Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચીફ મિનિસ્ટર ફડણવીસનું મિશન મુંબઈ

ચીફ મિનિસ્ટર ફડણવીસનું મિશન મુંબઈ

21 November, 2014 06:05 AM IST |

ચીફ મિનિસ્ટર ફડણવીસનું મિશન મુંબઈ

ચીફ મિનિસ્ટર ફડણવીસનું મિશન મુંબઈ



fadnavis



રાજ્યમાં BJPની સરકારે સત્તાનાં સૂત્રો હાથમાં લીધા બાદ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મુંબઈની વિવિધ મુશ્કેલીઓના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું લાગી રહ્યું છે. મુંબઈનાં વિકાસકાર્યો માટે ઍડિશનલ સેક્રેટરી લેવલના સ્વતંત્ર ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ની નિમણૂક કરવાના સંકેતો બાદ હવે સરકારે મુંબઈગરાઓની પબ્લિક ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓ નિવારવા વધુ બે મેટ્રો પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. દહિસર-ચારકોપ-બાંદરા-માનખુર્દ અને વડાલા-ઘાટકોપર-થાણે-કાસરવડવલી એમ બે રૂટ પર મેટ્રો પ્રોજેક્ટ વિશે ચીફ મિનિસ્ટરના વડપણ હેઠળ MMRDAની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બાંદરા-કુર્લા જંક્શને માથાના દુખાવા જેવી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ચાર ફ્લાયઓવર અને એક રોડ બાંધવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

નવા મેટ્રો પ્રોજેક્ટ્સ   

દહિસર-ચારકોપ-બાંદરા-માનખુર્દ વચ્ચેનો મેટ્રો પ્રોજેક્ટ ૪૦ કિલોમીટરનો હશે અને ૨૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ સંપૂર્ણ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-રૂટમાં ૩૬ સ્ટેશન હશે.

વડાલા-ઘાટકોપર-થાણે-કાસરવડવલી વચ્ચેનો મેટ્રો પ્રોજેક્ટ ૩૨ કિલોમીટરનો હશે અને ૧૯ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં ૨૪ સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ અને ૬ સ્ટેશન એલિવેટેડ હશે.

બન્ને મેટ્રો પ્રોજેક્ટ્સ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા છથી સાત વર્ષમાં પાર પાડવામાં આવશે. પ્રોજેક્ટ માટે અડધી રકમ ઇન્ટરનૅશનલ બૅન્કો કે ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પાસેથી લોન દ્વારા લેવામાં આવશે, જ્યારે બાકીનો અડધો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમ જ MMRDA કરશે.

બાંદરા-કુર્લા જંક્શન માટે પીક-અવર્સમાં દર કલાકે ૧૨,૦૦૦ વાહનોને કારણે ટ્રાફિકની મોટી સમસ્યા હોવાથી ચાર ફ્લાયઓવર અને એક રોડ બાંધવાની આ યોજના છે.

આમાંના બે ફ્લાયઓવર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સથી સી-લિન્ક અને સી-લિન્કથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ વચ્ચે બંધાશે. ત્રીજો ફ્લાયઓવર ધારાવીથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધીનો અને ચોથો કલાનગર જંક્શનથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની દિશામાં જશે.

ધારાવીથી સી-લિન્ક તરફના ટ્રાફિક માટે સરકારી જમીન પર ૩૦૦ મીટર લાંબો અને ૧૨ મીટર પહોળો રોડ બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૨૨૭ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના સંસદસભ્યોને ફડણવીસની અપીલ : રાજ્યના મુદ્દા કેન્દ્રમાં ઉઠાવો

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના તમામ સાંસદોને કેન્દ્રમાં મહારાષ્ટ્રના મુદ્દાઓ ઉઠાવવા અપીલ કરી છે. ફડણવીસ સહ્યાદ્રિ અતિથિગૃહ ખાતે મહારાષ્ટ્રના તમામ ૫૬ સાંસદોને ૨૪ નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલાં સંબોધી રહ્યા હતા. આ સંબોધનમાં ફડણવીસે માહિતી આપતાં જણાવ્યું હતુ કે ટૂંક સમયમાં દિલ્હી અને રાજ્ય સરકાર વચ્ચે તાલમેલ બેસાડવાનું માળખું રચી મહારાષ્ટ્રને લગતા મુદ્દાઓ ઉઠાવશે. આ બેઠકમાં શરદ પવાર, કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, હંસરાજ આહિર અને રાઉસાહેબ દાનવે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બેઠકમાં મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ, કોસ્ટલ રોડ, મરાઠી ભાષાના ઉત્થાન, બિનપરંપરાગત વીજળીના સ્રોતો, મુંબઈની ઉપનગરીય ટ્રેનસેવાઓના પ્રશ્નો, પરવડી શકે એવાં ઘરો, મરાઠવાડામાં દુકાળ અને કોલ્હાપુરને કોંકણ રેલવે સાથે જોડવા જેવા મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. આ પ્રસંગે ઇન્દુ મિલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક વિશે ઇન્દુ મિલની જમીનનું ફૉલો-અપ કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

આ પ્રસંગે કેટલાક સાંસદોએ ફરિયાદ કરી હતી કે રાજ્ય સરકારે તેમના પત્રોના જવાબ આપ્યા નથી, એથી ફડણવીસે સંબંધિત અધિકારીઓને આ વિશે નોંધ લઈ બે મહિનામાં અહેવાલ આપવા જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ઊર્જાપ્રધાન પીયૂષ ગોયલે સાંસદોને માહિતી આપી હતી કે હાલમાં મહારાષ્ટ્રને દરરોજ ૬૦૦૦ ટન કોલસાનો પુરવઠો મળે છે જે વધારી દૈનિક ૧૮,૦૦૦ ટન કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2014 06:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK