અમે દિલ્હી જેવી ઘટના બનવા ન દીધી : ઉદ્ધવ ઠાકરે

Published: Apr 05, 2020, 09:33 IST | Mumbai Correspondent | Mumbai

લોકોના વર્તનના આધારે લૉકડાઉનના મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે

ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે લોકોને ટીવી ચૅનલ દ્વારા સંબોધતાં કહ્યું હતું કે ‘દેશ, જાત, ધર્મ કોઈ પણ હોય, પરંતુ વાઇરસ તો એક જ છે એટલે બને એટલી તકેદારી રાખો, સુરક્ષાનાં પગલાં લો, ઘરમાં જ રહો અને પ્રશાસનને સપોર્ટ કરો. લોકોના વર્તનના આધારે લૉકડાઉનને લંબાવવાનો કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે.’

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘ડૉક્ટર, નર્સ સાથે અસભ્ય વર્તન કરશો તો ખબરદાર, એને સાંખી નહી લેવાય. વળી સમાજમાં જે લોકો ભાગલા પડાવવાની કોશિશ કરશે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ફેક વિડિયો મોકલનારા સાવધાન, રાજ્યની એકતા જોખમાય એવું કશું કરશો નહીં. રાજ્યમાં કોરોનાના સ્ક્રીનિંગ સેન્ટરમાં વધારો કરાયો છે એથી કોરોનાના દરદીને શોધી કાઢવામાં આસાની રહેતી હોવાથી દરદીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાને કારણે થયેલાં મૃત્યુમાં વૃદ્ધો, ગંભીર રોગોથી પીડાનારાઓની સંખ્યા વધુ છે. અમે વૃદ્ધોની વધુ કાળજી લઈશું. દરેક જણે તેમના ધાર્મિક કે સામાજિક ઉત્સવ, તહેવારો ઘરમાં જ શાંતિથી ઊજવવા. લોકોને આમંત્રિત કરી જમાવાડો ઊભો કરી કોરોનાને ફેલાવા માટે આમંત્રણ આપવું નહીં. ગુઢીપાડવા પછી રામ નવમી અને પંઢરપુરની યાત્રાના ઉત્સવો અને તહેવારો લોકોએ ઘરમાં રહીને જ મનાવ્યા છે. અન્ય ધર્મીઓએ પણ તેમના તહેવારો ઘરમાં જ મનાવવા. અમે મહારાષ્ટ્રમાં દિલ્હી જેવો તબ્લિગી જમાતનો કાર્યક્રમ થવા ન દીધો. વળી મર્કઝમાંથી આવેલા તમામેતમામ લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. એ ઉપરાંત રાજ્યમાં બહારથી રોજગાર અને વ્યવસાય માટે આવેલા પરપ્રાંતીય લોકોની અમે પૂરતી વ્યવસ્થા કરી છે. અમે અન્ય રાજ્યોને પણ ત્યાં ફસાઈ ગયેલા મહારાષ્ટ્રના મજૂરો અને અન્ય લોકોની સંભાળ લેવાનું જણાવ્યું છે. મને મારામાં અને તમારામાં વિશ્વાસ છે. જો આત્મવિશ્વાસ હોય તો ગમે એવું યુદ્ધ પણ જીતી શકાય છે. તાતા ગ્રુપ તાજ હોટેલમાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફને રહેવાની સેવા આપી રહ્યું છે. શાહરુખ ખાને પણ લોકોને ક્વૉરન્ટીન કરવા જગ્યા આપી છે. અનેક લોકો તેમનાથી બનતો સાથસહકાર આપી રહ્યા છે. જો આપણે સાથે મળીને યોગ્ય રીતે પરિસ્થિતિનો સામનો કરીશું તો જ કોરોના સામેની આ લડાઈ જીતી શકીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK