દિલ્હીમાં રેકૉર્ડબ્રેક ઠંડીઃ લઘુતમ તાપમાન 4.2 નોંધાયું

Published: Dec 28, 2019, 08:38 IST | New Delhi

ડિસેમ્બર મહિનામાં આવી ઠંડી અગાઉ ૧૯૦૧માં પડી હતી

દિલ્હીમાં રેકૉર્ડબ્રેક ઠંડીઃ
દિલ્હીમાં રેકૉર્ડબ્રેક ઠંડીઃ

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી આજે પણ યથાવત્ રહી છે. દિલ્હીમાં આજે સવારે લઘુતમ તાપમાન ૪.૨ નોંધાયું છે જે સીઝનનું સૌથી ઓછું તાપમાન છે. ૧૧૮ વર્ષ બાદ ઠંડીનો નવો રેકૉર્ડ બની શકે છે. ડિસેમ્બર મહિનામાં આવી ઠંડી આ અગાઉ ૧૯૦૧માં પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડી હજી પણ વધશે.

દિલ્હીમાં સતત ૧૪મા દિવસે કડકડતી ઠંડી પડી રહી છે અને આ અગાઉ ૧૯૯૭માં આવું થયું હતું જ્યારે સતત ૧૭ દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું ૧૯૨૯, ૧૯૬૧ અને ૧૯૯૭માં નોંધાયું હતું.

હવામાન વિભાગના અનુસાર આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધવાની શક્યતા છે. લડાખનું દ્રાસ માઈનસ ૩૦.૨ ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડું સ્થળ બની રહ્યું હતું. જ્યારે રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીનો સકંજો વધતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ૧ ડિગ્રી સે. નોંધાયું હતું. કાશ્મીરમાં ચિલાઈ કલાનનો તબક્કો શરૂ થઈ ગયો હોવાથી હાડ થીજાવતી ઠંડીએ માઝા મૂકી છે.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ બરફ વર્ષા થવાની આગાહી પણ કરી છે. શિમલા અને મનિલામાં તાપમાન ૨ ડિગ્રી સે. સુધી પહોંચ્યું હતું. એ જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર શીતલહર અને ધુમ્મસનો અનુભવ લોકો કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK