ખોટા પુરાવા રજૂ કરી જમીન લેવાનું કાવતરું RTI કાયદાએ ઉઘાડું પાડ્યું

ધીરજ રાંભિયા - ફાઇટ ફૉર યૉર રાઇટ | Jun 08, 2019, 11:28 IST

સિવિક સેન્ટરમાંથી કઢાવતાં અમને ઉપરોક્ત કૌભાંડ વિશે જાણવા જાણવા મળ્યું છે.

ખોટા પુરાવા રજૂ કરી જમીન લેવાનું કાવતરું RTI કાયદાએ ઉઘાડું પાડ્યું
RTI

ફાઇટ ફૉર યૉર રાઇટ

થાણે જિલ્લાના ભિવંડી નગરે રહેતા કપૂરચંદ હેમરાજ દોઢિયા અને ભાઈઓના સંયુક્ત નામે ખેતીની જમીન જામનગર જિલ્લાના વસઈ ગામમાં હતી જે ખોટા આધાર પુરાવા રજૂ કરી મામલતદાર કચેરીના બાબુઓ સાથે મિલીભગતથી ભીખાભાઈ અજમલ ખીમાણીએ પોતાના નામે હકપત્રક-૬માં નોંધ કરાવી પડાવી લેવાનું કાવતરું રચ્યું.

જમીન મહેસૂલ કાયદો-૧૯૭૨ કલમ ૧૦૮ (૧) હેઠળ તકરારી નોંધ નંબર-૨૮૩૫ નોંધ પાડવામાં આવી. ખરેખર આ નોંધ પાડતાં પહેલાં કાયદાની કલમ-૧૩૫ ડી નોંધાયેલા છેલ્લા જમીનધારકોને મુજબની નોટિસ આપવી પડે અને હિતસંબંધ ધરાવનારને રજિસ્ટર્ડ એ.ડી.થી નોટિસ મોકલાવી વાંધો હોય તો ૩૦ દિવસમાં પોતાના હક પૂરતો વાંધો અથવા તકરાર નોંધાવવી જરૂરી છે. ત્યાર બાદ જ તલાટી આવેલી અરજી પર કાર્યવાહી કરી જમીનના હક અંગેની ફેરફારની નોંધ મજકુર ગામના ગામ નમુનો નં-૬ માં કરી શકે.

નોંધ રદ કરાવવા કપૂરચંદભાઈએ આકાશપાતાળ એક કર્યાં. ભિવંડીથી જામનગરના અનેક ધક્કાઓ ખાધા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી.

અગાઉ તેમણે ભિવંડીસ્થિત હાઉસિંગ સોસાયટીના ગેરવહીવટ સમક્ષની લડતમાં તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનના થાણેસ્થિત સેવાકેન્દ્રની મદદ અને માર્ગદર્શન મેળવેલાં, જેના કારણે થાણે કેન્દ્રના નિયામક રાજેન ધરોડના મોબાઇલ પર ફોન કરી અપૉઇન્ટમેટ મેળવી ૨૦૧૭ની ૨૧ મેના કેન્દ્ર પર પહોંચ્યા.

રાજેનભાઈ તથા અન્ય સેવાભાવીઓએ ફાઇલનો અભ્યાસ કરી કપૂરચંદભાઈની વેદનાની વાત શાંતિથી સાંભળી મામલતદારશ્રી, જામનગર (ગ્રામ્ય)ને વિગતવાર ફરિયાદ-પત્ર લખવાનો તથા એની કૉપી પ્રાંત અધિકારીને તથા રજિસ્ટ્રી શાખા કલેક્ટર ઑફિસને આપવાની સલાહ આપી, જે મુજબ ૨૦૧૭ની ૨૩ મેના મામલતદારશ્રી જામનગર (ગ્રામ્ય)ને પત્ર લખી નીચેની વિગતો પર ધ્યાન દોરવામાં આવ્યું:

૧. જામનગર જિલ્લા, તાલુકાના વસઈ ગામના ખાતા નંબર-૨૯૬ના સર્વે નંબર તથા ૨૮૬માં તા.૨૬-૪-૧૭ કાચી નોંધ નંબર-૨૮૩૫ સામે વાંધા અરજી તથા એન્ટ્રી ૨દ કરવા બાબતમાં જણાવવાનું કે અમો અરજદાર સહિત અન્ય સહહિસ્સેદારી ખેતીની જમીન ધરાવીએ છીએ.

૨. ઉપરોક્ત વિગતોની અમે, સહહિસ્સેદારોને જાણ કરવામાં આવી નથી. પરંતુ અમે તાજેતરમાં ૭/૧૨, ૮-અ, ગામ નમૂના નંબર-૬, સિવિક સેન્ટરમાંથી કઢાવતાં અમને ઉપરોક્ત કૌભાંડ વિશે જાણવા જાણવા મળ્યું છે.

૩. ટ્રાન્સફર ઑફ પ્રૉપર્ટી ઍક્ટની કલમ-પર મુજબ ભીખાભાઈ અજમલ ખીમાણી દ્વારા વસઈ ગામના ખાતા નંબર-૨૯૬ માં તા. ૧૮-૦૧-૨૦૧૭ ના નોંધાયેલા દસ્તાવેજ મુજબ ગામ નમૂના નંબર-૭માં બીજા હકમાં નોંધ કરવામાં આવી.

૪. ભીખાભાઈ ખીમાણી દ્વારા જે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હોય એની પ્રમાણિક નકલ તાકીદે અમને પૂરી પાડશો.

૫. ભીખાભાઈ ખીમાણીએ જામનગરના છઠ્ઠા ઍડિશનલ સિનિયર સિવિલ જજ જામનગરની કોર્ટમાં કેસ નં-૩૯૭/૨૦૧૬ દ્વારા પોતાનો ક્લેમ દાખલ કર્યો છે. એ વગેરે બાબતથી અમો સહિત તમામ જમીનમાલિકો પર દીવાની દાવો દાખલ કરેલો, જેના પર નામદાર કોર્ટે તારણ કાઢીને ચુકાદો આપતાં જણાવેલું કે ભીખાભાઈ ખીમાણીનો સંબંધિત જમીન પર ક્લેમ નથી અને આંક-૫ની વચગાળાની અરજી નામંજૂર કરેલી.

૬. ભીખાભાઈએ કબજા માટે ખોટો આધાર ઊભો કરવાની તજવીજ માટે અરજી કરેલી છે અને આપની કચેરીએ કોઈ પણ ખરાઈ કે ચકાસણી કર્યા વગર કાચી નોંધ દાખલ કરી છે.

અમને જાણવા મળેલ છે કે આપની કચેરીના જવાબદાર વિભાગના અધિકારીઓ ભીખાભાઈ સાથે મિલીભગત રચી તેમનો કબજો છે તેવું પુરવાર કરવા મદદ કરી રહ્યા છે.

આથી તાકીદની જાણ કરવામાં આવે છે કે આપની કચેરી દ્વારા ઉપરોક્ત બાબત/વિષયમાં દાખલ કરેલી નોંધ-૨૮૩૫ને તાત્કાલિક અસરથી રદ કરશો. અન્યથા એનાથી નીપજતા પરિણામની તમામ જવાબદારી તમારી રહેશે, જેની નોંધ લેશો.

આંક-૫ હેઠળ નોંધાયેલા કોર્ટ કેસ નં-૩૯૭/૨૦૧૬ના હુકમની નકલ આપની યથાયોગ્ય કાર્યવાહી માટે જોડી છે.

૨૦૧૭ની ૩૦ મેના જિલ્લા કલેક્ટરની કચેરી મારફત મામલતદારશ્રી, જામનગર (ગ્રામ્ય)ને પત્ર પાઠવવામાં આવ્યો, જેમાં અરજદારની રજૂઆત પરત્વે જરૂરી ખરાઈ કરી નિયમાનુસાર કાર્યવાહી થવા તથા થયેલી કાર્યવાહી અંગે અરજદારશ્રીને પ્રત્યુત્તર પાઠવવાનું જણાવવામાં આવ્યું.

૨૦૧૭ની ૯ જૂનના પત્ર દ્વારા સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) તરફથી પણ મામલતદારશ્રી જામનગર (ગ્રામ્ય)ને પત્ર પાઠવવામાં આવ્યો કે અરજદારશ્રીની વાંધા-અરજી સંબંધિત નોંધના કાગળો સાથે રાખી રેકૉર્ડ ઑફ રાઇટ્સના ધોરણે, નિયમાનુસારની જરૂરી કાર્યવાહી કરશો.

મામલતદારશ્રી, જામનગર (ગ્રામ્ય) તરફથી ઉપરોક્ત પત્રનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં અરજદારશ્રીએ ૨૦૧૭ની ૧૫ જૂનના ફરી પત્ર લખી નીચેની વિગતો પર માહિતી માગી:

૧. આપે કાયદાની કઈ જોગવાઈ મુજબ ગામ નમૂના નં-૭ માં બીજી હકની નોંધ કરી છે એ જણાવશો.

૨. આપને પાઠવેલા અમારા પત્ર ૨૦૧૭ની ૨૩ મેનો જવાબ આજદિન સુધી આપવાની તસ્દી આપે કે આપની કચેરીએ લીધી નથી.

૩. કયા દસ્તાવેજના આધારે કાચી નોંધ દાખલ કરવામાં આવેલી એ દસ્તાવેજની કૉપી પણ અમે માગેલી પણ આપે આપી નથી.

૪. અમે આપની કચેરીને ૨૩-૦૫-૨૦૧૭ના પત્ર લખેલો ત્યાર બાદ આપની કચેરીએ ૦૩/૦૫/૨૦૧૭ના હેડિંગવાળી જમીન મહેસૂલ કાયદાની કલમ -૧૩૫ ડી હેઠળની નોટિસ કે જેની છપાઈ તારીખ (આપના રેકૉર્ડ મુજબ) ૧૯-૫-૨૦૧૭ના થયેલી છે એ નોટિસ ૮-૫-૨૦૧૭ના (૧૯ દિવસ બાદ) આપની કચેરીએ ખોડિયાર કૉલોની પોસ્ટ ઑફિસથી રજિસ્ટર્ડ એ.ડી.કરેલી જે અમેને ૦૯-૦૬-૨૦૧૭ના મળેલી.

ઉપરોક્ત તારીખની વિસંગતતા જોતાં આપની કચેરીના સંબંધિત અધિકારી /કર્મચારીઓની ભીખાભાઈ સાથેની સાંઠગાંઠ સ્પક્ટ જણાય છે.

૫. ભીખાભાઈએ આપની કચેરીને કઈ તારીખે અરજી કરેલી એની નોંધ ક્યાંય કરવામાં આવી નથી તો એનાં કારણો જણાવશો.

૬. ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં કાચી નોંધ તાકીદે ૨દ કરી એની લેખિત જાણ અમને અરજદારને કરશો.

ઉપરોક્ત ધારદાર અરજી મળતાં મામલતદાર, જામનગર (ગ્રામ્ય)ના બાબુઓ સફાળા જાગ્યા અને ૨૦૧૭ની ૨૪ જુલાઈના મામલતદારશ્રી, જામનગર (ગ્રામ્ય) કોર્ટની નોટિસ મોકલાવી ૨૦૧૭ની ૨૧ ઑગસ્ટના સુનાવણીમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું.

૨૦૧૭ની ૨૮ જુલાઈના પત્ર દ્વારા અરજદારે મામલદારને લેખિત રજૂઆત કરતો પત્ર લખ્યો. એના કોઈ જવાબ આપવાની તસ્દી મામલદાર કચેરીના બાબુઓએ લીધી નહીં, આથી રાજેનભાઈએ ૨૦૧૭ની ૧૫ નવેમ્બરના RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી. જેના પ્રત્યુત્તરમાં જાહેર માહિતી અધિકારીએ તેમના  ૨૬ ડિસેમ્બર, ૨૦૧૭ના પત્ર દ્વારા જણાવ્યું કે:

૧. આપની RTI અરજીના  અનુસંધાનમાં જણાવવાનું કે વસઈ ગામની નોંધ નંબર-૨૮૩૫ ને લગતી આપની અરજીની નોંધ તકરારી રજિસ્ટરે નોંધી તકરારી કેસ ચલાવવા માટે જમીન શાખાને સોંપવામાં આવી છે, જેના કેસ નંબર ૧૧/૧૭-૧૮ના તા. ૧૫-૦૬-૨૦૧૭થી તકરારી રજિસ્ટરે ચડાવી છેલ્લી સુનાવણીની તારીખ ૧૮-૦૧-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે.

૨. સદર બાબતે આપ રૂબરૂમાં આવી ફાઇલની ચકાસણી કરી રજૂ થયેલા આધારની નકલો મેળવી શકશો.

RTI કાયદા હેઠળ જાહેર માહિતી અધિકારીએ ૩૦ દિવસમાં જવાબ આપ્યો ન હોવાથી રાજેનભાઈએ ૨૦૧૮ની ૦૫ જાન્યુઆરીના RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી, જેની સુનાવણી ૨૦૧૮ની ૦૮ ફેબ્રુઆરીના પ્રાંત અધિકારીશ્રી, જામનગર (ગ્રામ્ય) સમક્ષ થઈ.

રાજેનભાઈએ આપેલા માર્ગદર્શન મુજબ અપીલ અધિકારી સમક્ષ કપૂરચંદભાઈએ જોરદાર રજૂઆત કરી. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ અપીલ અધિકારીએ લ્ોખિત ચુકાદો ૨૦૧૮ની ૧૭ ફેબ્રુઆરીના કપૂરચંદ પરિવારની તરફેણમાં આપી કાચી નોંધ ૨દ કરીને કપૂરચંદ પરિવારની ૦૮ મહિનાની યાતનાનો કર્મનિષ્ઠ રાજેનભાઈની જહેમત અને RTIની તાકાતથી સુખદ અંત આવ્યો અને ફાઇટ ફૉર યૉર રાઇટની યથાર્થતા સ્થાપિત થઈ.આ પણ વાંચો : વાહિયાત કારણો આપી મેડિક્લેમ નકારનાર વીમાકંપનીના બાબુઓ RTIના ફૂંફાડામાત્રથી ધ્રૂજી ગયા


RTI હેલ્પલાઇન

કેન્દ્રનું સરનામું : તરુણ મિત્ર મંડળ, C/o શ્રી ઋષભ અજિત ભક્તામર જિનાલય, બીજે માળે, રામ મારુતિ ક્રૉસ રોડ નં. ૧, નૌપાડા, થાણે-વેસ્ટ. કેન્દ્ર પ્રત્યેક રવિવારે સવારના ૧૧થી બપોરના ૧ દરમ્યાન કાર્યરત હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK