એમાં મોજ પડી એવી મોજ જિંદગીમાં ક્યારેય પડી નથી. ખસમાં ખંજવાળવાનો આનંદ.


 નાણાં, ભૌતિકવાદે બધાંનો છેદ ઉડાડી દીધો, હવે શું બાકી બચ્યું? બહારનું તો કશું બાકી રહ્યું નથી. આનંદ અંદરથી આવે. ખુશી અંતરમાં ઊગે અને એને માટે કોઈ જ્ઞાન, કોઈ પાંડિત્ય, કોઈ ડહાપણની, કોઈ શાણપણની જરૂર નથી. એના માટે સરળ બનવું પડે. આટાપાટા ને કૂડ-કપટ ખુશીના દુશ્મન છે. સાચી ખુશી માટે સરળતા અનિવાર્ય છે. તમે કહેશો કે કપટી માણસ કોઈને છેતરીને, હેરાન કરીને ખુશ થાય છે એનું શું? તે ખુશ નથી થતો, પોરસાય છે. એ પોતાના અહંકારને પંપાળે છે. એ હાસ્ય ગર્વનું હોય છે, ખુશીનું નહીં.

 શાંતિથી વિચારજો, ખુશી ક્યારે આવે? જ્યારે તમને સંતોષ થાય એવું કશુંક બને ત્યારે. તમે સંતુષ્ટ થાઓ એવું કાંઈક બને ત્યારે. સારું ખાઓ, સારું સંગીત સાંભળો, દોસ્તોની સાથે હો, પરિવાર સાથે હો, બહાર ક્યાંક ફરવા ગયા હો, કોઈકને કશીક મદદ કરી હોય, કોઈની સેવા કરી હોય ત્યારે તમને ખુશી થાય છે. મન આનંદથી ભરાઈ જાય છે અથવા તમે કશુંક મનોરંજક જુઓ કે કરો ત્યારે આનંદ આવે. લૉકડાઉન પછી આ બધી ચીજો કરવી અઘરી છે? મિત્રોને મળતા રહેવું અઘરું છે? પરિવારની સાથે સમય વિતાવવામાં કોઈ મોટી મુશ્કેલી છે? બહાર ફરવા જવાની, ભલે નાનકડી પણ ટ્રિપ ગોઠવવી અશક્ય છે? ગમતી સ્પોર્ટ્સ માટે થોડો સમય ફાળવવો કઠિન છે? સવારે ૧૦ મિનિટ ધ્યાન અને યોગ કરવાનો સમય તમારી પાસે ન હોય એવું બને? જે કોઈ ધર્મને માનતા હોય તેમની પ્રાર્થના સવારે કરવા જેટલી મોકળાશ તો તમારી વ્યસ્તતામાં હશેને?

 જ્યારે તમે ખુશ હો છો ત્યારે દરેક કામ વધુ સારી રીતે થઈ શકે છે. ત્યારે કામ જ આનંદ બની જતું હોય છે. એલિનોર પોર્ટરની એક નવલકથા છે, પોલીએના. રાજી રહેવાની રમત રમતી અને અન્યોને પણ આ રમત શીખવાડતી એક નાનકડી છોકરીની કથા છે એ. એક વખત વાંચી જવી. ગુજરાતીમાં બે અનુવાદ મળે છે. આમ તો ખુશ રહેવા માટે બહારનું કશું વાંચવાની પણ શું જરૂર છે? તમારી અંદર વાંચો.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 08:31 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK