Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોનાનો કહેર

કોરોનાનો કહેર

26 January, 2020 04:29 PM IST | Mumbai Desk
rashmin shah | rashmin.shah@mid-day.com

કોરોનાનો કહેર

વુહાનમાં માત્ર આ વાઇરસના દરદી માટે જ ૧૦ દિવસમાં એક હૉસ્પિટલ તૈયાર થઈ રહી છે. ત્રીજી ફેબ્રુઆરીથી એ કાર્યરત થઈ જશે

વુહાનમાં માત્ર આ વાઇરસના દરદી માટે જ ૧૦ દિવસમાં એક હૉસ્પિટલ તૈયાર થઈ રહી છે. ત્રીજી ફેબ્રુઆરીથી એ કાર્યરત થઈ જશે


એક વાઇરસે ચીન સહિત દુનિયા આખીને ઊંચાનીચા કરી નાખ્યા છે. કોબ્રા ભયાનક અસર કરે છે, પણ કોબ્રામાંથી આવેલો કોરોના તો મહાભયાનક છે. એના ફેલાવાની કાતિલ ઝડપને કારણે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ સાબદું થઈ ગયું છે. મુંબઈ સુધી એની અસર પહોંચી ગઈ ત્યારે જાણીએ આ વાઇરસ ક્યાં પેદા થયો, કેવી રીતે વિસ્તર્યો અને એને નાથવા માટે શું-શું થઈ રહ્યું છે

એક આખા દેશમાં મેડિકલ ઇમર્જન્સી જાહેર કરવામાં આવે, દેશનાં મહત્ત્વનાં કહેવાય એવાં પાંચ શહેરોનો જગતઆખા સાથે સંપર્ક તોડી નાખવામાં આવે, સાડાપાંચ કરોડથી વધારે સંખ્યામાં નાગરિકોને નજરકેદ કરવામાં આવે અને નજરકેદ રાખવામાં આવેલા આ લોકો માટે એક લાખથી પણ વધારે મેડિકલ એક્સપર્ટને એ શહેરોમાં રાખવામાં આવે. આ કોરોના વાઇરસની તાકાત છે.
કોરોના વાઇરસ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ઝીરો અવર્સ એટલે કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના તાત્કાલિક મીટિંગ બોલાવે અને જગતના બાવીસ દેશોને આ વાઇરસ પર સંશોધન કરવાનું કામ સોંપે, સોંપાયેલા એ કામ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વીસ ટ્રિલ્યન ડૉલરનું ફન્ડ આપે અને બીજી જ ક્ષણે એ વાઇરસ પર કામ શરૂ થાય. આ છે કોરોના વાઇરસની ક્ષમતા છે.
કોઈ એક વાઇરસ માટે જગતભરમાં અત્યારે ૪૦,૦૦૦થી વધારે સાયન્ટિસ્ટ સંશોધન કરી રહ્યા છે. એકલા અમેરિકામાં ચાર મેડિકલ એક્સપર્ટ્સ કામ કરે છે અને તેમણે દાવો કર્યો છે કે ત્રણ મહિનામાં વૅક્સિનની હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જો એ વૅક્સિન અસરકારક પુરવાર થઈ તો સૌથી ઝડપથી વૅક્સિન તૈયાર કરવાનો જશ અમેરિકાના ફાળે અને એ રેકૉર્ડ કોરોના વાઇરસના ખાતામાં જમા થશે. આ કોરોના વાઇરસનો હાઉ છે. દુનિયામાં સૌથી વધુ પૉપ્યુલેશન દેશ ધરાવતા દેશ ચીનમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસે અત્યારે જગતભરના દેશોની ઊંઘ હરામ કરી દીધી છે.
ઊંઘ હરામ થવા પાછળનું કારણ પણ વાજબી છે.
ચીન એકમાત્ર એવો દેશ છે જ્યાં જગતની તમામ વેલનૉન બ્રૅન્ડના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ છે. વિશ્વભરમાં ફેલાયેલી ૨૫૦૦થી પણ વધારે બ્રૅન્ડના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ હોવાને કારણે દુનિયાના નેવુંથી વધારે દેશો ચીન સાથે સીધી રીતે સંકળાયેલા છે અને એને લીધે એ દેશોનો સ્ટાફ પણ ચીનમાં છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ચીનમાં જન્મેલો આ વાઇરસ રાતોરાત આખી દુનિયામાં ફેલાવાની શક્યતા ભારોભાર હોવાને લીધે જ આજે જગતઆખું જાગી ગયું છે અને કોરોના વાઇરસને નાથવાની કવાયતમાં લાગી ગયું છે તો ચીન પોતે એ વાઇરસ માટે સીમાડા ઊભા કરવાની તસ્દી લેવા પર આવી ગયું છે.
કોરોના વાઇરસની સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો એ છે કે એ વાઇરસ પ્લેગની જેમ વાયુવેગે ફેલાઈ રહ્યો છે. સ્પર્શ ઉપરાંત હવાને વાહન બનાવીને આગળ વધી રહેલા આ વાઇરસને નાથવા માટે ચીનના હુબેઈ પ્રાંતનાં શહેરોમાં આવવા-જવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ શહેરોમાં દાખલ થવાના કે બહાર નીકળવાના કાર, ટ્રેન, બસ અને ઍર-રૂટ સહિતના તમામ રૂટ સ્થગિત કરવા ઉપરાંત ચીનએ દેશની નવા વર્ષની ઉજવણીને પણ સ્થગિત કરી દેવાનું અત્યારના તબક્કે વિચાર્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં ૩૦થી વધારે વ્યક્તિઓનાં મોત માટે કોરોના વાઇરસ જવાબદાર માનવામાં આવે છે તો ૧૨૦૦થી વધારે લોકો વાઇરસગ્રસ્ત હોવાનું પણ જાણવા મળ્યું છે. આ આંકડા ચીનની ગવર્નમેન્ટે ઑફિશ્યલ જાહેર કર્યા છે, પણ એવું માનવામાં આવે છે કે આ આંકડાઓ હિમશિલાની ટોચ સમાન છે. કોરોના વાઇરસના કારણે આર્થિક કટોકટી ન સર્જાય અને વિદેશની તમામ કંપનીઓ રાતોરાત ચીનમાંથી પાછા પગ ન કરે એની કાળજી રાખીને આંકડા જાહેર કરવામાં આવ્યા હોય એવી શક્યતા જરા પણ નકારી શકાતી નથી.



મૂળ છે ચીનનું વુહાન
ચીનના વુહાન પ્રાંતથી આ બીમારી ફેલાવાની શરૂ થઈ. કહે છે કે બે મહિના પહેલાં એક વાઇરસને કારણે અચાનક જ આ વિસ્તારના લોકોને શરદી-ખાંસીની બીમારી શરૂ થઈ. સામાન્ય લાગતી આ બીમારીમાં શરીરમાં પેસતા વાઇરસ ગણતરીના કલાકોમાં ફેફસાં પર અસર કરતા અને શ્વસનમાં તકલીફ કરતા દેખાવાનું શરૂ થયું અને ૩૬થી ૪૮ કલાકમાં ગંભીર પરિણામ દેખાવાનું શરૂ થયું. રિસર્ચ શરૂ થયું અને રિસર્ચના અંતે બહાર આવ્યું કે જે વાઇરસ છે એ વાઇરસ પર કોઈ દવાની અસર નથી થઈ રહી અને એ રિસર્ચના કારણે જાણવા મળ્યું કે આ નવા પ્રકારનો વાઇરસ છે. કહેવાય છે કે આ વાઇરસ વિશે ચીનના હેલ્થ ડિપાર્ટમેન્ટને સૌથી પહેલી ખબર ડિસેમ્બરમાં પડી હતી, પણ દુનિયાભરના દેશો સાથે ટ્રેડિંગમાં અગ્રીમ સ્થાન પર રહેલા ચીને ઇકૉનૉમીને ધ્યાનમાં રાખીને આ વાતને જાહેર થવા દીધી નહીં અને એને લીધે વાઇરસને પગપેસારો કરવાની પૂરતી તક મળી ગઈ.
વાઇરસે વુહાન ઉપરાંત વુહાનની આજુબાજુમાં આવેલા હુઆગાંગ, એજાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિયાંગ, લીચુઆંગ જેવા વિસ્તારોને પણ પોતાના કબજામાં લઈ લીધા હોવાનું કહેવાય છે. વાત જાહેર થઈ નહીં હોવાથી ઇન્ટરનૅશનલ માર્કેટના ટ્રેડર્સની અવરજવર ચાલુ રહી અને એને લીધે કોરોના ચીનની સીમા છોડીને બહાર પણ પહોંચ્યો. ચીન પછી આ વાઇરસનો પહેલો પેશન્ટ થાઇલૅન્ડમાં અને થાઇલૅન્ડ પછી આ જ વાઇરસ હૉન્ગકૉન્ગના એક પેશન્ટમાં દેખાયો અને એ પછી વાત દુનિયાની સામે આવી. અલબત્ત, એ સમયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનને જાણકારી આપવાનું કામ ચીને જ કર્યું અને એ પછી જેકોઈ પગલાં લેવાયાં એ જાહેરમાં લેવાયાં, પણ આંકડાઓની રમત તો ચાલુ જ રહી અને વાઇરસનો ફેલાવો નથી થયો એવું ગાણું એકધારું ચાલુ રાખવામાં આવ્યું.


વાઇરસ શોધ્યો જર્મનીએ
સેંકડો દરદીઓને એક્સપરિમેન્ટ બેઝ પર જુદી-જુદી દવાઓ આપ્યા પછી પણ કોઈ હકારાત્મક પરિણામ નહીં મળતાં આખરે ચીને જર્મનીની જર્મન સેન્ટર ફૉર ઇન્ફેક્શન રિસર્ચ લૅબના સાયન્ટિસ્ટોની મદદ લીધી અને જર્મનીના આ સાયન્ટિસ્ટોએ શોધી કાઢ્યું કે આ કોરોના વાઇરસને કારણે થયેલી બીમારી છે. આ વાઇરસ દર ૩૦ સેકન્ડે એક નવા વાઇરસને જન્મ આપતો હોવાથી એની ઝડપ સાથે મૅચ થવાનું કામ કપરું છે.
આગળ કહ્યું એમ, કોરોના વાઇરસની ઝપટમાં આવનારાઓનાં પ્રાથમિક લક્ષણ ન્યુમોનિયાની બીમારી જેવાં જ છે જેમાં દરદીને સતત ખાંસી આવવાની સાથે ભયંકર તાવ આવે છે. તાવ ઊતરતો નથી અને ધીરે-ધીરે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થાય છે. કોરોના વાઇરસથી અફેક્ટેડ દરદીઓ પર કોઈ ઍન્ટિબાયોટિક અસર નહીં કરતાં એ દિશામાં તપાસ કરતાં ખબર પડી કે આ વાઇરસનો જન્મદાતા કોબ્રા છે. બર્ડ ફ્લુ અને સ્વાઇન ફ્લુ જેવા વાઇરસો પછી આ સાતમો વાઇરસ છે જે પશુ કે જાનવરમાંથી માણસમાં આવ્યો છે. એવું નથી કે આ વાઇરસ માત્ર કોબ્રામાં જ જોવા મળે છે. ઊંટ અને બિલાડીમાં પણ આ વાઇરસ જોવા મળે છે, પણ એમાં વાઇરસનું મૅચ્યોરિટી-લેવલ સૂક્ષ્મ હોવાથી એ વાઇરસની તીવ્રતા એટલી ઝડપી નથી હોતી જેટલી અત્યારે ઝડપથી એ પેશન્ટમાં ફેલાય છે. કોબ્રામાં રહેલો આ વાઇરસ વાયુવેગે શરીર પર કબજો લે છે. વાઇરસના જેનેટિક સ્ટડી પછી ખબર પડી હતી કે કોરોના વાઇરસ ઊંટ કે બિલાડીમાંથી નહીં, પણ કોબ્રામાંથી જ માણસમાં આવ્યો છે.

સાપ છે ફેવરિટ ડિશ
ચીનમાં સાપને ફેવરિટ ડિશ માનવામાં આવે છે. દિવસ દરમ્યાન આખા ચીનમાં અઢીથી ત્રણ લાખ સાપ મારીને એમાંથી વ્યંજન બનાવવામાં આવે છે. મારવામાં આવતા સાપોમાં ચાઇનીઝ કોબ્રા અને ચાઇનીઝ ક્રેટ જેવા સાપ પણ છે જે ભારોભાર ઝેરી છે. એક દિવસમાં ૫૦૦૦થી વધારે આવા ઝેરી સાપ ચાઇનીઝ લોકો જમી જાય છે. કોબ્રામાંથી બનતા સૂપ ચીનમાં અત્યંત ડિમાન્ડમાં રહે છે. કોબ્રા સૂપથી ચરબી ઓગળે છે તો સાથોસાથ એનાથી એનર્જી-લેવલ પણ હાઈ થાય છે એવું ચાઇનીઝ લોકો માને છે. ૨૦૦૨માં તો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે ચીનમાં સાપ નામે કંઈ જોવા મળતું નહોતું જેને લીધે ચાઇનીઝ ગવર્નમેન્ટે સ્નૅક-ફાર્મ ચાલુ કર્યાં અને એમાં સાપ ઉછેરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તમે કલ્પના નહીં કરી શકો પણ ચીનમાં પોલ્ટ્રી ફાર્મને કોઈ ગ્રાન્ટ કે સબસિડી આપવામાં નથી આવતી, પણ સાપ ઉછેર કેન્દ્રને આ બન્ને લાભ આપવામાં આવે છે, આનું કારણ પણ એ જ છે ફેવરિટ ડિશ.


હમણાં ફૉરેન ટૂર હોય તો શું ધ્યાન રાખવું?
કોરોના વાઇરસે જે આતંક ફેલાવ્યો છે એ પછી પણ જો ફૉરેન જવું પડે તો કેટલીક વાતની કાળજી લેવી જોઈએ. આ વાતો કઈ-કઈ છે એ જાણો...
નૉનવેજ ખાવાનું બિલકુલ ટાળો અને નાછૂટકે ખાવું પડે તો માત્ર અને માત્ર રંધાયેલું અને ગરમાગરમ હોય એવું નૉન-વેજ ફૂડ જ ખાવું.
માસ્ક અવશ્ય પહેરો.
સૅનિટાઇઝરનો એકધારો ઉપયોગ કરો. ક્યાંય પણ હાથ અડકે તો તરત જ સૅનિટાઇઝરથી હાથ સાફ કરી નાખો અને પાણીની વ્યવસ્થા હોય તો હાથ પાણીથી પણ ધોઈ લો.
તાવ, શરદી કે ખાંસી હોય એવી વ્યક્તિથી અંતર રાખો.
ઑડિટોરિયમ, થિયેટર કે પછી કોઈ પણ પ્રકારની એવી માર્કેટમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો હોય ત્યાં જવાનું ટાળો.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 04:29 PM IST | Mumbai Desk | rashmin shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK