ગૅન્ગ-રેપ પીડિત યુવતીની હાલત સુધરી

Published: 23rd December, 2012 04:42 IST

ગઈ કાલે તેણે હિંમતપૂર્વક મૅજિસ્ટ્રેટ સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું : બળાત્કારીઓ પકડાઈ ગયાનું જાણીને આંખમાં આંસુ આવ્યાંદિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે બર્બર ગૅન્ગ-રેપ બાદ ચાલુ બસમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી યુવતીની હાલતમાં ગઈ કાલે સુધારો થયો હતો. તેને જ્યાં સારવાર આપવામાં આવી રહી છે એ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલના ડૉક્ટરોએ કાલે યુવતીની તબિયત વિશે માહિતી આપી હતી. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ‘યુવતીની હાલતમાં સુધારો થયો છે અને તેણે જૂસ લેવાનું શરૂ કર્યું છે. જોકે હજી પણ તેના શરીરમાં ઇન્ફેકશન છે.’

પીડિત યુવતીને આઘાતમાંથી બહાર લાવવામાં મદદ કરી રહેલી મનોચિકિત્સકે જણાવ્યું હતું કે તે અત્યંત બહાદુર છે અને બહુ ઝડપથી આઘાતમાંથી બહાર આવી રહી છે. હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ બી. ડી. અથાણીએ કહ્યું હતું કે ઇન્ફેક્શનને કારણે તેના લિવરને નુકસાન થવાની શક્યતા છે, પણ તેને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે અને અન્ય જાણીતા ડૉક્ટરોની મદદ પણ લેવાઈ રહી છે. આ તરફ યુવતીએ કાલે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ સમક્ષ હિંમતપૂર્વક નિવેદન આપીને તેના પર થયેલા બળાત્કારની વિગતો આપી હતી એટલું જ નહીં, બળાત્કારીઓને કડક સજા કરવાની પણ અપીલ કરી હતી. યુવતીને જ્યારે કહેવામાં આવ્યું કે તમામ બળાત્કારીઓ પકડાઈ ગયા છે ત્યારે તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK