બાપ-બેટા બન્ને દસ નંબરી...

Published: Feb 07, 2020, 07:45 IST | Mumbai Desk

અમદાવાદના વેપારી સાથે દેશનો સૌથી મોટો ઑનલાઇન ફ્રૉડ કરનાર બે જણની દિલ્હીમાંથી ધરપકડ : બારમી પાસ દીકરો ટેલિ-કૉલર તરીકે કામ કરતો હતો અને એ ડેટાનો ઉપયોગ કરીને કરિયાણાની દુકાન ચલાવતા પપ્પા સાથે મળીને કરી ૧૧ કરોડ રૂપિયાની છેતરપિંડી

એચડીએફસી લાઇફ ઇન્શ્યૉરન્સ કંપનીના અધિકારીના સ્વાંગમાં કાપડના વેપારી પ્રતાપરાય અવતાણી સાથે ૧૧,૦૬,૭૧,૮૨૪ રૂપિયાની છેતરપિંડી કરનાર ૫૦ વર્ષના બ્રિજેશ ગિરિ અને તેમના ૨૫ વર્ષના પુત્ર સૌરભ ગિરિની અમદાવાદ સાઇબર પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. દેશના સૌથી મોટા ઑનલાઇન ફ્રૉડ માટે પકડાયેલા બે જણમાં સૌરભ બારમા ધોરણ સુધી ભણ્યો છે અને તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે.

બ્રિજેશ ગિરિ અને સૌરભ ગિરિએ નાણામંત્રાલય સહિત અનેક એજન્સીના બનાવટી લેટર્સ વાપર્યા હતા. ગુનામાં આ પિતા-પુત્ર સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાનું જણાવાયું હતું. આરોપીઓએ ફરિયાદીને પૉલિસીમાં ૧૮થી ૨૪ ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપીને ૨૦૧૬માં ૧૧ કરોડ ૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ અત્યાર સુધીમાં એક પણ રૂપિયો પાછો આપ્યો નહોતો.

આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે રિઝર્વ બૅન્કની ઑથોરિટી ટુ રેમિટ, સર્ટિફિકેશન ઑફ રજિસ્ટ્રેશન, નાણામંત્રાલયના પત્રો વગેરે અનેક ખોટી સહીવાળા દસ્તાવેજો પણ બતાવ્યા હતા. ફરિયાદીએ ૨૦૧૬માં તેમની પૌત્રીના નામે બે વીમા પૉલિસી કઢાવી હતી. ત્યાર પછી એક મોબાઇલ-નંબર પરથી ફોન આવ્યો હતો. એ ફોન આવ્યા બાદ છેતરપિંડીની શરૂઆત થઈ હતી. આરોપી સૌરભ ગિરિ અગાઉ એચડીએફસી કંપનીની વીમા પૉલિસી વેચવા માટે કૉલ સેન્ટરમાં ટેલિ-કૉલરનું કામ કરતો હતો. એ બંધ પડેલા કૉલ સેન્ટરના ડેટાના આધારે આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને છેતરપિંડી આચરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK