Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છાપું નથી મળ્યું? તો આ વાંચો

છાપું નથી મળ્યું? તો આ વાંચો

02 August, 2020 11:02 PM IST | Mumbai Desk
Dr Dinkar Joshi

છાપું નથી મળ્યું? તો આ વાંચો

ગુજરાતી મિડડે ટેબ્લૉઇડ

ગુજરાતી મિડડે ટેબ્લૉઇડ


આ કોરોનાકાળમાં દૈનિક અખબારો રોજિંદી ઢબે મેળવવાં અઘરાં બન્યાં છે. સવારે સાત વાગ્યે ચાના કપની સાથે તાજું અખબાર પણ હોય એવી ટેવ વરસોથી પડેલી છે. હકીકતે સાત વાગ્યે તાજા અખબારનાં મથાળાં જોવાથી દિવસ સુધરતો નથી. ખરું કહું તો દિવસનો અમંગળ આરંભ થાય છે, પણ આ આરંભ દેશી દારૂ જેવો છે. દેશી દારૂ એટલે કે લોકબોલીમાં બેવડો - આ બેવડો શરીરને પુષ્કળ નુકસાન કરે છે એ જાણ્યા પછી પણ બેવડાથી ટેવાયેલો બેવડો છોડી શકતો નથી.
કોરોનાકાળના આરંભથી જ આંગણે આવતાં તાજાં અખબારો બંધ થઈ ગયાં છે. હમણાં-હમણાં ક્યાંક-ક્યાંક પાછાં શરૂ થઈ રહ્યાં હોવાનું સાંભળ્યું છે, પણ એનો સાર્વત્રિક ધોરણે બધે સ્વીકાર થયો નથી. જોકે આમ છતાં ડિજિટલ એટલે કે મોબાઇલમાં અખબાર મળે એવી ગોઠવણ થાય છે ખરી. મોબાઇલમાં ટચૂકડી સ્ક્રીન પર આઠ કૉલમનું અખબાર વાંચવું ફાવે નહીં એટલે આંગળીને આમ-તેમ હલાવીને થોડી વારે અડધાંપડધાં મથાળાં જોઈને આ ડિજિટલ રૂપસુંદરીને પડતી મૂકવી પડે છે.
આનું પરિણામ એ આવ્યું છે કે ટીવીનાં ન્યુઝ-બુલેટિનો સાંભળવા must થઈ ગયાં છે. ૧૦ મિનિટમાં ૫૦ સમાચાર કે ફટાફટ સમાચાર એવું ને એવું કંઈ ને કંઈ ટીવીના પડદે આવે છે એ સાંભળવું પડે છે. મોટા ભાગે સમાચારના ઍન્કરની સાથે પાંચ-સાત ચર્ચાનંદો તેમના વિશેષ જ્ઞાનની સાથે ‘હાઉ હાઉ’ કરતા હોય છે. આ હાઉ-હાઉમાં કંઈ સમજવાનું હોતું નથી. સામેવાળાને સાંભળ્યા કે સમજ્યા વિના જ પોતાની બૅટરી ખૂટી જાય ત્યાં સુધી હાઉ-હાઉ કેમ કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આ ચર્ચાનંદો છે. આમાં કોઈએ શ્રવણકળાનો લાભ લેવાની જરૂર નથી. નર્યા સમાચાર જ સંભળાય એ રીતે ટીવીનાં સમાચાર-બુલેટ‌િનો ગોઠવાય એવા પ્રયત્નો કરું છું.
થોડાક દસકાઓ પહેલાં અખબારોમાં છપાયેલા સમાચારને ‘confirmed news’ માનવામાં આવતા. અખબારોની આવી શ્રદ્ધેયતા હતી. કોઈક ઊડતા સમાચાર બીજે દિવસે અખબારમાં પ્રગટ થાય ત્યારે વાચકો પરસ્પરને કહેતા, ‘અરે! વાત સાવ સાચી છે. જુઓને આજનાં છાપાંમાં પણ આવી ગયું છે.’ આમ છાપાંમાં છપાઈ જાય એ સત્ય અને માત્ર સત્ય જ હોય એમ માનવામાં આવતું. આજે ભાગ્યે જ કોઈ છાપાં માટે આવું કહી શકાય એમ છે. આથી વિપરીત કોઈ-કોઈ છાપાં માટે વાચકોને ખાતરીપૂર્વક એવું કહેતા સાંભળ્યા છે કે આ છાપાંમાં બધું જ જાહેરખબરના ભાવે જ છપાય છે. કાં તો જાહેરખબર હોય અથવા paid news હોય. આ સિવાયનું બીજું કંઈ એમાં હોતું જ નથી. Paid News શબ્દ થોડાં વરસો પહેલાં આપણે ક્યારેય સાંભળ્યો હતો ખરો? News એટલે ચાર દિશાઓ; North, East, West & South.
અખબારો વાંચવાની તાલાવેલીનું મુખ્ય કારણ એ હોય છે કે તમારી આસપાસ બનતી ઘટનાઓથી તમે પરિચિત રહો. પોતે જે જગતમાં વસે છે એ જગતમાં જે કંઈ બની રહ્યું હોય એના વિશે પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે. આમ સમાચાર એટલે આસપાસ બનતી કુદરતી ઘટનાઓ, પ્રાકૃતિક રચનાઓ; પણ આ તો વાચકનો ધર્મ થયો. અખબાર આને ધર્મ નથી માનતું. અખબારને પોતાની જુદી જ આચારસંહિતા છે. જે કંઈ કુદરતી ઘટના બને એને અખબાર સમાચાર નથી કહેતું. અખબારી દુનિયામાં આ વાત બહુ જાણીતી છે. કૂતરો માણસને કરડે એ કુદરતી છે એટલે એ સમાચાર ન બને, પણ માણસ કૂતરાને કરડે એ અકુદરતી છે અને એટલે એ સમાચાર બને છે. એક કુટુંબમાં બે ભાઈઓ સંપીને હળીમળીને રહેતા હોય અને રોટલો રળી ખાતા હોય એ સમાચાર નથી; પણ જો બન્ને જુદા પડે, સામસામે આક્ષેપબાજી થાય અને મામલો અદાલતમાં જાય તો એ અખબારો માટે સનસનાટીભર્યા સમાચાર છે. દા.ત. બાળાસાહેબ ઠાકરેના સુપુત્રો ચિ. જયદેવ ઠાકરે અને માનનીય ઉદ્ધવ ઠાકરે. બરાબર એ જ રીતે જ્યેષ્ઠ ભ્રાતા મુકેશભાઈ અને લઘુ બંધુ અનિલભાઈ.
ચીનનું પાટનગર બીજિંગ જ્યારે પેકિંગ કહેવાતું હતું ત્યારે ત્યાં એક રમતગમતની સ્પર્ધા થઈ હતી. એક સ્પર્ધામાં ભારત પહેલા નંબરે અને ચીન બીજા નંબરે આવ્યું. ભારતનાં અખબારોએ આ સમાચાર આવી રીતે છાપ્યા, ‘આ સ્પર્ધામાં ભારતનો પહેલો નંબર અને ચીન છેલ્લાથી એક નંબર આગળ રહ્યું.’ ચીનનાં અખબારોએ આ જ સમાચાર આમ છાપ્યા, ‘ભારત આ સ્પર્ધામાં છેલ્લાથી એક નંબર આગળ રહ્યું અને ચીન બીજે નંબરે રહ્યું.’ હકીકતે આ સ્પર્ધામાં બે જ પ્રતિસ્પર્ધીઓ હતા, ભારત અને ચીન.
હમણાં ટીવીના સમાચાર વધારે સાંભળવા પડે છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં તમે સૌએ કદાચ એક વાત નોંધી હશે. આપણી બધી ટીવી-ચૅનલોનાં ન્યુઝ બુલેટિનો યુદ્ધમોરચે પાકિસ્તાન અને ચીન સાથે હવામાં તલવાર વીંઝતાં હોય એવું લાગે છે. પાકિસ્તાન સાથે અને ચીન સાથે પણ આપણે ભૂતકાળમાં યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આપણી શસ્ત્રસજ્જતા અને યુદ્ધકૌશલ્યની બધી વાતો આપણે તો ઠીક, આ શત્રુ દેશો પણ જાણે છે. હમણાં-હમણાં યુદ્ધના ગરમાગરમ વાતાવરણમાં ટીવી-ચૅનલો આપણી તાકાતની વાતો જોરશોરથી કરે છે. એક બંદૂકની ખરીદી કરી હોય કે પછી રફાલ વિમાનોની ખરીદી કરી હોય, એની જોરશોરથી જાહેરાત કરવામાં આવે છે. આવાં શસ્ત્રોની ટેક્નિકલ બાજુઓ, એનું અદ્યતન સામર્થ્ય, કેટલા હજાર માઇલ પછી પણ એ સફળ પ્રહાર કરી શકે છે આવી બધી તાકાતનાં બણગાં એ જાહેરમાં ફૂંકે છે. આ બધું સાંભળીએ છીએ ત્યારે એમ થાય છે કે આ આપણી શક્તિનું રહસ્ય જાહેરમાં કોના માટે ખોલી રહ્યા છીએ? રફાલ વિમાનોની તાકાત સૈન્યના અને શસ્ત્રોના વિશેષજ્ઞો સારી રીતે સમજતા હોય છે. અને સામાન્ય નાગરિકો માટે રફાલ હોય કે બોફોર્સ હોય, આ વિશેષ જ્ઞાનની જરૂર નથી. શસ્ત્રોનું આ રહસ્ય ‘રે લોલ’ની જેમ સૌને પહોંચાડવાની જરૂર નથી.
સમાચાર શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે. સમાચાર એટલે સમ વત્તા આચાર. સદાચારના વૈકલ્પિક અર્થમાં આ શબ્દ પ્રયોજાયો છે. દુરાચારના વિરોધી શબ્દ તરીકે આપણે સદાચાર શબ્દ વાપરીએ છીએ, સમાચારને પણ આ રીતે પ્રયોજી શકાય. એનો અર્થ એ થયો કે જે કંઈ સારી ઘટનાઓ આસપાસ બને છે એ ઘટનાઓને અખબારોએ મોટા પ્રમાણમાં પ્રસારવી જોઈએ. વ્યવહારમાં આથી સાવ વિપરીત બની રહ્યું છે. દુરાચાર ફ્રન્ટ પેજ ન્યુઝ બને છે.
યુદ્ધ કંઈ સારા સમાચાર નથી. કોરોનાનો પ્રસાર એ પણ સારા સમાચાર નથી. કોરોનાના બે-ચાર કિસ્સા અમુક-તમુક વિસ્તારમાં છૂટાછવાયા થયા હોય તો એને પ્રાધાન્ય આપીને રોગચાળો ફાટી નીકળ્યો છે એવો ભય ઉત્પન્ન કરવો એ અખબારનો ધર્મ નથી. એ સાથે જ જે વાસ્તવિકતા છે એની ઉચિત માહિતી વાચકો સુધી વિવેકપૂર્વક પહોંચાડવી જ રહી.
થોડાં વરસો પહેલાં અખબારનું પ્રકાશન વ્યવસાય નહોતો. અખબારોનું પ્રકાશન એવા માણસો જ કરતા કે જેમને ગાંઠનાં ગોપીચંદન કરવાની તૈયારી હોય અને એ સાથે જ સમાજ કે સરકાર તરફથી સહન કરવાની તૈયારી હોય. આજે એ વાત ભુલાઈ ગઈ છે. પ્રસિદ્ધિ, સાચો કે ખોટો પ્રચાર અને નાણાંની કોથળી આ ત્રણ સપાટી પર રહ્યાં છે બાકી બીજું બધું અલોપ થઈ ગયું છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

સમાચાર શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે. સમાચાર એટલે સમ વત્તા આચાર. સદાચારના વૈકલ્પિક અર્થમાં આ શબ્દ પ્રયોજાયો છે. દુરાચારના વિરોધી શબ્દ તરીકે આપણે સદાચાર શબ્દ વાપરીએ છીએ, સમાચારને પણ આ રીતે પ્રયોજી શકાય. એનો અર્થ એ થયો કે જે કંઈ સારી ઘટનાઓ આસપાસ બને છે એ ઘટનાઓને અખબારોએ મોટા પ્રમાણમાં પ્રસારવી જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2020 11:02 PM IST | Mumbai Desk | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK