દિલ્હી ગૅન્ગ-રેપ : યુવતીને સિંગાપોર લઈ જવાઈ

Published: 27th December, 2012 03:56 IST

પોલીસ જવાન તોમરનું મોત ઈજાને કારણે થયું હોવાનો પોલીસનો દાવો જ્યારે નજરે જોનારાઓનું કહેવું છે કે તેઓ જાતે જ પડી ગયા હતાદિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે પાશવી ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીની હાલત હજી પણ નાજુક છે. મંગળવારે રાત્રે તેના હૃદયના ધબકારા ઘટી જતાં ડૉક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. સદ્ભાગ્યે સમયસર પ્રયાસો થતાં પલ્સરેટ ફરી પૂર્વવત્ કરી શકાયા હતા. આ તરફ રવિવારે થયેલા હિંસક આંદોલનમાં ઘાયલ થયા બાદ જીવ ગુમાવનાર પોલીસ-કૉન્સ્ટેબલ સુભાષ તોમરનો મોતનો વિવાદ વકર્યો છે. ગઈ કાલે યુવતીને સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેનમાં સિંગાપોર ખસેડવામાં આવી હતી.

કૉન્સ્ટેબલનું મોતનું કારણ શું?

દિલ્હી પોલીસ એવો દાવો કરી રહી છે કે આંદોલનકારીઓએ પહોંચાડેલી ઈજાને કારણે તોમરનું મોત થયું છે, જ્યારે યોગેન્દ્ર નામના નજરે જોનાર આંદોલનકારીએ એવો દાવો કર્યો હતો કે કૉન્સ્ટેબલ તોમર જાતે જ પડી ગયા હતા. આ તરફ કાલે આવેલા પોસ્ટમૉર્ટમ રર્પિોટમાં તોમરનું મોત ઈજાઓને કારણે થયું હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. પાઉલિન નામની અન્ય એક આંદોલનકારી મહિલાએ પણ એવો દાવો કર્યો હતો કે કૉન્સ્ટેબલ તોમરની આસપાસ કોઈ ભીડ હતી જ નહીં એટલે તેમને ઈજા પહોંચાડવામાં આવી હોવાનો સવાલ જ પેદા થતો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તોમરની તબિયત લથડી ત્યારે કેટલાક આંદોલનકારીઓએ તેમની મદદે આવ્યા હતા. તેમની મદદ કરનારાઓમાં યોગેન્દ્ર નામનો સ્ટુડન્ટ પણ સામેલ હતો. યોગેન્દ્રએ કહ્યું હતું કે આંદોલનકારીઓ પાછળ દોડતી વખતે કૉન્સ્ટેબલ તોમર અચાનક પડી ગયા હતા. અગાઉ મંગળવારે દિલ્હીના પોલીસ-કમિશનર નીરજકુમારે એવો દાવો કર્યો હતો કે આંદોલનકારીઓએ તોમર પર હુમલો કર્યો હતો.  

યુવતીની હાલત હજી ચિંતાજનક

૧૬ ડિસેમ્બરે પાશવી ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતી હજી પણ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. મંગળવારે તેની તબિયતમાં થોડો સુધાર આવ્યો હતો, પણ રાત્રે તેના પલ્સરેટ ઘટી જતાં થોડી વાર ટેન્શન સરજાયું હતું. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે કાલે તેની હાલત ગંભીર પણ સ્થિર હતી. તેને મોડી સાંજે સિંગાપોર ખસેડવામાં આવી હતી.

ગૅન્ગ-રેપની તપાસ માટે કમિશન નિમાયું

વડા પ્રધાન મનમોહન સિંહના વડપણ હેઠળ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં દિલ્હી ગૅન્ગ-રેપ કેસની તપાસ માટે દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજના વડપણ હેઠળનું એક સભ્યનું કમિશન નીમવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો. આ કમિશનનાં વડાં તરીકે ભૂતપૂર્વ જજ ઉષા મેહરાની નિમણૂક કરવામાં આવી છે. આ કમિશન ગૅન્ગ-રેપ કેસની તપાસમાં ખામી સહિતની બાબતોની તપાસ કરશે. આ કમિશન મહિલાઓની સુરક્ષા માટેનાં પગલાં પણ સૂચવશે. આ જાહેરાત કરતાં કાલે નાણાપ્રધાન ચિદમ્બરમે ગૅન્ગ-રેપની ઘટનાને શરમજનક ગણાવી હતી.

ગૅન્ગ-રેપની હચમચાવી મૂકે એવી વધુ એક ઘટના


દિલ્હીમાં ૨૩ વર્ષની યુવતી પર ગૅન્ગ-રેપની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો હોવા છતાં વિકૃત માણસો હજી પણ સુધરવાનું નામ નથી લેતા. મધ્ય પ્રદેશના સાગર શહેરમાં પાશવી ગૅન્ગ-રેપની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અઢી વર્ષની દીકરી ગંભીર રીતે દાઝી જતાં એક મહિલા તેને લઈને સાગર શહેરની સરકારી હૉસ્પિટલમાં દોડી આવી હતી, જ્યાં હૉસ્પિટલના ત્રણ સ્વીપરે આ મહિલા પર ટૉઇલેટમાં બળાત્કાર કર્યો હતો. બળાત્કારની આ ઘટના બે દિવસ પહેલાં બની હતી.

આઘાતની વાત એ છે કે જે દીકરીને લઈને મહિલા હૉસ્પિટલમાં દોડી આવી હતી તેનું પણ મંગળવારે રાત્રે મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીની હાલત ગંભીર થતાં તેને ભોપાલની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહી હતી, પણ રસ્તામાં જ તેણે જીવ છોડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK