એલ. કે. અડવાણી: ઝળહળતી કારકિર્દીનો કરાચીમાં ઉદય કરાચીમાં અસ્ત

Published: 4th October, 2020 19:05 IST | Raj Goswami | Mumbai

યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ...

એલ. કે. અડવાણી
એલ. કે. અડવાણી

ઝીણાની પ્રશંસાથી સંઘ પરિવાર નારાજ થયો હતો અને એ દિવસથી સંઘ સાથેના અડવાણીના સંબંધોમાં એક અંતર આવી ગયું હતું. બાકી રામમંદિરની મુવમેન્ટ અને બીજેપીની સત્તાયાત્રાના પ્રણેતા અડવાણીની રામજન્મભૂમિના ત્રણ-ત્રણ વિજયો (અયોધ્યામાં સુપ્રીમ કોર્ટનો ફેવરેબલ ચુકાદો, રામમંદિરના નિર્માણની શરૂઆત અને બાબરી ધ્વંસમાં તમામ આરોપીનો નિર્દોષ છુટકારો)માં આવી અવગણના ન થાત. નરેન્દ્ર મોદી આક્રમક હિન્દુત્વના ઝંડાધારી કેમ છે? એનો જવાબ અડવાણીના ઉદાહરણમાં છે. પોતાને ઉદારવાદી રાજનેતા તરીકે સ્થાપિત કરવાની અડવાણીની ભૂલ તેમના પતનનું કારણ બની અને મોદીનો ઉદય પણ એમાંથી જ થયો

સાલ ૨૦૧૩નો એક ટુચકો છે જે ત્યારે મીડિયામાં પ્રચલિત હતો. દિલ્હીમાં મંત્રીઓનાં કાર્યાલયો આવેલાં છે એ સાઉથ બ્લૉકમાં કૉન્ગ્રેસના બે તેજતર્રાર પ્રધાનો પી. ચિદમ્બરમ અને સલમાન ખુરશીદ લિફ્ટમાં નીચે ઊતરતા હતા અને તેમની વચ્ચે મજાક-મસ્તી થઈ.

મીડિયામાં ત્યારે ચિદમ્બરમ વડા પ્રધાનપદ માટે તૈયારી કરી રહ્યા છે એવી ગૉસિપ ચાલતી હતી, એનો ઇશારો કરીને ખુરશીદે ચિદમ્બરમને (જે ‘પીસી’ નામથી જાણીતા છે) ‘પીએમ’ કહ્યા. ચિદમ્બરમે સુધારીને કહ્યું, ‘પીએમ નહીં, પીસી.’ મતલબ કે વડા પ્રધાનપદની એવી કોઈ વાત અત્યારે નથી.

 

‘તો પછી’, ખુરશીદે આગળ ચલાવ્યું, ‘પીએમ-ઇન-વેઇટિંગ રાખીએ. આજે નહીં તો કાલે!’

‘આહ’ ચિદમ્બરમે હસીને કહ્યું, ‘પણ એ હોદ્દો તો એલ. કે. અડવાણીને કાયમ માટે આપવામાં આવ્યો છે.’ 

દિલ્હીની જાનમાં બીજેપીના વરિષ્ઠ નેતા અડવાણી કાયમ અણવર જ રહી ગયા અને વર ન બની શક્યા એ જોક બહુ જૂનો છે. ૩૦ સપ્ટેમ્બરે લખનઉની વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષ જૂના બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં અન્ય ૩૧ નેતાઓ-કાર્યકરો સહિત અડવાણીને અપરાધિક ષડ્‍યંત્રના આરોપમાંથી બાઇજ્જત બરી કર્યા ત્યારે ૯૨ વર્ષના આ નેતાને સધિયારો આપવા માટે તેમની દીકરીનો હાથ તેમના હાથમાં હતો. રાજકીય એકલતાનો જો કોઈ ચહેરો

હોય તો મીડિયામાં ફ્લૅશ થયેલો આ ફોટોગ્રાફ હતો.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના શિલાન્યાસ અને બાબરી મસ્જિદ ધ્વંસ કેસના ફેંસલા પછી ભારતીય રાજનીતિના (અને સંભવતઃ ઇતિહાસના) એક સૌથી પરિવર્તનકારી આંદોલનની સમાપ્તિ જાહેર થઈ છે અને વિડંબના ગણો તો આ અંદોલનના પ્રણેતા અડવાણીના અધ્યાય પર પણ પડદો પડી ગયો છે. ભારતીય રાજનીતિમાં અને બીજેપીમાં અડવાણીનો ઉદય વસંતઋતુ જેવો ધમાકેદાર હતો, પણ તેમની પાનખર તદ્દન શાંત હતી.

ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા એટલી તોતિંગ અને લોકપ્રિય થઈ ગઈ છે કે કદાચ બહુ બધા લોકોને તો એ યાદ કરાવવું પડે કે પટેલ પછી ‘લોખંડી પુરુષ’નો ખિતાબ જો કોઈને મળ્યો હોય તો એ અડવાણી હતા. ભારતની રાજનીતિમાં આજકાલ ‘ભદ્ર નેતાઓ’ અને ‘આમ નેતાઓ’ની વાતો બહુ થાય છે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે સિંધના નવયુવાન લાલ કૃષ્ણની કહાની પણ ‘ફર્શ સે અર્સ’ જેવી છે. થોડું રીકૅપ...

કરાચીથી શરૂ થયેલી કારકિર્દી

લાલ કૃષ્ણ અડવાણી કરાચી, સિંધના હિન્દુ વેપારી કૃષ્ણચંદ્ર ડી. અડવાણી અને જ્ઞાનીદેવીના પરિવારમાં પેદા થયા હતા. તેમનું સ્કૂલિંગ કરાચીમાં અને કૉલેજનું શિક્ષણ હૈદરાબાદમાં થયું હતું. ૧૪ વર્ષની વયે તેઓ કરાચીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શાખાના સભ્ય હતા. ત્યાં જ તેઓ સંઘના પ્રચારક પણ બન્યા હતા. વિભાજન બાદ તેમનો પરિવાર મુંબઈ આવીને સ્થાયી થયો હતો, જ્યાં તેઓ બૉમ્બે લૉ કૉલેજમાંથી કાયદાશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા હતા.

ભારત આવ્યા પછી તેઓ રાજસ્થાનના અલવરમાં સંઘના પ્રચારક નિમાયા હતા, જ્યાં વિભાજન પછી હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ત્યાં તેઓ ૧૯૫૨ સુધી હતા. એ દરમ્યાન સંઘના સહયોગમાં શ્યામાપ્રસાદ મુખરજીએ ભારતીય જનસંઘ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. અડવાણી એમાં જોડાઈ ગયા હતા. અડવાણીની રાજકીય કારકિર્દીમાં નિર્ણાયક મોડ આવ્યો ૧૯૫૭માં, જ્યારે જનસંઘ તરફથી તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા, જ્યાં તેમની જવાબદારી સંસદીય બાબતોને જોવાની હતી.

ત્યાંથી તેમણે ગતિ પકડી. પહેલાં તેમની બઢતી જનસંઘના દિલ્હી એકમના મહામંત્રી તરીકે થઈ. એ પછી તેઓ દિલ્હી કાઉન્સિલમાં સંઘના નેતા તરીકે રહ્યા. ૧૯૬૭માં તેમને કાઉન્સિલના ચૅરમૅન તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ આરએસએસના સાપ્તાહિક ‘ઑર્ગેનાઇઝર’ના એડિટર કે. આર. મલકાણીના મદદનીશ પણ હતા.

૧૯૭૦માં દિલ્હી તરફથી રાજ્યસભાના સભ્ય બન્યા અને ૧૯૭૩માં તેઓ જનસંઘના અધ્યક્ષ બન્યા. ૧૯૭૬થી ૧૯૮૨ સુધી તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી પછી જનસંઘ અને અન્ય વિરોધ પક્ષો જનતા પક્ષમાં વિલીન થઈ ગયા. અડવાણી અને અટલ બિહારી વાજપેયી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ૧૯૭૭માં લોકસભાની ચૂંણી લડ્યા હતા.

કટોકટી પછી જનતા પાર્ટીની સરકાર બની એમાં વાજપેયી વિદેશપ્રધાન બન્યા અને અડવાણી સૂચન અને પ્રસારણ પ્રધાન બન્યા. એમાં ડખા થયા એટલે જૂના જનસંઘીઓએ જનતા પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સ્થાપના કરી. વાજપેયી એના પહેલા અધ્યક્ષ અને અડવાણી બીજેપી તરફથી રાજ્યસભામાં ગયા. એ પછી અંગ્રેજીમાં કહે છે એમ, ધેર વોઝ નો લુકિંગ બૅક.

અડવાણી અને નરેન્દ્ર મોદી

બીજેપી માટે કહેવાય છે કે ૧૯૮૪માં રાજીવ ગાંધીની તોતિંગ જીતની સુનામીમાં બે બેઠકોમાં સમેટાઈ ગયેલી પાર્ટીના કાર્યકરોને સપનામાં પણ ખબર નહોતી કે ૧૯૯૯માં એ ૧૮૨ બેઠકો સાથે સૌથી મજબૂત પાર્ટી તરીકે ઊભરી આવશે. એનું સંપૂર્ણ શ્રેય અડવાણી અને તેમની રામમંદિર માટેની રથયાત્રાને જાય છે.

ભારતીય રાજનીતિમાં અને ખુદની કારકિર્દીમાં અડવાણીનું આ એકમાત્ર યોગદાન છે, જેણે બીજેપીને હિન્દુત્વનો ચહેરો આપ્યો અને દેશને કૉન્ગ્રેસના એકચક્રી શાસન સામે તાકતવર વિકલ્પ આપ્યો. બીજેપીની આજની વર્તમાન પેઢીના ૯૦ ટકા લોકો માને છે કે બીજેપી આજે જેકાંઈ છે એ અડવાણીની દેન છે. ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણોમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણ કરી હતી, પણ ત્યારે ખુદ અડવાણીને અંદાજ નહીં હોય કે એક દિવસ તેઓ ખુદ હાંસિયામાં ધકેલાઈ જશે.

‘માય કન્ટ્રી માય લાઇફ’ નામના પુસ્તકમાં અડવાણીએ લખ્યું છે કે ‘જે બે મોટા મુદ્દાઓ પર વાજપેયી અને મારી વચ્ચે એકમતી નહોતી એમાં પહેલો મુદ્દો અયોધ્યા હતો, જેમાં વાજપેયીએ છેવટે પક્ષની વાત માન્ય રાખી હતી. બીજો મુદ્દો હતો ગુજરાતનાં તોફાનો બદલ નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી.’

એ વખતનો એક જાણીતો કિસ્સો બીજેપીના એક વરિષ્ઠ નેતાએ બીબીસીના વિજય ત્રિવેદીને કહ્યો હતો. ૨૦૦૨માં ગોવામાં બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી રહી હતી. રાજનૈતિક વર્તુળોમાં ચર્ચા-ગૉસિપ ચાલતી હતી કે બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાનનો ફેંસલો લેવાશે.

દિલ્હીથી વડા પ્રધાન વાજપેયી, ગૃહપ્રધાન અડવાણી, વિદેશપ્રધાન જસવંત સિહ અને ઇન્ફૉર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન અરુણ શૌરી વિમાનમાં ગોવા આવતા હતા. બે કલાકના ઉડ્ડયનમાં ગુજરાતની વાત નીકળી. વાજપેયી ગંભીર ચહેરે બેઠા હતા. જસવંત સિંહે મૌન તોડીને કહ્યું, ‘અટલજી, તમે શું કહો છો?’

અટલજી બોલ્યા, ‘કમસે કમ રાજીનામું તો ઑફર કરવું જોઈએને.’

એટલે અડવાણી બોલ્યા, ‘જો નરેન્દ્રભાઈના રાજીનામાથી ગુજરાતની સ્થિતિ સુધારવાની હોય તો હું રાજીનામા માટે કહી દઈશ, પણ મને નથી લાગતું કે એનાથી સ્થિતિ સામાન્ય બનશે અને મને એ પણ વિશ્વાસ નથી કે કારોબારી રાજીનામું મંજૂર રાખશે.’

અડવાણીએ લખ્યું છે કે ‘ગોધરામાં મોટી સંખ્યામાં કારસેવકોનાં મૃત્યુ પછી ગુજરાતમાં વ્યાપક કોમી તોફાનો ફાટ્યાં એ માટે વિરોધ પક્ષોએ મોદીના રાજીનામા માટે દબાણ ઊભું કર્યું હતું. એનડીએના અમુક પક્ષો અને બીજેપીના અમુક લોકો પણ માનતા હતા કે મોદીને રાજીનામું આપવાનું કહેવું જોઈએ, પણ મારો મત ઊંધો હતો. વાજપેયી તો ગુજરાતની મુલાકાત માટે ગયા ત્યારે જાહેર મંચ પરથી મોદીને ટકોર પણ કરી હતી કે ‘તમારે રાજધર્મ નિભાવવો જોઈએ.’

સોમનાથથી અયોધ્યા રથયાત્રા

૧૮ વર્ષ પહેલાં રાજીવ ગાંધીની સુનામીમાં બીજેપીનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં ત્યારે સંઘે નરેન્દ્ર મોદીને બીજેપીને ‘લોન’ તરીકે આપ્યા હતા અને અડવાણીએ જ મોદીને ગુજરાતમાં કામ સોંપ્યું હતું. એ પછી અડવાણીની ઇચ્છાથી જ મોદીને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૯૦માં અડવાણીએ વિશ્વ હિન્દુ પરિષદના ટેકામાં સોમનાથથી અયોધ્યાની રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું અને ત્યારે એની વ્યવસ્થાની જવાબદારી મોદીને માથે હતી.

એ જાણે રામની વિજય-યાત્રા હતી. ઍર-કન્ડિશન મિની બસને ‘રથ’ની જેમ શણગારવામાં આવી હતી અને એની આગળ ત્રિશૂલ અને તલવાર સાથે અડવાણી હતા. તેમની બગલમાં નરેન્દ્ર મોદી હતા.

અડવાણી તેમના પુસ્તકમાં લખે છે, ‘યાત્રાની શરૂઆત સોમનાથથી કરવાનું એક સાંકેતિક મૂલ્ય હતું. વારંવાર સોમનાથનો ઉલ્લેખ હિન્દુઓ પર મુસ્લિમોના અત્યાચાર તરીકે થાય છે. મંદિર-ચળવળને સોમનાથ સાથે જોડીને એ વાત તરફ ધ્યાન ખેંચવું હતું કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયું હતું એમ અયોધ્યામાં પણ રામમંદિરનું નિર્માણ થવું જોઈએ.’

બીજેપીમાં આક્રમક હિન્દુત્વ આવ્યું આ રથયાત્રાથી. રથયાત્રા વિવાદાસ્પદ જ નહીં, હિંસક પણ સાબિત થઈ. એડિટર અને ડિપ્લોમેટ કે. એમ. પાનીકરના અંદાજ પ્રમાણે ૧ સપ્ટેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી કુલ ૧૬૬ કોમી તોફાનો થયાં હતાં અને એમાં ૫૬૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એકલા ઉત્તર પ્રદેશમાં જ ૨૨૪ લોકો માર્યા ગયા હતા. ૨૩ ઑક્ટોબરે વી. પી. સિંહની સરકારની સૂચનાથી બિહારમાં લાલુપ્રસાદની સરકારે અડવાણીને અગમચેતીના પગલારૂપે અટકાયતમાં લીધા, પણ ત્યાં સુધીમાં જુવાળ ફેલાઈ ચૂક્યો હતો અને ૩૦ ઑક્ટોબરે એક લાખથી વધુ કારસેવકોએ અયોધ્યામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ સુરક્ષા બળોએ તેમને રોકી રાખ્યા. એમાં વિશ્વ હિન્દુ પરિષદના ૨૦ કાર્યકરો માર્યા ગયા.

રથયાત્રા વખતે અડવાણીએ કહ્યું હતું કે ‘મેરે મુસ્લિમભાઈઓં જિસે મસ્જિદ કહતે હૈં ઉસકો ઉઠાકર કે પાંચ કિલોમીટર દૂર દેંગે. અપને પૈસે સે અચ્છી મસ્જિદ બનાકર દેંગે. લેકિન જિસ સ્થાન પે રામ કા જન્મ હુઆ થા, હિન્દુસ્તાન કા હિન્દુ ચાહતા હૈ કિ વહાં પર એક ભવ્ય મંદિર બને ઔર ઉસ મેં કિસી કો બાધા નહીં બનના ચાહિયે.’ ૨૦૧૯ની ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આવો જ ફેંસલો આપ્યો હતો કે ‘વિવાદિત જમીન સરકારની છે અને મંદિર બનાવવા માટે એ જમીન ટ્રસ્ટને આપવામાં આવે અને અયોધ્યામાં બીજા સ્થાને મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવામાં આવે.’

૧૯૯૧ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ રામમંદિર આંદોલનને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, એમાં બે બાબતો બની. અડવાણીની રથયાત્રાથી બીજેપીને ગ્રામીણ ઇલાકાઓમાં વ્યાપક સમર્થન મળ્યું, જે એ પહેલાં એક સપના સમાન જ હતું. ગામડાં પહેલેથી જ કૉન્ગ્રેસના પક્ષે હતાં અને બીજેપી શહેરી માધ્યમ વર્ગ સુધી જ સીમિત રહી ગઈ હતી.

અડવાણીની ધરપકડને પગલે બીજેપીએ વી. પી. સિહની નૅશનલ ફ્રન્ટ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને સરકાર પડી ગઈ. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકારે મુસ્લિમોને પોતાની તરફ કરવા માટે બીજેપીના કાર્યકરો અને કારસેવકો પર સખત પોલીસ-કાર્યવાહી કરી, એમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો હિન્દુ વર્ગ સમાજવાદી પાર્ટીથી વિમુખ થઈ ગયો.

એમાંય બે બાબતો બની. એક તો બીજેપીને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થયો અને કૉન્ગ્રેસ પછીના સૌથી મોટા પક્ષ તરીકે એ બહાર આવી. એનાથી ઉત્સાહમાં આવીને બીજેપી, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘનાં અન્ય સંગઠનોએ ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદની બહાર રૅલીનું આયોજન કર્યું. એમાં શું થયું એ ઇતિહાસ તો જાણીતો છે અને બીજેપીનો રથ કેવો દોડવા લાગ્યો એ પણ જાણીતું છે.

એ વખતે અડવાણી ‘હિન્દુ હૃદયસમ્રાટ’ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા અને એક આમધારણા બની ચૂકી હતી કે વાજપેયી પછી અડવાણી જ બીજેપીના કર્તાહર્તા બનશે.  વાજપેયીના વડપણ હેઠળની સરકારમાં નાયબ વડા પ્રધાન તરીકે અને પાર્ટીના અધ્યક્ષ તરીકે ૨૦૦૯માં તેમને એક તક મળી હતી, પણ એમાં બીજેપીને ૧૧૬ બેઠકો મળી અને કૉન્ગ્રેસ ૨૦૬ બેઠકો સાથે સત્તામાં આવી.

ઊતરતો ઢાળ

આ એ સમય હતો જ્યારે બીજેપી માટે રાજકીય અસ્તિત્વનો સવાલ ઊભો થયો હતો અને અડવાણીને સમજાય એ પહેલાં તેમને બાયપાસ કરીને નવી પેઢીને પ્રમોટ કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. એ વખતે જ નરેન્દ્ર મોદીને દિલ્હી લાવવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. ગુજરાતમાં ત્યારે એવા સવાલ પુછાવાનું ચાલુ થઈ ગયું હતું કે મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર બનશે. ૨૦૦૮માં દિલ્હીની પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ ગાંધીનગરમાં મોદીને સીધો જ સવાલ પૂછ્યો હતો. જવાબ એટલો સીધો નહોતો...

સ્વાતિ: અટલજી અને અડવાણીજી તમારી પાર્ટીના મહારથીઓ છે. અડવાણી હવે વડા પ્રધાનપદના દાવેદાર છે. લોકો કહે છે કે નરેન્દ્ર મોદી પણ પીએમની ખુરસીના ઉમેદવાર છે. મને સીધો જવાબ આપજો.

મોદી ઃ મારે એ સમજવું છે કે આવા સવાલ કેમ પૂછવામાં આવે છે? હું ગુજરાતનો મુખ્ય પ્રધાન છું અને આ જવાબદારી મને મારી પાર્ટીએ સોંપી છે. મારે મારી જવાબદારી પૂરી કરવાની છે અને એ જ મારી સૌથી મોટી સેવા હશે.

સ્વાતિ: દેશનું શું?

મોદી: ગુજરાતનું કલ્યાણ એ દેશનું કલ્યાણ છે. ગુજરાત માટે હું જે કરીશ એનો ફાયદો દેશને પણ મળશેને.

સ્વાતિ: પાર્ટીએ તમને ગુજરાત મોકલ્યા એ પહેલાં તમે રાષ્ટ્રીય મહામંત્રી હતા. આવતી કાલે જો પક્ષ ગુજરાત છોડીને દિલ્હી આવવાનું કહે તો તમે શું કહેશો?

મોદી: મને પૂરો વિશ્વાસ છે કે પાર્ટી મીડિયા મારફત મને કોઈ જવાબદારી નહીં સોંપે. મીડિયા મારફત જો મને કોઈ જવાબદારી સોંપવાની ના હોય તો પછી હું મીડિયા મારફત જવાબ શું કામ આપું.

ગુસપુસ હતી એવું જ થયું. ૨૦૧૩માં ગોવામાં મોદીને આવતી ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. અડવાણી આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. તેમણે કારણ એવું આપ્યું હતું કે ‘મને પેટમાં દુખતું હતું.’ બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની આ પહેલી બેઠક હતી જે અડવાણીની ગેરહાજરીમાં મળી હતી. એ દુઃખમાં જ તેમણે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દીધાં હતાં.

એ પછીનો ઘટનાક્રમ અડવાણી માટે ઊતરતો ઢાળ હતો. મોદી જંગી બહુમત સાથે વડા પ્રધાન બન્યા, એટલું જ નહીં, તેમના અડવાણીની ગાંધીનગર લોકસભાની બેઠક પણ ગઈ અને મોદીના વિશ્વાસુ અમિત શાહ એના ઉમેદવાર બન્યા. શાહ બીજેપીના અધ્યક્ષ પણ બનવાના હતા. અડવાણીની એ નિવૃત્તિ હતી. ૨૦૧૭માં રાષ્ટ્રપતિની પસંદગીની વાત આવી ત્યારે એવું માનવામાં આવતું હતું કે કાંઈ નહીં તોય અડવાણીને રાષ્ટ્રપતિનું સન્માનજનક સ્થાન તો આપવામાં આવશે. ન મળ્યું અને રામનાથ કોવિંદ પર કળશ ઢોળાયો. વડા પ્રધાન તો ના બની શક્યા, રાષ્ટ્રપતિપદ પણ ન મળ્યું.

ઝીણાની પ્રશંસાનું પાપ

આવું કેમ થયું? રાજકીય વિશ્લેષકો કહે છે કે બે કારણો છે; એક તો ૨૦૧૩માં મોદીનો વિરોધ તેમને માટે ગડગડિયું સાબિત થયો અને એ પહેલાં ૨૦૦૫માં તેમના વતન કરાચીની મુલાકાત વેળા તેમણે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રશંસા કરી એ બીજું પાપ. વાજપેયીના ઉદાહરણમાંથી ધડો લઈને અડવાણીને જ્ઞાન લાધ્યું કે વડા પ્રધાનપદે બેસવું હોય તો ઉદાર ચહેરો જોઈએ અને એના પ્રયાસરૂપે તેમણે ઝીણાની મઝાર પર ગેસ્ટ-બુકમાં લખ્યું હતું, ‘ઇતિહાસ પર અમીટ છાપ તો ઘણા છોડી જાય છે, પણ અસલમાં ઇતિહાસ બહુ ઓછા બનાવે છે. કાયદા-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા એક દુર્લભ માણસ હતા. બહુ શરૂઆતનાં વર્ષોમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં અગ્રણી સરોજિની નાયડુએ ઝીણાને હિન્દુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા.’

ઝીણાની આ પ્રશંસાથી સંઘ પરિવાર નારાજ થયો અને એ દિવસથી સંઘ સાથેના અડવાણીના સંબંધોમાં એક અંતર આવી ગયું હતું. નરેન્દ્ર મોદી આક્રમક હિન્દુત્વના ઝંડાધારી કેમ છે એ સવાલનો જવાબ અડવાણીના ઉદાહરણમાં છે. પોતાને ઉદારવાદી રાજનેતા તરીકે સ્થાપિત કરવાની અડવાણીની ભૂલ તેમના પતનનું કારણ બની અને નરેન્દ્ર મોદીનો ઉદય પણ એમાંથી જ થયો.

૨૦૧૩માં ચિદમ્બરમ અને ખુરશીદ વચ્ચે જે દિવસે લિફ્ટમાં હસી-મજાક થઈ હતી એના એકાદ-બે દિવસ પછી અડવાણીએ તેમની પહોંચથી દૂર રહેલી વડા પ્રધાનપદની ખુરસીની મહત્ત્વાકાંક્ષા જાહેર કરી હતી. નવી દિલ્હીમાં બીજેપીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં બોલતાં એ વખતે ૮૬ વર્ષના ‘લોખંડી પુરુષ’ અડવાણીએ સૂચક રીતે કહ્યું હતું, ‘હું ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે રાજનીતિમાં હજી સક્રિય છું.’ તેમને ત્યારે અણસાર પણ નહોતો કે તેમની રાજકીય કારકિર્દીનો સૂરજ એ જ કરાચીમાં આથમી ગયો હતો જ્યાંથી એનો ઉદય થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK