Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લૉકડાઉન નકામું

13 July, 2020 08:35 AM IST | Mumbai Desk
Prakash Bambhrolia

લૉકડાઉન નકામું

બધું જ બંધ કરાયા બાદ પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા હોવાથી લૉકડાઉનનો કોઈ અર્થ ન રહેતો હોવાનું તેમ જ બંધને લીધે લોકોને મુશ્કેલી થઈ રહી હોવાથી પ્રશાસનના આવા પગલા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.

બધું જ બંધ કરાયા બાદ પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા હોવાથી લૉકડાઉનનો કોઈ અર્થ ન રહેતો હોવાનું તેમ જ બંધને લીધે લોકોને મુશ્કેલી થઈ રહી હોવાથી પ્રશાસનના આવા પગલા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.


મુંબઈમાં કોરોનાનો ફેલાવો થોડો નિયંત્રણમાં આવ્યો છે, પણ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં આવેલા થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને મીરા-ભાઈંદરમાં છેલ્લા કેટલાક સમયથી વધારે કેસ આવવાની શરૂઆત થયા બાદથી અહીંની મહાનગરપાલિકાઓ દ્વારા લાંબા સમય સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. જોકે બધું જ બંધ કરાયા બાદ પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા હોવાથી લૉકડાઉનનો કોઈ અર્થ ન રહેતો હોવાનું તેમ જ બંધને લીધે લોકોને મુશ્કેલી થઈ રહી હોવાથી પ્રશાસનના આવા પગલા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.
મુંબઈમાં રવિવાર સુધી કોરોનાના કુલ ૯૧,૭૪૫ કેસ થવાની સાથે ૫,૨૪૪ લોકોનાં મૃત્યુ ઉપરાંત ૬૩ હજાર જેટલા લોકો ઠીક થવાથી રિકવરી સારી થઈ છે અને અત્યારે ૨૨,૭૮૨ લોકો સારવાર હેઠળ છે. આની સામે થાણે જિલ્લામાં ૫૯,૪૮૭ કોરોનાના કેસ નોંધાયા છે. ૧૬૦૦ લોકોનાં મૃત્યુ થવાની સાથે અત્યારે ૩૨,૦૫૯ લોકોની સારવાર ચાલી રહી છે. મુંબઈ કરતાં થાણે જિલ્લામાં ૧૦ હજાર જેટલા વધારે કોરોનાના કેસ ઍક્ટિવ છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા વાઇરસને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ એમાં અસફળતા મળી રહી હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
થાણેમાં મહાનગરપાલિકાની ઑફિસની નજીકમાં રહેતા સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને નિયંત્રણમાં લેવા માટે પ્રશાસને લૉકડાઉન લાગુ કર્યું છે, પરંતુ એનો સંપૂર્ણપણે અમલ થાય ત્યારે જ ફાયદો થાય. પહેલાં બીજી જુલાઈથી ૧૨ જુલાઈ અને હવે ૧૯ જુલાઈ સુધી બધું જ બંધ કરી દીધું હોવા છતાં અત્યારે દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે એટલે ક્યાંક તો પ્રશાસનના પ્રયાસ ઓછા પડી રહ્યા હોય એવું લાગે છે. આમ થવાથી લૉકડાઉનનો કોઈ અર્થ નથી રહેતો.’
થાણેમાં ઘોડબંદર રોડ પર આવેલી હીરાનંદાની એસ્ટેટમાં રહેતા મુકેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સતત લૉકડાઉન કરાયા બાદ પણ રિઝલ્ટ મળવું જોઈએ એ હજી સુધી મળ્યું નથી. કામકાજ બંધ થવાથી લોકો ઘરમાં બેસી રહ્યા હોવાથી ઇમ્યુનિટીમાં ઘટાડો થઈ રહ્યો છે. મારું માનવું છે કે પ્રશાસને બધું ખોલી નાખીને અવેરનેસ માટેના પ્રયાસ કરવા જોઈએ. બીજું, લોકોના મનમાંથી કોરોનાનો ડર નીકળી જશે તો પણ ફાયદો થશે.’
થાણે મહાનગરપાલિકાના પ્રવક્તા સંદીપ મલાવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટેસ્ટિંગ વધારવાને લીધે થાણેમાં વધારે કેસ સામે આવી રહ્યા છે. સ્લમમાં લગભગ નિયંત્રણ આવી ગયું છે, પરંતુ હવે ઊંચી ઇમારતોમાં આવેલા ઘરદીઠ ચારથી પાંચ કેસ નોંધાઈ રહ્યા છે. એના પર કાબૂ મેળવવા માટે અમે સર્વેલન્સ વધાર્યું છે. દરેક એરિયામાં ફીવર ક્લિનિક શરૂ કરવામાં આવ્યાં છે. આ પ્રયાસથી ટૂંક સમયમાં વાઇરસને ફેલાતો રોકવામાં સફળતા મળશે.’

મીરા-ભાઈંદર: મહિનાઓના લૉકડાઉન પછીય રિઝલ્ટ નહીં મળે



થાણેની જેમ જ મીરા-ભાઈંદરમાં પણ ૧ જુલાઈથી ૧૦ જુલાઈ અને હવે ૧૯ જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન વધારાયા બાદ પણ દરરોજ કોરોનાના સરેરાશ બસો જેટલા કેસ આવી રહ્યા છે. રવિવાર સુધીમાં અહીં ૫૪૪૯ કેસ નોંધાયા છે, જેમાં ૧૮૪ લોકોનાં મૃત્યુ થવાની સાથે ૧૨૭૯ લોકોની સારવાર ચાલી રહી છે. અહીં પાલિકા દ્વારા લૉકડાઉનમાં વધારો કરવા સામે બન્ને વિધાનસભ્યો ગીતા જૈન અને પ્રતાપ સરનાઈક, સત્તાધારી બીજેપીનાં મેયર જ્યોત્સ્ના હસનાળે સહિત લોકપ્રતિનિધિઓએ વિરોધ નોંધાવ્યો છે. આમ છતાં પ્રશાસને ૧૯ જુલાઈ સુધી લૉકડાઉન લાગુ કરતાં લોકોમાં ભારે નારાજગી છે.
મીરા રોડના શાંતિવિહારમાં રહેતા કલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સતત લૉકડાઉન કરાયા બાદ પણ કેસ વધી રહ્યા છે. જીવનજરૂરી વસ્તુઓની દુકાનો પણ બંધ કરાવાઈ હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. હોમ ડિલિવરીમાં વધારે રૂપિયા આપવા છતાં જે વસ્તુઓ જોઈએ છે એ મળતી નથી. પ્રશાસન કોરોનાના દરદીના સંપર્કમાં આવેલા લોકોને શોધીને ઝડપથી ટેસ્ટ કરશે તો જ એ કાબૂમાં આવશે. બાકી મહિનાઓ સુધી લૉકડાઉન કરાયા બાદ પણ રિઝલ્ટ નહીં આવે.’
મીરા રોડના શાંતિ પાર્કમાં રહેતા અંકુર ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાંબા સમયથી લૉકડાઉન કરાયા બાદ પણ દરરોજ બસોથી વધારે નવા કેસ આવી રહ્યા છે. પ્રશાસને બધું બંધ રાખવાનો આદેશ આપ્યો હોવા છતાં સવારના સમયે રસ્તામાં શાકભાજીથી માંડીને બધી વસ્તુઓ વેચાતી હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળતા હોવા છતાં પ્રશાસન કે પોલીસ દ્વારા કોઈ નિયંત્રણ નથી રખાતું. આવી સ્થિતિમાં લૉકડાઉનનો કોઈ અર્થ નથી. સંપૂર્ણ લૉકડાઉન નહોતું ત્યારે સ્થિતિ સારી હતી.’
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડને જ્યારે લૉકડાઉન વધારવા બાબતે સવાલ પુછાયા ત્યારે તેમણે પત્રકારોને કહ્યું હતું કે ટેસ્ટિંગ વધારવાથી કેસમાં વધારો થયો છે આથી લૉકડાઉન સાથે એનો કોઈ સંબંધ નથી. કોઈ જગ્યાએ નિયમનો ભંગ થતો હશે તો એની સામે કાર્યવાહી કરાશે.

કલ્યાણ-ડોમ્બિવલી નવાં હૉટસ્પૉટ છે


મુંબઈમાં સરેરાશ દરરોજ ૧૨૦૦ કેસ નોંધાય છે એની સામે કલ્યાણ-ડોમ્બિવલીમાં છેલ્લા કેટલાક દિવસથી ૬૦૦થી ૭૦૦ નવા કેસ નોંધાઈ રહ્યા હોવાથી આ વિસ્તાર મુંબઈ બાદ નવું હૉટસ્પૉટ બન્યું છે. અહીં ગઈ કાલે નવા ૭૭૯ મામલા સાથે કુલ ૧૪,૬૧૧ કેસ થયા હતા. કોરાના વાઇરસને ફેલાતો રોકવા માટે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ એક ઑડિયો બનાવીને લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં પ્રભાગ પ્રમાણે લક્ષણ ધરાવતા લોકોનું સર્વે કરવામાં મદદ કરવાની અપીલ કરી છે. ફીવર ક્લિનિક, પ્રભાગમાં જ આઇસોલેશન સેન્ટર વગરે ઊભા કરીને ધારાવીની પૅટર્ન પ્રમાણે કામ હાથ ધરવાની શરૂઆત કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 08:35 AM IST | Mumbai Desk | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK