Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છાપેલાં પાઠ્યપુસ્તકો આવ્યાં, અંગ્રેજીમાંથી વિરામચિહ્‍નો લાવ્યાં

છાપેલાં પાઠ્યપુસ્તકો આવ્યાં, અંગ્રેજીમાંથી વિરામચિહ્‍નો લાવ્યાં

14 September, 2019 05:37 PM IST | મુંબઈ
ચલ મન મુંબઇ નગરી- દીપક મહેતા

છાપેલાં પાઠ્યપુસ્તકો આવ્યાં, અંગ્રેજીમાંથી વિરામચિહ્‍નો લાવ્યાં

ઓગણીસમી સદીનો ટાઉન હૉલ

ઓગણીસમી સદીનો ટાઉન હૉલ


ચલ મન મુંબઇ નગરી

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની શિક્ષણનીતિને સાથ અને સહકાર મળ્યો. બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે તે કૅપ્ટન જ્યૉર્જ રિસ્તો જર્વિસનો. તેમણે પહેલ કરીને પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં, કરાવ્યાં. કૅપ્ટન જર્વિસનો જન્મ ૧૭૯૪ના ઑક્ટોબરની છઠ્ઠી તારીખે. વ્યવસાયે એન્જિનિયર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઈ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બૉમ્બે પ્રેસિડન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારાએવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ વિશે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાળેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે. એટલે ધ નેટિવ સ્કૂલ ઍન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછાંમાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો વિશેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્યપુસ્તકોના અનુવાદ હતાં, પણ જુદા-જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ તો એનાથી પણ આગળ વધીને ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસને આપે છે: ‘ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ એ કેવી રીતનાં હતાં ને છે એ સૌને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવિસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.’ નર્મદ જર્વિસનાં નામ અને કામથી પરિચિત હતો, કારણ કે તેના પિતા લાલશંકરે કેટલોક વખત જર્વિસના હાથ નીચે લહિયા તરીકે કામ કર્યું હતું. લાલશંકરે હાથે લખેલાં ઘણાં પુસ્તકો શીલાછાપ પદ્ધતિથી જર્વિસની દેખરેખ નીચે છપાયાં હતાં.
પાઠ્યપુસ્તકો તૈયાર કરીને છપાવતાં જર્વિસને હાથે જાણ્યે-અજાણ્યે એક મહત્ત્વનું કામ થયું. આજે આપણે ગુજરાતી લખવા-છાપવામાં જે વિરામચિહ્‍નો વાપરીએ છીએ એમાંનું એક પણ ચિહ્ન સંસ્કૃત કે બીજી કોઈ ભારતીય ભાષામાં નહોતું. આ બધાં જ વિરામચિહ્‍નો આપણે અંગ્રેજીમાંથી ઉછીનાં લીધાં છે. જર્વિસે તૈયાર કરેલાં પાઠ્યપુસ્તકોમાં પહેલી વાર અંગ્રેજીમાં વપરાતાં વિરામચિહ્‍નો નો ઉપયોગ ગુજરાતી છાપકામમાં થયો. એ અગાઉ પારસીઓએ અને પાદરીઓએ જે થોડાંક ગુજરાતી પુસ્તકો છાપ્યાં હતાં એમાં વિરામચિહ્નો વપરાયાં નહોતાં.
વખત જતાં જર્વિસ સરકારમાં જુદા-જુદા મહત્ત્વના હોદ્દે નિમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગના શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને એના સુપરિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. એમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ એમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં એનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા.
પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક વિશે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ એમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પુણે, સાતારા, ધારવાડ, અહમદનગર, નાશિક અને ધુળિયા ખાતે મોકલવામાં આવ્યા. એવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા એ જ વર્ષના ઑગસ્ટ મહિનાની ૧૪ તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. એમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુંદરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી એ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો.
સોસાયટીના આરંભથી એની સાથે અંગ્રેજ અધિકારીઓ સંકળાયેલા હતા જ પણ સાથોસાથ ‘દેશીઓ’ પણ સંકળાયેલા હતા. સરકાર એને આર્થિક મદદ પણ કરતી, પણ સોસાયટી એ સરકારી સંસ્થા નહોતી. આજની પરિભાષામાં કહેવું હોય તો એ પીપીપી – પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રકારની વ્યવસ્થા હતી, પણ ૧૮૪૦ના એપ્રિલની પહેલી તારીખે મુંબઈ સરકારે ‘બોર્ડ ઑફ એજ્યુકેશન’ની સ્થાપના કરી અને એના દ્વારા શિક્ષણ વ્યવસ્થા પોતાને હસ્તક લઈ લીધી. એમાં પ્રમુખ ઉપરાંત સરકારે નીમેલા ત્રણ અંગ્રેજ સભ્યો અને સોસાયટી દ્વારા નિમાયેલા ત્રણ દેશી સભ્યો રહેશે એવું ઠરાવવામાં આવેલું. સોસાયટીની છેલ્લી મીટિંગમાં બે જ કામ કરવામાં આવ્યાં – બોર્ડ ઑફ એજ્યુકેશન માટે ત્રણ સભ્યોનાં નામ નક્કી કરવાનું અને સોસાયટીને વિખેરી નાખવાનું. સોસાયટીએ નીમેલા ત્રણ સભ્યો હતા - જગન્નાથ શંકરશેટ, ફરામજી કાવસજી અને મહમ્મદ ઇબ્રાહિમ મક્બા. લગભગ ૧૫ વર્ષના આયુષ્યમાં બોર્ડ ઑફ એજ્યુકેશને ઠીક-ઠીક પ્રગતિ કરી. ૧૮૫૪-૫૫ના વર્ષને અંતે બોર્ડ દ્વારા કુલ ૧૯૪ વર્નાક્યુલર સ્કૂલો ચલાવાતી હતી, પણ પછી ૧૮૫૫માં શિક્ષણની બધી જવાબદારી માટે મુંબઈ સરકારે ડિરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનો હોદ્દો ઊભો કર્યો અને એ સાથે બોર્ડ ઑફ એજ્યુકેશનની કામગીરીનો અંત આવ્યો. આઝાદી પછી ૧૯૫૧માં ડિરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રક્શનનું નામ બદલીને ડિરેક્ટર ઑફ એજ્યુકેશન, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યું.
આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પછી જ ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પહેલાં અસ્તિત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કૉલેજ દ્વારા બૉમ્બે પ્રેસિડન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરને પદેથી એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની સ્મૃતિને કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ વિશે વિચારણા કરવા નાગરિકોની એક જાહેરસભા ૧૮૨૭ના ઑગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં મળી. એલ્ફિન્સ્ટન પ્રોફેસરશિપ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. એ માટે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યુરોપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશન (પછીથી કૉલેજ)ની સ્થાપના થઈ શકી. પહેલાં બે પ્રોફેસરો ઓર્લેબાર અને હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કૉલેજની શરૂઆત મુંબઈના ટાઉનહૉલના મકાનમાં થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ૧૮૬૦માં એની સાથે આ કૉલેજ સંલગ્ન થઈ હતી.
૧૯મી સદીમાં બૉમ્બે પ્રેસિડન્સીમાં અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં અને એની ઇમારતનું ઘડતર અને ચણતર કરવામાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપ્યો હોય તો એ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને. તેઓ પ્રમુખ થયા એ પહેલાં સોસાયટીએ જે થોડી સ્કૂલો શરૂ કરી હતી એને સ્થાનિક પાદરીઓની દેખરેખ નીચે મૂકી હતી. એલ્ફિન્સ્ટન ચતુર હતા, સુજાણ હતા. ધર્માન્તરની પ્રવૃત્તિને કારણે દેશી લોકો પાદરીઓ તરફ શંકાની નજરે જુએ છે એ તેઓ જાણતા હતા. એટલે તેમણે સોસાયટીની બધી સ્કૂલોને જે-તે પ્રદેશના કલેક્ટર કે જજની દેખરેખ નીચે મૂકી એટલું જ નહીં, સોસાયટીની સ્કૂલોમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવું નહીં એમ ઠરાવ્યું. બીજું, શાળેય શિક્ષણ ગુજરાતી-મરાઠી વગેરે દેશી ભાષાઓમાં જ અપાવું જોઈએ એવો પોતાનો દૃઢ મત સાથી અમલદારોનો વિરોધ વહોરીને પણ અમલમાં મૂક્યો. અલબત્ત, સાથોસાથ તેમણે અંગ્રેજીના શિક્ષણ પર પણ ભાર મૂક્યો. આપણા દેશની શિક્ષણવ્યવસ્થામાં જે કંઈ ખામીઓ જણાય છે એનો દોષ આજે પણ આપણે લૉર્ડ મૅકોલેને આપીએ છીએ, પણ મૅકોલેની નીતિની અસર કલકત્તા અને મદ્રાસ પ્રેસિડન્સીમાં અપાતા શિક્ષણ પર વધુ થઈ હતી. બૉમ્બે પ્રેસિડન્સીમાં એલ્ફિન્સ્ટનની સમન્વયકારક નીતિ વધુ પ્રભાવક બની હતી. બીજું એક નોંધપાત્ર પગલું પણ તેમણે લીધું હતું, જે વિશે આજે ભાગ્યે જ કોઈ જાણે છે: તેઓ ગવર્નર બન્યા એ પહેલાં ગુજરાત પ્રદેશ માટેની અદાલત મુંબઈ ખાતે હતી અને એનું કામકાજ ફારસી ભાષામાં ચાલતું. એલ્ફિન્સ્ટને એ અદાલત સુરત ખસેડી અને એનું કામકાજ ગુજરાતીમાં ચલાવવાનું ઠરાવ્યું. ત્રીજું, તેમણે ગુજરાતી-મરાઠીમાં નવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના કામને ખૂબ મહત્ત્વ આપ્યું. અને ચોથું, શિક્ષકોની તાલીમ માટેની વ્યવસ્થા ઊભી કરી. ૧૭૭૯માં જન્મ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૭૯૬માં કલકત્તા આવ્યા. બીજાં કેટલાંક સ્થળોએ મહત્ત્વની કામગીરી બજાવ્યા પછી ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે બૉમ્બે પ્રેસિડન્સીના ગવર્નર બન્યા અને ૧૮૨૭ના નવેમ્બરની પહેલી સુધી એ પદ પર રહ્યા. એ પછી લગભગ તરત સ્વદેશ જવા રવાના થયા અને બે વર્ષની મુસાફરી કર્યા પછી ૧૯૨૯માં સ્વદેશ પહોંચ્યા. એ પછી બે વખત હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદે તેમની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી, પણ એ પદ સ્વીકારવાની તેમણે સંમતિ આપી નહોતી. કારણ? કારણ કે સ્વદેશ પાછા ફર્યા પછી તેઓ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખી રહ્યા હતા અને તેમનું લેખન પૂરું ન થાય ત્યાં સુધી બીજી કોઈ જવાબદારી સ્વીકારવા માગતા નહોતા. એ પુસ્તક ૧૮૪૧માં પ્રગટ થયું હતું. ૧૮૫૯ના નવેમ્બરની ૨૦ તારીખે તેમનું અવસાન થયું. દેશી લોકોના શિક્ષણ પર એલ્ફિન્સ્ટન કેટલો ભાર મૂકતા હતા એ એક પ્રસંગ પરથી જણાઈ આવે છે. એક વખત તેઓ જિલ્લામાં તપાસ માટે ફરી રહ્યા હતા. એક લશ્કરી છાવણી પાસે તેમણે મુકામ કર્યો. તેઓ તંબુમાં એકલા બેઠા હતા. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો હતો. ફાનસના ઝાંખા અજવાળામાં તેઓ એક-એક પુસ્તક હાથમાં લઈ ધ્યાનથી ઊથલાવતા હતા ત્યાં એક લશ્કરી અફસર કર્નલ બ્રિગ્સ તેમને મળવા આવ્યા. પૂછ્યું : આવા ઝાંખા અજવાળામાં શું વાંચો છો સાહેબ? જવાબ મળ્યો : દેશી ભાષાનાં પુસ્તકો. બ્રિગ્સે પૂછ્યું : પણ આ પુસ્તકોનો ઉપયોગ શો, સાહેબ? દેશીઓને ભણાવવા માટે. બ્રિગ્સ : પણ દેશીઓને ભણાવવા એટલે તો આપણે માટે અહીંથી સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. ભણ્યાગણ્યા પછી એ લોકો આપણા તાબામાં થોડા જ રહેશે? એલ્ફિન્સ્ટન કહે : ભવિષ્યમાં જે થવાનું હશે એ થશે, પણ દેશીઓને ભણાવવા એ શાસક તરીકે આપણી ફરજ છે અને સાચો અંગ્રેજ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવવાનું ચૂકી શકે નહીં.
છાપેલાં પાઠ્યપુસ્તકો અને નવી નિશાળો વિશેની આજની વાત કવિ, વિવેચક, સાક્ષર નરસિંહરાવ દિવેટિયાના એક શ્લોકથી પૂરી કરીએ :
આવી સર્વ વિદેશથી જ વસિયાં, વર્ષો ઘણાં વીતિયાં,
આખા ભારતવર્ષમાં પ્રસરીને ભાષા ઘણી જીતિયાં;
પામી સ્થાન રૂડું હવે સ્થિર થઈ સેના, ન તે છોડતી,
ગર્જાવો જ વિરામચિહ્‍નદળનો જે-જે ધ્વનિ જોરથી!


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 05:37 PM IST | મુંબઈ | ચલ મન મુંબઇ નગરી- દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK