Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખરેખર કોરોનાના કારાવાસ બાદ જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું?

ખરેખર કોરોનાના કારાવાસ બાદ જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું?

23 July, 2020 04:03 PM IST | Mumbai
Jayesh Chitalia

ખરેખર કોરોનાના કારાવાસ બાદ જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું?

કોરોનાએ લાઇફને એક જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ આપ્યો છે. એક પાવરફુલ યુ-ટર્ન લેવાનો અવસર આપ્યો છે.

કોરોનાએ લાઇફને એક જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ આપ્યો છે. એક પાવરફુલ યુ-ટર્ન લેવાનો અવસર આપ્યો છે.


સિદ્ધાર્થને માત્ર ત્રણ ઘટનામાંથી
ત્રણ સવાલ થયા
અને સિદ્ધાર્થ બુદ્ધત્વ તરફ વળી ગયા
મને રોજેરોજ ત્રીસ ઘટનામાંથી
ત્રણ સવાલ પણ થતા નથી
અને બે-ચાર સવાલ થાય તો પણ શું?
હું તો સતત વૃદ્ધત્વ તરફ વળી રહ્યો છું!
- જ. ચિ.
આજકાલ એકાંત અને એકલતાની ચર્ચા બહુ થાય છે. ખાસ કરીને કોરોનાને કારણે માણસોના જીવનમાં આવેલા પરિવર્તનને લીધે આ વિષય વધુ ચર્ચામાં આવ્યો અને દિમાગમાં પણ આવ્યો. જોકે એકાંત અને એકલતા પણ દરેકનાં પોતીકાં જ હોય છે. આ એકાંતમાં કેટલીક પંક્તિ અથવા એક વિચાર દિમાગમાં આવ્યો. વિચાર આવવાનું કારણ હું જે ટેબલ પર બેસીને ઘરમાં લૅપટૉપ પર કામ કરું છું એ ટેબલ પર મારી સામે જ બુદ્ધની પ્રતિમા છે જેને હું નિયમિત જોઉં છું. આ વખતે એકાંતમાં વિચાર આવ્યો કે બુદ્ધ જયારે સિદ્ધાર્થ હતા, રાજકુમાર હતા અને ત્યારે એક દિવસ પોતાના સારથિને લઈ પહેલી વાર મહેલની બહાર રથ પર નગરમાં નીકળયા ત્યારે તેમને એક બીમાર મનુષ્ય દેખાતાં તેમણે સારથિને પૂછ્યું કે આ માનવીને શું થયું છે? સારથિએ કહ્યું તે બીમાર હોવાથી પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધાર્થે ફરી પૂછ્યું, શું હું પણ ક્યારેક બીમાર પડીશ?
થોડા આગળ ગયા ત્યાં સિદ્ધાર્થે એક વૃદ્ધ માનવીને જોયો. તેમણે ફરી સારથિને પૂછ્યું, આ માણસ કેમ આવો છે? સારથિએ કહ્યું, આ માણસ વૃદ્ધ થઈ ગયો હોવાથી તેની દશા આવી છે. સિદ્ધાર્થે પુનઃ સવાલ કર્યો, શું હું પણ એક દિવસ વૃદ્ધ થઈશ? હજી આગળ ગયા ત્યાં લોકો એક માણસના મૃતદેહની અર્થી લઈ જઈ રહ્યા હતા. સિદ્ધાર્થે ફરી સવાલ કર્યો, આ માણસને શું થયું છે? સારથિનો જવાબ હતો, તે માણસ મૃત્યુ પામ્યો છે, તેથી તેને અગ્નિસંસ્કાર માટે લઈ જઈ રહ્યા છે. સિદ્ધાર્થનો ફરી સવાલ, શું મારું પણ મૃત્યુ થશે?
શું આપણને કોઈ સવાલ થાય છે?
આ ત્રણેય સવાલોના જવાબ સારથિએ આપ્યા હતા. દરેક માણસને માંદગી આવે છે, દરેક માનવી વૃદ્ધ થાય છે અને દરેક માનવી મૃત્યુ પણ પામે છે. આ ત્રણ ઘટના અને એની સામે સિદ્ધાર્થને થયેલા ત્રણ સવાલ અને મળેલા ત્રણ જવાબ તેમને બુદ્ધત્વ તરફ લઈ ગયા. તેમણે સારથિને કહ્યું, રથ પાછો મહેલ તરફ વાળી લો. એ પછી તેમની બુદ્ધત્વ તરફ યાત્રા શરૂ થઈ; જેના લાંબા સમય બાદ પરમ સત્યની-પરમ જ્ઞાનની અનેક ખોજ, સાધના, તપસ્યા, જિજ્ઞાસા બાદ છેલ્લે જ્યારે કંઈ જ ન થયું ત્યારે થાકીને દરેક અપેક્ષા છોડીને સિદ્ધાર્થ એક વૃક્ષ નીચે આવી બેસી ગયા અને મનોમન કહ્યું કે હવે કોઈ ઇચ્છા નથી રહી ત્યાં જ તેમને બુદ્ધત્વ પ્રાપ્ત થયું.
આમ સિદ્ધાર્થ ત્રણ ઘટના, ત્રણ સવાલ અને ત્રણ જવાબ પછીની યાત્રા બાદ બુદ્ધત્વને પામ્યા. જ્યારે આપણી સામે રોજ સંખ્યાબંધ ઘટના બનતી હશે, પરંતુ આપણને ક્યાં એકેય સવાલ થાય છે? ક્યાં કોઈ જિજ્ઞાસા થાય છે? આપણે આ બધાનો સ્વીકાર કરી લીધો છે તેથી આપણે ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ, કારણ કે આપણા પગ પાછા વળતા નથી અને અંતરયાત્રા આગળ વધતી નથી. આપણે એવા જ ભ્રમ સાથે જીવ્યા કરીએ છીએ કે મને ક્યાં કંઈ થવાનું છે? હું ક્યાં બીમાર પડવાનો છું? હું ક્યાં વૃદ્ધ થવાનો છું અને મને ક્યાં મૃત્યુ આવવાનું છે?
આપણે શું બની શકીએ?
કોરોનાએ તાજેતરમાં સમગ્ર જગતના રથ અટકાવી દીધા છે. રાજા-રંકને સમાન કરી દીધા છે. માંદગીનો ભય એવો ઊભો કરી દીધો છે, માંદગી આવી નહીં તોય માંદગી જેવું લાગ્યું, વૃદ્ધત્વ આવ્યું નથી તોય જાણે નબળાઈ અને નિરાશા આવી ગઈ અને મૃત્યુ આવ્યું નહીં છતાં દેખાઈ ગયું. હવે આ સ્થિતિમાં આપણે સામાન્ય માણસો ભલે બુદ્ધ ન થઈ શકીએ તો કમ સે કમ બુદ્ધત્વ તરફ યાત્રા તો કરી શકીએ; જેના ભાગરૂપ જિજ્ઞાસુ બની શકીએ, અન્ય જીવ પ્રત્યે
દયા-કરુણાભાવ લાવી શકીએ, સંયમ પાળી શકીએ, અહંકારને ડામી શકીએ, ધ્યાન તરફ વળી શકીએ, શાંતિને સહયોગી બનાવી શકીએ, જીવનને
સરળ-સહજ બનાવી શકીએ.
યાત્રાનું મહત્ત્વ વધુ
હા, ચોક્કસ આપણને સવાલ થશે કે આટલુંબધું આપણે કઈ રીતે કરી શકીએ? પણ યાદ એ રાખવાનું છે કે આ કરી શકીએ એટલે તરત ને તરત થઈ પણ શકે નહીં, એ આપણી શક્તિ કે આપણું ગજું પણ નથી. આપણે તો એ દિશામાં જવાની યાત્રા શરૂ કરવાની છે. આમાંથી એક બાબત પણ પામીશું તો બીજી મળશે, બીજી પામીશું તો ત્રીજી અને એમ કરતાં–કરતાં આપણું જીવન સહજપણે બુદ્ધત્વ તરફ વળી જશે. આ પછી પણ આપણે બુદ્ધ થઈ જઈશું એવી આશા રાખવાની નથી, કારણ કે આ યાત્રા એવી છે જેમાં પહોંચવા કરતાં યાત્રાનું મહત્ત્વ વધુ છે, એનો આનંદ વધુ છે. આમાંથી જેટલું થઈ શક્યું અને જેટલું પણ પામી શક્યા એ લાભ અને લાભમાં જ છે.
લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ
કોરોનાએ લાઇફને એક જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ આપ્યો છે. એક પાવરફુલ યુ-ટર્ન લેવાનો
અવસર આપ્યો છે. આપણો રથ પાછો ન વળી શકે તોય દિશા બદલી શકે છે. આ તક, આ અવસર સમગ્ર જગતને અપાઈ છે, જે ચાહે એનો લાભ લઈ શકે. કુંભકર્ણથી પણ લાંબી, ઊંડી ઘોર નિદ્રામાંથી આપણને જગાડાયા છે. હજી પણ સૂવાનું ચાલુ રહી શકે છે, ઘણા લોકો જાગી ગયાનો ડોળ કરી શકે છે, એવું પોકળ આશ્વાસન પણ લઈ શકે છે અને લેતા પણ હશે. પરંતુ ખરી પરીક્ષા કોરોના બાદની નૉર્મલ લાઇફ શરૂ થયા બાદ આવશે. અત્યારે તો આપણે સૌ સ્મશાન વૈરાગ્ય જેવા ભાવમાં આવી ગયા છીએ. જાતને પટાવીએ છીએ.
સાચાં-ખોટાં કારણો સાથે ખુદને બહેલાવીએ છીએ, બાકી ભીતરથી ક્યારે આ કરફ્યુ અને લૉકડાઉન ઊઠે અને ફરી એ જૂની ઢબે બધી જ રીતે કામે લાગી જઈએ એવો થનગનાટ ક્યારનો થતો હશે. પરંતુ આપણે જાતને છેતરવામાં પણ બહુ જ કુશળ છીએ.
માણસ સામે નવો અવસર
બુદ્ધત્વ તો બહુ દૂરની વાત થઈ, આપણે આ કોરોનાના કારાવાસમાંથી બહાર આવીને
સાચા-સહજ માનવી તરીકે પણ જીવતાં શીખી જઈએ તોય ઘણું પામેલું ગણાશે. આ મામલો ખરેખર એકેક માનવીનો રહેશે. માનવી કેવો બદલાશે એના આધારે જગત બદલાયેલું
ગણાશે. આ જગતને વધુ બહેતર બનાવવાની એક તક, એક અવસર પરમાત્મા કહો યા પ્રકૃતિ કહો, એણે આપી છે. આનું લોકો શું કરે છે એ કોઈએ જોવાનું નથી. માણસે માત્ર પોતે શું કરે છે એ જ જોવાનું છે; કેમ કે દરેકની એકલતા, એકાંત અને દરેકની યાત્રા પોતાની છે, આગવી છે. પ્રત્યેકની પોતાની સ્વતંત્રતા છે. તેમને શું કરવું છે? ફરી દુનિયાની એ જ દોડ શરૂ કરવી છે કે હવે બુદ્ધમ્ શરણમ્ ગચ્છા મિ બુદ્ધ એટલે કેવળ બુદ્ધ નહીં બલકે બુદ્ધત્વ, જે કોઈ પણ ધર્મના માર્ગે થઈ શકે.
કોરોનાએ લાઇફને એક જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ આપ્યો છે. એક પાવરફુલ યુ-ટર્ન લેવાનો અવસર આપ્યો છે. આપણો રથ પાછો ન વળી શકે તોય દિશા બદલી શકે છે. આ તક, આ અવસર સમગ્ર જગતને અપાઈ છે, જે ચાહે એનો લાભ લઈ શકે. કુંભકર્ણથી પણ લાંબી, ઊંડી ઘોર નિદ્રામાંથી આપણને જગાડાયા છે. હજી પણ સૂવાનું ચાલુ રહી શકે છે, ઘણા લોકો જાગી ગયાનો ડોળ કરી શકે છે, એવું પોકળ આશ્વાસન પણ લઈ શકે છે અને લેતા પણ હશે. પરંતુ ખરી પરીક્ષા કોરોના બાદની નૉર્મલ લાઇફ શરૂ થયા બાદ આવશે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 04:03 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK