દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ ને વિદર્ભને મરાઠી સાંસ્કૃતિક સંસ્થાનવાદથી બચાવવાં જોઈએ

Published: Nov 03, 2014, 05:41 IST

એક જ ભાષા બોલનારા કરોડો માણસો હોય, લાખો પરિવારો હોય, હજારો ગામડાં હોય, પાંચ ઉપપ્રદેશ હોય, સેંકડો તાલુકાઓ હોય અને ડઝનબંધ જિલ્લાઓ હોય તો બે રાજ્ય શા માટે ન હોય? વ્યક્તિથી લઈને જિલ્લા સુધીનું બહુત્વ અસ્મિતાને નુકસાન નથી પહોંચાડતું બલકે એને પુક્ટ કરે છે તો પ્રાંતોનું બહુત્વ કઈ રીતે નુકસાનકારક નીવડી શકે?કારણ-તારણ - રમેશ ઓઝા

મહારાષ્ટ્રના નકશા પર નજર કરશો તો ખ્યાલ આવશે કે મહારાષ્ટ્ર કેવડો મોટો પ્રાંત છે અને આવડા મોટા પ્રાંતનો વહીવટ ઉત્તર પશ્ચિમના છેવાડેથી થાય છે. મુંબઈની મમતે મહારાષ્ટ્રને અને મુંબઈને એમ બન્નેને નુકસાન પહોંચાડ્યું છે અને હવે સત્તામાં આવેલી નવી સરકારે મહારાષ્ટ્રની મુંબઈ માટેની મમતથી મુંબઈને મુક્ત કરવું જોઈએ. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જે વિચારધારામાંથી આવે છે એ હિન્દુ રાષ્ટ્રવાદી છે, પરંતુ પ્રાંતવાદી નથી. આ ઉપરાંત તેઓ જે પ્રદેશમાંથી આવે છે એ વિદર્ભ પણ સંયુક્ત મહારાષ્ટ્રના કેટલાક મરાઠીઓની મમતનો શિકાર બનેલો પ્રદેશ છે. મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રનો આગ્રહ કેટલો અવ્યવહારુ છે એનો અનુભવ મુંબઈ અને વિદર્ભના લોકોને સારી પેઠે છે. કેટલાક લોકોના આક્રમક મરાઠી પ્રાંતવાદે વિદર્ભ અને મુંબઈને સંસ્થાન બનાવી દીધાં છે.

ભૌગોલિક-સાંસ્કૃતિક રીતે મહારાષ્ટ્રના પાંચ પ્રદેશો છે : વિદર્ભ, ખાનદેશ, મરાઠવાડા, કોંકણ અને બાકીનું મહારાષ્ટ્ર જેને આજકાલ પશ્ચિમ મહારાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. આમાં મુંબઈ કોંકણનો પ્રદેશ છે. આ ભૌગોલિક પ્રદેશોની સાંસ્કૃતિક અસ્મિતા વિકસતી હતી ત્યારે મુંબઈનું કોઈ અસ્તિત્વ નહોતું. મુંબઈના ટાપુઓ કરતાં મુખ્ય ભૂભાગ સાષ્ટિનું વધારે મહત્વ હતું. જ્યારે મુંબઈનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યારે વસઈ અને કલ્યાણ મહત્વનાં શહેર હતાં. બંદર તરીકે મુંબઈ કરતાં માહિમનું વધારે મહત્વ હતું અને એનાથી પણ વધારે મહત્વ કોંકણના ચૌલ બંદરનું હતું. આમ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક રાજકીય ઇતિહાસમાં મુંબઈ ક્યારેય મહારાષ્ટ્ર માટે મહત્વનો પ્રદેશ નહોતો. મુંબઈને અંગ્રેજોએ વ્યાપાર માટે વિકસાવ્યું છે અને મુંબઈના વ્યાપારિક વિકાસમાં પારસીઓ સહિત ગુજરાતીઓનો મોટો ફાળો છે. એ પછી જો મુંબઈના વિકાસમાં કોઈનો ફાળો હોય તો એ કોંકણી મુસલમાનોનો હતો.  મુંબઈ મહારાષ્ટ્ર માટે મહત્વનું શહેર ત્યારે બન્યું હતું જ્યારે મુંબઈ આર્થિક રીતે અને આર્થિક રીતે વિકસવાને કારણે રાજકીય રીતે મહત્વ પામ્યું હતું. મુંબઈ દ્વિભાષિક મુંબઈ રાજ્યની રાજધાનીનું શહેર હતું, આઝાદી પહેલાંના રાજકારણમાં વગ ધરાવતું હતું અને ગુજરાતીઓના વર્ચસવાળું શહેર હતું. ભાષાવાર પ્રાંતરચનાની વાત આવી ત્યારે મહારાષ્ટ્રના નેતાઓએ મુંબઈ શહેર પર સ્વાભાવિક દાવો કર્યો હતો. તેમનો દાવો ખોટો નહોતો, પણ અવ્યવહારુ હતો. એક તો ઝડપથી વિસ્તરતા જતા શહેરને સ્વતંત્ર વહીવટી તંત્રની જરૂર હતી. બીજું, મુંબઈને જો મહારાષ્ટ્રમાં રાખવું પણ હતું તો એને મહારાષ્ટ્રની રાજધાની બનાવવાની જરૂર નહોતી. વિદર્ભના ગોંદિયા શહેરમાં વસતા માણસને સરકારી કામકાજ માટે મુંબઈ આવવું હોય તો ૧૮ કલાકનો ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. મહારાષ્ટ્રના પ્રત્યેક છેવાડાના જિલ્લામાં વસતા લોકોએ મુંબઈ આવવું હોય તો ઓછામાં ઓછો બાર કલાકનો પ્રવાસ કરવો પડે છે. આવો અવ્યવહારુ નિર્ણય લઈને મહારાષ્ટ્રના નેતાઓએ મહારાષ્ટ્ર મુંબઈ પર લાદ્યું હતું અને મુંબઈ મહારાષ્ટ્ર પર લાદ્યું હતું. આમાં શાસકોએ ગજવાં ભયાંર્‍ છે અને લોકોએ એની કિંમત ચૂકવી છે.

આવો જ ઇતિહાસ વિદર્ભ એટલે કે વિદર્ભમાં મરાઠી ભાષા બોલાય છે એ મહારાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચેનો બાદરાયણ સંબંધ છે. એક જ ભાષા બોલનારા બે પ્રાંત શા માટે ન હોય? શું બે પ્રાંત હોવાથી અસ્મિતા મરી પરવારે છે? એક જ ભાષા બોલનારા કરોડો માણસો હોય, લાખો પરિવારો હોય, હજારો ગામડાં હોય, પાંચ ઉપપ્રદેશ હોય, સેંકડો તાલુકાઓ હોય, ડઝનબંધ જિલ્લાઓ હોય તો બે રાજ્ય શા માટે ન હોય? વ્યક્તિથી લઈને જિલ્લા સુધીનું બહુત્વ અસ્મિતાને નુકસાન નથી પહોંચાડતું બલકે અસ્મિતાને પુક્ટ કરે છે તો પ્રાંતોનું બહુત્વ કઈ રીતે નુકસાનકારક નીવડી શકે?

આ સવાલ અહીં ઉપસ્થિત કર્યો છે એનો અર્થ એવો નથી કે દેવેન્દ્ર ફડણવીસે સત્તામાં આવ્યા પછી તરત જ આ બે પ્રદેશોને મહારાષ્ટ્રનું વિભાજન કરીને મહારાષ્ટ્રથી અલગ કરી દેવા જોઈએ. આની જરૂર તો છે જ, પણ એ અત્યારે શક્ય નથી. સરકાર લઘુમતીમાં છે અને વિભાજન માટે પ્રજાને માનસિક રીતે તૈયાર કરવી પડતી હોય છે. અલગ મુંબઈ અને અલગ વિદર્ભ માટે જ્યાં સુધી વ્યાપક માગણી ઊભી ન થાય ત્યાં સુધી એ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવવાનો નથી અને એની વ્યવહારુતા કે અવ્યવહારુતાની ચકાસણી થવાની નથી. આમ અલગ મુંબઈ રાજ્ય અને અલગ વિદર્ભ રાજ્ય માટે હજી ઘણી વાર છે, પણ એ થશે જરૂર અને થવું જરૂરી છે.

આ પ્રશ્ન અહીં ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે દેવેન્દ્ર ફડણવીસની સરકારે કમસે કમ અત્યારે આ તબક્કે મરાઠી સાંસ્કૃતિક સંસ્થાનવાદને કારણે વિદર્ભ અને મુંબઈને અને મુંબઈના કારણે મહારાષ્ટ્રને જે અન્યાય થઈ રહ્યો છે એમાં થોડા સુધારા (કરેક્શન્સ) કરવા જોઈએ. એક, મહારાષ્ટ્રની રાજધાની મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જેવા કોઈક મધ્યસ્થ સ્થળે ખસેડવાની જરૂર છે. આ મહત્વાકાંક્ષી અને અઘરો પ્રસ્તાવ છે, પરંતુ એમાં મહારાષ્ટ્રનું હિત છે. બીજું, મુંબઈને વધુ વહીવટી સત્તા રાધર સ્વાયત્તતા આપવાની જરૂર છે. અત્યારે ૧૬ જેટલી સરકારી એજન્સીઓ મુંબઈનું શોષણ કરી રહી છે અને શહેરને લૂંટી રહી છે. ત્રીજું, વિદર્ભ માટે નાગપુરમાં વૈકલ્પિક સચિવાલય શરૂ કરવું જોઈએ. જો વડી અદાલતની નાગપુર બેન્ચ હોત તો વહીવટી તંત્રની નાગપુર બેન્ચ શા માટે ન હોય? અત્યંત આવશ્યક ન હોય તો વિદર્ભમાં વસતા કોઈ માણસે મુંબઈ ન આવવું પડે અને તેનાં તમામ કામ નાગપુરમાં થઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. ચોથું, જેમ કેન્દ્ર સરકાર રેલવે માટે અલાયદું મંત્રાલય અને અલગ બજેટ તૈયાર કરે છે એમ મુંબઈ માટે અલાયદું મંત્રાલય અને અલાયદું બજેટ હોવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK