નવી મુંબઈમાં ઑટોરિક્ષાનાં ભાડાં ઘટાડવાની માગણી

Published: 8th October, 2011 16:27 IST

તાજેતરમાં મુંબઈના રિક્ષાચાલકોએ ભાડાં વધારવા માટે હડતાળ પાડી હતી, પણ નવી મુંબઈમાં તો ઘણા વખતથી તેઓ પહેલા ૧.૬ કિલોમીટરના ૧૪ રૂપિયા અને પછીના દરેક કિલોમીટરના નવ રૂપિયા વસૂલ કરે છે. પ્રવાસીઓ દ્વારા વારંવાર કરવામાં આવતી આ પ્રકારની ફરિયાદને પગલે હવે નવી મુંબઈ ખાતે આવેલી ડેપ્યુટી રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસે આખરે એમએમઆરટીએને કાગળ લખીને નવી મુંબઈમાં રિક્ષાનાં ભાડાં ઘટાડવાની માગણી કરી છે.

 

- સૌરભ કાટકુરવાર

નવી મુંબઈ, તા. ૮

૮૫ ટકા રિક્ષા ગૅસ પર દોડતી હોવા છતાં પેટ્રોલના આધારે નક્કી થયેલું જૂનું ભાડું જ વસૂલવામાં આવતું હોવાનો દાવો


હાલમાં નવી મુંબઈમાં એમએમઆરટીએની માર્ગદર્શિકા પ્રમાણે જ ભાડું લેવામાં આવે છે. હકીકતમાં નવી મુંબઈમાં રિક્ષાનું ભાડું પેટ્રોલના ભાવને ધ્યાનમાં રાખીને જ્યારે મુંબઈમાં રિક્ષાનું ભાડું સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ)ના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આ કારણે જ મુંબઈનું રિક્ષાનું ભાડું નવી મુંબઈની સરખામણીમાં ઓછું છે.

આ મુદ્દે વાત કરતાં વાશી ખાતેની આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ)ના ડેપ્યુટી રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસર સંજય રાઉતે કહ્યું હતું કે ‘થોડાં વર્ષો પહેલાં ભાગ્યે જ નવી મુંબઈમાં કોઈ રિક્ષા સીએનજી પર ચાલતી હતી એટલે ત્યારે એમએમઆરટીએએ પેટ્રોલના દર પ્રમાણે રિક્ષાનાં ભાડાં નક્કી કયાર઼્ હતાં.  જોકે અમારા અભ્યાસ પ્રમાણે ૮૫ ટકા રિક્ષાઓમાં સીએનજી કિટ હોવા છતાં તેઓ પેટ્રોલના બળતણના પૈસા વસૂલ કરે છે. આ કારણે જ અમે એમએમઆરટીએને કાગળ લખીને નવી મુંબઈમાં સીએનજીના દર પ્રમાણે રિક્ષાનાં ભાડાંના દર કરવા જણાવ્યું છે.’

એક નવેમ્બરથી નવા દર

વાશીના ડેપ્યુટી આરટીઓ ઑફિસર સંજય રાઉતે બધા રિક્ષાડ્રાઇવરોને ૩૧ ઑક્ટોબર સુધીમાં તેમની રિક્ષામાં સીએનજી કિટ ફિટ કરી દેવા જણાવ્યું છે, કારણ કે એમએમઆરટીએ એક નવેમ્બરથી નવા દર લાગુ કરવાની વિચારણા કરી રહી છે. જે રિક્ષાચાલકો આ કિટ નહીં  બેસાડે તેમના નફામાં ઘટાડો જ થશે, કારણ કે તેમની રિક્ષા પેટ્રોલ પર ચાલતી હોવા છતાં તેમને સીએનજી રિક્ષાનું જ ભાડું મળશે. આ મુદ્દે વાત કરતાં છત્રપતિ શિવાજી મહારાજ ઑટોરિક્ષા યુનિયનના સેક્રેટરી મધુકર પાટીલે કહ્યું હતું કે ‘અમને આ બદલાવથી કોઈ વાંધો નથી, પણ એટલી જ ચિંતા છે કે સીએનજીનો પુરવઠો સહેલાઈથી મળવો જોઈએ. નવી મુંબઈમાં માત્ર છ સીએનજી સ્ટેશનો હોવા છતાં અને અમે સીએનજી કિટ બેસાડી હોવા છતાં ઘણી વાર પેટ્રોલ ભરાવવું પડે છે. અમે મીટિંગમાં આરટીઓ ઑફિસર સામે પણ આ મુદ્દો ઉપાડ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK