Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દેશનું સ્ત્રીઓ માટેનું પહેલું માસિક પ્રગટ થયું હતું ૧૮૫૭માં ગુજરાતીમાં

દેશનું સ્ત્રીઓ માટેનું પહેલું માસિક પ્રગટ થયું હતું ૧૮૫૭માં ગુજરાતીમાં

02 November, 2019 06:03 PM IST | મુંબઈ ડેસ્ક
દીપક મહેતા - ચલ મન મુંબઈ નગરી

દેશનું સ્ત્રીઓ માટેનું પહેલું માસિક પ્રગટ થયું હતું ૧૮૫૭માં ગુજરાતીમાં

કેખુશરુ કાબરાજી અને પૂતળીબાઈ કાબરાજી

કેખુશરુ કાબરાજી અને પૂતળીબાઈ કાબરાજી


ચલ મન મુંબઈ નગરી

૧૮૫૭ની એક મહત્ત્વની ઘટનાએ યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સ્થાપના. એના વિશે આપણે અગાઉ વાત કરી. આજે ૧૮૫૭ના વર્ષની બીજી એક મહત્ત્વની ઘટના વિશે વાત. જોકે આ બીજી ઘટના આજે તો સાવ ભુલાઈ ગઈ છે. મુંબઈ અને તેના ગુજરાતીઓએ જે ઘટના પોતાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખી રાખવી જોઈએ એ ઘટના આજે સાવ ભુલાઈ ગઈ છે; કારણ કે તવારીખમાં, ઇતિહાસની ઝીણી વિગતોમાં આપણને બહુ ઓછો રસ છે. આ ઘટના એ ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ નામનું માસિક. આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું આ માસિક. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં અને એ પણ મુંબઈથી. બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર પારસીઓએ આ પહેલ પણ કરેલી. સમાજસુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજસુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહીં બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહીં શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ સ્ત્રીબોધ જેવું માસિક શરૂ કર્યું. આ માસિક શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. એના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. 



જરા વિચાર કરો: હજી મુંબઈની યુનિવર્સિટી શરૂ થવાને થોડા મહિનાની વાર હતી. આપણા દેશમાં એ વખતે માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખતી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહનવહેવાર અને સંદેશવ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, ખોટ જશે એની ખાતરી હતી. એ ખોટ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું (મૅગેઝિન માટે એ વખતે વપરાતો શબ્દ) ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બારસો એટલે આજના નહીં નહીં તોય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. એમાં લખાણનાં વીસ પાનાં. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં તૈયાર કરાવવાં પડતાં હતાં છતાં. એ ચિત્રો કાગળની એક જ બાજુ છાપેલાં છે અને એ પાનાંનો કુલ પાનાંની ગણતરીમાં સમાવેશ કર્યો નથી. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! પહેલા અંકની ૧૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. લવાજમ મેળવવા માટેની રીત પણ અવનવી હતી. અંકમાં જણાવેલું કે જો લવાજમ ભરવા ન ચાહતા હો તો આ નકલ પાછી મોકલવી. જે લોકો પાછી નહીં મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે લવાજમનો એક રૂપિયો મોકલી આપવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. એટલે કે પહેલો અંક તો તેમને મફતમાં મળશે.
પહેલા અંકના દિબાચા (પ્રસ્તાવના માટે એ વખતે વપરાતો શબ્દ)માં લખ્યું છે: “એ ચોપાંનીઊં વાંચનારીઓને લાએકનું તથા દીલપશંદ કરવા શારૂ તેમાં ગનાનનો વધારો કરનારી તથા નીરદોશ રમૂજ આપનારી બાબદો શાદી એબારતમાં અને કવેતોમાં લખવામાં આવશે અને તે બીના વધારે શારી પઠે શમજ પડવા શારૂં તેમની શાથે કેટલાએક અછા ચિતારો દર વેલા એ ચોપાંનીઆમાં દાખલ કરવામાં આવશે. અને તે શોભઈતું તથા શદગુણોનું વધારનારૂં કરવાને મેહનતની કશી ક્શુર કરવામાં આવશે નહીં. (જોડણી મૂળ પ્રમાણે.) આ પહેલા અંકમાં શું-શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ, મા-દીકરાની અરસપરસની ફરજો. પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઈ હતી: લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે. ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી: પંજાબનું રાજ. તેની સાથે મહારાજા દુલિપસિંહનું એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછીનો લેખ છે રેતીનાં રણ અને એની સાથે પણ એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. કોઈ લેખ સાથે એના લેખકનું નામ છાપ્યું નથી, પણ એ જમાનામાં ઘણાંખરાં સામયિકો એમ કરતાં. છેલ્લે કવિ દલપતરામે સ્ત્રીબોધ માટે ખાસ લખેલાં ગરબા/ગરબી છાપ્યાં છે. એમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને એના વિકાસમાં પારસીઓએ આપેલા ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે: “એ તો હેમ જડેલા હીરા છે.”
પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું, પણ ત્રીજા વરસથી ૧૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને એ વગર માસિક ચાલી શકે તેમ હતું નહીં. પહેલા અંકથી જ સ્ત્રીબોધ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. એના માલિકો બેહરામજી ફરદુનજીની કંપનીને સ્ત્રીબોધ સોંપી (વેચી નહીં) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. એની શરૂઆત તો નાને પાયે થઈ હતી, પણ વખત જતાં એ મુંબઈનું એક અગ્રણી છાપખાનું બન્યું હતું. સ્ત્રીબોધના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા-થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ સ્ત્રીબોધને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી (૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી (વચમાં થોડાં વર્ષો બાદ કરતાં) તેઓ સ્ત્રીબોધના તંત્રી રહ્યા. ૧૯૦૩માં તેમણે દફતર આશકારા પાસેથી સ્ત્રીબોધ ખરીદી લીધું. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પૂતળીબાઈ અને પૂતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.
૧૮૫૭માં શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ એનું નામ જ સૂચવે છે એમ સ્ત્રીઓને બોધ, જ્ઞાન, માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયું હતું. પણ કેખુશરો કાબરાજીએ પણ શરૂઆતમાં તો અગાઉની રીતે જ ‘સ્ત્રીબોધ’ ચલાવ્યું. પણ પછી તેમના ધ્યાનમાં આવ્યું કે માત્ર લુખ્ખાં બોધ, માહિતી, ઉપદેશ આપવાથી ધારી અસર પડતી નથી અને વાચક વર્ગ પણ મર્યાદિત રહે છે. માસિકમાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરવું જોઈએ. એટલે તેમણે પહેલાં તો શેક્સપિયરનાં ત્રણેક નાટકોના કથાસાર હપ્તાવાર છાપ્યા. અને પછી ઑગસ્ટ ૧૮૭૧ના અંકથી શરૂ કરી પોતાની નવલકથા ‘ભોલો દોલો.’ ગુજરાતીમાં પ્રગટ થયેલી આ પહેલવહેલી ધારાવાહિક નવલકથા. હા, એ મૌલિક નહોતી, એક અંગ્રેજી નવલકથા પર આધારિત હતી અને એ હકીકત પહેલા જ હપ્તામાં જાહેર કરવામાં આવી હતી. આજે તો આપણાં દૈનિકો, સાપ્તાહિકો, માસિકો વગેરે માટે ધારાવાહિક નવલકથાનું પ્રકાશન લગભગ અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. પણ આ ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી કેખુશરૂ કાબરાજીએ. ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઑગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન સ્ત્રીબોધમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. ત્યાર બાદ પરણવું કે નહીં પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખના પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી જેવી કાબરાજીની નવલકથાઓ સ્ત્રીબોધમાં હપ્તાવાર પ્રગટ થઈ. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ ૧૮૬૩થી ૧૯૦૪ સુધી સતત ૪૧ વર્ષ સુધી સ્ત્રીબોધ કાબરાજીની ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું.
કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત સ્ત્રીબોધને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં અને તેમણે પણ સ્ત્રીબોધ માટે પુષ્કળ લખ્યું, પણ એમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું.
લગ્ન પહેલાંનું નામ પૂતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અંગ્રેજી વાર્તાઓના અનુવાદના પુસ્તક ‘ટૂંકી કહાણીઓ’ માટે ૧૯ વર્ષની ઉંમરે ઇનામ મેળવ્યું. અદરાયા પછી બન્યાં પૂતળીબાઈ જાંગીરજી કાબરાજી. ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પુનામાં પૂતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઈને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહીં! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. ‘ટૂંકી કહાણીઓ’ને મળેલા ઇનામના સમાચાર લંડનના ‘ઇન્ડિયન મૅગેઝિન’માં છપાયા. કૅપ્ટન આર. સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડૉ. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલા ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડૉ. જે. એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી. ટેમ્પલને પૂતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યૉર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. એ વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પૂતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ, જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પૂતળીબાઈ.
ઇન્ડિયન એન્ટીક્વેરીનાં બારણાં એક વાર ખૂલી ગયાં એટલે પૂતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા, જે ‘પારસી ઍન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. એની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. પણ પૂતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ એ તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. એ પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને એ અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. અનુવાદ શરૂ કરતાં પહેલાં પ્રાસ્તાવિક લખાણમાં પૂતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે એવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય અને એ પણ મુંબઈમાં રહેતી એક પારસી સ્ત્રીને હાથે થાય એ એક અસાધારણ ઘટના ગણાય.
૧૮૫૭માં સ્ત્રીબોધ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સ્ત્રીઓ માટેનું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબું જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? સ્ત્રીબોધના પહેલા જ અંકથી એના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું: “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.” ૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે: બેટી પઢાઓ, બેટી બચાઓ; મુલગી શીકલી, પ્રગતિ ઝાલી. સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2019 06:03 PM IST | મુંબઈ ડેસ્ક | દીપક મહેતા - ચલ મન મુંબઈ નગરી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK