Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાઘડી ભાડૂઆત સંઘટનાની માગણી...

પાઘડી ભાડૂઆત સંઘટનાની માગણી...

30 October, 2020 11:20 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

પાઘડી ભાડૂઆત સંઘટનાની માગણી...

પાઘડી ભાડૂઆત સંઘટના

પાઘડી ભાડૂઆત સંઘટના


મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં એક કાયદો પસાર કરીને મુંબઈમાં આવેલી સેસ્ડ જર્જરિત ઇમારતો રીડેવલપ કરવાની મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા)ને સત્તા આપી છે. આ સુધારાની સુવિધા ફક્ત સેસ્ડ ઇમારતો સુધી જ સીમિત ન રાખતાં એને મુંબઈ અને ઉપનગરોમાં આવેલી બધી જ ભાડાની ઇમારતોને પણ આપવામાં આવે એવી માગણી બુધવારે પાઘડી ભાડૂઆત સંઘટના દ્વારા શિવસેના ભવનમાં મુંબઈનાં ભૂતપૂર્વ મેયર ડૉ. વિશાખા રાઉત અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત સાથે મીટિંગ કરીને તથા તેમને એક આવેદનપત્ર આપીને કરવામાં આવી હતી. વિશાખા રાઉત અને સંજય રાઉતે તેઓ આ બાબતની સરકાર સમક્ષ રજૂઆત કરશે એવી હૈયાધારણ આપી હતી.

સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે મુંબઈની સેસ્ડ ઇમારતોના વિકાસ માટે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી ઍક્ટ, ૧૯૭૬માં એક મોટો સુધારો કર્યો હતો, જેમાં મ્હાડાને ૧૪,૦૦૦થી વધુ સેસ્ડ ઇમારતો પર કબજો કરીને એક વર્ષમાં રીડેવલપ કરવાની સત્તા આપી હતી.



થોડા સમય પહેલાં મુંબઈમાં એક સેસ્ડ જર્જરિત ઇમારત ધરાશાયી થવાથી એમાં ૨૦ રહેવાસીઓનાં મૃત્યુ થયાં હતાં અને આ ઇમારતના અનેક રહેવાસીઓ બેઘર થઈ ગયા હતા. ત્યાર પછી રાજ્ય સરકારે આવી ઇમારતોના પુનર્વિકાસ માટે મ્હાડાના કાયદામાં સુધારો કર્યો હતો. મુંબઈમાં સેસ કરેલાં બિલ્ડિંગો ૭૦ વર્ષ જૂનાં પણ છે.


નવા સુધારાથી આવી જૂની ઇમારતોની સુરક્ષા અને સલામતી આપવામાં આવી છે. આ કાયદામાં મકાનમાલિક અથવા મ્હાડા જો આવી ઇમારતોનો પુનર્વિકાસ કરવામાં નિષ્ફળ જાય તો એને બળજબરીથી હસ્તગત કરીને પુનર્વિકાસ કરવાની મંજૂરી આપે છે. આ સુધારામાં જર્જરિત મકાનો ખાલી કરનારા ભાડૂતોને પરિવહન ભાડું ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

મ્હાડાના નવા કાયદા પ્રમાણે એક ઇમારતને જોખમી જાહેર કર્યા પછી એ સેસ્ડ બિલ્ડિંગના માલિકોને એ ઇમારતના રીડેવલપમેન્ટને શરૂ કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવશે. મકાનમાલિક એમાં નિષ્ફળ જશે તો એ હક્ક ભાડૂતોને કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી બનાવીને આપવામાં આવશે. આમ છતાં એક ઇમારતનું રીડેવલપમેન્ટ એક વર્ષમાં શરૂ થાય નહીં તો મ્હાડા એ ઇમારત પર કબજો કરીને ત્રણ વર્ષમાં એ ઇમારતને રીડેવલપ કરશે. આ રીડેવલપમેન્ટ માટે મ્હાડા એમની પસંદગીના કોઈ પણ બિલ્ડરને નીમી શકે છે, જેનો ફાયદો પણ મ્હાડાના ભાગમાં જાય છે.


અત્યારે મુંબઈ અને ઉપનગરોમાં હજારો ઇમારતો મકાનમાલિકો અને ભાડૂતોના ઝઘડાને કારણે રીડેવલપ થતી નથી. આ પરિસ્થિતિમાં મુંબઈના સી-વન કૅટેગરીમાં આવી ગયેલા રહેવાસીઓએ એક વૉટ્‌સઍપ-ગ્રુપના માધ્યમથી એકબીજાનાં દુઃખદર્દની ચર્ચા કરતાં-કરતાં પાઘડી ભાડૂઆત સંઘટના તૈયાર કરી. બુધવારે આ સંગટનાનું એક પ્રતિનિધિમંડળ આ સંઘટનાના મુખ્ય કર્તાહર્તા ધર્મેન્દ્ર વ્યાસના નેતૃત્વ હેઠળ શિવસેના ભવનમાં મુંબઈનાં ભૂતપૂર્વ મેયર ડૉ. વિશાખા રાઉત અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતને મળવા ગયું હતું, જ્યાં તેમણે મ્હાડાના કાયદામાં કરેલા સુધારાને વધારે વિસ્તૃત કરીને મુંબઈ અને ઉપનગરોના લાખો રહેવાસીઓને મ્હાડાના નવા કાયદા ૭૯-એનો ફાયદો મળે એવી રજૂઆત કરી હતી.

આ બાબતની માહિતી આપતાં ઘાટકોપરના ધર્મેન્દ્ર વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સાથે જર્જરિત ઇમારતની સમસ્યાને સહન કરી રહેલા સંગઠનના બીજા આગેવાનો હરેશ શાહ, વિનોદ ગાલા, જિનય ગાલા, સંકેત શાહ બધા સાથે મળીને અમે ૨૦ દિવસથી અમારી માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવા સક્રિય બન્યા હતા. એમાં અમને બોરીવલી-વેસ્ટના રહેવાસી અને ડૉ. શુભા રાઉળ સાથે કાર્યરત ગુજરાતીઓનું નેતૃત્વ કરી રહેલા દિગ્વિજય સંઘવીનો સાથસહકાર મળી ગયો હતો, જેને પરિણામે અમે બુધવારે શિવસેના ભવનમાં રાજ્ય સરકારે તાજેતરમાં કરેલા મ્હાડાના કાયદાના ૭૯-એનો ફાયદો સમ્રગ મુંબઈની જર્જરિત ઇમારતોમાં વસી રહેલા રહેવાસીઓને મળે એવી માગણી ડૉ. શુભા રાઉળ, સંજય રાઉત અને સંસદસભ્ય અનિલ દેસાઈ સામે રજૂ કરવામાં સફળ રહ્યા હતા.

સંઘટનાના પ્રતિનિધિમંડળે શુભા રાઉળ, સંજય રાઉત અને અનિલ દેસાઈ સમક્ષ કરેલી રજૂઆતમાં કહ્યું હતું કે એક અંદાજ પ્રમાણે અત્યારે શહેર અને ઉપનગરોમાં આવી ૫૦,૦૦૦થી વધુ ઇમારતો એવલી છે, જેમાં ૫૦ લાખથી વધુ રહેવાસીઓ જીવના જોખમે રહે છે.

આ બાબતે વધુ માહિતી આપતાં ડૉ. વિશાખા રાઉત સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા અને ગુજરાતીઓનું નેતૃત્વ કરી રહેલા બોરીવલી-વેસ્ટના દિગ્વિજય સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જૂની ઇમારતોના માલિકોને રિપેરિંગમાં અને તેમના ભાડૂતોના પુનર્વિકાસમાં સહેજ પણ રસ હોતો નથી. તેઓ માનવતા પણ ભૂલી ગયા છે. તેમને ફક્ત તેમનો જ સ્વાર્થ દેખાય છે. પહેલાં તેઓ તેમની ઇમારતોને અત્યંત જોખમી જર્જરિત જાહેર કરાવે છે અને ત્યાર પછી મહાનગરપાલિકા પોલીસનો સાથ લઈને એ ઇમારતોનાં લાઇટ-પાણી કપાવીને રહેવાસીઓને રસ્તા પર લઈ આવે છે. આવા સંજોગોમાં જ્યારે રાજ્ય સરકારે મ્હાડાના કાયદામાં સુધારો કરીને સેસ્ડ ઇમારતોના પુનર્વિકાસ માટેની યોજના ઘડવામાં પહેલ કરી છે ત્યારે આ કાયદામાં હજી થોડા વધારે સુધારા કરીને આ ફાયદો મુંબઈની બધી જૂની ઇમારતોના રહેવાસીઓને મળે એવી યોજના બનાવવાની જરૂર છે. અત્યારે મધ્યમ વર્ગના ટૅક્સ ભરનારાઓ રસ્તા પર આવી જાય છે, જ્યારે એના ટૅક્સમાંથી સ્લમ વિસ્તારો માટે મોટી ઇમારતો વિકસી રહી છે, જે મધ્યમ વર્ગના મુંબઈગરાઓ સાથે અન્યાય છે. આજે મુંબઈમાં ૧૫થી ૨૦ વર્ષ પહેલાં જર્જરિત ઇમારતમાંથી બેઘર બની ગયેલા રહેવાસીઓનું પુનર્વસન થતું નથી, જે અત્યંત દુખજનક છે. સરકારે આના માટે વહેલી તકે મ્હાડા અને મહાનગરપાલિકાના કાયદામાં સુધારા કરીને જૂની ઇમારતોના ભાડૂતો અને જૂની સોસાયટીઓના ઓનરોને ન્યાય આપવાની જરૂર છે.

ભાડૂઆત સંઘટનાની વ્યથા શુભા રાઉત, સંજય રાઉત અને અનિલ દેસાઈએ શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળી હતી. ત્યાર બાદ સંઘટનાના પ્રતિનિધિમંડળને શિવસેનાના નેતાઓએ આશ્વાસન આપ્યું હતું. આવતા મંગળવારે આ માગણીના સંદર્ભમાં ફરીથી શિવસેનાના નેતાઓ સાથે શિવસેના ભવનમાં મીટિંગ આયોજિત કરવામાં આવશે. શક્ય બનશે તો મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચાવિચારણા કરવા માટે પણ સંગટનાના પ્રતિનિધિમંડળ સાથે મીટિંગ કરવામાં આવશે.

મ્હાડા અને મહાનગરપાલિકાના કાયદામાં શું ફરક છે?

મ્હાડા અને મહાનગરપાલિકાના કાયદા વચ્ચે રહેલા ફરક સમજાવતાં દિગ્વિજય સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મ્હાડાના કાયદામાં જો કોઈ ઇમારતને અત્યંત જોખમી જાહેર કરવામાં આવે તો ઇમારતને મ્હાડા રિપેર કરાવી આપે છે, જ્યારે મહાનગરપાલિકા આવી ઇમારતોને ખાલી કરાવી રહેવાસીઓને બેઘર બનાવી દે છે. જે ઇમારતો ત્યાર પછી વર્ષોનાં વર્ષો રીડેવલપ થયા વગર જ પડી રહે છે. મુંબઈ અને ઉપનગરોમાં આવી સેંકડો ઇમારતો છે  જે ખાલી થયા પછી વર્ષો પછી પણ ઊભી થઈ નથી.

મ્હાડા અને મ સેસ ઇમારત એટલે શું?મહાનગરપાલિકાના કાયદામાં શું ફરક છે?

સેસ્ડ બિલ્ડિંગ એ છે કે જે સેસ અથવા ટૅક્સ ચૂકવે છે, જે ખરેખર રિપેર ફન્ડ છે. આ ઇમારતો ખાનગી મકાનમાલિકોની માલિકીની છે અને બૉમ્બે રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ દ્વારા નિયંત્રિત છે. એ મુખ્યત્વે દક્ષિણ મુંબઈ અને મધ્ય મુંબઈમાં આવેલી છે, જે સ્વતંત્રતા પૂર્વેના યુગની છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2020 11:20 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK