દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે રાત્રે ચાલુ બસમાં ૨૩ વર્ષની યુવતી પર ગૅન્ગ-રેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સામાન્યપણે ગણતંત્ર દિવસ કે સ્વતંત્રતા દિવસે જ આટલી મોટી સંખ્યામાં લોકો ઊમટતા હોય છે ત્યારે ગઈ કાલે આક્રોશથી ઊકળતાં હજારો યુવક-યુવતીઓ ચોટદાર મેસેજ સાથેનાં બૅનર્સ દર્શાવતાં અને નારેબાજી કરતાં રાયસીના હિલ વિસ્તારમાં રાષ્ટ્રપતિભવનની બહાર અને વિજય ચોક ખાતે ધસી આવ્યાં હતાં. શુક્રવારે જ ફેસબુક-ટ્વિટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા મેસેજ ફરતાં યુવાનોનાં જૂથો ઉમટી પડ્યા હતા.
ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીને ન્યાય અને મહિલાઓની સુરક્ષા માટે માત્ર પ્રૉમિસ નહીં પણ નક્કર પગલાંની ડિમાન્ડ કરતા ઉગ્ર યુવાનોએ જોરદાર સૂત્રોચ્ચારો સાથે પોલીસે ઊભાં કરેલાં બૅરિકેડ્સ તોડીને રાષ્ટ્રપતિભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ તેમના પર તૂટી પડી હતી.
પોલીસના જવાનોએ લાઠીચાર્જ તથા પાણીનો મારો કરીને ઉગ્ર યુવાનોને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુસ્સે થયેલા યુવાનોએ વળતા જવાબમાં પોલીસ પર પથ્થરમારો કરતાં વાત વણસી હતી. યુવાનો અને પોલીસ વચ્ચેની અથડામણમાં સંખ્યાબંધ યુવક-યુવતીઓ અને પોલીસના કેટલાક જવાનો ઘાયલ થયાં હતાં. ગુસ્સે થયેલા યુવાનોએ કેટલાંક પોલીસ-વાહનોમાં પણ તોડફોડ કરી હતી. રાજકીય પાર્ટીઓ સહિત દેશની જાણીતી હસ્તીઓ અને પ્રતિષ્ઠિત સંગઠનોએ પોલીસ-કાર્યવાહીની ટીકા કરી હતી, જ્યારે બીજેપીએ આ મુદ્દે વડા પ્રધાન મનમોહન સિંહ તથા કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મૌન તૌડવાની અપીલ કરી હતી તથા મહિલાઓની સુરક્ષાના મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી.
વિજય ચોક તહરીર સ્ક્વેર બન્યો
માત્ર રાયસીના હિલ (જ્યાં રાષ્ટ્રપતિભવન આવેલું છે) જ નહીં, વિજય ચોક ખાતે પણ ગઈ કાલે સવારથી જ હજારોની સંખ્યામાં યુવાનો ઊમટ્યાં હતા. કાલે વિજય ચોકના દૃશ્યે ગયા વર્ષે ઇજિપ્તમાં થયેલી ક્રાન્તિના કેન્દ્ર એવા કૈરો શહેરના તહરીર સ્ક્વેરની યાદ અપાવી દીધી હતી. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધીનો વિસ્તાર હાઈ-સિક્યૉરિટી ઝોન છે જ્યાં પોલીસ કે સુરક્ષા દળોની મરજી વિના કશું જ શક્ય નથી, પણ કાલે આટલી અધધધ સંખ્યામાં યુવક-યુવતીઓ ઊમટતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થિતિ કાબૂની બહાર જશે એવી શંકાથી ચિંતિત પોલીસે યુવાનો પર લાઠીઓ વીંઝી હતી અને પાણીનો મારો કર્યો હતો. પોલીસે સંખ્યાબંધ યુવક-યુવતીઓની અટકાયત પણ કરી હતી. ભીડને વિખેરવા માટે ટિયરગૅસના સંખ્યાબંધ શેલ ફાયર કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન આર. પી. એન. સિંહે પોલીસકાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું હતું કે ભીડ બૅરિકેડ્સ તોડીને રાષ્ટ્રપતિભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરતી હતી એટલે પોલીસ પાસે અન્ય વિકલ્પ બચ્યો નહોતો.
મોડી સાંજે પણ યુવા-આક્રોશ ભડક્યો
દિલ્હીમાં માત્ર ગઈ કાલે સવારે જ નહીં, મોડી સાંજે પણ સંસદના વીવીઆઇપી ગેટની બહાર હજારો સ્ટુડન્ટ્સ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. ગૅન્ગ-રેપના વિરોધમાં બૅનર્સ સાથે દેખાવો કરી રહેલા યુવાનોને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો જેમાં કેટલાક યુવાનોએ પથ્થરમારો કરતાં પોલીસ વધુ કડક થઈ હતી.
સરકાર હલી ગઈ
ગૅન્ગ-રેપની ઘટના સામે આટલી હદે આક્રોશ ફાટી નીકળતાં સરકાર પણ હચમચી ગઈ હતી. કાલે વડા પ્રધાન મનમોહન સિંહે ફરી ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે સાથે ફોન પર વાત કરીને દિલ્હીમાં મહિલાઓની સેફ્ટી માટેનાં જુદાં-જુદાં પગલાં વિશે ચર્ચા કરી હતી. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પણ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સાથે વાત કરી હતી.
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 ISTદિલ્હીમાં બીજા દિવસે સાવ ઓછા લોકો વૅક્સિન લેવા માટે પહોંચ્યા
20th January, 2021 13:39 IST૨૦ મહિનાની બાળકી ભારતની સૌથી નાની ઑર્ગન ડોનર બની
17th January, 2021 08:57 ISTખેડૂતો સાથે સરકારનો મંત્રણાનો નવમો રાઉન્ડ નિષ્ફળ, 19મીએ ફરી મીટિંગ છે
16th January, 2021 12:52 IST