મન્ડે-મંથન - રોહિત શાહ એક ધાર્મિક કહેવાતી ટીવી ચૅનલ ઉપર એક ‘બાપજી’ બળાપો ઉલેચી રહ્યા હતા. પ્રાચીન સંસ્કૃતિ ભૂંસાઈ રહી હોવાનો વિશાદ વ્યક્ત કરીને શ્રોતાઓને કહેતા હતા કે આજે આપણા સમાજમાં ધોતિયું પહેરનારા પુરુષો હવે ભાગ્યે જ જોવા મળે છે. પચાસ વર્ષ પછી ‘ધોતિયું’ શબ્દનો અર્થ માત્ર શબ્દકોશમાં જ રહી જશે.
એ ‘બાપજી’ માટે આપણી સંસ્કૃતિ માત્ર ધોતિયામાં જ અટવાયેલી હતી. પુરુષો ધોતિયું પહેરવાનું છોડીને પૅન્ટ પહેરે એમાં તેમની સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જતું હતું!
આપણે કેવા છીછરા જળમાં છબછબિયાં કરીને ગૌરવ લેતા રહીએ છીએ. વસ્ત્રો પહેરવાનું મુખ્ય કારણ મર્યાદાનું છે. નગ્નતાને ઢાંકવા માટે માણસોએ વસ્ત્રની શોધ કરી. દરેક વ્યક્તિ પોતાના દેશ-કાળ અને પોતાની જરૂરિયાત મુજબ કેવાં વસ્ત્રો પહેરવાં એ નક્કી કરવા માટે સ્વતંત્ર હોય છે. આપણે ત્યાં ખેતી મુખ્ય વ્યવસાય હોવાથી અમુક પ્રકારનાં વસ્ત્રો સ્વીકૃત બન્યાં. પિમના દેશોમાં યંત્રયુગને કારણે અમુક પ્રકારનાં વસ્ત્રો સગવડભયાર઼્ લાગ્યાં. એમાં ક્યાંય સંસ્કૃતિ અભડાઈ જાય એવું કશું નથી. જેને જે અનુકૂળ લાગે એ પહેરે.
ખેડૂતને ખેતરમાં કામ કરવાનું હોય. પશુપાલન કરવાનું હોય. આ કારણે તેણે ક્યારેક થોડી સામગ્રી લાવવા-લઈ જવાનું જરૂરી બને. અગાઉથી ખબર ના હોય અને આકસ્મિક કોઈ વસ્તુ લઈ જવાની થાય ત્યારે ધોતિયું પહેરેલું હોય તો એના એક છેડામાં કેટલીક સામગ્રી લઈ જવાનું શક્ય બને. ધોતિયાનો છેડો ક્યારેક નાનકડી થેલીનું કામ કરે. એ જ રીતે મહિલાઓ સાડી પહેરતી. પાલવમાં ઘણી બધી સામગ્રી લાવવા-લઈ જવાનું શક્ય બનતું.
વિદેશમાં યંત્રસંસ્કૃતિ હોવાથી ત્યાંના લોકો જો ધોતિયાં પહેરે તો ગમેત્યારે મશીનમાં ધોતિયાનો છેડો ભરાઈ-ખેંચાઈ જવાનું જોખમ રહે. એટલે શરીરના અંગના આકાર મુજબ તેને વળગી રહે એવાં વસ્ત્રોની પસંદગી થતી. આ ઉપરાંત જ્યાં ખૂબ ગરમી પડતી હોય ત્યાં સુતરાઉ કે ખાદીનાં વસ્ત્રો વધારે અનુકૂળ રહેતાં. જ્યાં ખૂબ ઠંડી આબોહવા હોય ત્યાં ઊન કે ટેરી કૉટનનાં કપડાં વધારે માફક આવતાં. આ ઉપરાંત ફૅશન પણ એમાં મહત્વનો ભાગ ભજવે. નવીનતા અને તાજગી માટે થોડાક ફેરફારો થતા રહેતા.
શરીરની નગ્નતા ઢંકાઈ રહે, વાતાવરણ ને આબોહવા પ્રમાણે અનુકૂળતા સચવાય અને પોતાના વ્યવસાયમાં કશો અંતરાય પેદા ન કરે એ રીતે વસ્ત્રોની પસંદગી થાય એમાં ક્યાંય સંસ્કૃતિ વચ્ચે આવતી જ નથી. ધોતિયું પહેરનારો પુરુષ પૅન્ટ પહેરે એમાં આકાશના કયા તારલા ખરી પડવાના હતા?
હું હંમેશાં માનું છું કે સ્ત્રી સાડીમાં વધારે શોભે છે. સાડીમાં જ તે વધુ સેક્સી લાગે છે, પરંતુ એ વાત પણ સ્વીકારું છું કે જીન્સનું પૅન્ટ પહેરેલી યુવતી ઉપર બળાત્કાર કરવાનું અઘરું છે. જીન્સનું પૅન્ટ પહેરવાને કારણે જો કોઈક યુવતીની ‘ઇજ્જત’ બચી જઈ શકતી હોય તો જીન્સના પૅન્ટને સાંસ્કૃતિક પહેરવેશમાં વધારે મહત્વ આપવું જોઈએ.
આપણી મૂળ વાત સંસ્કૃતિ અભડાઈ જવાના ભયની છે. તદ્દન ખોટાં અને છીછરાં બહાનાં-કારણો પાછળ બૂમબરાડા પાડીને આપણે આપણી સંસ્કૃતિ ભ્રષ્ટ થઈ ગયાનો ઊહાપોહ કરવા મંડી પડીએ છીએ. ભૂતકાળનું જ બધું ઉત્કૃષ્ટ હતું અને નવું બધું જ ભ્રષ્ટ કે સડેલું છે. એમ માનવું માનસિક દરિદ્રતા છે.
સમયે-સમયે દરેક ચીજમાં પરિવર્તન આવે છે. હા, કેટલાંક પરિવર્તનો માત્ર દેખાદેખીવાળાં અને ડુબાડનારાંય હોય છે, પણ કેટલાંક પરિવર્તનો માણસને તથા સમાજને વિકાસકૂચ કરાવનારાય હોય છે. ભૂતકાળમાં બળદ વડે ખેતી થતી હતી આજે યંત્રોનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો એમાંય સંસ્કૃતિને અભડાઈ જતી જોઈને જીવ બાળ્યાં કરે છે. એક સચ્ચાઈ એ છે કે વસ્તી સતત વધે છે અને જમીન સતત ઘટતી રહે છે. એવા સંજોગોમાં વ્યાપક ઉત્પાદન કરવું અને ઝડપી ઉત્પાદન કરવું અનિવાર્ય થઈ પડે. જો એમ ન થાય તો સૌને ભૂખ્યા મરવાનો વારો આવે. ચારે તરફ લૂંટફાટ થવા માંડે. પ્રોડક્શન વધાર્યા વગર છૂટકો જ નથી. એ માટે ઘણાં પરિવર્તનો સ્વીકારવાં આવશ્યક છે. એમ કરવાથી સંસ્કૃતિ અભડાઈ જવાની બળતરા અનુભવીએ તો કેમ ચાલે?
એક જમાનામાં લગ્ન, મૃત્યુ અને અન્ય સામાજિક પ્રસંગો ખાસ અમુક રીતે જ કરવાની પરંપરા હતી. આજે એમાંય ઘણી બાબતોમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. મારા દાદાનાં લગ્ન થયાં ત્યારે ફોટોગ્રાફી થતી જ નહોતી. મારા પપ્પાનાં લગ્ન વખતે માત્ર બ્લૅક એન્ડ વાઇટ ફોટો થતા. મારાં લગ્ન થયાં એ જમાનામાં રંગીન ફોટોગ્રાફીના આલ્ાબમ બનતા હતા. હવે મારા પુત્રનાં લગ્ન વખતે રંગીન ફોટોગ્રાફ ઉપરાંત ડિજિટલ મૂવી ઉતારવાનું શક્ય બન્યું છે. આ તો એક સાવ સામાન્ય એક્ઝામ્પલ છે. વાહનની વાત હોય કે વેશભૂષાની, ખાણીપીણીની વાત હોય કે ફૅશનની દરેકમાં પરિવર્તન આવતું જ રહે છે. આ પરિવર્તનને કારણે ક્યારેક પ્રાચીન પરંપરાઓ અને ખ્યાલો અને ભ્રાંતિઓ તૂટે તો ભલે તૂટે. પ્રૅક્ટિકલ થવું જરૂરી છે. રૂઢિઓ, રીતિરિવાજોને નામે વ્યર્થ વ્યવહારોને વળગી રહીએ તો પછાત ગણાઈએ. આપણે વિકાસ કરી જ ના શકીએ. ફરી પાછા આદિમાનવ બનીને ગુફામાં વસવા જવું પડે. ફરીથી તીરકામઠાં લઈને પશુઓનો શિકાર કરીને પેટ ભરવું પડે.
સંસ્કૃતિ એટલે શું? શું દરેક પરંપરા સંસ્કૃતિ હોય છે? શું પ્રાચીન પરંપરાઓમાં કોઈ જ ભૂલો-ઊણપો નહોતી? એવું પણ બને કે એ જમાના મુજબ જે પરંપરાઓ હતી તે એ વખતે પૂરતી યોગ્ય હતી. હવે આજના યુગ પ્રમાણે એ જરૂરી ન પણ હોય. વીજળીના દીવા મળે તોય કોડિયાં-ફાનસના યુગમાં જીવવું શા માટે જરૂરી ગણાય? ઝડપી વાહનો મળતાં હોય તોય શા માટે બળગાડા કે ઊંટગાડામાં પ્રવાસ કરવા?
સંકુચિત માનસિકતા
મૂળ વાત એ છે કે જે સુખ આપણને ભોગવવા નથી મળ્યું એ સુખ બીજાઓને ભોગવતા જોઈને આપણને દિલમાં ઝીણી બળતરા થતી હોય છે. જે સુખ ભોગવવાની આપણામાં હિંમત નથી હોતી, એ સુખ બીજાઓ મોજથી માણતા હોય ત્યારે આપણને જલન થાય છે. એ બળતરા અને જલન ડગલે ને પગલે સંસ્કૃતિની ડુગડુગી વગાડવા બેસી જાય છે. તમે આવું વેસ્ટર્ન મ્યુઝિક સાંભળો છો, કારણ કે તમે ભ્રષ્ટ થઈ ગયા છો. તમે આવાં વસ્ત્રો પહેરો છો, કારણ કે તમને સંસ્કૃતિનું કોઈ જ ભાન નથી. તમે માતૃભાષા સિવાયની બીજી ભાષાની ફેવર કરો છો, કારણ કે તમને તમારી માતૃભાષા પ્રત્યે લગાવ નથી. ઇનશૉર્ટ આવા તમામ આક્ષેપોનું મૂળ કાં તો ઈષ્ર્યા છે કાં તો સંકુચિત માનસિકતા.
તો આપણું કોણ સાંભળશે?
મને ઘણી વખત એવો સવાલ થાય છે કે આપણી સંસ્કૃતિ શું એવી તકલાદી છે કે એ ખતમ થઈ જાય? આપણી સંસ્કૃતિ શું એવી કાચી-પોચી છે કે તરત અભડાઈ જાય? જો એવી જ હોય (એટલે કે તકલાદી અને કાચીપોચી) તો એને બચાવવાની શી જરૂર છે? તમે ગમેતેટલા ઉધામા કરશો તોય એ નહીં જ બચે. અને જો એ નક્કર હશે, મજબૂત હશે, તટસ્થ હશે, સર્વગુણ સંપન્ન હશે, સમર્થ હશે તો ગમેતેટલાં વાવાઝોડાં ફૂંકાશે તોય એનો વાળ પણ વાંકો નહીં થાય. માન-મર્યાદા અને વિવેક ખાનદાનીનું મહત્વ જરાય ઓછું નથી. એના ભોગે કોઈ પરિવર્તન ન સ્વીકારી શકાય. પરંતુ નાની-નાની ફાલતું બાબતોમાં આપણે જો ઉશ્કેરાઈ જઈએ તો આપણું કોણ સાંભળશે?