દિલ્હી ચૂંટણી માટે કૉન્ગ્રેસનો મેનિફેસ્ટો જાહેર: પાણી ફ્રી મળશે ને બચત પર કૅશબૅક

Published: Feb 03, 2020, 11:56 IST | New Delhi

ઇન્દિરા કૅન્ટીન ખોલવાની અને ઝૂંપડપટ્ટી હટાવવાની જાહેરાત કરી: લાડલી યોજના સંપૂર્ણ રીતે લાગુ કરવા અને સરકારી: સ્કૂલ-કૉલેજમાં વિદ્યાર્થિનીઓને નર્સરીથી પીએચડી સુધી મફત શિક્ષણ આપવાનો વાયદો: ૩૦૦ યુનિટ મફત વીજળીનું વચન અને ૭૫૦૦ સુધી બેકારી ભથ્થું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કૉન્ગ્રેસે દિલ્હી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રવિવારે કૉન્ગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતાં દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો ૩૦૦ યુનિટ વીજળી મફત આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત આપવામાં આવશે તેમ જ ૨૦,૦૦૦ લિટરથી ઓછા પાણીના વપરાશ પર પ્રતિ લિટરે ૩૦ પૈસા કૅશબૅક આપવાનું વચન પણ કૉન્ગ્રેસે આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં કૉન્ગ્રેસે જણાવ્યું છે કે દિલ્હીમાં તે સત્તામાં આવે છે તો નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અને નૅશનલ રજિસ્ટર ફૉર સિટિઝન્સ (એનઆરસી) લાગુ નહીં કરવામાં આવે.

દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરા, અજય માકન અને આનંદ શર્માએ કૉન્ગ્રેસનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. આ ઢંઢેરામાં ટ્રાન્જેન્ડર્સને શિલા પેન્શન યોજના હેઠળ મહિને ૫૦૦૦ રૂપિયા ભથ્થું આપવાનું વચન અપાયું છે. કૉન્ગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ‘આવી હશે આપણી દિલ્હી’ ટૅગલાઇન સાથે રજૂ કરી છે. કૉન્ગ્રેસના મેનિફેસ્ટોમાં કર્ણાટકની ઇન્દિરા કૅન્ટીનની માફક ૧૦૦ ઇન્દિરા કૅન્ટીન શરૂ કરવાનું પણ વચન છે. કૉન્ગ્રેસે દિલ્હીની પ્રજાને વચન આપ્યું છે કે જે લોકોની નોકરી ગઈ છે તેમને સત્તામાં આવ્યા બાદ ૫૦૦૦ રૂપિયા સુધી છટણી વળતર અપાશે.

કૉન્ગ્રેસે મેનિફેસ્ટોમાં મફત વીજળી, યુવા, શિક્ષણ તેમ જ બેરોજગારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કૉન્ગ્રેસે કહ્યું કે જો તે સત્તામાં આવે છે તો દિલ્હીમાં ૩૦૦ યુનિટ મફત વીજળી અપાશે તેમ જ ૩૦૦-૫૦૦ યુનિટ પર ૫૦ ટકા, ૪૦૦-૫૦૦ યુનિટ વપરાશ પર ૩૦ ટકા અને ૫૦૦-૬૦૦ યુનિટ વપરાશ પર પચીસ ટકા છૂટ અપાશે.

દરમિયાન યુવાઓને લઈને યુવા સ્વાભિમાન યોજના લાગુ કરવાનું વચન કૉન્ગ્રેસે ઢંઢેરામાં આપ્યું છે. કૉન્ગ્રેસે ગ્રેજ્યુએટ યુવાનોને ૫૦૦૦ તેમ જ પોસ્ટ ગ્રેજ્યુએટને ૭૦૦૦નું બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો કર્યો છે.

બીપીએલ પરિવારના એક સભ્યને સ્ટાર્ટઅપ માટે ૨૫ લાખ રૂપિયાનું ફન્ડ આપવાનું વચન અપાયું છે. આ ઉપરાંત દિલ્હીની સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ હોવાથી કૉન્ગ્રેસે જણાવ્યું છે કે તે સત્તામાં આવશે તો કુલ બજેટના ૨૫ ટકા રકમ પ્રદૂષણ નિયંત્રણ પાછળ ખર્ચ કરશે તેમજ લોકપાલ બિલ લાવવા અને રિસર્ચ ફન્ડ સ્થાપવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK