ડીસાના પચીસ કરોડ કિલો બટાટા ઉકરડામાં ફેંકવાની નોબત આવશે?

Published: 24th November, 2011 05:19 IST

એક તો મબલક પાક અને ઉપરથી ઉત્તર પ્રદેશ અને બિહારના પટેટોના આક્રમણને લીધે ખપત બંધ થઈ જતાં ખેડૂતોએ સબસિડીની માગણી કરી(રશ્મિન શાહ)

 

રાજકોટ, તા. ૨૪

ડીસામાં બટાટાનું મબલક ઉત્પાદન થયા પછી રાજી થવાને બદલે ડીસાના વેપારીઓને સતત ડામ મળી રહ્યા છે. ડીસાના બટાટાના ઉત્પાદકને હજી ભાવબાંધણું મળ્યું નથી ત્યાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશના અને બિહારના બટાટાની આવક શરૂ થઈ ગઈ છે. આ બન્ને રાજ્યના બટાટા નબળી ક્વૉલિટીના હોવા છતાં ભાવમાં ડીસાના બટાટા કરતાં ત્રીસથી ચાલીસ ટકા ઓછી કિંમતના હોવાથી લોકલ માર્કેટમાં પણ ડીસાના બટાટાની ખપત બંધ થઈ ગઈ છે. આ ઘટી ગયેલી ખપતની ઉપર જાણે કે ડામ આપવાનો હોય એમ રૂપિયો ડૉલર કરતાં ઘટી જતાં વેપારીઓને ડર છે કે હવે એક્સર્પોટના ઑર્ડર પણ ઘટશે. આ જ કારણે ગઈ કાલે ડીસાના બટાટાના વેપારીઓ અને ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના કૃિષપ્રધાન દિલીપ સંઘાણીને મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળે ગુજરાત સરકાર પાસે માગણી કરી છે કે બટાટા ભરેલા કોલ્ડ સ્ટોરેજના ભાડા માટે ગુજરાત સરકાર સબસિડી આપે. કૃિષપ્રધાન દિલીપ સંઘાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સબસિડીનો આ જે મુદ્દો છે એ મુદ્દાની રજૂઆત મુખ્ય પ્રધાન પાસે કરવામાં આવશે અને એ પછી નર્ણિય લેવામાં આવશે.’

અત્યારે ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં અંદાજે ૨૫,૦૦,૦૦,૦૦૦ કિલો બટાટા પડ્યા છે. જો માર્કેટમાં બટાટાની નવી ડિમાન્ડ નહીં નીકળે તો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા આ બટાટા પર કોલ્ડ સ્ટોરેજનું ભાડું વસૂલ કરવું અઘરું થઈ પડશે.
આ જ કારણે વેપારી અને ખેડૂતોએ કૃિષમંત્રાલયને એવું પણ કહ્યું હતું કે જો એક અઠવાડિયામાં સબસિડી બાબતમાં નર્ણિય નહીં લેવાય તો અમે બટાટા ઉકરડામાં ફેંકવાના શરૂ કરી દઈશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK