આજે ક્રિસમસ : વર્ષના અંતિમ દિવસોમાં તમે તમારા આ વર્ષનું સરવૈયું બનાવ્યું કે નહીં?

Updated: 27th December, 2018 14:30 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

કેટલું લોકોએ તમારા માટે જતું કર્યું એ પણ તમે પાછળ ફરીને જોશો તો તમને જોવા મળશે. એ જોવાનું કામ તમે જ કરી શકશો, તમારા સિવાય બીજું કોઈ કરી નહીં શકે. કહો જોઈએ

ઝગમગતું ક્રિસમસ ટ્રી
ઝગમગતું ક્રિસમસ ટ્રી

ફાઇનલી, ક્રિસમસ આવી ગઈ અને હવે રોકડા છ દિવસ રહ્યા છે નવું વર્ષ આવવાને ત્યારે એક સવાલ મનમાં જન્મે છે કે વર્ષના અંતિમ દિવસોમાં તમે તમારા આ વર્ષનું સરવૈયું બનાવ્યું કે નહીં? તમે આ બાર મહિના દરમ્યાન શું કર્યું અને આ બાર મહિના દરમ્યાન તમારા સપનાની કેટલી નજીક ગયા એનો હિસાબ જોયો કે નહીં? તમે જોયું ખરું કે આ બાર મહિના દરમ્યાન તમે માત્ર જીવ્યા છો કે પછી આ બાર મહિના દરમ્યાન તમે જીવનને સાચી રીતે, યોગ્ય રીતે માણ્યું પણ છે? આ બાર મહિના દરમ્યાન કેટલું તમે સંબંધો માટે ઘસાયા અને કેટલું સંબંધોએ તમને ઘસ્યા? તમે જતું કરતાં શીખ્યા કે નહીં એ પણ આ જ બાર મહિનાના હિસાબ પરથી ખબર પડશે અને આ બાર મહિના દરમ્યાન કેટલું લોકોએ તમારા માટે જતું કર્યું એ પણ તમે પાછળ ફરીને જોશો તો તમને જોવા મળશે. એ જોવાનું કામ તમે જ કરી શકશો, તમારા સિવાય બીજું કોઈ કરી નહીં શકે. કહો જોઈએ, તમે આ જે કામ કરો છો એ કામને કરવાની હિંમત ધરાવો છો ખરા? એક વખત પાછળ ફરીને તમારા જ વિતાવેલા સમયને જોવાની તમે હિંમત કરશો ખરા?

આ એક હિંમતનું કામ છે અને આ હિંમત બધામાં નથી હોતી. આ નગ્ન વાસ્તવિકતા છે. આ નગ્ન હકીકત છે અને આ હકીકતનો સામનો કરવાની ક્ષમતા બધામાં નથી હોતી. જો તમને એવું લાગતું હોય તો એક વખત, માત્ર એક વખત હિંમત કરીને તમે તમારા જ વીતેલા વર્ષને જોવાની કોશિશ કરજો. તમને તમારી ભૂલો પણ દેખાશે અને તમને તમારો સ્વાર્થ પણ દેખાશે. કોઈની પીઠ પર મરાયેલો ઘા પણ તમને જોવા મળશે અને એ પીઠ પર રહી ગયેલું ચાકુ પણ તમને નજરે ચડશે. આ ચાકુ અને આ ઘાને જોવાની ક્ષમતા હોવી જોઈશે. જો એ ક્ષમતા તમે હાંસલ કરી શકો તો જ તમે તમારું સરવૈયું કાઢી શકો અને જો સરવૈયું કાઢી શકો તો જ તમને સમજાશે કે તમારી આજ એ હકીકતમાં નફા સાથે મેળવેલી આજ છે કે પછી તમારી આજમાં ભૂતકાળની નુકસાની નીતરી રહી છે.

વર્ષ પૂરું થાય છે ત્યારે આવી રહેલા નવા વર્ષનાં વધામણાં તો થવાં જોઈએ. જો આ વર્ષ પાસેથી, વીતેલા સમય પાસેથી તમે તમારું ધાર્યું કામ કરાવ્યું હોય અને તમે ઇચ્છા મુજબનું રહી શક્યા હો. જો તમે એ કરવામાં નિષ્ફળ રહ્યા હો તો તમને કોઈ હક નથી કે તમે નવા વર્ષની રાહ જોઈને બેસી રહો. ના, તમને વર્ષ ઊજવવાનો ઉત્સાહ ન હોવો જોઈએ, પણ એને બદલે તમને વીતેલા વર્ષનો અફસોસ હોવો જોઈએ. ૨૦૧૮ આવીને ગયું અને એ વર્ષે તમારામાં કોઈ જાતનો ઉમેરો નથી કર્યો એનું દુ:ખ હોય તો એ દુ:ખને હૈયામાં ધરબી દેવાને બદલે કરેલી ભૂલોને એક વખત યાદ કરજો જેથી પુનરાવર્તન ન થાય અને એ ભૂલોનું પુનરાવર્તન ન કરવું હોય તો પણ યાદ કરવાની જરૂર છે વીતેલો સમય. આજે ક્રિસમસના દિવસે તમારે આ કામ કરવાનું છે. તમારે તમારું વીતેલું વર્ષ યાદ કરવાનું છે અને એના અચીવમેન્ટ્સ માટે રાજી થવાનું છે અને આ વર્ષ દરમ્યાન કરેલી ભૂલોની પ્રાર્થનાસભામાં પણ હાજર રહેવાનું છે. બીજું તો શું કહું, મૅરી ક્રિસમસ.

First Published: 25th December, 2018 14:22 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK