દિલ્હીના ઇલેક્શનમાં BJPએ ૧૦૦ મતથી ૮ જગ્યા ગુમાવ્યાની સોશ્યલ મીડિયામાં કાગારોળ

Published: 13th February, 2020 11:23 IST | Mumbai Desk

૧૦૦થી ૨૦૦૦ મતના તફાવતથી ૩૬ બેઠકો ગુમાવ્યાની સાથે ૩ ટકા વધુ મત મળ્યા હોત તો બીજેપીને ૪૪ બેઠક મળવાના ગપગોળા ચાલી રહ્યા છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો સતત બીજી વખત કારમો પરાજય થતાં બીજેપીના સમર્થકોને જોરદાર આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીનો વિજય પચાવી ન શકનારા કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં બીજેપીનો ૧૦૦થી ૨૦૦૦ મતના તફાવતથી ૩૬ બેઠક પર પરાજય થયો હોવાના, ૩ ટકા વધુ મત મળ્યા હોત તો બીજેપીનો ૪૪ બેઠક પર વિજય થયો હોવા જેવા ગપગોળા ચલાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે લોકો આવા મેસેજ ચકાસ્યા વિના જ ફૉર્વર્ડ કરીને બીજેપીના પરાજયની કાગારોળ મચાવી રહ્યા છે. ટ્વિટર પર પણ આવા જ મેસેજ મોકલાવાઈ રહ્યા છે.
હકીકત એ છે કે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આવા મેસેજ ખોટા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પર નજર નાખીએ તો બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે એકમાત્ર બિજવાસન વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી હતી, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ૭૫૩ મતના તફાવતથી વિજયી થયા હતા. એ સિવાય ૨૦૦૦ મતના તફાવતવાળી માત્ર બે જ બેઠકો છે. બાકીની તમામમાં જંગી માર્જિનથી આમ આદમી પાર્ટીએ બીજેપીને ધૂળ ચટાડી હોવાનું જણાઈ આવ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના વિશ્લેષણમાં ૭૦૦૦ના તફાવતવાળી ૧૩ બેઠક છે, જ્યાં થોડોઘણી સ્પર્ધા જોવા મળી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા મેસેજમાં કોઈ દમ ન હોવાનું જણાઈ આવ્યું છે.
ઉપરાંત, બીજેપીના કેટલાક ચાહકો દ્વારા દિલ્હીના મતદારોને બેવકૂફ, મૂર્ખ અને હિન્દુના નામે કલંક હોવાના મેસેજ સોશ્યલ મીડિયામાં ફૉર્વર્ડ કરાઈ રહ્યા છે જે લોકતંત્રમાં શોભનીય નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK