Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ત્રણ વર્ષની વિટંબણાનો આરટીઆઇના ફૂંફાડા માત્રથી સુખદ અંત આવ્યો

ત્રણ વર્ષની વિટંબણાનો આરટીઆઇના ફૂંફાડા માત્રથી સુખદ અંત આવ્યો

17 August, 2019 09:09 AM IST | મુંબઈ ડેસ્ક
ધીરજ રાંભિયા - ફાઇટ ફૉર યોર રાઇટ

ત્રણ વર્ષની વિટંબણાનો આરટીઆઇના ફૂંફાડા માત્રથી સુખદ અંત આવ્યો

RTI

RTI


ફાઇટ ફૉર યોર રાઇટ

વડાલા-વેસ્ટના કાત્રક રોડ પર રહેતાં રિમ્પલ અને વિપુલ નાનજી છેડાની અનુક્રમે એક વર્ષ તથા અઢી વર્ષની વિટંબણાનો આરટીઆઇના ફૂંફાડા માત્રથી આવેલા સુખદ અંતનું આ રસપ્રદ તથા ઉપયોગી કથાનક છે. 



નાણાકીય વર્ષ-૨૦૧૩-૧૪નું આવકવેરા રિટર્ન ૨૦૧૪ની ૧૦ ઑક્ટોબરે ફાઇલ કરવામાં આવ્યું જેના અન્વયે રિમ્પલબહેન ૧,૩૩,૦૩૦ રૂપિયાનું રીફન્ડ મેળવવા માટે પાત્ર થયાં. ૨૦૧૫ની ૨૩ એપ્રિલની તારીખનો ૧,૪૧,૮૩૦ રૂપિયાનો રીફન્ડનો ચેક ડિપાર્ટમેન્ટે રિ‍મ્પલબહેનના ઘરના સરનામે મોકલાવ્યો. ઘર જે બિલ્ડિંગમાં હતું એ રીડેવલપમેન્ટમાં ગયું હોવાથી ચેક વિલંબથી, ત્રણ મહિના બાદ મળ્યો અને આથી અનવૅલિડ થઈ ગયેલો જે ૨૦૧૫ની ૧૨ સપ્ટેમ્બરના સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની અંધેરી શાખામાં કુરિયર દ્વારા મોકલાવી આપવામાં આવ્યો તથા ૨૦૧૫ની ૩૦ સપ્ટેમ્બરના આવકવેરા ખાતાને રીફન્ડનો ચેક રી-ઇશ્યુ કરવાની લેખિત વિનંતી કરવામાં આવી.


કરદાતાના પત્રનો જવાબ આપવાનો શિષ્ટાચાર તો જોજનો દૂર થઈ ગયો હોવાથી પત્રનો જવાબ તો ન મોકલાવ્યો, પરંતુ વિનંતી પર કાર્યવાહી પણ ન કરી. બિલ્ડિંગ રીડેવલપમેન્ટની તથા દર અગિયાર મહિને ઘર બદલાવવાની કડાકૂટમાં રીફન્ડની વાત વિસ્મૃત થઈ ગઈ.

૨૦૧૮ના બીજા પખવાડિયામાં અચાનક આ વાત સ્મૃતિપટ પર તાજી થઈ. મિડ-ડેના નિયમિત વાચક હોવાના નાતે આ કૉલમ પણ વાંચતા હોવાથી આરટીઆઇની તાકાત તથા તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાનથી સુપરિચિત હતા. ઘરની સૌથી નજીક દાદર-વેસ્ટ સ્થિત સેવાકેન્દ્રની હેલ્પલાઇન હેઠળ પ્રસિદ્ધ થયેલા ફોન-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૮ની ૨૦ મેના કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત સેવાભાવી મેહુલ ગાલા સાથે થઈ. જોગાનુજોગ જીવનસાથી વિપુલભાઈનો પણ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪નો રીફન્ડનો ચેક આવેલો અને એ પણ બૅન્કમાં જમા કરાવતી વખતે આઉટ ઑફ ડેટ થઈ ગયો હોવાથી ૨૦૧૫ની પાંચ સપ્ટેમ્બરે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની અંધેરી શાખામાં કુરિયર મારફત મોકલી આપવામાં આવેલો એ સ્મૃતિ તાજી થઈ હોવાથી બન્ને વિટંબણાઓની રજૂઆત કરી.


મેહુલભાઈએ રીફન્ડ ચેક રી-ઇશ્યુ કરવા માટે બન્ને કરદાતાઓનાં અલગ વિનંતીપત્રો બનાવી આપ્યા, કારણ કે રિમ્પલબહેનનો ઇન્કમ-ટૅક્સ વૉર્ડ ૨૦ (૨) (૧) હતો અને વિપુલભાઈનો ૨૦ (૩)(૧) હતો. વિનંતીપત્ર એ કોઈ આરટીઆઇ કાયદા હેઠળની અરજી નહોતી, પરંતુ પત્રની બાંધણીમાં આરટીઆઇનો ફૂંફાડો પ્રતિબિબિત થતો હતો.

પત્રની ધારી અસર વિપુલભાઈના આવકવેરા અધિકારી પર થઈ. એ અરસામાં ઇન્કમ-ટૅક્સ વિભાગે વૉર્ડોની પુન:રચના કરી હોવાથી તેમની ફાઇલ, પુનર્ગઠિત વૉર્ડમાં ૨૦૧૮ની ૧ જૂને મોકલાવી દેવામાં આવી. સદ્નસીબે એ વૉર્ડના અધિકારી પણ કર્મશીલ હોવાના કારણે ૨૦૧૮ની ૭ જૂનની તારીખનો ૯૧,૯૯૦ રૂપિયાનો ચેક મોકલાવી દેવામાં આવ્યો, જે બૅન્કમાં ભરતાં રીફન્ડ માટે અરજી કર્યાના ૨૦ દિવસની અંદર રકમ જમા થઈ ગઈ.

રિમ્પલબહેનની ફાઇલ પુનર્ગઠિત થયેલા ૨૦(૩) (૧) વૉર્ડના અધિકારીએ, વૉર્ડ-નંબર ૨૦(૨)(૧)ના આવકવેરા અધિકારીને પત્ર લખીને ફાઇલ મોકલવા વિનંતી કરી અને એની પ્રત કરદાતાને પણ મોકલી.

ઘરની બેલ વાગે એટલે રિમ્પલબહેન હાથમાંનું કામ બાજુએ મૂકી દોડતાં દરવાજો ખોલે, એવું સમજીને કે રીફન્ડના ચેકની વધામણી હશે. આજકાલ કરતાં બે મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. આથી ૨૦૧૮ની ૩૦ જુલાઈએ અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર ફરીથી પહોંચ્યા. મેહુલભાઈને વિટંબણાની વાત કરી. તરત તેમણે નવા આયકર અધિકારીને ઉદ્દેશીને અરજી બનાવી આપી, જે સંબંધિત આવકવેરા અધિકારીના કાર્યાલયમાં જમા કરવામાં આવી. આશની ઘડિયાળ ફરીથી શરૂ થઈ. આજકાલ કરતાં બીજા સાત મહિનાનો સમય પસાર થઈ ગયો પરંતુ રીફન્ડના ચેકે દેખા દીધી નહીં.

માર્ચ ૨૦૧૯ના પ્રથમ અઠવાડિયામાં ફરી એક વખત અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા. દસ મિહનાના સમયમાં વિટંબણા તો યાતનામાં પરિવિર્તત થઈ ગઈ હતી. રિમ્પલબહેનના ચહેરા પર વેદના સ્પષ્ટ વર્તાતી હતી. મેહુલભાઈએ તરત ઑનલાઇન રીફન્ડ રી-ઇશ્યુની અરજી કરી આપી જેના પ્રતિસાદરૂપે ૨૦૧૯ની ૯ એપ્રિલે કરદાતાના બૅન્ક ખાતામાં ૧,૪૧,૮૩૦ રૂપિયાની રકમ જમા થઈ ગઈ. પરિવારમાં જાણે પુત્રજન્મની ખુશી છવાઈ ગઈ.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

હાઉસિંગ સોસાયટી સામેની ૧૨ વર્ષની લડતનો ત્રણ મહિનામાં લોકશાહી દિવસની યંત્રણાથી સુખદ અંત આવ્યો

ઘાટકોપર-પૂર્વમાં રહેતા સુભાષ કુંવરજી છેડાએ હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓના તુમાખીભર્યા વલણના કારણે બાર વર્ષ સુધી ભોગવેલા માનસિક સંતાપ તથા તરુણ મિત્ર મંડળના જનાધિકાર સંચાલિત સાંતાક્રુઝ સેવાકેન્દ્રના મળેલા સહાય તથા માર્ગદર્શનના કારણે ત્રણ મહિનાની અંદર આવેલા સુખદ અંતની આ કથા છે.

એપ્રિલ ૨૦૦૬ દરમ્યાન સોસાયટીએ મોકલેલા બિલમાં વૉટર-ચાર્જિસના મથાળા હેઠળ અનાપસનાપ રકમની માગણીના કારણે વિવાદ શરૂ થયો. સુભાષભાઈએ સોસાયટીને પત્ર લખી મ્યુનિસિપલ કૉર્પોશન ઑફ ગ્રેટર મુંબઈએ મોકલેલા બિલની ફોટોકૉપી આપવા તથા ફ્લૅટ મુજબ માગવામાં આવેલા વૉટર-ચાર્જિસની વિગતો માગી. સોસાયટીના સભ્યના પત્રનો જવાબ આપવાની વાત તો દૂર રહી, પત્ર મળ્યાનો ઉપલકિયો જવાબ આપવાનો વિવેક પણ દર્શાવ્યો નહીં. આ તરફ માગેલી વિગતો સોસાયટી તરફથી મળી ન હોવાથી સુભાષભાઈએ બિલની રકમ જ ભરી નહીં. સોસાયટીએ આ બાદ મોકલાવેલા બિલમાં અગાઉના બિલની રકમ તથા એના પર વ્યાજની રકમની ગણત્રીભરી એ ઉમેરીને બિલ મોકલાવ્યું. વાત જીદ પર ચડી ગઈ. સમયાંતરે સોસાયટી પણ સાંપ્રત સમયના બિલમાં આગળના બિલની રકમ તથા વ્યાજ પર વ્યાજ ચડાવી મોકલતી રહી. સુભાષભાઈ પણ પત્ર મોકલતા રહ્યા. આજકાલ કરતાં ૧૨ વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. પચાસથી વધુ પત્રો સુભાષભાઈએ લખ્યા, જેમાંના એકનો પણ જવાબ ન આપવાની ચેષ્ટા સોસાયટીએ ચાલુ રાખી.

તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાન દ્વારા યોજાતા જનજાગૃતિ કાર્યક્રમો તથા સેમિનારમાં અવારનવાર લાભ લીધો હોવાથી સેવાકેન્દ્રની જાણકારી સુભાષભાઈ ધરાવતા હતા. ડિસેમ્બર-૨૦૧૭ દરમ્યાન સોસાયટી સાથેની અંત વગરની અંતાક્ષરીનો અંત લાવવાની મહેચ્છાથી અપૉઇન્ટમેન્ટ મેળવી સાંતાક્રુઝ સેવાકેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત સેવાભાવી અજયભાઈ સાથે થઇ. અજયભાઈએ સુભાષભાઈની વિટંબણાની વાત શાંતિથી સાંભળી. લાવેલા પત્ર-વ્યવહારનો અભ્યાસ કર્યો. ૨૦૧૭ની ૧૧ સપ્ટેમ્બર તથા ૭ નવેમ્બરના હાઉસિંગ કો-ઑપરેટિવ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને સુભાષભાઈએ લખેલો ફરિયાદપત્ર તથા એના પ્રતિસાદમાં રજિસ્ટ્રારે સોસાયટીને મોકલેલા પત્ર પર સોસાયટીના પદાધિકારીઓએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હોવાની સમજ પડી. અનુભવી અજયભાઈને મહેસૂસ થયું કે સોસાયટીના પદાધિકારીઓ સાનમાં સમજશે નહીં. આથી આકરાં પગલાં ભરવાના ઉદ્દેશથી લોકશાહી દિવસની યંત્રણાનો ઉપયોગ કરવાનું નિશ્ચિત કર્યું.

૨૦૧૮ની ૧૫ જાન્યુઆરીએ સુભાષભાઈએ અજયભાઈએ બનાવી આપેલો પત્ર કલેક્ટર ઑિફસમાં સુપરત કર્યો, જેના પ્રતિસાદમાં ૨૦૧૮ ની ૫ ફેબ્રુઆરીએ બપોરના બે વાગ્યે કલેક્ટર ઑફિસમાં આયોજિત થનાર લોકશાહી દિન સંમેલનમાં આવવાનું જણાવવામાં આવ્યું. સંમેલનના નિર્ધારિત દિવસે સમયસર પહોંચ્યા જ્યાં હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને જોતાં આશ્ચર્યચકિત થયા. કારકુને નામ પોકારતાં સુભાષભાઈ ઊભા થયા. કારકુને કલેક્ટર સાહેબની ચેમ્બરમાં જવા જણાવ્યું. સાથોસાથ રજિસ્ટ્રાર પણ ચેમ્બરમાં દાખલ થયા. કલેક્ટરસાહેબે રજિસ્ટ્રારને પૂછયું કે સુભાષ છેડાની ફરિયાદ પર શી કાર્યવાહી કરવામાં આવી છે? જેના પ્રત્યુત્તરમાં રજિસ્ટ્રારે જણાવ્યું કે આપનો પત્ર ગઈ કાલે જ મળ્યો છે. આથી કલેક્ટર સાહેબે યથાયોગ્ય કાર્યવાહી કરવા ૧૫ દિવસનો સમય ડેપ્યુટી રજિસ્ટ્રારને આપ્યો તથા જો ફરિયાદનું નિરાકરણ ન થાય તો આવતા લોકશાહી દિવસે આવવાનું સુભાષભાઈને જણાવ્યું.

૨૦૧૮ની ૨૬ ફેબ્રુઆરીએ રજિસ્ટ્રારે સુભાષભાઈને તથા સોસાયટીના પદાધિકારીઓને બોલાવ્યા. સોસાયટી તરફથી કોઈ પણ હાજર ન થતાં ૨૦૧૮ની ૧ માર્ચે રજિસ્ટ્રાર જાતે સોસાયટીમાં આવ્યા. સોસાયટીના પદાધિકારીઓમાંથી માત્ર ચૅરમૅન જ હાજર હતા. તેમણે રજિસ્ટ્રારને ૧૫ દિવસનો સમય આપવા વિનંતી કરી. આ દરમ્યાન ૨૦૧૮ની ૫ માર્ચના લોકશાહી દિનના દિવસે રજિસ્ટ્રારને ઝડપી કાર્યવાહી કરવાનું કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું. રજિસ્ટ્રારે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી, સોસાયટીના પદાધિકારીઓ પર દબાણ વધાર્યું.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

૨૦૧૮ની બીજી એપ્રિલે ત્રીજો લોકશાહી દિન સુભાષભાઈ માટે સોનાના સૂરજ સાથે ઊગ્યો. કલેક્ટર સાહેબની હાજરીમાં સોસાયટીના પદાધિકારીઓએ સુભાષભાઈની માગણીઓ સ્વીકારી અને સુભાષભાઈની બાર વર્ષની યાતના તથા માનસિક સંતાપનો અજયભાઈની કર્તવ્યનિષ્ઠા તથા સતત સહાય અને માર્ગદર્શનથી સુખદ અંત આવ્યો તથા લોકશાહી દિન યંત્રણાની ઉપયોગિતા તથા યથાર્થતા પ્રસ્થાપિત થઈ.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 09:09 AM IST | મુંબઈ ડેસ્ક | ધીરજ રાંભિયા - ફાઇટ ફૉર યોર રાઇટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK